લોહીમાં સૂર્યોદય (કાવ્ય રસાસ્વાદ )
(લોહીભીની સાંજ… …કારવાર, કર્ણાટક, નવે-૨૦૦૮)
જીવતરના કૂવામાં કદી ના થઈ શક્યો ઉજાસ,
તારી ખબરનો નહોતો કોઈ ડોલમાં સમાસ.
છે કાફિયાનો ઢગ છતાં શાને ગઝલ ઉદાસ ?
અંદરથી જો સ્ફુરે નહીં તો કામના શું પ્રાસ ?
રસ્તો, ગલી કે ઘર, કશે પણ ક્યાં છે સળવળાટ ?
નિષ્પ્રાણ શહેર છું હું અને તું છે મારો શ્વાસ.
પિંજરમાં આંખના હવે એક જ છે મન્સૂબો –
તુજ આવણાંના પક્ષીનો ક્યારેક થાય ભાસ !
હું પૂર્ણિમાની રાતને સમજી શક્યો નહીં,
સમજ્યો, અમાસ જ્યારે પ્રવર્તાઈ બારેમાસ.
એક બીજ દર્દનું મહીં વાવ્યું હતું, કબૂલ!
એક છોડ પરથી આખી ફસલનો ન કાઢ ક્યાસ.
સંબંધમાં બધે અહીં જડતા મળી મને,
નિર્જીવ આખું જગ હતું કે હું હતો મિડાસ?
બે પગ ઉપર હું લાશ લઈ આવ્યો છું ફરી,
મિત્રોથી જાન લેવામાં કંઈ થઈ ગયો રકાસ.
લોહીમાં સૂર્યોદય સમો કલશોર થઈ ગયો,
લાગે છે આવી તું ને ઉપરથી હો આસપાસ.
નોખા કરી દો તો પછી કાવ્યોમાં પ્રાણ ક્યાં ?
શબ્દો અગર છે પારો તો છે અર્થ દેવદાસ.
જીવંત લાગશે ગઝલ, મનફાવે ત્યારે અડ,
લખ્યો છે મેં મને જ કે શબ્દો છે મારા શ્વાસ.
– વિવેક મનહર ટેલર
(૧૩-૦૨-૨૦૦૬)
કાવ્ય રસાસ્વાદ
ડો વિવેક પોતાની અનુભુતિઓને ગઝલમાં બહુ સરસ રીતે ઢાળી શકે છે તેનો જીવંત પુરાવો છે આ ૧૧ શેરોનો સમુહ્..વાત દરેક્ શેરમાં એક અને છતા લાગે જુદી તે તેમના શેરોની વેધકતા અને તેથીજ કવિ જ્યારે ખુબ જ દ્રવિત પરિસ્થિતિમાં થી પસાર થાય છે ત્યારે જે વિચારો આવે છે તે ખુબ જ સચોટ હોય છે.
જીવતરના કૂવામાં કદી ના થઈ શક્યો ઉજાસ,
તારી ખબરનો નહોતો કોઈ ડોલમાં સમાસ.
એકલો અફસોસ અને તે અફસોસ ની સુંદર અભિવ્યક્તી જીવતરનો કૂવો છે ખાલી અને કદી તારી ખબર સમી કોઇ ડોલ ન આવી ન સમાણી..બંને પ્રતિકો સચોટ અને તેનો સુયોગ્ય ઉપયોગ્.
છે કાફિયાનો ઢગ છતાં શાને ગઝલ ઉદાસ ?
અંદરથી જો સ્ફુરે નહીં તો કામના શું પ્રાસ ?
ગઝલ ઉદાસ છે એમ કહી કવિ પોતાની ઉદાસી ઢાંકવાનો વાંઝીયો પ્રયત્ન કરે છે પણ શબ્દો અતિ ઉત્તમ પ્રયોજાયા છે ઘણાં સંવિત હ્રદયે આ ઉદાસીનતા જિંદગીમાં ભોગવી છે..શબ્દો, કાફીયા રદીફ જેવા ઘણા શસ્ત્રો હાથમાં હોવા છતા જે પ્રેરણા, જે સખી જેની આશ જોવાતી હતી તે નથી માટે સ્ફુરણા વિનાનાં પ્રાસ તે તો ફક્ત અક્ષર કવાયત્..તે તો સાવ નકામા..તેમ પ્રયોજી તેમનિ વાતમાં વાચક્ને આગળ લઈ જતા કહે છે
રસ્તો, ગલી કે ઘર, કશે પણ ક્યાં છે સળવળાટ ?
નિષ્પ્રાણ શહેર છું હું અને તું છે મારો શ્વાસ.
ને આ વાત ફરીથી ડોકાઈ બધુ સુમ સામ છે તારો ક્યાંય ભાસ નથી આવવાનાં એંધાણ નથી.નિશ્પાણ શહેર અને તું છે મારો શ્વાસ ના શબ્દો સુંદર રીતે ફરી તાજી કરે છે એજ ઉદાસી..એજ અફસોસ અને એજ તીવ્રતાથી અનુભવાતો એકાકી તરફડાટ્.
પિંજરમાં આંખના હવે એક જ છે મન્સૂબો –
તુજ આવણાંના પક્ષીનો ક્યારેક થાય ભાસ !
પિંજરની આંખ અને પંખીની નવી કલ્પના.. પણ ભાવ તો એનો એજ્..તુ મારી આસ પાસ નથી અને તુ આવે તો જ મન ને હાશ મળે ફરીથી એજ તુ નથીનો તરફડાટ.. “આવણાં’ શબ્દ આવવાનાં શબ્દ તરીકે તળપદી ભાષામાં પ્રય્જાયો હશે તેમ ધારી લૌં પણ વાંચતા તેથી રસ્ક્ષતી ચોક્કસ થતી નથી તેથી તે સહ્ય છે.
પૂર્ણિમાની રાતને સમજી શક્યો નહીં,
સમજ્યો, અમાસ જ્યારે પ્રવર્તાઈ બારેમાસ.
એક બીજ દર્દનું મહીં વાવ્યું હતું, કબૂલ!
એક છોડ પરથી આખી ફસલનો ન કાઢ ક્યાસ.
સંબંધમાં બધે અહીં જડતા મળી મને,
નિર્જીવ આખું જગ હતું કે હું હતો મિડાસ?
બે પગ ઉપર હું લાશ લઈ આવ્યો છું ફરી,
મિત્રોથી જાન લેવામાં કંઈ થઈ ગયો રકાસ.
આ દરેકે દરેક શેર વાત તો એજ કરે છે કે તુ ન આવવાનાં કારણો ઘણા હોઇ શકે..બારમાસની અમાસ,કે મે વાવેલ બીજનાં દર્દની ફસલ્ કે સબંધની જડતા સમ મીડાસની વાત કે જ્યાં હાથ મુકે ત્યાં બધા જડ થઇ જાય્.
પોતાની વાતને કવિ ઘુંટે છે..તુ નથી અને તેથી તે ઉદાસ છે.. નવરંગ ચિત્રપટમાં “જમના તુ હી હૈ તુ હી મેરી મોહીની” વાળી વાતોને સરસ રીતે અહીં પ્રસ્તુત કરી છે
લોહીમાં સૂર્યોદય સમો કલશોર થઈ ગયો,
લાગે છે આવી તું ને ઉપરથી હો આસપાસ.
નોખા કરી દો તો પછી કાવ્યોમાં પ્રાણ ક્યાં ?
શબ્દો અગર છે પારો તો છે અર્થ દેવદાસ.
આ બે શેર તેમની ઉદાસીનતના તેમને મળેલા જવાબો છે અને તે સ્વ્સ્થતા થી કહે છે લોહીમાં સુર્યોદય સમો કલશોર થયો..લાગે છે તુ આસપાસ છે..શબ્દોછે પારો તો અર્થ દેવદાસ છે. તેમની અપેક્ષીત સખી દેહ સ્વરુપે તો જરુર આવી નથી પણ ગઝલ સ્વરુપે જીવંત થયેલ તે સખી તેમની દરેક અપેક્ષાઓ પુરી પાડે છે અને તેથી જ તે કહે છે
જીવંત લાગશે ગઝલ, મનફાવે ત્યારે અડ,
લખ્યો છે મેં મને જ કે શબ્દો છે મારા શ્વાસ.
તેમના સર્વ કાર્ય સ્વરુપ વેબ પેજનો જન્મ આ એમની ગઝલ છે જે “જમના અને મોહીની” ની વાતોનો સમ્ન્વય છે.
આ મારુ અનુભવવું છે..સત્ય કદાચ સાવ જ જુદુ હોય પણ આ કાવ્યે મને આટલુ અનુભવવા મજબુર કર્યો તો કવિએ આ સર્જન વખતે જે એકાંતની પ્રસવપીડા ભોગવી હશે તેની તો કલ્પના જ કરવી રહી.
02/11/2009
રસ્તો, ગલી કે ઘર, કશે પણ ક્યાં છે સળવળાટ ?
નિષ્પ્રાણ શહેર છું હું અને તું છે મારો શ્વાસ.
સુંદર રચના
આ કાવ્ય કંદરા ની કોતરણી કાળજાને કોરી નાખે એટલી સુંદર છે જેનો રસાસ્વાદ અંતરને તરબતર કરી દે છે કલમના કસબીઓ નો કસબ કાબિલેદાદ છે