વિચાર વિસ્તાર
ત્રણ વાના મુજને મળ્યાં, હૈયું, મસ્તક અને હાથ
બહુ દઇ દીધું નાથ! જા, ચોથું નથી માંગવુ.
ઉમાશંકર જોશી
ઉમાશંકર જોશી જેવા કવિ પાસેથી આટલી સરળ રચના કદી જોવા ના મળે પણ જેમ વધુ વિચારીયે તેમ સમજાય કે આ સાવ સરળ પંક્તિઓ માણસ જાતની ઉત્તમતાને બહુ સહજ રીતે વર્ણવી
પ્રભુનું સંતાન તે હોવાની પ્રભુને જાણ કરી દે છે. ભગવાન અને શયતાન માટે આદમ કદાચ એક પ્રયોગાત્મક સાધન હતું ભગવાને તેને હાથ દીધા ઉદ્યમ કરી જીવન નિર્વાહ કરવા, આવનારી આફતોથી માર્ગ કાઢવા મસ્ત્ક અને તે દ્વારા નિર્ણય શક્તિ આપી અને હૈયુ આપ્યુ સંવેદનાઓને ઝીલવા માટે ‘જા ચોથુ નથી માંગવુ ‘કહેતો આદમ ખરેખર સંતોષી અને સ્વનિર્ભર પ્રભુ સંતાન માણસ હતો.
શયતાનને પ્રભુનું કોઇ પણ સર્જન ક્યાં ગમે? તેને તોડવા અને મચોડવા તે સતત મથે તેથી શયતાને તેને બુધ્ધી-દલીલ શક્તી અને જે છે તેના કરતા વધુ માટે માનસ તેનો અધિકારી છે તેવો અસંતોષ ભરેલું મન આપ્યુ… જુઓ કવિ કહે છે તેમ સંતોની જેમ સંતોષી જીવન જીવતા અહીં માણસો કરતા લાવ લાવ કરતા અતૃપ્ત અને અસંતોષી શયતાનને સંતતી તમને વધુ જોવા મળશે. ખૈર! એ વાત જુદી છે કે એ આસવનો નશો એટલો જલદ છે કે છ ફુટની એ કાયાને જેને અંતે રાખ થવાનુ છે તેને જ્યારે પણ જેટલું મળે તે ઓછુ જ પડે.. અને નફ્ફટ સંતાનની જેમ પ્રભુ ન્યાય્માં ઉણપો ખોડ ખાંપણો કાઢ્યા કરે.
અણુબોંબનાં કુંડામાં વાવ્યું હતું એક ગુલાબ
હજી સુધી એ કુંડા એ કોઇ આપ્યો નથી જવાબ
ઉર્મીગીતોનાં કવિ અનિલ જોશી પાસેથી જ આવો વિચાર મળી શકે.ત્રીજા વિશ્વયુધ્ધનાં ઓળા ઉતરતા દેખાતા હોય અને અણુશસ્ત્રો હોવા એક જરુરીયાત લ્લગતી હોય તેવા વૈશ્વિક કુવિચારોની દોડમાં અણુબોંબને કુંડુ સમજી તેમા ગુલાબ રોપે તે ખરેખર નવિન વિચાર છે અને પાછો તે અણુબોંબનાં કુંડાએ હજી જવાબ નથી આપ્યો કહી કવિ વાસ્તવિકતામાં શોધી રહ્યાં છે કે માનવ જાતી આ પતનમાંથી બહાર નીકળી શકશે કે નહી તે તો ખબર નથી પણ આશાવાદ સેવે છે કે ક્યારેક ગુલાબ ત્યાં ઉગશે. કોઇ પણ બુધ્ધીશાળી માણસ એમ જરુર કહેશે કે અણુ શસ્ત્રોની દોડ એટલે જાતે મૃત્યુને આમંત્રણ. જાપાનનાં હીરોશીમા પર પડેલા અણુ બોંબ કરતા હજાર ગણા બોંબ બનાવી અને બીજાને ડરાવવાની સ્પર્ધામાંથી પાછા વળો અને માનવ ઉત્થાનની દિશા પકડાય તો જ તે કુંડુ ગુલાબ જન્માવે અને કવિ તે જવાબ ની આશ લગાવી બેઠા છે શું એ આશા ક્યારેક તો ફળશેને…
કવિ ઉમાશંકર જોશી કહે છે
પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નથી
પુષ્પો, પૃથ્વીનાં ભીતરની સ્વર્ગીલી ગર્વીલી ઉત્કંઠા
તેજનાં ટાપુઓ, સંસ્થાનો માનવી અરમાનના;
પુષ્પો, મારી કવિતાના તાજ-બ-તાજ શબ્દો
પુષ્પો અને બાગ બગીચા સાથે કવિહૃદયનાં કે સંવેદનશીલ દરેક માનવને બહુ જ સીધો સબંધ હોય છે. આંખથી આંખ મળે અને પ્રણયની શરુઆત થાય સુંદર સ્મિત સાથે લાલ ગુલાબની કળી અપાઇને થાય કે રુઠેલ સજનને મનાવવા પણ પુષ્પગુચ્છ સમી કોઇ શુભ શરુઆત હોતી નથી. લગ્ન ચોરીમાં પણ પુષ્પમાળાને આદાન પ્રદાનનુ નિમિત્ત બનાવી બે પ્રેમી હૃદય સમાજ સમક્ષ જવાબદારી ભરેલ પ્રેમનો એકરાર કરે છે તો પ્રિય સ્વજનો વડીલો અને માત પિતાને કે પ્રભુ પ્રત્યે પોતાનો આદર વહાલ કે ભક્તિ દર્શાવવા પુષ્પોનો ઉપયોગ જગ જાહેર છે.
કવિ તો આમેય ઉંચા ઉડાનો ભરવામાં નિષ્ણાત હોય છે ને તેથી અહીં કવિ ઉમાશંકર જોશી કહે છે “પુષ્પો, પૃથ્વીનાં ભીતરની સ્વર્ગીલી ગર્વીલી ઉત્કંઠા” અને “પુષ્પો, મારી કવિતાના તાજ-બ-તાજ શબ્દો” વળી “સંસ્થાનો માનવી અરમાનોનાં” કહી પુષ્પોની મહ્તા જીવનમાં દરેક ઠેકાણે છે તેવુ કહે છે. પણ માણસને ક્યાં સમય છે પુષ્પો સાથે વાત કરવાનો કહી ધન કીર્તિ અને દુન્યવી સફળતાની પ્રાપ્તિ પાછળ દોડતાં આપણને સૌને જે ગુમાવી રહ્યાં છે તે તરફ ધ્યાન દોર્યુ છે.
અહીં ગિરિન જોશીની એક વાત નોંધવી મને ગમશે. તેઓ કહે છે
પુષ્પો એટલે
ઇશ્વરે લખેલ
સુગંધીત પ્રેમપત્રો
જ્યારે રમેશ પારેખ લખે છે કે
ફુલ
તે વૃક્ષે પેટાવેલા દીવા છે
એ જોવા કે
સુગંધમાં ડુબકી મારે
એવા કોણ મરજીવા છે?
જ્યારે સુરેશ દલાલ કહે છે
રેડિયો ઉપર ફાગણનાં ગીતો વાગ્યાં
ને
શહેરનાં મકાનોને ખબર પડી
આજે વસંત પંચમી છે
આસ્ફાલ્ટની કાળી સડકો
ભીતરથી સહેજ સળવળી
પણ
કૂંપળ ફૂટી નહીં
ત્રાંસી ખુલેલી બારીને
બંધ કરી
કાચની આરપાર
કશું દેખાતું નહોંતું
ફ્લાવર વાઝમાં
ગોઠવાયેલા ફૂલો કને જઇને પૂછ્યુ:
‘તમને ખબર છે,
આજે વસંત પંચમી છે?’
પુષ્પોને માણસ કઇ રીતે જુએ કે સમજે તે તો બધાએ સમજાવ્યું પણ પુષ્પ પોતે શું કહે છે તે રજુ કરે છે
મણિલાલ હ પટેલની કૃતિમાં
ફૂલથી માટી મહેંકતી, ફૂલથી મહેંકે પ્રીત
મ્હેંકે મ્હેંકી મટી જવું એની નોખી રીત.
સંકલન સહયોગ ડો પ્રતિભા શાહ
સત છે, અસત છે.
સરતું આ જગત છે.
કેવી આ લડત છે.
હું છું, જગત છે
દિલની લડત પર
સૌ એકમત છે
ગમ ને ખુશીનું
દિલ પાણીપત છે
શેખાદમ આબુવાલા
ટુંકી બહેરની ગઝલ જ્યારે પહેલી વાર વાંચી ત્યારે વાહ નો ઉદગાર નીકળી ગયો…
ગમ ને ખુશીનું દિલ પાણીપત છે જ.શેર જાતે જ અદભુત છે તેના વિસ્તાર ની વાત જચતી નથી તેથી એટલુ જ કહીશ
રાસ રમતા જે ખોવાઇ ગઇ
એ સમયની મુઠ્ઠીમાંથી નથ મળે
મનોજ ખંડેરિયા
બંને દિવંગત્ ગઝલકારોને સલામ
અંતે તો રાખ
એટલુ જ યાદ રાખ
કારેલીબાગ સ્મશાનની દિવાલ ઉપર આ બે લીટી વાંચી ક્ષણ ભર માટે તો હું અટકી ગયો. રાગ અને દ્વેષ, તારુ અને મારુ કરતા આ જીવન ઝંઝાળે ફસાયેલા આપણે સૌ બસ એક જ ક્ષણ જો વિચારીયે તો મન સંસારની અસારતા ઉપર વિચારતા વિચારતા એમ જ કહેશેને..
સાથી બે જ ધર્મ અને કર્મ
જિંદગીનો એટલો જ છે મર્મ
સખી પ્રેમ મારો, હજુ એનો એ છે, પ્રદર્શિત થવાના પ્રકારો અલગ છે
હવે લાગણી સાથે સમજણ ભળી છે, અને મહેફિલોનો તકાજો અલગ છે
-હિમાંશુ ભટ્ટ (ડલાસ)
કેટલી સાચી વાત!
પ્રેમ પ્રદર્શનનાં પ્રકારો બદલાય..પ્રથમ પ્રેમ જે આવેગ અને ઉન્માદ સભર હોય તે સમય જતા ઝરણું જેમ નદી અને પછી મહાનદી બની સમુદ્રને મળે તે દરેક તબક્કનો ફેર ગંગોત્રી થી શરુ થયેલ ગંગા જ્યારે સમુદ્ર પાસે મળે તે જોતા ખબર પડે.પ્રેમ એ કદી પ્રમેય નથી કે જેને વારંવાર સાબિત કરવો પડે પણ પ્રેમ માવજ્ત માંગતો છોડ જરુર છે અને તેથી જ લાગણી સાથે જ્યારે સમજણ મળે ત્યારે થોડીક ગંભીરતા જરુર ભળે.તેના પોતના માન અને અરમાન જુદા છે તેથી જ તો દરેક મહેફિલો ( પ્રસંગો)માં તેનો તકાજો અલગ છે.
અભિનંદન્
સફળતા જિંદગીની હસ્ત રેખામાં નથી હોતી
ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી
કહે છે ને કે સફળતા ઘણી બધી નિષ્ફળતાઓને વર્યા પછી મળતી હોય છે. તેનો અર્થ એવો નથી કે દરેક સફળતા ને બહુ વાર નિષ્ફળ થવું પડે. અહીં ખંતથી નિર્ધારીત રસ્તે મથ્યા કરતા દરેક્ને સફળતા વરતી હોય છે સ્કુલમાં શીખેલી વાત અત્રે ફરી યાદ કરું તો તે કરોળીયાને સીધી સપાટ ભીંત ઉપર ચઢવુ હતુ અને સહેજ ઉંચે ચઢે ને પછડાય પણ ખંતીલો એવો કે લીધુ કામ પુરુ કરીને છોડે તેથી દસેક વાર પછડાય પછી ઉપર માળામાં બેઠેલી ચકલી બોલી- રહેવાદો કરોળીયા ભાઇ પછડાયા કરવાને બદલે બીજી જગ્યા શોધો. તે તો આટલુ કહી ચણ ચણવા જતી રહી. સાંજે પાછી આવી ત્યારે કરોળીયા ભાઇ તો તેના માળાથી પણ કેટલેય ઉપર બેઠા હતા. ચકલી ભાઇને જવાબ દેતા તે બોલ્યો- દરેક વખતે પછ્ડાઇને પણ હું જોતો હતો કે ભીંત ક્યાં ખરબચડી છે અને તે દર્ક પ્રયત્નો પછી હવે મને ઉપર ચઢવા નો રસ્તો મળી ગયો.
પણ અહિ કવિ બીજી વાત પણ કરે છે હસ્તરેખાની લક્ષ્મી રેખા અને ઘર નાં નકશામાં રહેલ રેખાઓમાં ખરુ ધન કે ઘર નથી. તેને અવતરીત કરવા શ્રમ કરવો પડે છે તેથી ભાગ્યને ભરોંસે ના બેસી રહેવાય.તેથી જ કહ્યું છે ને કે ‘ સિધ્ધિ તેને જઇ વરે જે પરસેવે નહાય.’
ઉછળતા દરિયાની જેમ
કરીશ નહીં પ્રેમ
કે ઓટ પછી જીરવાશે કેમ?
પ્રેમ નો ઉન્માદ અને મિલનની ક્ષણોમાં ચાલતી ગુફ્તેગુમાં વાસંતી ટહુકાઓ અને ખળખળ વહેતા ઝરણાઓ નાંસંગીત જેવો ઉભરાતો અને મદમસ્ત ઉછળતા દરિયા જેવા પ્રેમ થી ડરતા પ્રેમીની આ વેદના છે કે કોઇક ભગ્ન હ્રદયી પ્રેમીનો ચીત્કાર… જે હોય તે પણ એક વાત સ્પષ્ટ છે પ્રેમમાં ડરને કોઇ સ્થાન હોતુ નથી અને જે ડરે છે તે પ્રેમ નથી કરી શકતા. પ્રેમ માં પડ્યા પછી કાલે ઓટ આવશે તો શું એવુ વિચારનારા વેપારી કદી પ્રેમ કરતા નથી. પ્રેમ એ સોદો નથી.
પ્રેમ એટલે
જ્યાં મારુ તારુ, તારુ મારુ કંઇ જ ના રહે
જ્યાં લાવ લાવ નહિ લે લે ની વાત રહે
બાકી સૌ મગજની બીમારી
વધુ તો શું કહુ સખી?
“અંધા હે વો દેશ જહા આદિત્ય નહીં,
મુડદા હે વો દેશ જહા સાહિત્ય નહીં“
જાગ્રુતિનાં બ્લોગ ઉપર થી મળેલો આ વિચાર અતિ સુંદર છે. કારણ સાહિત્ય એ સંસ્કારી પ્રજાની નિશાની છે. સાહિત્યને તળપદી ભાષામાં કહીયે તો જે સૌનું હિત જુએ તે સાહિત્ય.ભારતની બધી ભાષાઓમાં સંસ્કાર સ્વરુપે બહુ ખેડાયેલી ભાષામાં ગુર્જરી ભાષા કદાચ પ્રથમ દસમાં આવતી હશે. પરંતુ વૈશ્વિક સ્તરે તો એ કયા નંબરે બેઠી છે તે અંદાજ કાઢવો કદાચ સંશોધનનો વિષય હશે. આ અધ:પતનને બે જ રીતે રોકી શકાય. એક તેનો વ્યાપ વધારીને અને બે તેમા જે ગૌરવ અને ખમીર છે તે બહાર આણીને. અંગ્રેજી ભાષાનુ વૈશ્વિક ચલણ રહેવાનાં ઘણાં કારણોમાંનુ એક કારણ એ પણ છેકે તેમનુ સાહિત્ય લગભગ દુનિયાની દરેક ભાષામાં અનુવાદીત થયેલું છે. ઉદાહરણ તરીકે શેક્સ્પીયર નાં નાટકો.
જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક
ફુગ્ગો ફુટતા વાયરે ભળીજાય થૈ મૂક.
સાવ સીધી સાદી ઘટના ફુગ્ગો ફુલ્યો અને ફુટી ગયો.
આ વાત ને જીવન સાથે સાંકળી શકે તેવો ઉર્મિશીલ કવિ અનીલ જોશીની આ પંક્તિ બહું ઉંચી રીતે વ્યક્ત કરી છે. જિંદગી બસ એક ફુગ્ગો જેમાં જ્યાં સુધી હવા છે ત્યાં સુધી તેનુ ઉર્ધ્વગમન અને તરલતા. જેવી મૃત્યુની ઠેસ વાગી અને હવા થૈ ગઇ મૂક.
આ એવી પંક્તિ છે જે વાંચતાજ મનને ચૉટ વાગે અને તત્વજ્ઞાન જાગે. જિંદગીની ક્ષુલ્લકતા, ક્ષણ ભંગૂરતા સમજાઇ જાય.
ચૌટામાં લૂંટાણી મહારાણી ગુજરાતી વાણી
જાણી તેનુ દુ:ખ ઘણો દિલગીર દિલ છું
કહે દલપતરામ રાજ અધિરાજ સુણો
રુડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું
કવિ દલપતરામનો અંગ્રેજી શાસન દરમ્યાન નો આ પૂણ્ય પ્રકોપ વ્યાજબી હતો. આજે તો આપણું રાજ્ય છે અને તેમાં તરલતા અને આધુનીકતાનાં નામે વૈશ્વીક વિકાસનાં નામે ગુજરાતી વાણીનાં ચીર હરણ જોઇને મન ગ્લાનીથી ભરાઇ જાય છે. વધુ દુ:ખ તો એ વાતનુ છે કે જનસમાજમાં એ સામાન્ય થઇ ગયુ છે કે કેટલાક અંગ્રેજી શબ્દનો વિકલ્પ નથી અને જો તે શબ્દો વાપરીયે તો સાંભળનારાને તમે પછાત છો તેવુ લાગે છે.જરા શાંત મનથી વિચારશો તો સમજાશે કે પરદેશી ભાષાઓનાં આક્રમણ સામે ગુજરાતી ટકી નથી શકી તેનુ કારણ પરદેશી ભાષાઓની શક્તિ ઉપરાંત આપણી ભાષા માટેની આપણી લાગણીઓ નબળી તે મોટુ કારણ છે. અહિ મારો કોઇ એવો પ્રયત્ન નથી કે ભદ્રંભદ્રીય ભાષા બોલાવી જોઇએ પરંતુ બીન જરુરી ગુજરેજી આપણા બાળકોને શીખવાડી આપ્ણે જ આપણી માતૃભાષાને નબળી નથી પાડતા?
ચાહ્યું હતુ એ જીવનનું ઘડતર ન થઇ શક્યું
એક રણ હતું એ રણનુ સરોવર ન થઇ શક્યું
ચાહત એજ મુખ્ય દુ:ખનુ કારણ છે. વિધાતાની ચાહત અને માણસની ચાહત એ બે જો એક હોય તો સુખનો અનુભવ અને તે બે જેમ જેમ જુદા પડે તેમ તેમ દુ:ખનો અનુભવ તે તો સૌનો જાણીતો અનુભવ છેજ. ધાર્યુ કામ મળ્યું તો સુખ ધાર્યા કરતા વધુ કામ મળ્યુ તો વધુ સુખ અને ધારેલ કામ ન મળ્યુ તો દુ:ખ નં ઢગલા…ઘણી વખત ધારણા પણ ખોટી નીકળે જેવીકે રણ માં સરોવર બનાવવાની.. અરે ભાઇ તે ના બને તે ના જ બને.ઘણા સબંધો જ્યાં સુધી ના અજમાવો ત્યાં સુધીજ સારા કેમકે જ્યાં સુધી ના અજ્માવ્યાં હોય ત્યાં સુધી તે અંગેનો ભ્રમ હયાત હોય જે સુખકારક હોય પણ હળાહળ કળયુગ ની બલી હારી તો જુઓ જેવો તે સબંધ અજમાવ્યો નથી ને તરત જ તેની પોકળતા દેખાય જ
સુખી થવું છે?
28 09 2007
ચૌધરી સમાજ્નાં બ્લોગ ઉપર સુવાક્યો વાંચતા ગમેલા વિચારે સર્જ્યુ
આશા અને અપેક્ષાઓ છોડાશે?
સંતોષ ઘરમાં લવાશે?
પ્રભુનો પ્રસાદ છે ‘આજ’ તેવુ મનાશે?
જો જવાબ ના હોય તો
સુખી તમે કદી નહી હો
ભલેને અઢળક સંપત્તિનાં તમે ધણી હો
અપેક્ષાઓની ઉપેક્ષા જે કરે તે જ સુખી
એક રોટલાનાં બે ભાગ કરી વહેંચી જે ખાય તે સુખી
‘આજ’માં જીવે તે સુખી
હું શિખ્યો છું આ પથ્થર પાસથી;
કેમ બની શકાય પરમેશ્વર !
ને મળી શિક્ષા પરમેશ્વર પાસથી;
પુજાવા થવું પડે છે પથ્થર !
મુર્તિ પૂજાની વાતો કરતા લગભગ્ સમગ્ર ધર્મનાં મોવડીને સીધી સાદી ભાષામાં સમજાવતી બે પંક્તિને આગળ વધારવી હોય તો એવુ કહેવાય..કે પુજાવાનું રહેવાદો પણ પૂજનીય થવા તેઓ એ જે કર્યુ તેવુ કરવા સક્રિય થાઓ..કૃષ્ણે તે સમયનું શ્રેષ્ઠ કામ કર્યુ..મિત્ર અને પરમ સખા અર્જુનને કર્મ જ્ઞાન દીધું..રામે પોતાના વર્તન દ્વારા રામ રાજ્યની કલ્પના સાકાર કરી. શિવ શંભુએ હળાહળ ઝેર પીધુ..આજના જમાનાની વાત કરીયે તો ગાંધીએ સ્વરાજ્યની કલ્પના મૂર્તિમંત કરી. ડો અબ્દુલ કલામ આઝાદે સુઘડ જીવન અને ઉચ્ચ વિચારોમો દાખલો સ્થાપ્યો. મધર ટેરેસાએ ગરીબોની આજીવન સેવા કરી. રાજનીતિજ્ઞ અલ ગોર પરિ આવરણ સમસ્યાથી જેટલા પ્રખ્યાત થયા તેટલા તેમની રાજ્કીય કારકીર્દીથી નહોંતા થયા
કામ કરનારા ગરજતા નથી અને જે ગરજે છે તે કામ કરતા નથી.
તજી દીધો મે મારો ક્ષુદ્ર અહમ
મને મળ્યો અગાધ આતમ દરિયો.
અતુલ જાની “આગન્તુક” નો આ વિચાર મન ને ઝણઝણાવી ગયો. કેટલી સાચી વાત છે..રાજા ભરત અને બાહુબલીનાં ભીષણ સંગ્રામ પછી પંચમુષ્ટી લોચ કરી ધર્મ માર્ગે કઠોર તપશ્ચર્યા કરતા મુની બાહુબલી ને આ અહમ તો નડતો હતો. બહેનો બ્રાહ્મી અને સુંદરીએ પ્રાર્થના કરીકે વીરા મોરા ગજ થકી ઉતરો એ વિચાર સ્વિકારનાં પગલે કૈવલ જ્ઞાન પ્રાપ્ત થયુ.. રાજા રાવણ પણ આવુજ અભિમાનનું બીજુ પ્રતિક છે જીણે મૃત્યુ ગળે લગાવ્યુ પણ અભિમાન ન છોડ્યુ. માન અને અભિમાન સત્યને વિકૃત બનાવીને જુએ છે..ક્ષુદ્ર જો બની શકે તો જ અહમ ઓગળી શકે. તેને ઓગાળવા માટે તો ઋષી મુની તપશ્ચર્યાનો કઠીન માર્ગ પકડે છે…પણ અહમને નાનો કરવાનો સરળ રસ્તો છે પોતાની દોરેલી લીટી નાની કરવાનો. જે દ્રષ્ટી બદલવાથી તરત થતો હોય છે.
તને તારુ ધારેલ સ્વર્ગ મળે
કે તું જે પામે તે સ્વર્ગ બને
ખુબ ઘુંટાઈને આવેલ આ આશિર્વચન કે શુભેચ્છામાં લેખક જીવનની સચ્ચાઈ અને જીવન જીવવાનો રસ્તો બતાવી જાય છે. જો સુખી થવુ હોય તો કોઈ પણ જાતની ફરિયાદ વિના જે મળ્યુ તે પ્રભુ પ્રસાદ સમજી જીવી જાવ અથવા અનુકુલન શક્તિ વિકસાવી જે મળ્યુ તે સ્વર્ગ બનાવીને જીવ્યે જાવ. જે જીવનને ઊત્તમ કાર્યો કરવા માટે પ્રભુએ ચીંધેલ રસ્તે ચાલે છે અને સંતોષથી જીવે છે તેને કદી આધિ વ્યાધિ કે ઊપધિ આવતી નથી કારણ્ કે તેઓને જે પામ્યા તેને સ્વર્ગ બનાવતા આવડે છે.
મસ્જીદ નાં દ્વાર પાસે ઉભા રહી એક બંદો બુલંદ અવાજે આંખ મીંચીને કહે છે.
યા ખુદા તેરે દિલકે દ્વાર ખોલ દે!
યા ખુદા તેરે દિલકે દ્વાર ખોલ દે!
યા ખુદા તેરે દિલકે દ્વાર ખોલ દે!
ત્યાં રહેલ બીજા બંદા એ કહ્યું
દ્વાર તો ખુલે હૈ બસ તુ તેરી આંખ ખોલદે!
શીકાગોનાં કવિ મિત્ર ભરત દેસાઇ સાથે વાત ચાલી રહી હતી અને તેમનો આ રમુજી ટુચકો તે સમયે તો હાસ્ય જન્માવી ગયો પણ પછી જેમ વિચારતો ગયો તેમ લાગ્યુ કે આ ટુચકો નથી પણ બહુ ગહન વાત ટુચકા સ્વરુપે કહેવાઇ છે.
આપણે ભગવાન પાસે કે અલ્લા પાસે કે જીસસ પાસે તેની કૃપા હરદમ માંગ્યા કરતા હોઇએ છે..સ્વભાવગત રીતે પ્રભુનુ નામ પડે અને કોઇક માંગણી અજાગૃત રીતે પણ કરતા હોઇએ છે. પણ કોઇ ક્યારેય આ વાત આપણને કહેતુ નથી કે આંખ ખોલ બધુ જે તુ માંગે છે તે પ્રભુએ તને તુ માંગે તે પહેલા આપ્યું છે.પણ અતૃપ્ત મન અને માંગણ વૃતિનાં ત્રાગા તો જુઓ પેલાને તે આટલુ આપ્યુ અને મને કેમ તે નહીંની જીદમાં કાયમ તેના ન્યાયને ખોટો કહી દેવાની ઘૃષ્ટતા કરતા હોઇએ છે.
શ્રીમદ રાજચંદ્ર તેથી તો કહે છે ” કર વિચાર તો પામ!”
અને પામવા જેવુ જે છે તે “આધ્યાત્મ વિચાર” છે અને તે આંખ ખુલે તો મળેને?-
આંગળીથી સ્પર્શ સૌ છેટા પડે,
રક્ત જ્યારે અર્થના વેઢા ગણે.
–વિવેક મનહર ટેલર
ડો વિવેક ૧૯૯૫નાં કોઇક કઠીન તબક્કામાં સાવ સીધા શબ્દોમાં અર્થ અને રક્તનાં તાણા વાણાની વાત કહી ગયા.. .પૈસા આપીને સગાનું સગપણ ખોયુ, કદાચ તે પહેલો અને સ્થુળ અર્થ પહેલી નજરે દેખાય પણ કોઇકે સાચુ જ કહ્યુ છે.
“શુન્ય વધ્યા અને વધ્યા અંતરાળ..”
જુઓ કરોડપતિઓને તેઓને ત્યાં જેમ પૈસા વધે તેમ તાળા વધે.. આ તાળા શાનુ પ્રતિક છે? અવિશ્વાસનું કે સુરક્ષાનુ?
જો સામાન્ય જનસમાજ કરતા ઓછો પૈસો હોય તો પણ દુઃખ અને વધાર પૈસો હોય તો પણ દુઃખ્..જેમ પૈસો વધે તેમ તેને ખોવાનો ભય પણ વધે અને તેથી જ તો સુખી માણસની વ્યાખ્યા કોઇકને પુછી તો કહ્યું
“સુખી તે જ જેની પાસે કોઇ ચાવી ન હોય્..”
પરંતુ વેદના ત્યારે વધુ થાય જ્યારે રક્તનો સંબંધ લક્ષ્મી પાસે પાતળો પડે.. અને તે અર્થ સાચા સ્વરુપે વ્યાજ અને વટાવના વેઢા ગણે. છુટા છેડા તેનુ વિકૃત સ્વરુપ્ અર્થના કારણે પકડે કે ઓછી નાણાકીય સંપતિ ને કારણે વૃધ્ધ મા બાપ છોકરાને ત્યાંથી ઘરડા ઘરે ઠેલાય કે ભાઈ ભાઈથી કૌટુંબીક હક્કો ઓળવાય કે દિકરી સાસરેથી પાછી હડસેલાય….
બહુ દુઃખ સાથે કહેવુ પડે છે કે
લોહીનાં સબંધો ફક્ત આપત્તિના સમયે જ ઉછાળો મારે
પણ અર્થનાં સબંધો કાયમ એક યા બીજા પ્રકારે ઉછળે
મારી ન્યૂનતા ના નડી તને
તારી પૂર્ણતા ગૈ અડી મને
-ઉમાશંકર જોષી
પ્રભુ અને માનવ વચ્ચેની આ વાત સ્વયં સંપુર્ણ છે
માનવ કહે છે મારામાં અપૂર્ણતા ઘણી છે અને વારંવાર હું મદ અને પ્રમાદ કરીને વ્યક્ત કરતો જ હોઉં છું, પણ હે પરમ પિતા તમે ક્યારેય એ ઉછાંછળાપણાને ધ્યાનમાં નથી લીધું.
પણ હે પ્રભુ તમારુ સંપૂર્ણપણુ મને કાયમ જ જોઈતુ હોય છે. લાયકાત હોય કે ના હોય..તમારું સંતાન હોવાનાં નાતે કે સર્વોપરી પોતાની જાતને માનવા માટે તમારી પુર્ણતાની જલન જરુર મને થાય છે.
છે હરણની ફાળ જેવા ઓરતા
ને ચરણમાં કાચબો પાળ્યો તમે
કરસનદાસ લુહાર
માણસની મોટામાં મોટી મજબુરીને કવિએ કેવા સરસ શબ્દોમાં મુક્યુ છે.મનનાં ઓરતા તો ગગન આંબવાનાં છે.. કોઈકને કરોડપતિ બનવું છે.કોઈકને અપ્સરા સમી નાર જોઈએ છે તો કોઈક્ને દેવરૂપ જીવન સાથી.આપેક્ષાઓનો તો અંત નથી અને તે અપેક્ષાનાં અશ્વોને મન બેફામ રીતે દોડાવે તેમ કાયમ બને પરંતુ તે સ્વપ્ના દરેક્ના સાચા નથી પડતા કારણ્ કે એ મનોરથોને પામવાનાં સાધનો ટુંકા છે પગે કાચબો બાંધ્યો છે..પરિણામે અપેક્ષાઓ તુટતા દુઃખનો અહેસાસ થતો હોય છે.
જે હ્રદયને સાંભળે છે તે પગે કાચબો બાંધ્યો છે તે સત્યને ભુલતો નથી અને તેથી કદાચ આ વણ જોઈતા જાતે ઉભા કરેલા દુઃખથી બચી જાય છે. મારી મોટર કાર ભલેને ૧૨૦ માઈલની ઝડપે ચલાવી શકાય પણ ગતિમર્યાદા ૪૫ માઈલ હોયતો ૯૦ માઈલનું અંતર એક કલાકમાં ન જ કપાય્… હવામાં ભલે ઊડો તમે પણ પગ જો હશે ધરતી પર તો પછડાટનો માર નહીં લાગે
જુઓ,મૃત્યુ આવ્યું, લઇ ગયું દુઃખ સર્વ તનના
અને આ આત્માને લઇ ગયું શ્રી હરિના શરણમાં.
જીવન નદી જયારે,ભળે પુનિત બ્રહ્મ જળમાં.
તો સ્વજન શાને સારે અશ્રુ આવી પૂણ્ય પળમાં.!
ગિરીશ દેસાઈ
”મૃત્યુનો મહિમા” નામનાં કાવ્યની આ ચાર પંક્તિ તેમના મૃત્યુ પછી ઉદાસ મિત્રો અને કુટુંબીજનો ને ઉદ્દેશીને લખી છે. કવિનું ચિંતન ખુબ જ વહેવારીક અને જ્ઞાનદેય છે. તેઓ માને છે કે મૃત્યુ એ પણ જન્મની જેમ જ પ્રભુની દેન છે જે શરીરનાં દુઃખો લઈ જશે અને શરીરનાં કેદખાનામાંથી છોડાવી શ્રી હરિનાં શરણમાં લઈ જશે. આત્મા સાથે પરમાત્માનાં આ સુભગ મિલન ને કવિએ જીવન જળને બ્રહ્મ જળ પ્રવેશ કહી ઉત્સવ સ્મ મૃત્યુને બનાવ્યુમ અને આવુ જો હોય તો સ્વજનોએ વ્યથીત ન થવુ એમ સમજાવ્યુ.
જતા આત્માને જ્ઞાન છે અને તેથી તેને મૃત્યુ ભયજનક નથી લાગતુ પણ સ્વજનો કે જેમને મૃત્યુ થી થતુ અપરાવર્તીત નુકશાન રડાવે છે.
જાઓ ભલે જીવનઆશ સર્વે,
ઉત્પાત થાઓ, ઉપહાસ થાઓ,
થાઓ ભલે તિરસ્કાર,
ન એક થાજો પ્રભુપ્રીતિ નાશ.
-રા.વિ.પાઠક
કપરા કાળમાં માનસીક સ્વસ્થતા જળવાઈ રહે એવુ બળ પ્રભુપ્રીતિ આપે છે. જેને પ્રભુ પ્રીતિ પ્રાપ્ત થાય છે તે આસ્તિક બને છે અને જે આસ્તિક હોય છે તે શ્રધ્ધાવાન બને છે. એની શ્રધ્ધા એટલીજ હોય છે કે પ્રભુએ માનવભવ આપી માનવ પરથી આશા ગુમાવી નથી તો માનવે આવતી આધી વ્યાધી કે ઉપાધીથી પ્રભુ પરની પ્રીતિ ગુમાવવાનુ કોઇ કારણ નથી. મને જે રીતે સમજાય છે તે રીતે જે આશાવાદી છે તે જ આસ્તિક છે તે હકારત્મક વલણ ધરાવે છે અને તેથી તે માને છે દરેક ઉત્પાત્, ઉપહાસ અને તિરસ્કારને તેનુ કારણ હોય છે અને દરેક કારણનુ મારણ હોય છે જે હકારાત્મક વલણોથી શોધી શકાય છે.
મેં તો વેશ્યાના હાથને સીતાનું છૂદણું દીધું.
મેં તો તુલસીનું પાંદડું બીયરમાં નાખીને પીધું.
અનિલ જોશીની આ કવિતા મારી દ્ર્ષ્ટીએ અફલાતુન છે.. જે સ્ત્રીને સમાજ ધીક્કરે છે..( એની મજબુરીને સમજવાને બદલે.).”સમાજની નાતમાંથી બહાર તગડે છે ત્યારે કવિ ને દયા ઉપજે છે..સીતાની મજબુરી, ને સમાજની બહાર હઠાવી ..રાજ્ય-રાણી જંગલમાં જઈ વસે!! એ સ્ત્રીના છૂંદણા આપણે પારખી નથી શકતા.આ કવિ પારખી શક્યો છે.
તુલસી તો એક એવી પવિત્ર વસ્તું છે કે એ જ્યાં ભળે -મળે તે વસ્તું પણ અ પવિત્ર બની જાય! બિયર પણ દિયર બને! કવિ એ પણ કહેવા માંગતો હોય કે આંડબરીઓ ધર્મને નામે આવા ચેન -ચાળા ન કરે!!
વિશ્વદિપ બરાડ
સંતૃપ્તતાનો અહેસાસ હવે મને
જૉઇએ સુખ કે દુઃખ કંઈ ના પ્રભુ!
આપવુ હોય તો આપ ફક્ત એક
તારુ સાંનિધ્ય,તારું શરણું પ્રભુ!
સંતૃપ્તતાનો અહેસાસ માણસને વૈરાગ્ય માર્ગે ચઢાવે છે.જ્યાં કોઈ વહાલુ નથી દવલુ નથી અપેક્ષા નથી અને આવતી કાલની કોઈ ઉજળી આશા નથી. સુફી સંતો આ દશામાં જ રત રહેતા હોય છે અને કદાચ આવી દશાનાં અંતે જ મીરા એ ગાયુ હશે કે પાયોજી મેને રામ રતન ધન પાયો…પ્રભુનુ સાનિધ્ય મળે કે પ્રભુનું શરણ બંને તબક્કામાં અપેક્ષા ક્ષીણ થઈ જાય અને તે પરિસ્થિતિ પામવાની તલપ લાગવી તે પણ્ ઉર્ધ્વગમનની ઉજળી શક્યતાઓ જ કહેવાય્ આ પરિસ્થિતિથી પાછુ કોઈ વળતુ નથી તેથી જ તો મીરા ઝેર પણ પી ગઈ અને નરસિંહ મહેતાને નાત બહાર મુકાયો તો ય હરિજનોને દ્વાર તે કૃષ્ણ ને ભજતા..
રૂપિયે કિલો
હું પણ હોત એક અબજોપતિ
જો વેચાઈ જાત
આ સ્વપ્નોનો ભંગાર
રૂપિયે કિલો
–હેમંત પુણેકર
કવિની નજર ક્યાંથી ક્યાં પહોંચે છે?
ક્ષણ ભંગુર સ્વપ્નાઓનો વેપાર કરી અબજો પતિ બનવુ છે.
અને અબજો પતિઓ કોઇક નવુ સ્વપ્નુ શોધવા ‘બ્રૈન સ્ટોર્મીંગ સેશન’ કરી અબજો પતિ માંથી કરોડ પતિ બનતા હોય છે.
આ અબજો પતિમાંથી કરોડપતિ બનવાની ચાવી શું છે તે ખબર છે?
અમેરીકાનાં મનો વૈજ્ઞાનિકો કહે છે મનમાં શાંતિ આવે ત્યારે જે સુખ આવે છે તે કરોડો કે અબજોમાં નથી.
આવો શાંતિનો નોબલ પ્રાઈઝ જીતી શકાય તેવો ઉપાય શબ્દ ‘દાદા’ તરીકે આપણા ભૂતપુર્વ પ્રમુખ શ્રી અબ્દુલ કલામ આઝાદે આપ્યો હતો..દા એટલે આપવુ.
તારી પાસે જે હોય તે તુ આપ અને વારંવાર આપ તો ત્યાગ લાવશે ખુશી.. જે લાવ લાવ કરતા લેનારા લોકોને ભાવ લાવે અને આપનારનો ભાર ઘટાડે..
જેનો ભાર ઘટ્યો તેનુ ઉર્ધ્વગમન નિશ્ચીંત થઈ જાય.
આપણને ખબર છે સ્વર્ગ ઉપર છે.
ક્યારેક જિંદગી આપે ઘણું, ને શીખવાડે ના કશુ
ક્યારેક જિંદગી લઈ લે ઘણું, ને દેખાડે ના તસુ
સાનમાં સમજ મનવા તુ, તો ચોકીદાર ઠાલો
જિંદગીમાં તો બેવફા, મૃત્યુ જ કહેશે અંતે બધુ
કમળ પત્રનો રસ ચુસતો મકરંદ જેમ ઢળતી સંધ્યાએ બંધ કમળ પત્રોમાં કેદ થાય તેમ ઓ માનવ જિંદગીનાં રસ પીવામાં મગ્ન ન થા. દેહ એ વિલાસનું માધ્યમ નથી. દેહ દ્વારા ભવબંધન કાપવામાં વ્યસ્ત થા નહિ તો જેમ ભ્રમર કમલ પત્રોમાં કેદ થાય છે તેમ આ ભવછુટી જશે અને ભવાટ્વીનાં ફેરામા ફરી ભટકાઈ જશે.
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન
હજી જીવનની ઠેસની તો કળ વળી નથી
જલન માતરીનો આ મારો અતિ પ્રિય શેર જ્યારે જ્યારે વાંચું છુ ત્યારે થાય છે કે સાહિત્યને આ શાયરો કેટલી ઉંચાઇ અપાવે છે. કેટલી મોટી વાત કેવી સહજ રીતે કહી જતા આ શાયરોને દિલી સલામ.મૃત્યુ ને ઠેસ વાગશે તો નક્કિ જ પણ તે કળ જિંદગીની કળ વળે પછી વાગે તો સારુ કારણ કે જિંદગીજ ઘણી લાંબી અને દુ:ખો થી ભરેલી છે. આ આખી જિંદગી દરમ્યાન કંઇ કેટલાય ગમો અને આઘાતો આવી ગયા અને હજી કેટલા આવશે તે ખબર નથી.
કહેવાથી જો શમી જતુ હોત આ ચિંતાનુ વન તો કેટલુ સારુ.
આંખ મીંચતા જ અટકી જતુ હોત તોફાનીરણ તો કેટલુ સારુ.
તુજશા સર્જનને ઉત્સર્જન સમજી ભુલાતુ હોત તો કેટલુ સારુ
ડોલર કેરા આ સ્ટીમરોલરને રોકી શક્યો હોત તો કેટલુ સારુ
અમેરીકા એ સર્જ્યુ છે ડોલરનું સ્ટીમ રોલર જે ભૌતિક ચકાચૌંધ વધારીને દરેકે દરેક પાસેથી ક્યારેક થોડું તો કયારેક વધારે કઢાવી લે છે. ઘણી વખત આપનારો ઘેનમાં હોય છે કાંતો તેને ખબર જ નથી હોતી કે તે શું આપી રહ્યો છે. સંસ્કાર,માન અને આદર ડોલરની સામે ફીક્કા પડે ત્યારે કે સંસ્કૃતિનુ અવમુલ્યન અહીની સગવડીયા વાતોથી જોવા મળે તે વલવલાટ અત્રે પ્રસ્તુત છે.
ક્રેડીટ નાં નામે દેવુ વેચવાની અને બચત ને બદલે ખર્ચવાની તાકાત વધારનાર પધ્ધતિ જ્યારે પણ લપડાક મારે છે તે કળતર ભોગવી ચુકેલા મા બાપ તેમના સંતાનોની ચિંતા કરતા આ મુક્તકમાં કહે છે ભલે તુ મને અને આખુ વિશ્વ કહે કે તમે તેમની ચીંતા ના કરો તો પણ ભાઇ મારા મારુ તુ સર્જન એને હું ઉત્સર્જન માની કેમ ભુલી જાઉં.તુ દુઃખ આવશે ત્યારે જે પીડાઓથી પીડાઇશ તે ચીંતા નુ વન ‘તમે ચીંતાના કરો તેમ કહેવાથી’ શમતુ નથી જેમ શાહમૃગ રણમાં આવતા તોફાનો ને જોઇ આંખ મીંચી દે તેથી તે તોફાન આવતુ નથી તેવુ થતુ નથી.આ થીણધ્ધી* નિંદ્રા છે જાગશે ત્યારે બહુજ વેદના થવાની છે તે ચિંતા ના ભાવો અને કશુ ન કરી શકવાની વ્યગ્રતા પ્રસ્તુત છે.
*ઉંડી ઉંઘ કે જેમા શરીર કાર્યાન્વીત હોય પણ ખબર ન હોય કે તે શું કરે છે અને જાગે ત્યારે તે કામનો થાક વર્તાય.
કિસ્સો કેવો સરસ મઝાનો છે,
બેઉં વ્યક્તિ સુખી થયાનો છે.
પલ્લું તારી તરફ નમ્યાનો તને;
મુજને આનંદ ઊંચે ગયાનો છે !
આ મુક્તક ડો ધવલ શાહની વેબ્સાઇટ લયસ્તરો પર વાંચ્યુ અને કલમ જોરમાં આવી. મુકુલ ચોક્સી સરસ લખે છે તે તો સર્વવિદીત છે પણ આ મુક્તક વાંચતા એવુ થયું કે
પ્રેમમાં હાર અને જીત તો હોય છે જ ક્યાં ?
તું જીતે અને હસે મોહક, શું તે જીત નથી મારી?
જીતુ હું અગર તો તુ કહે મારો ‘વિજય’ જીત્યો
બંને ની જીતો માણતા જિંદગી જાયે અમારી
હકારત્મક જીવન એ સુખી થવાની ગુરુચાવી છે અને કહે છે આ ગુરુ ચાવી જે દંપતી ધરાવે છે તેને દુ:ખ કદી અડતુ નથી. મન એજ સુખ અને દુ:ખનું કારણ છે અને તે કેળવી શકાય છે પરિસ્થિતિને બીજી રીતે જોવાની દ્રષ્ટી કેળવીને. પ્રયોગ કરવો છે? અર્ધો પ્યાલો દુધ ભરીને હકરાત્મક વલણ ધરાવતા વ્યક્તિને આપો અને પુછો તે શું છે? જવાબ હશે અર્ધોપ્યાલો ભરીને દુધ. અને નકારાત્મક વ્યક્તિને પુછશો તો તે કહેશે અર્ધો પ્યાલો ખાલી દુધ છે. પરિસ્થિતિ એક હોવા છતા બે જુદા દ્રષ્ટીબીંદુ થી સમજાઇ જશે કે કોણ સફળ થશે અને કોણ દુ:ખી.
આવીજ સરસ ઘટના મુક્તક્માં વર્ણવી
પલ્લું તારી તરફ નમ્યાનો તને;
મુજને આનંદ ઊંચે ગયાનો છે !
સમતુલીત જીવન જીવવું તે પણ કળા છે અને કવિ તે કળાનાં માહેર છે જે આ બે પદમાં કહી દે છે.
ઉલઝતો રહ્યો છું નિશદિન
કે ક્યારે ચોરાયું હતું મારું ચિત્ત.
શોધુ હું એ કાનુડાની રીત
કે જેને રાધા કહે હૈયાની પ્રીત.
જ્યારે મનનાં માનેલ મીતનુ પ્રેમાળ હકારત્મક ઇજન મળ્યું હોય અને શરદ પુનમની રઢીયાળી રાતમાં યૌવન હીલોળે ચઢ્યું હોય ત્યારે ઉઠતો આ નાજુક પ્રશ્ન પ્રેમમાં પડેલ પંખીડાને ઉઠે અને ઉઠે જ. રોમાંચીત સાથી કંઇક થનગનતુ શમણુ સત્ય કરવા મથે ત્યારે કાનુડાની યાદ તો આવે જ કહે છેને કે
વો જવાની જવાની ક્યા?
જીસમેં કોઇ કહાની ન હો
કે પછી સંગીતનાં સૂર રેલાતા હોય કે ‘આજા સનમ મધુર ચાંદની મેં હમ’ વાળા વાતાવરણમાં કાનુડાની વાંસળી કેમ વાગે તે પ્રશ્ન તો સહજ ઉઠે જને?
બસ દુર્દશાનો એટલો આભાર હોય છે
જેને મળુ છુ મુજથી સમજદાર હોય છે
ઝંખે કોણ મિલનને જો એની મજા કહુ !
તારો જે દુરદુર થી આવકાર હોય છે
ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે
દાવો અલગ છે પ્રેમ નો દુનિયાની રીતથી
એ ચુપ રહે છે જેને અધિકાર હોય છે
મરીઝ જ્યારે પણ કંઇક લખે છે તે આટલુ ચોટદાર કેવી રીતે હોય છે તે વાત અહીં મર્મ સ્વરુપે છેલ્લા શેરમાં દેખાય છે.
દાવો અલગ છે પ્રેમ નો દુનિયાની રીતથી,
એ ચુપ રહે છે જેને અધિકાર હોય છે.
મહદ અંશે આ વાત એમ જ કહેવાય કે જ્યારે પ્રીત ચુપ હોય છે ત્યાં સુધી દર્દ સ્વરુપે ઘણુ સહન થઇ ચુકાયુ હોય છે. મનની વાત જે રીતે કહેવાઇ હોય તે રીતે ના લેવાઇ હોય. અર્થઘટન બદલાઇ ગયુ હોય,સમજના નામે ગેરસમજ થઇ હોય જેવી કેટલીય બાબતો મનને કોરતી હોય અને તેથીજ આખી દુનિયા-અરે એવુ તો હોય? ના તેં આ ભુલ કરી જેવી વાતો કરે છે અને શાયરનાં મુખેથી પહેલો વિશ્વવિખ્યાત શેર નીકળે છે
બસ દુર્દશાનો એટલો આભાર હોય છે
જેને મળુ છુ મુજથી સમજદાર હોય છે
જો કે મિલનની મઝા અંગે કોઇને કહેવાની જરુર નથી છતા મોઘમ રીતે કહી દે છે પ્રિય પાત્રનાં પહેલી નજર પર સ્ફુરેલ આવકાર સુચક સ્મિત સર્વ શ્રેષ્ઠ હોય છે.આ મઝા માટે તો સાત સમુદ્ર ઓળંગીને પણ પ્રિયાને મળવા જવુ હોયતો તે સાર્થક છે. પણ આ ચેષ્ટાને જમાનો તો દીવાનગી કહેશે, ટોળે વળી દીવાનગીને ચર્ચાનાં ચાકળે ચઢાવશે ત્યારે બદનામ થતી પ્રેમની રીતની ફરિયાદ પણ બન્ને પ્રેમી સમાજનાં બહેરા કાને લાવશે નહી. તે પ્રેમીઓની કથા છે જમાનાની ચર્ચાઓનો ચાકળો નહીં.
છુપાવી વેદના અનેક તેથી
હ્રદયનો ભાર વધી જાય છે
નથી કહેવાતુ નથી સહેવાતુ
મન લાચાર બની જાય છે
ખોલુ છુ દિલ જો લોકો પાસે
તો વાત હાંસી બની જાય છે
પણ પ્રભુ તને કહેવાથી
હ્રદય હળવુ બની જાય છે
–અજ્ઞાત.
કેટલી સરળ વાત કવિ એ શબ્દોમાં કહી દીધી. વાત મારા મનની પ્રભુ તુ તો જાણે જ છે છતા
પણ પ્રભુ તને કહેવાથી
હ્રદય હળવુ બની જાય છે.
કોઇ પંડિતાઇ નહી, કોઇ વાણીનાં વિલાસ નહીં અને મનનો ભાર પ્રભુ તને કહિ દઉ તેથી લોકમાં ચર્ચા નહીં, મન પર ભાર નહી અને તુ તો તે કરશેજ તેવી ધરપત ખુદ બ ખુદ બંધાઇ જ ગઇ. સુંદર ભાવો સરળ શબ્દ રચના અને અનુભવનો ભંડાર ચાર લીટીમાં મુકનાર કવિને મનો મન હજારો વંદન.
પ્રેમ’…….
તારી અને મારી વચ્ચે ઓ સનમ
આ તે કેવો સુંવાળો સંબંધ છે ?
જેમાં આપણા પ્રેમનો થોડો થોડો
ને વિરહનો ઘણો ઘણો પ્રબંધ છે.
તું નથી રહી આસપાસ મારી
મારા શ્વાસ શ્વાસમાં તારી સુગંધ છે.
જ્યાં જોઉં ત્યાં તને જ જોઉં છું
કોણ કહે કે પ્રેમ અંધ છે ?
આપણા પ્રેમનું છેક એવું છે
કામકાજ ચાલુ ને રસ્તો બંધ છે.
લખી ભલે ‘નટવરે’ આ ગઝલ
દિલથી વાંચો તો પ્રેમનો નિબંધ છે.
ભાઇ નટવર મહેતાની કૃતિ વાંચી અને તરત હ્રદયમાં સોંસરી ઉતરી ગઇ.સરળ શબ્દો અને ઉન્નત ભાવો અને તેથી પણ અદકુ પોતા પણુ.. જે કોઇ વાંચે તેને લાગે કે તેની પોતાની વાત છે. આ કવિના શબ્દોની ઉંડાઇ અને તેણે વેઠેલુ દર્દ સહજ બની ક્લમે ઉતર્યુ છે.દોઢ સદી પહેલા કદાચ આવા સરળ શબ્દો કલાપીએ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે..’સર્જ્યુ હતુ તેવુ સુંદર કથન નટવરભાઇએ
“લખી ભલે ‘નટવરે’ આ ગઝલ
દિલથી વાંચો તો પ્રેમનો નિબંધ છે.”
ગઝલ લગભગ કંઠસ્થ થઇ જાય તેટલી સરળ છે અને પાછી તેમા આજની વાત પણ છે અને તે
“જેમાં આપણા પ્રેમનો થોડો થોડો
ને વિરહનો ઘણો ઘણો પ્રબંધ છે”
કારણ આજ કાલની ભૌતિક સંપતિની દુનિયામાં તમારી પ્રેમોર્મીનો પ્રત્યઘાત પ્રેમને બદલે મહદ અંશે લુખ્ખા થેંક્સ સિવાય ક્યારેય કશુ હોતુ નથી અને તેથીજ જો અપેક્ષાજન્ય વ્યવ્હાર હોય તો વિરહ નો પ્રબંધ ઘણો ઘણો જ હોય છે.
છતા પ્રિયતમા તરફનો પ્રેમ એવો ઉન્નત છે કે કહ્યા વિના રહેવાતુ નથી
“તું નથી રહી આસપાસ મારી
મારા શ્વાસ શ્વાસમાં તારી સુગંધ છે.
જ્યાં જોઉં ત્યાં તને જ જોઉં છું
કોણ કહે કે પ્રેમ અંધ છે ?”
નટવરભાઇ ક્યારથી લખે છે તે તો ખબર નથી પણ તેમની કૃતિઓ વધુ લોક ભોગ્ય થાય તેવી સ્વાર્થી વાત જરુર હુ કરીશ અને એટલુ પણ જરુરથી કહીશ કે મા સરસ્વતીની જ્યાં કૃપા હોય ત્યાંજ આવા સુંદર કાવ્યો રચાય.
Really such a awsome poem….i had never heard such a awsome poem like this….
thanks Ketul
wonderful poems and “Vichar Vistar”
સર આપના વિચાર વિસ્તાર નું વાંચન થી ખુબ મજા આવી. ખુબ જ ઉમદા વિચારો છે.
khub saras
ખૂબ સરસ..!!! વાંચવાની મજા પડી ગઈ !!!
TOUCHED.
EXTRA ORDINARY
very good,sir
ગિરીશ દેસાઈંની જુઓ, મૃત્યુ આવ્યું… ખૂબ ગમી. સરસ સંપાદન.
બધાજ કાવ્યોમાં ઘેહરાઈ છે. અને જીન્દગીનુ સત્ય છુપાયેલુ છે જે દિલ અને દિમાગને
સ્પર્ષી જાય છે .
Very nice. As the title says, ‘thought expansion’, at first reading one just skims through; and then the impact comes-the expressions say much more than one thinks!
MAST MAST 6E
વાહ ! ખુબ સરસ બેનમુન હ્ર્દયસ્પર્શી રચનાઓ. આદિત્ય ને સાહિત્ય , તું તેરી આંખ ખોલ દે ને હરણ ને કાચબાની પંક્તિઓ તો ખુબ મસ્ત. અભિનંદન..શુભેચ્છા રૂપે કવિ શ્રી પરિમલની પંક્તિઓ ટાંકું છું કે
‘એક કોરે કાળજું ,ને એક કંડારે શિલ્પ,
એકનું પથ્થરહ્રદય ,બીજાનું પથ્થરમાં હ્રદય.
ખુબ અભિનંદન તેમ જ શુભકામનાઓ. દુર્ગેશ બી.ઓઝા તમારું ઈ-મેઈલ મોકલશો તો મારી કેટલીક પ્રેરક વાર્તાઓ મોકલી આપીશ.
awesome dude!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
vah……… bahu j sars 6 mane khub maja aavi 6e.
આપના બ્લોગની મુલાકાત લઈને આનંદ થયો.ઘણું જાણવાનું મળ્યું.આભાર.
આ પોસ્ટમાં તમોએ રજુ કરેલ જાણીતા શાયરો-કવિઓના ખૂબી પૂર્વક ચૂંટેલા વિચાર મુક્તકો અને એના ઉપર કરેલો વિચાર વિસ્તાર કાબીલે દાદ છે અને પ્રેરક પણ છે.
અંતે તો રાખ
એટલુ જ યાદ રાખ
કારેલીબાગ સ્મશાનની દિવાલ ઉપર આ બે લીટી વાંચી ક્ષણ ભર માટે તો હું અટકી ગયો.
આ વાંચીને મને મારી એક કાવ્ય રચનાનું સ્મરણ થયું .આ આખી રચના નીચે આપું છું.
આશા છે કે આપને અને આપના વાચકોને પણ એ વાંચવી ગમશે.
યાદ રાખ, દેહની અંતે થઇ જશે રાખ !
માંનવી કદી અમર ન હતો કે ન છે એમ છતાં,
જીવી રહ્યો જાણે, છે અમર એમ નિજ જિંદગીમાં.
ભૂલી ગયો અબુધ કે જીવનની આ સફર પુરી થયે,
નક્કી સંચરવું પડશે સ્મશાને બધું પાછળ છોડીને.
ખુબ સાચવી શણગારી ટપાર્યો એ પામર દેહ તારો,
જતાં પ્રાણ, માત્ર રાખનો ઢગ થઇ જવાનો, સ્મશાને.
ધનદોલત અને સોના મહોરોનો તેં ખુબ ગર્વ કર્યો,
કિન્તુ તુજ ધનિક દેહની થયેલ રાખ ક્યાં સોનાની હતી!
ગરીબ હો યા તવંગર, અંતે રાખ તો સૌની એક સમાન.
માટે હે માનવ, તવ કાયા ને માયાનું ગુમાન ન રાખ,
કેમકે એક દિન જરૂર આવશે યાદ રાખ કે જ્યારે ,
કંચન મઢી મગરૂર કાયાની નક્કી થઇ જશે માત્ર રાખ.
હે માનવ,પીછાણી તવ પામર દેહની આ નશ્વરતાને,
વિસારીશ નહી કદી, જીવ મૂકી તને જીવાડનાર, ઈશ્વરને.
સાન ડિયાગો વિનોદ આર. પટેલ
nice vichar vistarsss,…….
very nice thoughts……..sir….
i will convey to my students….
આભાર કલ્યાણી બેન!
very impresive, i like it.
– Rajesh Nagariya.
“અમે ન છોડયુ ગગન અમારૂ, તમે ન છોડી ધરા,
આપણી વચ્ચે ઉગ્યા બીહડ વન.”
આ સાયરી ને પુરા શબ્દો જણાવશો. પ્લીઝ
ત્રણ વાના મુજને મળ્યાં, હૈયું, મસ્તક અને હાથ
ચોથું નથી માંગવુ,બહુ દઇ દીધું નાથ!
pllz this will suitable…..
ગુણની ઉપર ગુણ કરે,એ તો વેવારા વટ્ટ;
અવગુણ ઉપર ગુણ કરે,ખરી ખત્રીયા વટ્ટ.
મને આ વિચાર વિસ્તાર નો અર્થ કરી આપો . please standard- 10
તુ જીતે ને હુ હારુ
ને તને થાય ખુશી
તો લે ફરીફરીને
હારુ..
આળસ એ તો જીવતા માણસની કબર છે
ખાડો ખોદે તે પડે
પરોપકાર નો અર્થવિસ્તાર જણાવો.
કે હીન જન્મે ના હીન માનવ
હીન કર્મો કરી હીન માનવ
ન્યાય, નીતી સહુ ગરીબ ને , મોટાને સહુ માફ; વાગે માર્યું માનવી , એમાં શો ઈન્સાફ. જવાબ આપો ?🙏
ખુબજ સરસ
Прошу прощения, что я Вас прерываю, мне тоже хотелось бы высказать своё мнение.
વિચાર વિસ્તાર
“પુરુષાર્થ ભાગ્યનો ઘડવૈયો છે”
હણો ના પાપીને દ્ધિગુણ બનશે પાપ જગના, લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત બળથી
ખૂબ સરસ..!!! વાંચવાની મજા પડી ગઈ !!!
કાયા સે મારી સમી,ઘડીએ તેમ ઘડાય; કંચન એ ત્યારે બને, જેમ કસોટી થાય
આવે જે ઉપયોગ માં, ઉત્તમ વિદ્યા તે; પોપટ મુખે રામમ, ફોગટ માખણ એહ. અર્થવિસ્તાર સમજાવો
ઘુટવી છે જિંદગી ને એટલી જેટલી કડવાશ પામે એટલી મિઠાસ દે
ગ્રેટનું અમૃત બનાવી દવું પરંતુ ભુજ કને
પ્રીત મીરાનો નથી નરસિંહ કીર્તન નથી