Archive

Archive for the ‘દાદાનો જરકુડો’ Category

દાદાજીનો જરકુડો (૨૦)

ડિસેમ્બર 24, 2010 Leave a comment

“દાદાજી! આજે મારે કવિતા લખવી છે.”
“અરે દીકરા કવિતા લખવા માટે તુ તો હજી નાનો છે.”
” ના દાદાજી હું તો પાંચ વર્ષનો છુ”
“હા તેથી તુ મોટો ખરો પણ…”
” મારી આ પહેલી કવિતા દાદાજી તમારે માટે..”
” અરે વાહ! સંભળાવતો..”
“દાદા મારા વ્હાલા ને પાડે બહુ ઘાંટા
કહો કેવી અજબ જેવી વાત છે ને?

ફોનનું ભુંગળુ ને કમ્પ્યુટરની ટક ટક
કહો કેવી અજબ જેવી વાત છેને?”

દાદા ત્યારે ઉવાચે

ભઈલો મારો ડાહ્યો ને પાટલે બેસી નાહ્યો
કહો કેવી અજબ જેવી વાત છેને?

“દાદાજી એ ટ્યુન ઉપર તો મેં મારી કવિતા લખી..ગમીને?”
“અરે વાહ દીકરા તુ તો કવિ અને મ્યુઝીસીયન બંને છોને…”

અને વરસી રહ્યા હેતનાં ફુવારા તે જરકુડા પર…

દાદાજીનો જરકુડો-(૧૯)

ડિસેમ્બર 16, 2010 3 comments

“દાદાજી!”
” હા બેટા!”
” હું મોટો થઈશ ત્યારે તમને હું મારી સાથે રાખીશ પણ મમ્મીને નહીં”
“કેમ બેટા?”
“અને દાદીને પણ નહીં”
“પણ કારણ તો કહે..”
” મમ્મી આજે મારા ઉપર ગુસ્સે થઇ..”
“..કેમ?”
” મારે જાતે ટીથ બ્રશ કરવા હતા અને મમ્મીને મોડુ થતુ હતુ”
” પછી?”
” એણે મારા ટીથ બ્રશ કરી નાખ્યા”
” અને દાદીએ શું કર્યુ?”
” મમ્મી ઉપર ગુસ્સો ના કર્યો અને મને બૂટ જાતે પહેરવા હતા પણ તેમણે પહેરાવી દીધા અને પહેરાવતા પહેલા પ્લીઝ પણ ના કહ્યું”
” અને મને તુ કેમ રાખીશ?”
” તમે દાદાજી ગુસ્સો નથી કરતા કે નથી મેનર ચુકતા”

Spy Jay-Cartoon strip created by Jay- My grand son

નવેમ્બર 29, 2010 8 comments

 

જય આમતો ૫ વરસનો છે પણ તેના મામા જેવોજ કોમ્પ્યુટર પ્રેમી અને લેગો પ્રેમી છે.આગળ એક નમુનો તેના લેગોનો મુક્યો હતો આ છે તેની વાર્તાનું કોમીક સ્વરુપ..વાર્તા પણ તેની અને શબ્દો અને વાક્યો પણ તેના..જે સોફ્ટ વેર મમ્મી પાસે શીખીને બે કલાક્ને અંતે તૈયાર કરીને લાવ્યો અને અમે સૌ તેની વિરલ સિધ્ધિ ઉપર ઝુમી ઉઠ્યા. ૫ વરસે પોતાની વાર્તા અને પોતાનું કોમિક પેજ..વાહ એકવીસમી સદી અને કોમ્પ્યુટરની કમાલ..

દાદાનો જરકુડો(૧૮)

ઓક્ટોબર 19, 2010 1 comment

“દાદાજી!”

“હં બેટા!”

“હું રોટલી અને ગુડ ખાઉ છુ.”

“સરસ બેટા ગુડ કેટલો છે?..વધારે છે? કે ઓછો છે? કે બરોબર છે?

“દાદાજી! રોટલીમાં ગુડ બરોબર છે અને તે વેરી વેરી ગૂડ(very very good)પણ છે”

“અરે બેટા સરસ પ્રાસ કર્યો તેંતો…”

“દાદાજી પ્રાસ એટલે શું?”

“બેટા! પ્રાસ એટલે કવિતામાં આવતો ત્રાસ”

“દાદાજી આ ત્રાસ એટલે શું?”

” તુ કરે છે તે..”

“? ? ?”

દાદાનો જરકુડો (૧૭)

સપ્ટેમ્બર 14, 2010 Leave a comment

“દાદાજી!”
” હં બેટા!”
” મારો નંબર ૧ ચેક્સ”
“હં!”
તમારો નંબર પણ ૧ ચેક્સ”
“હં!”
“પપ્પાનો નંબર ૩ ચેક્સ”
“હં!”
“મમ્મીનો નંબર ૩ ચેક્સ”
“હં!”
“અને દાદીમાનો નંબર?”
“….” મેં મૌન સેવ્યુ તેથી તે બોલ્યો
” એક લાખ ચેક્સ”
” એવું કેમ?”
” દાદી છે ને મને સમજાવે છે..જ્યારે તમે બધા મને ધમકાવો છો…”

દાદાનો જરકુડો-(૧૬)

ઓગસ્ટ 14, 2010 Leave a comment

“દાદાજી!”
“હં બેટા!”
“આ જુઓને” લેગો ગેમનું નવું રમકડુ તેના હાથમાં હતું

” શું છે બેટા..તેં બનાવ્યુ છે તો તને નામ પણ ખબર હશે ને?”
“હા.તે કાર છે”
“પણ તેને પૈંડા નથી તેનું શુ?”
“તેને પૈંડાની જરુર નથી દાદાજી!”
“પાછળ આ ભડકા નીકળે છે ને?”
” હાઇ સ્પીડ છે ને!”
” અરે વાહ ભાઈ!”
“દાદાજી આ ગાડી નું નામ છે સ્લીપોની…”
” એટલે?
“સ્લીપ ઓનલી..માંથી લ કાઢી નાખ્યો…”
” કેમ?”
“મારી મરજી…મારી ગાડી છે ને ?

દાદાનો જરકુડો-૧૫

જૂન 10, 2010 3 comments

“દાદાજી”
“હં બેટા”
” મને થાય છે કે આ ફાધર ડે કેમ ઉજવાય છે?”
” બેટા એ સંસ્કાર છે”
” સંસ્કાર એટલે?”
“રિવાજ-પરંપરા”
” એમા ફાધરને ગુલાબ અપાય?”
” હા. એકલુ ગુલાબ નહી તેમને ગમતી ચોપડી ફિલ્મ કે શાલ પણ અપાય. અને તેમને માનપૂર્વક પ્રણામ પણ કરાય”
“‘ આ તહેવારને પિતૃદિન પણ કહેવાયને?”
“હા.. આ દિવસે પિતા.. ગમે તે ઉંમરનાં હોય પણ તેમના સંતાનો તેમને ફોન કરે.. જમવા લઈ જાય કે પગે લાગે.”
“દાદાજી કારણ હજી ન સમજાયુ..”
” પિતા સંસ્કાર દાતા અને સંસારનું વહેવારિક જ્ઞાન આપે તેથી તેમના એ દાન માટે આભાર કહેવા આ દિવસ ઉજવાય.”
” પપ્પાને હું કાર્ડ બનાવીને આપવાનો છું?”
“સરસ. પણ શું લખે છે તે મને બતાવજે..આપણે ગુજરાતીમાં લખશું”
” દાદાજી હું શું લખું?”
‘ લખ..તમારી સુખ સમૃધ્ધિ અને શાંતિ વધે..તબિયત સચવાય..ને આપનો છાંયડો અમારા ઉપર સદાય રહે”
” છાંયડો?”
“હા વડીલ હયાત હોય તેને છાંયડો કહેવાય.”
” મને કેટલુ સારુ! મને તો પપ્પા..દાદા અને વડદાદા ત્રણેય છે..”

દાદાનો જરકુડો-૧૪

મે 30, 2010 1 comment

“દાદાજી”
“મારા પપ્પાને બધુ આવડે.”
“હા બેટા  તારા પપ્પા પણ એમ જ કહેતા હતા.”
“ના પણ મને તો તેઓ એમ કહેતા કે તમને કંઇ આવડતુ નથી”
” એ ઉંમરે મને પણ એવું જ લાગતુ હતુ કે મારા પપ્પાને પણ કંઇ આવડતુ નહોતુ.”
” અને આજે ?”
” આજે ફરી મને એવુ લાગે છે કે એમણે મને શીખવાડ્યુ તેથી તેમને તો આવડે જ છે.. અને મારા કરતા વધુ આવડે છે.”
” હું ગુંચવાયો દાદા..સીધુ અને સમજાય તેવુ કહોને?”
” જેમ ઉંમર વધે તેમ સત્ય વધુ સમજાય.”
“એટલે?”
“એટલે જ્યારે તુ પપ્પા જેટલો થઈશ ત્યારે જે આજે તારા પપ્પા જે બોલે છે તે તુ બોલીશ. અને તારા પપ્પા તે સમયે મારી ઉંમરના હશે તેથી તે વખતે હું બોલુ છુ તે બોલશે..”
“ઍટલે મારા પપ્પા આજે જે બોલે છે તે ખોટુ છે?”
“ના તે આજના સમય પ્રમાણે સાચુ છે.”
“ઍટલે તમને કશુ નથી આવડતુ?”
” તારા પપ્પા જે ભણ્યા તે હુ નથી ભણ્યો તેથી મને તે ના આવડે.અને હું જે આજે જાણુ છું તે તારા પપ્પાને તે ત્યારે સમજાશે.જ્યારે તે મારી આજની ઉંમરે પહોંચશે.”
“હં!  હવે હું સમજ્યો…”
“શું સમજ્યો..? ”
“પપ્પા કહે છે તે અર્ધુ સત્ય છે.”
” ના બેટા તે આજના સમયનું સત્ય છે જે સમય બદલાતા બદલાઇ જઈ શકે છે” 
” હવે તમે મને કહો તમે જે જાણો છો તેમાનું શું પપ્પા નથી જાણતા?”
“ઘણું બધુ જે પપ્પા માને છે કે તેમને જાણવાની આજે જરુર નથી”
“મતલબ?”
” મતલબ કે આજમાં જીવો..આજે જે જરુરી છે તે કરો..ગઇ કાલ અને આવતી કાલની ચિંતા કરીને આજને ના બગાડાય!”
“દાદાજી મને ના સમજાયુ હું ગુંચવાયો..ફરીથી..”
‘આજનાં જવાબો આજે સાચા લાગે પણ તે સમયાનુસાર બદલાતા હોય તેથી આજને આવતી કાલ કે ગઇ કાલ સાથે જોડ્યું તેથી ગુંચવણ થાય જ..”
“મતલબ?”
” તારા પપ્પા જે કહે છે તે આજનું સત્ય છે. જ્યારે વાસ્તવમાં મને જે આવડે છે તે ગઇ કાલનું સત્ય હતુ અને તુ જે વિચારે છે તે આવતી કાલનું સત્ય હશે..”
“હં!”

દાદાનો જરકુડો-૧૨

એપ્રિલ 17, 2010 1 comment

“દાદાજી!”
“હું તમને મદદ કરું?”
“હા બેટા આ સીધુ સામાન ફ્રીઝ સુધી લઇ જા”
” આ પેકેટ ઠંડુ કેમ છે?”
” એ બટર છે તે ફ્રીઝમાં રાખેલુ હોય તેથી તે ઠંડુ છે.”
” દાદાજી એક પ્રશ્ન પુછું?”
” હું ફ્રીઝ સુધી બટરનું પડીકુ લઇ ગયો પણ કશું થયું નહીં”
” શું થવાનું હતું?”
” દાદાજી હું warm blooded છું ને તેથી બટર પીગળવું જોઈએને?”

દાદાનો જરકુડો-૧૦

એપ્રિલ 4, 2010 Leave a comment

“દાદાજી?”

“હં બેટા!”

“મને મેરી કહે છે હું જ્યારે મોટી થઈશ ત્યારે તારી વાઈફ બનીશ.”

“એમ?”

“હા પણ દાદાજી આ વાઈફ એટલે શું?”

” બેટા આવી વાતો ના કરાય. તુ અને મેરી બંને નાના છો.”

“પણ દાદા આવું તો વર્ગમાં ઘણા બધાને ઘણા બધા કહે છે”

” વાઈફ એટલે જીવનસાથી જે લગ્ન થયા પછી મળે”

“દાદાજી-મને એક પ્રશ્ન થાય છે.”

“મને તારો પ્રશ્ન ખબર છે. “લગ્ન એટલે શું? બરોબર?”

” ના દાદા લગ્ન એટલે શું તે તો ખબર છે. પણ આ જીવનસાથી મેરી કેમ? એન્ડ્ર્યુ કેમ નહી?