મુખ્ય પૃષ્ઠ > Uncategorized > મારી વ્હીલચેરના ત્રણ પૈડાં:

મારી વ્હીલચેરના ત્રણ પૈડાં:

જાન્યુઆરી 9, 2015 Leave a comment Go to comments

Image
કેટલીય વાર સુધી હું બારીની બહાર નજર કરતી સુનમુન બેસી રહી બહારથી બહારથી બહુ શાંત લાગતી આંતરમનમાં જેમ મહાસાગરના પેટાળમાં સુનામી વખતે થતો હોય એવો ખળભળાટ ભરીને બેઠી હતી…..એક જૂની ઘટના યાદ આવતા મારા શ્વાસ અધ્ધર થતા ગયા અને સતત ચાલતા મનમાં એક જ પ્રકારના વિચારોનાં વાવાઝોડાની થપાટૉ મારા તન સાથે મન પણ અપંગ જેવું સ્થિતપ્રજ્ઞ બનાવી દીધું.મારી સહનશકિતની હદ પાર થઇ જતા હું અનાયાસે આક્રંદભરી ચીસ પાડી ઉઠી, “નીઇઇઇ…લા”!!!!!

મારી ગગનભેદી ચીસ સાંભળીને નીલા હાંફળી હાંફળી દોડી આવી અને હાંફતા સ્વરમાં બોલી “બેન શું થયું? કઈ જોઈએ તમારે? ”

માંડ મન અને જબાન પર કાબું કરીને બોલી,”નીલા,જલ્દી જઇને મારા માટે થોડું પાણી લાવ!.”

નીલા પાણી લઇને આવે એટલી પણ રાહ જોયા વગર મારી વ્હીલચેરને જાતે ઘક્કો મારતી નીચે બનાવેલા મારા નવા બેડરૂમમાં આવી ગઈ.
“આવું કરવાથી શું વિચારોના વાવાઝોડા પર કોઈ બ્રેક લાગવાની છે ખરી ?એ તો એકલતાનો મોકળૉ પટ્ટ જોતા બમણા વેગથી તૂટી પડે છે જાણે કોઈ ભૂખ્યું જંગલી જાનવર પોતાના શીકાર પર તૂટી પડે છે એ રીતે…અને
યાદ આવી ગયો એ દીવસે હું અસહાય શિકાર થઇ ગયેલા પ્રાણીની જેમ પડી હતી લોહી નીંગળતી હાલતમાં રસ્તા પર……તરફડીયા મારતી એક અર્ધમરેલ અવસ્થામાં !!!

એ ગોઝારો દિવસ સરસ મજાની સુગંધી સવાર લઇને ઉગ્યો હતો..મારા સુખી પરિવારને સવારને ચેતનવંતી બનાવવા એ દિવસે રોજની માફક સવારે ૬.૩૦નાં ટકોરે હું ઉઠી થઇ ગઈ હતી,અને નીલ અને નીકીને સ્કૂલે જવાની તૈયારીમાં પરોવાઈ ગઈ હતી.એ બંનેના રોજ સવારે ગરમ નાસ્તો ટીફીનમાં ભરી લઇ જવાની ટેવ પણ મે પાડી હતી અને હિમાંશુને પણ સાથે સાથે ગરમ નાસ્તો બનાવી આપતી તે વખતે બે હાથે કામ કરતા કરતા રોજ વિચારતી કે,”મારે ચાર હાથ હોત તો કેટલું સારું”!!

ફટાફટ બધાનું કામ હોશભેર પૂર્ણ કરી બધાને “બાય બાય ટાટા” કહી બધાની પ્રેમભરી નજરોને હૈયામાં કેદ કરી હું મારા તરફ વળીને મારી જાતને ઢંઢોળતી અને કહેતી ચાલો મહારાણી આ ઘરમાં હવે તમે એકલા છો…અને તમારા પર થોડું ધ્યાન આપો…અને રોજની ટેવ પ્રમાણે ઘરમાં પ્રવેશતા સામે વોશબેઝીન ઉપર લગાવેલા મિરરમાં મને જરા નિરખીને મારા રૂમ તરફ પ્રયાણ કરતી….

હું આળત્રીસી વટાવી ગઈ હોવા છતાય મારી તનમનની ફીટનેશના કારણે માંડ અઠિયાવીસની આજુબાજુ દેખાતી હતી ,હિમાંશુ મારા આ શરિર સૌષ્ઠ્વ ઉપર તો ઘેલા હતા, હું અરિસામાં જોઈ મુશ્કુરાઈ ઉઠી પછી મારા જાડા અને ઘટ્ટ વાળને ટાઇટ પોની બાંધી મારા જીમનાં ટ્રેક અને ટી-શર્ટ પહેરીને,કાનમાં ઇયરપ્લગ લગાડી મારા સેલફોનને હાથમા લઇને એક અલ્લડ મૂગ્ધકન્યાની જેમ જીમ જવાં નીકળતી.

અમારા નાનકડાં બંગલાથી થોડે દૂર રસ્તો ક્રોસ કરતા સાવ પાસે જીમ હતું. રોજ સવારે ત્યાં જવાનો મારો નિયમ અને નજીક હોવાથી ત્યાં ચાલીને જવાનું પસંદ કરતી.એ દિવસે બંગલાનો મેઇનેગેટ બંધ કરીને સેલફોનમાં પ્લેનું બટન દબાવીને ઇયરપ્લગ પર થોડૉ ભાર દઇને કાનમાં દબાવ્યા..હજુ તો અડધો રસ્તો ક્રોસ કર્યો ત્યા જ પૂરઝડપથી આવતા ટ્રકની ઠોકરે મને હવામાં ફંગોળી દીધી અને ટ્રક પળવારમાં પલાયન થઇ ગયો.

હું હવામાંથી ફંગોળાઇને ધડાકાભેર ડામરનાં રસ્તા પર પડી..જાણે મારા પગ કોઇ લોંખડી દિવાલ સાથે ધડાકાબેર અથડાયા હોય એવું લાગ્યું…થોડુ થોડું યાદ છે…મારૂં શરિર તરફડીયા મારતું હતું….મારા ટ્રેક અને ટી-શર્ટ પર લાલ રંગનાં લોહીનાં તાજા ધબ્બા હતાં..ને અચાનક મારી આંખો સામે અંધારા છવાતા ગયા…જાણે વેદનાની દેવી મારી આંખો પર પાટો બાંધવા આવી હોય….મારી આંખોની સામે દર્દની કાળાશ સિવાય કશું નહોતું…..અંતે તરફડીયા મારતું શરીર અર્ધમૃત અવસ્થામાં રસ્તા પર નિસ્ચેતન હાલતમાં ઢળી પડયું..

જ્યારે મારી આંખો ખુલી ત્યારે મારી નજર સામે મારા હૃદયના ત્રણેય ટૂકડાઓને જોઈને ચહેરા ઉપર સંતોષની આભા ફેલાઇ ગઇ.હું કશું બોલવા જાઉં એ પહેલા તો હિમાંશુએ મારા મો આડો હાથ દેતા બોલી ઉઠ્યા કે,”કશું બોલવાનું નથી કે કશું પુછવાનું નથી.તારે આરામની જરૂર છે અને હું હંમેશા તારી સાથે જ છુ અને તારી પાસે જ છું.”

હિમાંશુનાં આ શબ્દોનો સાચો અર્થ મોડેથી સમજાયો.જ્યારે જાણ્યું કે મારા શરીરના ઉપરના ચેતનામય અંગો સાથે મારા નિષ્પ્રાણ પગ સાથે કોઈ જીંવતતાનો વહેવાર ના હતો. એક જ શરીરનાં બે હિસ્સા કરી નાખ્યા હતા….અને બે હિસ્સા વચ્ચે હતી પંગુતાની મજબૂત દિવાલ હતી..શરિરની ઉપરના હિસ્સો હતો”ચેતન” અને નીચેનો હિસ્સો હતો”જડ” જાણે એક માનવિય વૃક્ષ જેવુ મારૂ અસ્તિત્વ બન્યું હતું..ઉપરનાં ભાગે લીલાછમ પાંદડાઓ અને નીચેના ભાગે રૂક્ષ નિર્જીવ જેવું થડ….આજે કુદરતની “જડ-ચેતન”ની વ્યાખ્યાનો સાચો અર્થ સમજાયો.

મારી આવી અવસ્થા જોઇને મનોમન છળી ઉઠી..શરિરનાં જે ભાગમાં ચેતનાનો સંચાર હતો ત્યાં ચામડી ખેંચાઇ આવી…બે હાથની મુઠ્ઠીઓ ભીડીને એક મોટી આક્રંદભરી ગગનભેદી ચીસ પાડી ઉઠી……હોસ્પીટલમાં મારા કમરાની અંદરનો શાંત માહોલ મારા આક્રંદભર્યા,હૈયાફાટ રૂદનની વેદનાઓથી ખળભળી ઉઠયો…કમરાની દિવારો મારી સામે હતી મારા જેવી લાચાર અવસ્થામાં..ચાલી ના શકે એવી હાલતમાં!!!!

પણ જેના ભાગ્યમાં પારાવાર વેદના લખી હોય એને કોણ મિથ્યા કરી શકવાનું હતું?થોડા દિવસ હોસ્પિટલમાં રહી,એ દિવસો દરમિયાન મારા દિલોદિમાગે અસહ્ય યાતના વેઠી..મારા જ બાળકો મને બહુ નિરાધાર અને અસહાય લાગતા હતા…ત્યારે મને લાગ્યું કે બસ આ જ મારી જિંદગીની સૌથી મોટી હાર છે!!!!

છેવટે ઘરે જવાનો દિવસ આવી ગયો…મારા માટે તદ્દન આધૂનિક વ્હીલચેર લેવામાં આવી….મારા 38માં જન્મદિવસે હિમાંશુ મારા માટે નવી કાર લઇ આવ્યા હતા,તેમાં મારા ગમતા જુહીના ફૂલોની માળાથી સજાવી હતી..

મારી વ્હિલચેરને જોઇને થયું કે,”તું જ મારી પંગૂતાનો સાચો પ્રાણ છે….તું છે તો મારે પગ વિના ઢસડાતા ઢસડાતા નહી ચાલવું પડે…

અમારો ઉપરના માળે ગોઠવાએલો સુંદર હવા-ઉજાસથી ભરેલો બેડરૂમ હવે નીચેના ગેસ્ટરૂમમાં આવી પરિવર્તિત થઇ ગયો અને હું આ નવેસરથી ગોઠવાતી જીવનધારા માં ચુપચાપ વહેતી હતી. બીજા દિવસની સવારે મારી આંખ દવાના ધેનમાં થોડી મોડી ખુલી અને જોયું તો હિમાંશુ હાથમાં ટાઈ લઈને આમ તેમ દોડાદોડી કરતા હતા અને બાળકોને જરૂરી સુચના આપ્યે જતા હતા. મને જાગેલી જોઈ હસીને બોલ્યા,”રીના,જો તારી માટે સરસ આદુ-ફૂદીનાવાળી ચા બનાવી લાવ્યો છું જે તે મને શીખવી હતી,અને સોરી ડીયર! હું ચાર દિવસ ઓફિસે જઈ શક્યો નથી તો આજે તો જવું પડશે પણ હું જલ્દી આવી જઈશ,અને હા,માલાને તારી માટે જ ખાસ કામ ઉપર રાખી છે અને એ સવારથી સાંજ સુધી અહીયાં રહેશે અને કામ કરશે,સાથે સાથે રસોઈ પણ માલા બનાવશે..બસ! હવે તારે હુકમ કરતા શીખી જવાનું છે.” આટલું કહીને મારા ગાલે એક મીઠું ચુંબન કરી ચાલતા થયા પણ હિમાંશુ અને મારા બાળકોની આંખોમાં ચમકતો વિષાદ હું કળી શકતી હતી…..એક માંનું હ્રદય ખરૂં ને…એને બાળકોની લાચારી જોઇને પારાવાર વેદના થાય છે…. અને હિમાંશુની અર્ધાગિની હોવાને નાતે એની મૂશ્કેલીમાં પણ હસતો રહેવાના સ્વભાવનોની પાછળનો સાચો ભાવ મારા સિવાય કોણ જાણી શકે?

હવે મારે મોટાભાગે માલા ઉપર આઘાર રાખવો પડતો હતો। સમય ઘીમી ગતિએ આગળ ધપતો હતો મારી માટે તો સમયનાં ચક્રો સાવ અટકી પડ્યા હતા.જેમ જેમ સમય દિવસો અને વરસોમાં રૂપાંતર થતો રહ્યો એમ બાળકો પોતાની દુનિયામાં ખૂંપવા લાગ્યા અને હિમાંશુ તેમના ઓફિસ વર્કમાં અને ટૂરમાં

આમ તો હું ઘરે જ રહેતી હતી પણ ત્યારે મારી પાસે કરવાના ઘણા કામ હતા ત્યારે પણ મારા કામ ફટાફટ પુરા કરી નાખતી…એટલે હિમાંશુ કહેતા કે તું તો આખો દિવસ નવરી જ હોય છે.

પણ હવે નવરાશનો નવો અધ્યાય શરૂ થયો….અને એ પણ એકલતાનાં પાના પર..કહે છે કે નવરૂ મગજ શેતાનનું ઘર હોય છે,માટે શેતાનથી બચવા માટે મેં મારા જૂના શોખ જે લેખન અને વાંચનનો હતો…એના ફરી હાથમાં લીધો..કારણકે એ શોખ પૂરો કરવા માટે ભગવાને સમજી વિચારીને મારા હાથ અને આંખ સલામત રાખ્યા હશે..

છતાય મારું આંતરિક મન એક અજબ ઉદાસીની ગર્તામાં ડૂબતું જતું હતું,મને સતત એવું લાગતું રહેતું કે કોઇ મારું નથી.કોઈને હવે મારી ચિંતા રર્હી નથી,બધા પોતપોતાની દુનિયામાં મસ્ત રહે છે.હું હવે આ ઘરમાં એક વ્હીલચેર બનીને રહી ગઈ છું મારું કોઈ મહત્વ નથી હું મારા જ માણસો માટે કઈ નથી કરી શકતી. મારી અપંગતા અને નિરાઘાર અવસ્થા મારા શારીરિક અને માનસિક ગઠબંધનને તોડતી જતી હતી.
રંગબેરંગી કાચનો મહેલ જાણે એકજ પથરાના ઘાથી તૂટીને પડ્યો હોય તેમ પળવારમાં મારો સંસાર જાણે બદસૂરત લાગવા માંડ્યો.
અમારી વચ્ચે મને એક પારદર્શક દીવાલ લાગવા માડી હતી. હવે હું મારા મનની વાત બધાને બહુ ઓછી કરતી હતી અને મારી આ અવ્યક્ત વ્યથાના કારણે કલમમાં એક તાકાત ઉમેરાતી જતી હતી….

જ્યારે પણ કોઈ મારા ઉપર સ્નેહથી હાથ ફેરવે ત્યારે મને એક દયાની ઝલક દેખાતી ….. જે મારા સ્વાભિમાનને ચકનાચૂર કરી નાખતી , આજ સ્વાભિમાન જ મારું જીવન જીવવાનું બળ હતું જેને હું સાચવી રાખવા માગતી હતી આ કારણોસર હું બધાથી દૂર રહેવા લાગી હતી. .

ક્યારેક હિમાંશુ મારી પાસે બેસીને મને પ્રેમ જતાવે ત્યારે એવું લાગતું કે જાણે મારી ઉપર દયા ખાય છે..સતત આવા વિચારોનો એકઠો થતો આક્રોશ મેં એક નવલકથાસ્વરૂપે કાગળો ઉપર ઠાલવવા માંડ્યો. હું માનતી હતી કે મારી આ નવલકથા તદન નવા સ્વરૂપે અને નવા ભાવો-અભાવોથી સ્મૃતિ સ્વરૂપે પ્રસ્તૂત થશે.બસ,એ બળુકા ખ્યાલો સાથે હું લેખનકાર્યમાં ગળાડૂબ થઇ ગઇ.હવે મારો મોટાભાગનો સમય લેખનકાર્ય પાછળ ખર્ચાય જતો હતો. ,મારા લેખનકાર્ય દરમિયાન હિમાંશુની વ્યસ્તતામાં વધારો થતો ગયો
ઘરમાં બધાનાં રહેતે હું મજબૂત હોવાનો દાવો કરતી પરંત એકાંત મળતા “હું પદ “છોડી જાત માંથી બહાર આવી જતી ,
વ્હીલચેરને ઢસેડતી બારી પાસે આવી બેસતી અને વેદના ભરપુર દ્રષ્ટીએ અનંતમાં તાક્યા કરતી ,એક વખત હતો મારું આ ઘર મારું સ્વર્ગ હતું જે આજે એક કેદખાનું લાગતું હતું ,આ ઘરની સજીવ નિર્જીવ બધી વસ્તુઓને મારી જરૂર હતી જ્યારે લાગે છે આજે કોઈને મારી જરૂર નથી ,બની સકે આ મારા નવરા મગજની વહેમ હોય

આજે આખો દિવસના મનોમંથન બાદ વિચાર્યું કે હું એક પત્ની બની હિમાંશુની શારીરિક જરૂરિયાતો સંતોષી સકવા શક્તિમાન નથી પરંતુ સાચી સહચારિણી બની તેમની માનસિક જરૂરીયાત તો પૂરી કરી શકું તેમ છું વિચારી હું તેમની પાસે પહોચી એ લેપટોપ ઉપર કઈક કરી રહ્યા હતા અને હું અચાનક વ્હીલચેર ઢસેડતી હિમાંશુની નજીક ગઈ ત્યાં તો તેમણે ફટાફટ લેપટોપ બંધ કરી દીધું, આવું પહેલા ક્યારેય કરતા નહોતા!

આ પ્રકારની થતી કડવી અનુભૂતિઓને કારણે મારા મનમાં કડવાશ વધતી ચાલી ,હું પણ હવે મારા કામ જાતે કરવાનો પ્રયત્ન કરતી,છતાં પણ જ્યારે કૌટુંબિક પ્રસંગોમાં તે એકલા જતા તો મનમાં એક ઊંડી લકીર ખેચાઈ જતી.આમતો તે મને કહેતા પરંતુ હું જાતેજ ના કહી દેતી છતાય તે જ્યારે તો નાં જાણે કેમ હું નાખુશ થઇ જતી મારી મનોસ્થિતિ મને જ હવે સ્વસ્થ નહોતી લાગતી

છતા પણ મારી નજર હિમાંશુ અને બાળકો ઉપર તો રહેતી જ હતી.આજકાલ હીંમાશુ મોડા ઘરે આવતા અને ક્યારેક શંકાસ્પદ વર્તન પણ કરતા.જે મારી માટે વજ્રઘાત સમાન પુરવાર થતું

એવામાં એક દિવસ સાંજે તેમની સાથે એક ચબરાક અને બ્યુટીફૂલ લાગતી એક યુવતીએ મારા ઘરમાં પ્રવેશ કર્યો ,દેખાવમાં જેટલી સુંદર હતી તેટલું જ એનું વ્યક્તિત્વ પણ ચુંબકીય હતું.આવતાની સાથે મને એને એનો પરિચય આપ્યો,”હલ્લો મીસીસ હિમાંશુ! આઈ એમ લીના”……

લીના આગળ બોલે એ પહેલા હિમાંશુ બોલી ઉઠ્યા,લીના મારી સાથે કામ કરે છે એક ઉત્તમ કક્ષાની આર્કિટેક છે. તને મળવાની લીનાની ઈચ્છા હતી માટે તને મળવા માટે સાથે તેડી આવ્યો છુ.તમે બંને બેસીને વાતો કરો ત્યાં સુધી હું ચા-નાસ્તાની વ્યવસ્થા કરાવીને આવું છું.”

ચા નાસ્તાને ન્યાય આપ્યા બાદ લીનાએ મારી સાથે ઘણી વાતો કરી.મારી પસંદ-નાપસંદ વિશે વારે વારે જાણવાનો પ્રયત્ન કરતી મને કંઈક અજુગતું લાગતું હતું છતા પણ મેં સામે ચાલીને મારા શોખ,મારી ટેવ અને ખાસ કરી મારી નવી આવનારી નોવેલ વિશે પહેલેથી જ અભિમાની થઇ તારીફના પૂલ બાંધ્યા.કદાચ મારે તેને બતાવવું હતું હું પણ બઘાથી કઈ કમ નથી! હું શરિરથી અપંગ થઇ છું પરંતુ મનથી બુઘ્ઘીથી તમારા બધાની હરોળમાં છું …..

લીનાના ગયા પછી જાણે કે મારામાં પરિવર્તન આવી ગયું ,હવે હું ખાસ દુઃખી થતી નહોતી મારામાં એક મક્કમતા ઘર કરી ગઈ હતી
હવે મારું મન વધુને વધુ ખાટું થતું ગયું.છેવટે મેં એક નિર્ણય લઇ લીધો કે આમ પણ છોકરાઓ હવે મોટા થઇ ગયા છે તે મારી મદદ વગર જીવતા શીખી રહ્યા છે અને તેમના ડેડી તેમને બહુ પ્રેમ કરે છે તો મારે તેમની ચિંતા કરવાનો અર્થ નથી રહેતો.અને હીંમાશુની મને વધુ ચિંતા રહેતી પણ હાલનું એનું વર્તન જોતા એમ લાગે છે કે એમને તો મારી જરૂર જ નથી,સતત એવો અહેસાસ રહેતો કે હિમાંશુ હવે ઉડીને ક્યાંક નવી ડાળ ઉપર બેસવાની તૈયારીમાં છે..
તો પછી મારે જાતે જ હીમાંશુનાણ્ ખુશીના માર્ગમાંથી ખસી જવું જોઈએ।

પછી વિચાર આવ્યો કે,મારી નોવેલનું કામ પૂરું થઇ જાય પછી તરત હું હિમાંશુને ડિવોર્સ પેપર પર જાતે સહી કરીને આપીશ.બસ હવે પરાણે જીવવું બહુ થયું.છેવટે એ દિવસ આવી ગયો મારી બૂકનું આવતી કાલે વિમોચન હતું,અને એ પ્રસંગે હિમાંશુએ શહેરનાં આગેવાનો અને વિદ્વાનો અને આગળ પડતા સાહિત્યકારોને આમંત્રણ આપ્યા હતાં..અને સાથે ડીનર પણ રાખ્યું હતુ…અને હું એમ સમજતી કે મને કશી ઓછપ ના આવે એટલે હીંમાશું આવું કરતા હશે.ત્યારે મનમાં ખૂશી કરતા ગમ વધારે છલકાતો હતો અને વિના કારણે આંખ ભીની થઇ આવતી હતી.

પ્રોગ્રામ સાંજે હતો પણ સવારે ચાના ટેબલ ઉપર હિમાંશુંએ કહ્યું,” આજે આપણે ચાર બહાર એક કામ માટે સાથે જવાનું છે તો બધા ફટાફટ તૈયાર થઇ જાઓ અને જલદી નીકળીએ’’!!!!

મેં હીમાંશુને પૂછ્યું,”આપણે ક્યા જવાનું છે?

એને જવાબ આપવામાં થોડી વાર લગાડી એટલે મારી વાત આગળ વધારતા કહ્યું, “મારે થોડું કામ પતાવવું છે માટે તમે લોકો જઈ આવો.

મારી વાત હિમાંશુએ માની નહી અને કહ્યું”તું સાથે ચાલ બહુ વાર નહી લાગે.”
અને મને પરાણે વ્હીલચેર સાથે તેમની વેનમાં બેસાડી દીધી, મારા આ ભયાનક એકસિડન્ટ પછી તેમને આ પ્રકારની નવી વેન(કાર)તૈયાર કરાવી હતી જેમાં પાછળનાં દરવાજે એક ઢાંળ વાળું પાટિયું રહેતું જ્યાં સહેલાઇથી મારી ચેર ગોઠવાઈ જતી.બસ હવે હું બહુ ઓછુ બહાર જતી પણ ક્યારેક જતી તો આ સહુલીયત સારી રહેતી.અમે લગભગ પાંચ કી.મી.જેટલું અંતર કાપ્યું ત્યા તો કાર એક સુંદર એક માળિયા બંગલા પાસે આવીને અટકી ગઇ.બહાર મજાનો ફૂલોથી લચકતો બગીચો હતો.નાના મોટાં સુંદર મઝાનાં કુંડા અને તેમાં ભાતભાતના છોડ ઉગાડેલા હતાં,

એક બાજુ મારા ગમતા મોગરાના ફૂલોનો આખો ક્યારો હતો દુર ખુણામાં પારિજાત હસતો હતો જૂહીનો માંડવો , આગળના ભાગમાં આરસનું નાનું કોફી ટેબલ પાસે નાનો ફૂવારો બિલકુલ મારા સ્વપ્ના જેવો જ !!!!
બાગમાં નાનકડી વાંકીચૂકી પથ્થરો ગોઠવીને પગદંડીઓ બનાવેલી હતી ,જ્યાં મારી વ્હીલચેર આરામથી ફરતી હતી .બાજુમાં ક્યારાઓમાં રંગબેરંગી ડહેલીયાના હસતા ફૂલો ડોલી રહ્યા હતા ,હું મારા એકસીડન્ટ પહેલાનાં કેટલાય વખતથી હિમાંશુને કહી રહી હતી કે ચાલોને આપણે બંગલાની આજુબાજુના બગીચામાં થોડું સમારકામ કરાવી લઈએ કારણ નાનપણથી મને ફૂલછોડ સાથે બહુ લગાવ હતો ..

આ બધું જોતા હું વિચારોમાં ગરકાવ બની ગઈ મને ખ્યાલ પણ નાં રહ્યોકે બધા મને એકલી મુકીને અંદર ચાલ્યા ગયા છે। ..હું પહેલેથી માનતી કે ફૂલ છોડમાં જીવ છે તે પણ પ્રેમન, સંગીતના ભૂખ્યા હોય છે અને આજ કારણોસર હું ક્યારેક તેમની સાથે વાતો કરતી બગીચામાં બેસી ગીતો ગાતી પરતું હવે આ બધું શક્ય નહોતું કારણ હવે હું કોઈની સહાયતા વગર ક્યાય જઈ શકતી નહોતી। … મારી આ અસહાયતા યાદ આવતા હું વિચાર તંદ્રામાંથી બહાર આવી આજુબાજુ નજર દોડાવી તો કોઈ નહોતું

હું જાતે વ્હીલચેર લઇ આગળ વધી નીલ અને નીકી તો હિમાંશું અને મારી પરવા કર્યા વગર ફટાફટ પગથીયા ચડી અને બારણાનું તાળું ખોલી અંદર ચાલ્યા ગયા.

હું વિચાર માં પડી ગઈ હવે અંદર કેવી રીતે જવું ત્યાતો બહુ સહેલી ઢાળ વાળો રસ્તો છેક બારણાં સુધી જતા જોયો અને હું પણ આપોઆપ ખેચાઇ ગઈ અને અંદર સુધી પહોચી ગઇ. અંદર જતા બધા જાણે અલોપ થઇ ગયા હતા.હું જાતે જ કુતૂહલવશ બધે ફરી વળી….

મને વિચાર આવ્યો કે,”વાહ કેવું આધુનિક રસોડુ બધુ જ હાથવગુ પણ કંઈક અલગ બનાવટ હતી હોય તેના કરતા નીચું પ્લેટફોર્મ નીચું સિન્ક બધુજ જાણે ખાસ હતું નીચા કેબીનેટ ડ્રોઅર જાણે બેઠાં બેઠાં બધું કામ થાય .છેવટે હું નીચે આવેલી બધી ઓરડામાં ફરી વળી એક શાનદાર બેડરૂમ જ્યાં બારીમાંથી બહાર દેખાતો આખો બગીચો બારી ઉપર મારા ગમતા પર્પલ અને ગોલ્ડન પડદા.મઝાનો મોટો ફૂલ સાઈઝ નો મિરર બધુ જ મારું ગમતું અને બહુ સહુલિયતવાળું ….

ત્યા તો મારા કાળજાના ત્રણ ટુકડા ત્યાં હસતા હસતા મારી સામે આવ્યા.હીંમાશુએ મારા માથે સ્નેહથી હાથ મૂકી ને પૂછ્યું “રીના આ તારું ઘર ગમ્યું તને ? ”

હું કઈ પણ બોલું તે પહેલા ત્રણેય બોલી ઉઠ્યા “બસ હવે બહુ થયું, અહી રહેવા આવીએ એટલે તું તારી જવાબદારી સંભાળી લે,આમ સવાર સવારમા રોજ દોડાદોડી અમને નથી ફાવતી ! ”

મારા તો હોઠ ક્યારના ચૂપ હતા બસ આંખો બોલતી “કેટલો પ્રેમ અને હું ક્યાંથી ક્યા સુધીનું વિચારી આવી?” મેં તેમનો હાથ મજબૂતાઈથી પકડી લીધો !!!

બધી જ દ્વિધા અને વ્યથા ઝાંખા થઇ એકબીજામાં વિલીન થઇ રેખાહીન થતા ચાલ્યા અને તેમની જગ્યાએ હૂંફાળું પ્રેમભર્યું સ્મિત ગોઠવાતું આવ્યું…
મારો વિખરાએલો સંસાર ફરીથી પહેલા કરતા મજબુત બની મને વિટાઈ વળ્યો

હવે હું અને મારું ૬.૩૦નું સવારનું એલાર્મ …….અને મારા માનસિક વિચારોને કારણે મારાથી દૂર થયેલો મારો સંસાર ફરીથી મારા હાથમાં!!!!!!

રેખા વિનોદ પટેલ (વિનોદિની )
ડેલાવર, usa

Advertisements
Categories: Uncategorized
 1. Vidyut Trivedi
  જાન્યુઆરી 12, 2015 પર 9:59 એ એમ (am)

  Really very heart touching story. End is like Vivah Cinema. An young Boy accepts his wife 100% burnt as she is. Very few people are there in this world like your husband Himanshu. If it is true I salute him.

 2. જાન્યુઆરી 29, 2015 પર 1:21 એ એમ (am)

  આવું પણ આયખે બને!…ચરમ સીમા…માનવીય સ્પંદનની…જકડી રાખતી વાર્તા.

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. એપ્રિલ 7, 2015 પર 8:10 એ એમ (am)

  very emotional!!! thanks for sharing

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: