મુખ્ય પૃષ્ઠ > માહિતી, સાહિત્ય જગત, Received Email > વિદેશ વસતાં ગુજરાતી મા-બાપોને એક પત્ર-સુમન શાહ

વિદેશ વસતાં ગુજરાતી મા-બાપોને એક પત્ર-સુમન શાહ

જાન્યુઆરી 16, 2012 Leave a comment Go to comments

સ્નેહીશ્રી :

    હું સુમન શાહ. એક અગત્યના પ્રસ્તાવ રૂપે તમને સમ્બોધી રહ્યો છું.

હું અમે તમે ગુજરાતીઓ છીએ. અનેકાનેક ગુજરાતીઓ વિદેશ વસે છે. વિદેશ-વસવાટના લાભ તો ઘણા છે, સૌ જાણે છે. પણ લાભીએ તેની સાથે ને સાથે એક નુક્સાન પણ ચાલુ થઇ જતું હોય છે. એ નુક્સાન તે માતૃભાષાનું વિસ્મરણ. ગુજરાતીઓ પ્રારમ્ભે આફ્રિકા જઇ વસ્યા, પછી આજે ઇન્ગ્લૅન્ડમાં અને સવિશેષે અમેરિકામાં વસ્યા છે. હવે આપણે ઑસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલૅન્ડમાં પણ વસવા લાગ્યા છીએ. આ સઘળા વિદેશ-વસવાટ દરમ્યાન ગુજરાતી બોલવાનું, વાંચવાનું અને લખવાનું ઓછાથી ઓછું થયા કર્યું છે. માતૃભાષા, એટલે કે બા-ની ભાષા, ગુજરાતી, ક્રમે ક્રમે ભુલાતી રહી છે. મા-બાપો ભૂલી રહ્યાં છે એ તો ખરું જ, પણ સન્તાનો ભૂલી રહ્યાં છે. સન્તાનો ભૂલી રહ્યાં છે એ હકીકત વધારે ચિન્તાકારક છે. એ પર જેટલું ધ્યાન આપીએ એટલું ઓછું છે.

આપણને ખબર ન પડે એ રીતે નુક્સાનની શરૂઆત થતી હોય છે. જરા યાદ કરી લઇએ :

ઘર બહાર ગુજરાતી બોલતા બંધ થઇ જઇએ, કેમકે જરૂર પડતી ન હોય. કહો કે અંગ્રેજી જ બોલવું પડે. કાં સારું, ઓછું સારું, અથવા, જેવું આવડે એવું. ઘરમાં ગુજરાતી બોલીએ, પણ પત્ની સાથે કે બા-બાપુજી સાથે. બાળકો સાથે બોલવા જઇએ, પણ થોડી જ વારમાં અંગ્રેજીમાં આવી જઇએ. અરે, એમની જોડે જેટલું કંઇ ગુજરાતી બોલીએ, લાગે ગુજરાતી, બાકી એમાં દરેક બીજો કે ત્રીજો શબ્દ અંગ્રેજી હોય. એમની જોડેનો વ્યવહાર એવી ખીચડિયા ગુજરાતીમાં ચાલે. કેમકે બીજો રસ્તો નહીં. સારું; જરા તપાસીએ, સન્તાન ગુજરાતી બોલે છે ? કેટલું ? કેવું ? કે પછી, બોલતું જ નથી ? ઉત્તર માટે રાહ જોવાની જરૂર નથી કેમકે સૌને ખબર છે કે એ બોલતું જ નથી, ને બોલે છે ત્યારે કેવું બોલે છે. અલબત્ત, ઇન્ગ્લૅન્ડ-અમેરિકામાં ચોખ્ખું ગુજરાતી બોલતાં કોઇ કોઇ સન્તાનો મેં ક્યારેક જોયાં છે. પણ એને તો અપવાદ કહેવાય, ઍક્સેપ્શન ! 

વિદેશમાં ઘર બહાર ગુજરાતી વાંચવા જવલ્લે જ મળે એ સ્વાભાવિક છે. ઘરમાં ? મળે. તારીખિયું, પંચાંગ, ઇન્ડિયાથી આવેલી કંકોતરી, ફુઆનો તબિયતના સમાચારની વીગતોભર્યો કાગળ, કોઇ દૈનિક છાપું. કોઇ મૅગેઝીન. કે ઇન્ડિયાથી આવ્યા ત્યારે જો લાવ્યા હોઇએ તો ‘ભગવદ્ ગીતા’નો અનુવાદ, સંક્ષિપ્ત ‘રામાયણ’ કે ‘આશ્રમ ભજનાવલી’. વાસ્તવિકતા એ છે કે વિદેશમાં સન્તાનો ભણીગણીને તૈયાર થાય, તેમની કારકિર્દી બને, એ માટેની મા-બાપોની વ્યસ્તતા દિવસે દિવસે એટલી બધી વધતી ચાલે છે કે આમાંનું કશું તેઓ ભાગ્યેજ વાંચી શકે છે. ગુજરાતી વાચનને માટેનો એમનો બાકી બચ્યો રસ સૂકાઇ જાય છે. સારું; જરા તપાસીએ, સન્તાન ગુજરાતી વાંચે છે ? સવાલ અસ્થાને છે. કેમકે એમને કક્કો જ નથી આવડતો ! એમના માટે ગુજરાતી અક્ષરો, જાણે દોડતા મંકોડા  !

ભલે; મા-બાપો ગુજરાતી લખે છે ક્યારે ? અગાઉ બૅળે કરીને પણ લખતા. અમેરિકન કે ઇન્ગ્લિશ ટિકિટો ચૉડીને મામાને પત્રનો જવાબ લખી મોકલતા’તા. પેન કે બોલપેન વાપરતા. પછી ? છેલ્લા બે દાયકામાં સંદેશાવ્યવહાર બાબતે ધરખમ ફેરફારો થયા. ફોન-ફૅસેલિટી સસ્તાથી સસ્તી થવા માંડી, કમ્પ્યૂટર આવ્યાં, ઇન્ટરનેટ ને સેલફોન આવ્યાં. પત્ર લખવાનું રહ્યું જ નહીં. ગુજરાતીમાં લખવાનું તો ક્યાંય હડસેલાઇ ગયું. ઘણાંને યાદ નથી કે છેલ્લે પોતે ગુજરાતીમાં કેટલું અને ક્યારે લખેલું. કદાચ તેઓ પણ કક્કો વીસરી ગયાં છે. ઘણાને પોતાના મોતીના દાણા જેવા, કે ગાંધીજીના હતા તેવા, હસ્તાક્ષર પણ ભુલાઇ ગયા છે! આ સંજોગો વચ્ચે, દેખીતું છે કે સન્તાનો ગુજરાતી લખે એ વાત તો સાવ અશક્ય !

ઘણાં માબાપો એવી દલીલ કરતાં હોય છે કે અમારે ગુજરાતી બોલવાની કે વાંચવા-લખવાની જરૂર જ નથી રહી. સન્તાનોને પણ એવી કશી જરૂર હોતી નથી. વાત સાચી છે. પણ હું ઇચ્છું કે જરૂરિયાતોથી દોરવાયા કરતી એ જીવનશૈલીમાં, એ લાઇફ-સ્ટાઇલમાં, સન્તાનો માટે ‘માતૃભાષા ગુજરાતી’ નામની એક વધારાની જરૂરિયાતને આપણે આપણા તરફથી ઉમેરીએ. પ્રેમથી ઉમેરીએ. અને ત્યારે, એને જરૂરિયાત ન ગણીએ, કર્તવ્ય ગણીએ. હું માનું છું, વાત જરાય અઘરી નથી. વિદેશ-વસાવટ દરમ્યાન જો જાતભાતનો વહીવટ કરી શકાય છે, તો આમાં તો શી તકલીફ ?

બાકી, માતૃભાષાનું વિસ્મરણ, સમજીએ તો, મહા મોટું નુક્સાન છે. કેમકે નુક્સાનનો એ આંકડો સન્તાનો લગી પહોંચે છે ત્યારે ઘણો મોટો થઇ ગયો હોય છે. સન્તાનો સ્પૅનિશ શીખે, બેઝબૉલ રમતાં કે વાયોલીન વગાડતાં શીખે, પણ ગુજરાતી ? દીકરો ઑન્કોલૉજિસ્ટ થયો હોય કે દીકરી લૉયર, પણ ગુજરાતી જાણતાં ન હોય ! સોનાની થાળીમાં લોઢાની મેખ ! એક ઇલાજ ચલણમાં છે : અંગ્રેજી અનુવાદોથી કામ ચલાવી લેવું. સન્તાનો ગાંધીજીની ‘આત્મકથા’નો અંગ્રેજી અનુવાદ વાંચી લે. અંગ્રેજી સબ-ટાઇટલવાળી ડીવીડીમાં હનુમાનજી, ગણેશ કે ‘મહાભારત’ સીરિયલના કૃષ્ણને જોઇ લે. વગેરે. ડૂબતા માણસને તરણું પણ વહાલું લાગે એવી વાત. એવું નહીં કે આપણે અવળા હાથે કાન પકડવા નીકળ્યા ? ઇલાજ થોડો કારગત તો નીવડે, પણ ક્યાં લગી ?  અમુક વખત પછી આ વાયા અંગ્રેજીવાળો રસ્તો પણ ભુલાઇ જતો હોય છે.

આમ પ્રશ્ન ચોફેરથી એવો મુશ્કેલ રહે છે કે જેની આગળ સૌ લાચાર થઇ જતાં હોય છે. સન્તાનોને ગુજરાતી આવડતું નથી એ વાતે, એમને શીખવવાનો કોઇ સરળ માર્ગ જડતો નથી એ વાતે, મા-બાપો દુ:ખી રહે છે, પણ છેવટે, મને કમને, આખા પ્રશ્નને અભરાઇએ ચડાવી દે છે. વિદેશી સરકારો શાળા કક્ષાએ ગુજરાતી દાખલ કરે એ માટેના અનેક પ્રયાસો કેટલાક સુજ્ઞ ગુજરાતીઓએ કરેલા છે, પણઆપણે  જાણીએ છીએ કે એમાં આપણને ધારી સફળતા નથી મળી. એ રીતે પણ પ્રશ્ન ખાડે ગયેલો છે.માતૃભાષાના વિસ્મરણનો આ પ્રશ્ન મુમ્બઇ, ચેન્નાઇ, કૉલકતા, દિલ્હી, જયપુર કે બૅન્ગલૂરમાં વસતાં ગુજરાતી કુટુમ્બોને પણ ઠીક ઠીક સતાવી રહ્યો છે. સન્તાનો ત્યાં પણ બા-ની ભાષા ભૂલી રહ્યાં છે.સાહિત્યકારો સતત જોઇ રહ્યા છે કે ગુજરાતી ભાષા ગુજરાતમાં જ મરી રહી છે ! વિદેશની તો વાત જ શી !

બા-ની ભાષા, મારી ભાષા અમારા આ શૈક્ષણિક સાહસનું શ્રદ્ધાપૂર્વકનું નામ છે. અમે ઝંખીએ છીએ કે વિદેશમાં ઊછરી રહેલાં સન્તાનો માતૃભાષા શીખે. મારો દાવો છે કે શીખવા ચાહે તો હું પાકા પાયે શીખવી શકું. એને બોલતાં, વાંચતાં ને લખતાં આવડી જાય. બા-ની ભાષાને એ પોતાની ભાષા બનાવી શકે. એ વિશ્વાસથી કહી શકે, બા-ની ભાષા, મારી ભાષા. માય લૅન્ગ્વેજ, મધર્સ લૅન્ગ્વેજ. માતા-પિતા દાદા-દાદી મામા-મામી કે કાકા-કાકીને, પોતાનાં ગ્રાહકોને દર્દીઓને કે પોતાનાં ક્લાયન્ટ્સને, ગુજરાતી ભાષામાં સમજી શકે અને તેમને સૌને પોતાની વાત પણ સારી રીતે સમજાવી શકે. પાકટ વયે પોતાની જાતને ગુજરાતી-ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિ સાથે જોડી દઇ શકે. બને કે એ પોતે ગુજરાતીમાં કાવ્ય કે વાર્તા લખે. સાહિત્યકારમાં ગણાય. પત્રકારત્વ કરે. વિચારક કે ચિન્તકમાં ગણાય. મને શ્રદ્ધા છે કે બા-ની ભાષા, મારી ભાષા-થી તાલીમ પામેલું સન્તાન પોતાના વિષયમાં અને કાર્યક્ષેત્રમાં સૌથી જુદું પડી આવે. એનો પ્રગતિપંથ વધારે સરળ બન્યો હોય. સન્તાનો પશ્ચિમના પ્રગતિશીલ વાતાવરણ સાથે, પરાયા સમાજ સાથે, મેળમાં રહેવા જતાં, દેશ માતૃભાષા કે ગુજરાતી સમાજથી છેટાં પડી જાય છે. ખાસ પ્રકારનો અલગાવ અનુભવે છે. એ અલગાવને દૂર કરવાનો એક ઉપાય તે અમારું આ અભિયાન, બા-ની ભાષા, મારી ભાષા. વિદેશ-વસવાટ દરમ્યાન મા-બાપો આજે જે વતનઝૂરાપો અનુભવે છે તેના નાશને માટેનો પણ એક ઉપાય તે માતૃભાષાનું પુન:સ્મરણ. તે માટેનું એક સાધન તે અમારું આ અભિયાન, બા-ની ભાષા, મારી ભાષા. ૨૧મી સદીના પ્રારમ્ભથી શરૂ થયેલી મોટી ઘટના ગ્લોબલિઝેશન છે, વૈશ્વિકી કરણ. પરાયા મુલકમાં પરાયાં વચ્ચે રહીને પણ સ્વજનો સાથે, સ્વભાષા સાથે, સ્વસમાજ કે સ્વભૂમિ સાથે આગવો અનુબન્ધ ઊભો કરવાનો સમય છે આ. એ દિશામાં ભાષાની અને તેમાંયે માતૃભાષાની શી ભૂમિકા હોઇ શકે એ સમજાય તેવું છે.

જે પ્રજા માતૃભાષા ભૂલી જાય છે તેની સંસ્કૃતિ, તેનું સાહિત્ય,તેનાં ધરમકરમ, બધું નષ્ટભ્રષ્ટ થવા લાગે છે. ભાષા બંધ થઇ જતાં જાણીતું બધું બંધ થઇ જાય છે –જાણે માણસ આંધળો ! જતે દિવસે એ પ્રજા પણ નામશેષ થઇ જાય છે. આ વાતમાં સત્ય ઘણું છે છતાં તેથી ભડકીને ભાગી જવાની જરૂર નથી. જરૂર એ છે કે મા-બાપો આ પ્રશ્ન અંગે ચેતે, ઉકેલ માટે તેમનામાં નિશ્ચય પ્રગટે, સન્તાનોમાં તેઓ આ શિક્ષણને માટેની એક ઇચ્છા જગાડે, ડીઝાયર. મને ઉમેરવા દો કે ભાષા ખૂલતાં બંધ બધું જ ખૂલી જાય છે, જાણીતું વધારે જાણીતું થઇ જાય છે -જાણે માણસને ત્રીજું નેત્ર સાંપડ્યું ! આભાર.      આ પત્રનો હેતુ હાલ તો તમારી સાથે સેતુ બાંધવો એટલો જ છે. આ પત્રને અંગ્રેજીમાં પણ મૂકી શકાય. પણ એમ અમે જાણી કરીને નથી કર્યું. અમને વિશ્વાસ છે કે તમે આટલું ગુજરાતી તો જરૂર જાણો છો. જરૂર જણાય તો જાણકાર સ્વજનની મદદ મેળવી શકો એમ પણ છે. તમારો પ્રતિભાવ મળ્યેથી તમારો ફરીથી સમ્પર્ક કરીશું.તમારું કોઇ સૂચન હોય તો ચાર-પાંચ લીટીમાં જણાવશો. એ અંગ્રેજીમાં હશે તો પણ આવકાર્ય છે. એ માટે ઇ-મેઇલ કરવા વિનન્તી છે : suman.g.shah@gmail.com

-સ-સ્નેહ, સુમન શાહ   (રવિવાર, જાન્યુઆરી ૧૫, ૨૦૧૨)

મિત્રો,

હું અતુલ રાવલ. પ્રો. ડૉ. સુમન શાહનો પરિચય કરાવું :

ગુજરાતી સાહિત્યવિવેચનક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનારા સમકાલીનો આજે આંગળીના વેઢે ગણાય એટલા છે. તેમાં ડૉ. સુમન શાહ એક મોખરાનું નામ છે. વર્ષોથી હું તેમનાં વિવેચન, અધ્યાપન અને સર્જનકાર્યને પ્રેમ અને આદરથી જોતો આવ્યો છું. એમની ૪૨ વર્ષની કારકિર્દીમાં એમણે બી.એ. અને એમ.એ.માં નિરન્તર ભણાવ્યું છે. એમ. ફિલ. અને પીએચ.ડી.ના અનેક વિદ્યાર્થીઓના માર્ગદર્શક હતા. આજે એમના વિદ્યાર્થીઓના વિદ્યાર્થીઓ અધ્યાપકો છે. આ આજીવન શિક્ષકને હવે વિદેશ વસતાં સન્તાનોને કક્કો બારાખડીથી માંડીને ગુજરાતી કેમ બોલાય, વંચાય અને લખાય તેની ભલે પ્રાથમિક કક્ષાની પણ પાકી સમજ આપવી છે. આ મહત્ત્વના કામ માટે સમય આપવો છે. આ ઘટનાને હું આપણી પેઢીનું અને ગુજરાતી ભાષાનું બહુ મોટું સદ્ભાગ્ય માનું છું. ઉપરના પત્રમાં તેમની વિદ્વત્તા, માતૃભાષા માટેની ભરપૂર નિસબત, ચિંતા અને જહેમત પણ સુજ્ઞોને દેખાયા વિના નહીં રહે. આપણે એક એવા સમયમાંથી પસાર થઇ રહ્યાં છીએ, જેમાં આપણે આપણી પોતાની ગુજરાતી ભાષાથી, માતૃભાષાથી, દૂર અને દૂર થતાં જઈએ છીએ. આપણા વાંચવા, લખવા, જોવા, સાંભળવા અને હવે તો વિચારવામાંથી પણ ગુજરાતી ભાષા હાંસિયામાં ધકેલાઇ રહી છે. આપણી ગુજરાતી ભાષાનો સમૃદ્ધ સાહિત્ય અને સંસ્કાર વારસો આપણી આગળ પડ્યો છે, પણ આપણા વારસદારો એનાથી સાવ અજાણ અને વંચિત છે. વિસ્મૃત થતી ભાષાને ફરી એક વાર દૃઢ કરવાને માટેના સુમનભાઈના આ પ્રસ્તાવને હું બિરદાવું છું અને આશા કરું છું કે  આપ સૌ એને વધાવી લેશો. આભાર.

‘બા-ની ભાષા, મારી ભાષા’ અંગેની જરૂરી વીગતો આ પ્રમાણે છે: આ ભાષાશિક્ષણ સાવ પાયાનું છે, પ્રાથમિક, અને ૬ વર્ષથી માંડીને ૧૦ વર્ષનાં દીકરા-દીકરીઓ માટે છે. શીખવશે સુમન શાહ. જરૂર પડતાં સહાયકોની જોગવાઈ પણ કરાશે. વર્ષનાં બે સત્ર હશે. દર અઠવાડિયે ૩૫ મિનિટનો ઑનલાઈન વર્ગ હશે. એમાં કેટલીક મિનિટો વિદ્યાર્થીઓ સાથે એમના પ્રશ્નોના ઉત્તરો માટે ફાળવવામાં આવી હશે. વર્ગ, માત્ર શ્રાવ્ય હશે, ઓન્લી ઓડિયો. પણ એમાં વિદ્યાર્થીના કમ્પ્યૂટર ઉપર વ્હાઈટ બૉર્ડની વ્યવસ્થા હશે. વિદ્યાર્થીએ ઈન્ટરનેટ પર પોતાના કમ્પ્યૂટરને ઑનલાઈન ક્લાસરૂમ ગણીને ભણવું રહેશે. વાર, સમય અને સત્રનું ટાઈમટેબલ પહેલેથી આપી દેવાશે. દરેક વર્ગમાં ત્રણ બાબતો ઉપર ધ્યાન અપાશે: ગુજરાતી કેમ બોલાય, લખાય, તેમજ વંચાય. વિદ્યાર્થીએ ઈન્ટરનેટ પર પોતાના કમ્પ્યૂટરને ઑનલાઈન ક્લાસરૂમ ગણીને ભણવું રહેશે. ફી માફકસરની હશે. ઓછામાં ઓછા ૧૦૦ વિદ્યાર્થીઓ રજીસ્ટર થયેથી આ અભિયાનનો પ્રારમ્ભ કરાશે. ટૅક્નિકલ કે જરૂરિયાત મુજબના ફેરફાર કરવા પડશે તો કરીશું.

 

 

ભારતમાં વસતાં મિત્રોને વિનંતી કે આ ઇમેલ વિદેશ વસતાં પોતાનાં સ્વજનો અને સંબંધીઓને મોકલી આપે.

આપનો પ્રતિભાવ અહીં નીચે આપેલી લિંક દ્વારા આ ઇમેલ મળ્યા પછીના ૨૦ દિવસમાં મોકલવા વિનંતી છે.

આ અંગે વધુ જાણકારી માટે મને ઇમેલ કરવા વિનંતી છે:  atulraval@ekatrabooks.com     -અતુલ રાવલ,

(રવિવાર, જાન્યુઆરી ૧૫, ૨૦૧૨)

  1. જાન્યુઆરી 16, 2012 પર 8:10 પી એમ(pm)

    સ્તુત્ય પ્રયોગ
    ખુબ જરુરી પ્રયત્ન
    આ આખા પ્રયોગને મોડ્યુલ પ્રકારે સાચવશો કે જેથી તે જ્યારે જેને જરુર હોય તે વાંચી શકે અને શક્ય હોય તો ઓડિઓ પણ કરશો
    રામભાઇ ગઢવી પણ આ દિશામાં પ્રયત્ન કરે છે અતુલભાઇ તેમને પણ વાત કરશો

  2. જાન્યુઆરી 16, 2012 પર 8:57 પી એમ(pm)

    Very Good subject and very nicely presented. Thanks.

    The Answer:

    PLEASE VISIT A N Y BAPS Swaminarayan Mandir in the USA 10 am on any Sunday. See what our Gujarati/ Indian children learn there. Do I say, what ? BHASHA, BHUSHA, BHOJAN and BHAJAN.

    DO THIS and then pick up your pens for any comment.

  3. જાન્યુઆરી 17, 2012 પર 1:21 એ એમ (am)

    પ્રો. સુમન શાહ અને અતુલ ભાઈનો આ સ્તુત્ય પ્રયોગ માટેનો પ્રયત્ન ખૂબજ ઉત્તમ છે, અને એ પણ હકીકત છે કે આજની પેઢી ને અંગ્રેજી માટે જે ખેચાવ છે તે માટે કશુજ નહીં કહું, પરંતુ માતૃભાષા માટે જે અણગમો છે અને તે પ્રત્યે જે દુર્લક્ષતા સેવવામાં આવે છે તે અહીં અમારે ત્યાં લંડન માં પણ ડગલેને પગલે મેં જાતે અનુભવેલ છે. માતા-પિતા ની દુર્લાક્ષતાને કારણે બાળકનો લગાવ ગુજારાતી તરફ રેહ્તો જ નથી અને જેને પરિણામ સ્વરૂપ તેઓ ની દશા બિચારા જેવી ભાસે છે.

    અમો પણ અહીં ગુજારાતી શાળા વિનામૂલ્યે ચલાવવા કોશિશ કરીએ છીએ જેમાં લગભગ ૭૫૦ થી વધુ ફેમિલી ગુજરાતી રહેતું હોવા છતાં ફક્ત ૮૦-૮૫ વિદ્યાર્થી જ આવે છે. થોડા વિધાર્થી baps સંસ્થા દ્વારા ચલાવાતા ગુજરાતી ક્લાસમાં પણ જાય છે પરંતુ તે સંખ્યા પણ અલ્પ છે. અહીં કાઉન્ટી કાઉન્સિલ પણ હવે આવા ક્લાસ ને ગ્રાન્ટ આપવા તૈયાર નથી જે માર્ચ થી બંધ કરવા માંગે છે કારણે તેઓ એ ૧૦૦ વિધાર્થીઓ નું લક્ષ આપેલ છે, જે પૂરું થતું ના હોય તે ગ્રાન્ટ આપવા માટે રાજી નથી…. અમો ગ્રાન્ટ નહિ મળે તો પણ શાળા બંધ કરવા ના નથી કે કોઈ ફી પણ ત્યારબાદ લેવાના નથી… ફક્ત જાણ માટે…

    સુંદર પ્રયાસ છે, ધન્યવાદ !

  4. Satish Parikh
    જાન્યુઆરી 17, 2012 પર 2:11 એ એમ (am)

    This is absolutely needed especially in USA.
    yathayogya margadarshan male to te deesha ma praytna kari shakay.

  5. pradip
    જાન્યુઆરી 17, 2012 પર 2:27 એ એમ (am)

    yes sir .parent should take interest for Gujarati.every gujarati can talk in gujarati with other gujaratii.we in india, also woried about our Matrubhasha.congrat to your team for your efforts.
    pradip

  6. Rajnikumar Pandya
    જાન્યુઆરી 17, 2012 પર 7:09 એ એમ (am)

    23-11-10
    સ્નેહીશ્રી સુમનભાઇ, અતુલભાઇ, વિજય
    આપના મેલથી આનંદ.
    સુમનભાઇનાના પત્રમાં વ્યક્તા થયેલી ચિંતા એકદમ વાજબી છે .,એ ઉપરાંત પણ ત્રણ ચાર મુદ્દા વિચાર માગે છે.. એ બધાની ચર્ચા એ દરેકને અલગ અલગ પાડીને જ કરવી પડે. જોડણીશુધ્ધિ એ એક વાત છે. અને વ્યાકરણશુધ્ધિ એ બીજી વાત છે એ બે વસ્તુ તાલીમ અને મહાવરાથી સુધરી શકે પણ ભાષાની ભયાનક વર્ણસંકરતા એ ત્રીજી અને સૌથી વધુ ગુ‌ન્હાઇત બાબત છે.જેનો ઇલાજ પહેલા સમજાવટ અને પછી સ્વ.કે કા. શાસ્ત્રીજીએ સૂચવેલો તે એને ફોજદારી ગુન્હો ગણવી તે છે. અને એમ થાય તો લખનાર અને છાપનાર બન્નેને અનુક્રમે ગૂન્હો કરનાર અને તેને મદદ કરનારના ધોરણે સજાપાત્ર ગણવા પડે. એવા કયા કટાર-લેખકો છે અને કયા છાપાવાળાઓ છે તે આપ જાણો છો. આજે નિષ્ણાતની જગ્યાએ નિષ્ણાંત શબ્દ કયા લેખક્ની ભૂલને કારણે (હવે તો ડૉક્ટરોના બોર્ડ સુધ્ધાંમાં!) લખાતો થયો છે એની આપણને નથી ખબર પણ કયા અખબારને કારણે લખાતો થયો છે તેની આપણને સૌને ખબર છે. એને ડામવા માટે કડક કાયદો અને એનો પ્રભાવક અમલ એ જ એક માત્ર ઇલાજ છે.
    આ બધાની વિશદ ચર્ચા માત્ર વ્યક્તિગત ધોરણે એક એકને મળીને નહિં તેમજ મોટા મોટા સેમિનારોમાં યોજીને પણ નહિં પણ માત્ર ત્રણ ત્રણ વ્યક્તિઓને ને આપના જેવા સંયોજક્ની સાથે મળવાનું ગોઠવીને કરી શકાય. આપ ભારતમાં હો ત્યારે મારે ત્યાં આવો એ તો મને બહુ જ ગમે અને આપને ત્યાં આવવાનું પણ ગમે જ. પણ એકથી વધુ હોઇએ તો કોઇ વધુ મોકળાશવાળા સ્થળે મળીએ તો કેમ ?એ સ્થળ આપનું નિવાસસ્થાન પણ હોઇ શકે.
    સાથે મળીને કંઇક નક્કર કામ કરીએં (માત્ર વાત નહિં). જણાવશો. કુશળ હશો.
    આપનો-
    (રજનીકુમાર પંડ્યા)

    • જાન્યુઆરી 17, 2012 પર 4:47 પી એમ(pm)

      મારા જ વિચારો..ને તમે ભાષા આપી છે..શ્રી રજનીભાઈ પંડ્યાએ સમસ્યાનો વિસ્તાર પુર્વક એહવાલ રજુ કર્યો છે પણ કુદકે ને ભુસકે આગળ વધતી ટેકનોલોજી કે જેમા અંગ્રેજી ને અગ્રસ્થાન ને સ્પેનીશ સેકન્ડરી અને હવે તો ચાઈનિઝભાષા નુ મહત્વ વધી રહ્યું છે તો અમેરિકા કે પરદેશ તો શું ભારતમાં વસ્તું બાળક ગુજરાતી શીખવા તૈયાર થાશે? તેની પાસે તેનો સમય હશે ખરો? સાથે મળીને કંઇક નક્કર કામ કરીએં માત્ર વાત નહિં.

  7. જાન્યુઆરી 17, 2012 પર 2:57 પી એમ(pm)

    અભિનંદન… ખૂબ સરસ વિચાર..અમલ થઇ શકે તો… !

    સુમનભાઇ, રજનીભાઇ, અતુલભાઇ..આપ સૌનો પ્રયત્ન..વિશ્વાસ નિષ્ફળ નહીં જ જાય ..એવી આશા સાથે અમે પણ કોઇ રીતે યોગદાન આપી શકીશું તો આનંદ થશે..

    અનેક શુભેચ્છાઓ સાથે..

  8. જાન્યુઆરી 17, 2012 પર 4:25 પી એમ(pm)

    પરદેશમાં બાળકોને શુદ્ધ ગુજરાતી બોલતા શીખવવું અઘરૂં છે. તેના કારણો આ પ્રમાણે છે:
    1. બાળકોને શાળામાં અને ઘરમાં બોલાતી ભાષા જ્યારે અલગ હોય ત્યારે તેને અભ્યાસમાં પણ ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે. અભ્યાસ પરનું વિશેષ લક્ષ માબાપનું પણ હોવાથી સ્વાભાવિક રીતે માબાપનો ઝોક પણ અંગ્રેજી તરફ વધી જાય છે તો જ તે બાળકને હોમવર્કમાં પડતી મુશ્કેલીઓ સમજી અને સમજાવી શકે.

    2. પરદેશમાં ઉછરતાં બાળકોના મિત્રોની ભાષા અને બધા જ સામાજીક વ્યવહારની ભાષા અંગ્રેજી હોવાથી ફક્ત માબાપ સાથે રોજ ગુજરાતીમાં પોતાની વાત સમજવવા માટે તેની પાસે શબ્દભંડોળનો મર્યાદિત હોય છે. રોજ શાળામાંથી જે નવા શબ્દો બાળક અંગ્રેજીમાં શીખે તે બધાનો ગુજરાતી સાથે રોજ તાલ મેળવવાનું માબાપ માટે પણ અઘરૂં છે.

    3. ભાષા ઉપરાંતના ઘણા પ્રશ્નોનો સામનો નવા વસાહતીઓને કરવાનો હોય છે. ત્યારે બાળકોની ભાષા તેમના માટે પણ પરદેશમાં પડતી સામાજીક મુશ્કેલીઓ નિવારવામાં પણ સહાયરૂપ થતી હોય ત્યારે બાળકોને ગુજરાતી બોલતા શીખવાડવાને બદલે બાળકો પાસેથી પોતે વધુ અંગ્રેજી શીખે તે તરફ વધારે વળે છે આથી માબાપને બે ફાયદા થાય છે: એક તો બાળકને સમજવામં સરળતા રહે અને સમાજના અન્ય સભ્યોને સમજાવવામાં સરળતા રહે છે.

    4. ગુજરાતી સમાજ સાથેના સંપર્કનો અભાવ પણ ભાષા લુપ્ત થવાનુ એક કારણ બની શકે.
    5. લઘુતાગ્રંથિથી પીડાતા મા કે બાપ થકી બાળકોને ગુજરાતી હોવાનું ગૌરવ પણ નથી હોતું અને તેથી તેઓ ભાષા માટે બેદરકાર હોય તે સ્વાભાવિક છે.
    6. એકવાર શીખ્યા પછી પણ જે શબ્દો રોજના વપરાશમાં ન હોય તે લાંબો સમય થતા ભૂલાય જાય છે. “કચરાટોપલી”ને બદલે “ગારબેજ કેન” ન બોલનારા ગુજરાતીઓને અન્ય ગુજરાતીઓ દ્વારા જ ઉતારી પડાતા હોય તો બાળકોને માટે એવા શબ્દનો અર્થ યાદ રાખવો અઘરો જ બનવાનો.
    7. અગ્રેજી ભાષાનું જે વિશ્વવ્યાપી મહત્વ છે તે પત્યે આંખાઆડા કાન કર્યા વગર સરખામણીમાંથી નીકળી જઈ ભાષાનો વિરોધ ઊભો ન થાય તેની સાચવેતી ન રાખવામાં આવે તો એક ભાષાને ત્યાગવાની ફરજ પડે છે અને બાળકો માટે અંગ્રેજીનો ત્યાગ અઘરો હોવાથી તે ગુજરાતી ભાષાનો ત્યાગ કરવા પ્રેરાય છે. પરદેશમાં વસનારા માબાપ જો અંગ્રેજીનો વિરોધ કરશે તો બાળક ગુજરાતીનો વિરોધ કરવા પ્રેરાશે તે અવગણી શકાય નહી.

    હજી આ પર ઘણો વિચાર કરી આ મુશ્કેલીઓ નિવારવા માબાપ, સંસ્થાઓ કે સમાજ (ખાસ તો ગુજરાતી સમાજ) થી શું થઈ શકે અને તે કેમ કરવું? તેની વિચારણા કરી પરદેશમાં ક્ષીણ થતી જતી ગુજરાતી ભાષાને પુષ્ઠ કરી શકાય.

    ઉપરનો લેખ વંચાવવા માટે વિજયભાઈનો આભાર!

  9. જાન્યુઆરી 17, 2012 પર 4:54 પી એમ(pm)

    People are going to learn the language which provides better jobs,better living,better in-formations,better environments and good knowledge on varieties of technical subjects.

    English is an international language and it’s good to learn along with mother language to understand world events.

    First Gujarat needs knowledge based sources like Wikimedia,Wikipedia,Wikibooks and technical in-formations and in this case Hindi media is well ahead.

    Gujarat government and Gujarati media has totally failed to promote Gujarati Lipi in Hindi States.If we can write Sanskrit in Gujarati Why not Hindi?? Why not convert all Hindi literature in Gujarati Lipi?Hindi is a threat to Gujarati Lipi not English.In past Sanskrit pundits were against simple Gujarati Script and now it’s Hindi States media.

    ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?

    http://saralhindi.wordpress.com/

  10. જાન્યુઆરી 17, 2012 પર 6:09 પી એમ(pm)

    હું અમે તમે ગુજરાતીઓ છીએ.
    ‘બા-ની ભાષા, મારી ભાષા’
    ગુજરાતી કેમ બોલાય, લખાય, તેમજ વંચાય.
    ઓછામાં ઓછા ૧૦૦ વિદ્યાર્થીઓ રજીસ્ટર થયેથી આ અભિયાનનો પ્રારમ્ભ
    દર અઠવાડિયે ૩૫ મિનિટનો ઑનલાઈન વર્ગ – કેટલીક મિનિટો પ્રશ્નોના ઉત્તરો
    ફી માફકસરની હશે.
    આ અંગે વધુ જાણકારી માટે મને ઇમેલ કરવા વિનંતી છે:
    atulraval@ekatrabooks.com

    અતુલ રાવલ,

    (રવિવાર, જાન્યુઆરી ૧૫, ૨૦૧૨)

    Nothing is to late in Internet media.
    Teach Gujarati….!!!
    Who wish to communicate for their Day to day living , connecting and doing Buisness in Gujarati community.
    In Gujarat or away from Gujarat.
    Audio Video Method..!!!

    Buy one get one free Class?

    In Greater Boston area we have shisu Bharati over 30 years and their children who attended class now has children and has Vol. Cotribution or nominal fee.

    There are many Hindu Temples and they do have such classes started for their children’s children.

    Rajendra Trivedi, M.D.
    http://www.bpaindia.org

  11. જાન્યુઆરી 23, 2012 પર 2:15 પી એમ(pm)

    “ગુજરાતી ભાષાનો અમર વારસો” એમ જલ્દી નાબૂદ નહી થાય.

    ગુજરાતીઓ જાગૃત થયા છે.

    આ દિશામાં ” હું શું કરી શકું” એ મહત્વનો પ્રશ્ન છે.

  12. જાન્યુઆરી 26, 2012 પર 3:52 એ એમ (am)

    very good Sumanbhai and Atulbhai.

  13. ફેબ્રુવારી 6, 2012 પર 8:28 પી એમ(pm)

    પરદેશમાં ગુજરાતી! વિલાયતની જ વાત કરું? માબાપો ચોખ્ખું કહે છે કે તેમાં સમય બગાડવો પોસાય નહી. ગુજારાતીના બદલે કોઈ યુરોપિયન ભાષા શીખે તો નોકરી સહેલાથી મળી શકે છે. યુરોપ અમેરીકામાં અને હવે તો ગુજરાતમાં પણ “ગુજલીશ” જ બોલાય છે. ગુજલીશ એટ્લે “મારા વાઈફ એકસ્પેક્ટ કરે છે.”
    વિલાયતમાં તો ગુજરાતી શીખનારાઓ માટે વિલાયતમાં જ તૈયાર થયેલા પાઠ્યપુસ્તકો છે. પરીક્ષાઓ પણ લેવાય છે અને તેમાં બેસનારાઓની સંખ્યા દિનપ્રતીદિન ઘટતી જ જાય છે. જાતનુભવના લીધે કહી શકું છું કે જો ગુજરાતી ભાષા ટકાવી રાખવી હોય તો સૌ પ્રથમ વડીલોએ જ ગુજરાતી બોલવાની શરૂઆત કરવી જોઈએ. ઘરમાં જો બાળક ખરું ગુજરાતી સાંભળશે તો બોલશે.

  14. mahesh s patel
    માર્ચ 31, 2012 પર 5:15 પી એમ(pm)

    sumanbhai ame kachhi patel to gujarati ma amari potani je bhasha chhe tej boliye chhia amari samaj na tamam pogram var tahevar ma gharma amarij boli ma hoy chhe bhale te
    india ma hoy ke usa uk uae amari samaj ma koi karodpati hoy ke lakhopati pan tena santan ne amari potani bhasha jo bolta na avadti hoy to teva santan na vevishal karvama dolar bangala gadi digreeo kashuj kam nathi lagtu amara vadilo na sanshkar aaj pan aakbath chhe

  15. Pradip Solanki
    એપ્રિલ 7, 2012 પર 4:10 એ એમ (am)

    Ahi Aa Khub Chinta No Vishay Che J Loko J Samaaj Potani Matrubhasha Bhuli Jay Che Te Sansjkruti J Nast Thai Jay Che Ema Sanka Ne Koi Sthan Nathi To E Vishay Pan Moti Chintano Che Hu To Gujrat(Surat) Ma J Rahu Chu Ane Mara Layak Jo Matrubhasha Vishe Koi Seva K Yogdan Ni Jarur Hoy Ke Evi Koi Sanstha Hoy To Mane Jarur Thi Janavjo
    N

  16. જુલાઇ 3, 2013 પર 12:51 પી એમ(pm)

    good efforts by all of you.

  1. જાન્યુઆરી 17, 2012 પર 5:48 એ એમ (am)

Leave a reply to dhavalrajgeera જવાબ રદ કરો