મુખ્ય પૃષ્ઠ > પ્રેરણાદાયી લેખ્, માહિતી, email > દીકરો મારો લાડકવાયો.. 8 નીલમ દોશી

દીકરો મારો લાડકવાયો.. 8 નીલમ દોશી

ડિસેમ્બર 24, 2011 Leave a comment Go to comments

 ( નીલમબેન ની કલમ જ્યારે પણ વાંચવા મળે ત્યારે મન પ્રસન્ન થઇ જાય.. પછી તે દીકરાની વાત હોય કે દીકરીની..અને એવું જ લાગે કે હા હું પણ આવું જ અનુભવુ છું. મને શ્રધ્ધા છે કે આપ વાંચશો ત્યારે આપને પણ આવું જ લાગશે)

તો પછી ટહુકી ઊઠે પીળી ક્ષણો,

સ્હેજ પણ ભીનાશની જો પળ મળે.

ઘર પછી ગુલમહોર જેવું લાગશે,

લાગણીને ભીંત પર સ્થાપી જુઓ..

ગુલમહોર જેવું ઘર વહાલા ઓમ,

ઉપરની બે પંક્તિમાં કેટલું બધું કહેવાઇ ગયું છે. જીવનમાં સ્નેહની..લાગણીની ભીનાશ હોય તો જિંદગી સભર બની રહે છે. પછી એમાં ઝાઝી ફરિયાદોને સ્થાન નથી રહેતું. દુ:ખની પળો જીરવવી પણ આકરી નથી લાગતી. સ્વજનોનો સાથ અને ઘરમાં વહાલના વરતારા હોય ત્યારે જીવન લીલું છમ્મ બનીને  કોળી ઉઠે છે. હમણાં મારી ફ્રેંડ રેખા અમેરિકાથી અહીં આવી હતી. રોજ સવારે સૂર્યોદય પહેલાં અમે ચાલવા જતા. અહીં આપણી કોલોનીમાં ગુલમહોર, ગરમાળા અને કેસૂડાઓના વૃક્ષોની ખોટ નથી. ભર ઉનાળામાં ખીલતો લાલચટક ગુલમહોર કે પીળૉ  ધમરક ગરમાળો શરીરને નહીં તો મનને એક ટાઢક જરૂર આપી જાય છે. સવારમાં અગણિત પંખીના ટહુકા વાતાવરણમાં ઉડતા હોય, ગુલાબી  અને સફેદ કમળોથી ભરપૂર તળાવના પાણીમાં કિનારે ઉભેલા અસંખ્ય વૃક્ષોના નીલરંગી પ્રતિબિંબ પડતા હોય અને બતકોનું એક ઝૂંડ રસ્તાઓ પર યથેચ્છ વિહાર કરી રહ્યું હોય..ચોખ્ખાચણાક  રસ્તાની બંને બાજુએ વિવિધરંગી ફૂલોની કયારીઓ..( ફલાવરબેડ) મઘમઘતી હોય અને કોઇક ઉંચા વૃક્ષની ટોચેથી બાલરવિ હાઉકલી કરતો ડોકિયું કરતો હોય, બાજુના શિવમંદિરની આરતીનો મંજુલ સ્વર પડઘાતો હોય..આવી રળિયામણી સવાર જોઇને રેખા અચૂક બોલે..વાહ.. આ તો જાણે સુંદર મજાના જંગલમાં ફરવા નીકળ્યા.અહીંની સવાર અને સાંજ બંનેનો નજારો એકવાર અચૂક  માણવા જેવો ખરો..જયારે મારી જ એક બીજી મિત્ર માલા આવી હતી તે મને કહે,

‘ બાપ રે..આવા વગડામાં તમે કેમ પડયા છો ? નથી કોઇ હોટેલ, નથી કોઇ મોલ, નથી સારા થિયેટરો.. આવામાં કેમ રહેવાય ? જગ્યા તો એક જ હતી. જોવાની દ્રષ્ટિ અલગ હતી.

જીવનમાં  આવું જ થતું હોય છે ને ? દ્રષ્ટિભેદની જ તો બધી કમાલ છે ને ?

મહાભારતની એક વાત યાદ આવે છે. યુધિષ્ઠિર કોઇ ખરાબ માણસ નહોતા શોધી શકયા અને દુર્યોધનને કોઇ સારો માણસ નહોતો મળ્યો. કારણ સહેજે સમજી શકાય તેવું છે. સારી વ્યક્તિઓને બધા સારા જ દેખાય છે.અને ખરાબ માણસને બધા એવા જ દેખાવાના. “ દ્રષ્ટિ  એવી સૃષ્ટિ”  એવું અમસ્તુ થોડું જ કહેવાયું હશે ? અહીંની રમણીયતા, કુદરતી સૌન્દર્ય કોઇને આકર્ષી રહે છે તો કોઇને અહીંની શાંતિ  અકળાનવારી બની રહે છે. ધમાલથી ટેવાયેલા લોકોને અહીં શું કરવું એની સમજ નથી પડતી.પણ મને તો અહીં ચારે બાજુ પથરાયેલું  જંગલ, દરિયો, પક્ષીઓ, પાર વિનાના વિવિધરંગી ફૂલો અને પાણીથી ભરેલા તળાવોની એવી તો મજા પડે છે કે એકલા હોવા છતાં એકલતા નથી લાગતી.

આજે મોર્નીંગ વોકમાંથી  પાછા ફરતા હતા ત્યારે ટચુકડા ભૂલકાઓ માની આંગળી પકડીને સ્કૂલે જતા નજરે પડતા હતા. તેમનો તરવરાટ જોઇને  મારી નજર સમક્ષ તરી આવ્યો   સ્કૂલનો..લોઅર કે.જી.નો  તારો પ્રથમ દિવસ.

એ સમયે મારી તબિયત સારી નહોતી.  હું હોસ્પીટલમાં હતી. તું ઉત્સાહથી યુનીફોર્મ પહેરીને  મને બતાવવા પપ્પા સાથે હોસ્પીટલમાં આવ્યો હતો. પહેલીવાર તને યુનીફોર્મમાં જોઇ હું હરખાઇ હતી. કેવો સરસ લાગે છે મારો દીકરો ? નાનક્ડી સ્કૂલ બેગ, વોટરબેગ..નવા કપડાં..તારો ઠસ્સો આજે યે હું જોઇ શકું છું. તારું ધ્યાન મારા ટેબલ પર કયા કયા ફ્રુટસ  પડયા છે એ જોવામાં વધારે હતું. થોડીવારે તું ગયો ત્યારે મારી ભીની આંખો પાછળથી તને જ જોઇ રહી હતી એની જાણ તને તો કયાંથી હોય ?

દીકરાને એ દિવસ યાદ હોય કે ન હોય..પરંતુ મને ખાત્રી છે કે દરેક  માબાપને તો  મારી  જેમ દીકરાની  સ્કૂલનો એ પહેલો  દિવસ અચૂક યાદ હોવાનો જ. દીકરો ભણીને કેવો આગળ  આવશે એના  શમણાં આ દિવસથી માબાપની આંખમાં અને અંતરમાં અંજાતા હોય છે.  ધીમે ધીમે આગળ વધતા દીકરાની સફળતા માટે માબાપ કંઇ પણ કરી છૂટવા તત્પર રહેતા હોય છે.

તારું લોઅર કે.જી. નું વરસ પૂરું થયું. અને તું ખુશખુશાલ હતો. કેવી યે માસૂમિયતથી તેં મને પૂછેલું,

‘ મમ્મી, મારું ભણવાનું પૂરું થઇ ગયું ને ? હવે તો મને આખી એ.બી.સી.ડી. અને વન ટુ હંડ્રેડ આવડી  ગયા છે. ‘

હું હસી પડી હતી. જવાબ શું આપવો તે મને જલદી સમજાયું નહોતું.

અને એ સાથે જ હમણાં બે દિવસ પહેલાની જ તારી વાત … તારું એમ. ડી. પૂરું થઇ ગયું. મેં તને પૂછયું

‘ બેટા, હવે આગળ શું કરવું છે ? ‘ તારો જવાબ..

‘ મમ્મી, કાર્ડીયાકમાં  ફેલોશીપ કરવાનો વિચાર છે..હજુ બે ત્રણ વરસ ભલે  ટીચાઇએ.. !! ‘ કયાં આખી એ.બી.સી.ડી. આવડી ગયા પછી ભણવાનું પૂરું થઇ ગયાનો પ્રશ્ન પૂછતો મારો નાનકડો દીકરો..અને કયાં આજે એમ.ડી. થઇ ગયા પછી પણ આગળ ભણવાની વાત કરતો મારો દીકરો ! સમય, સમયની જ આ  બલિહારી છે ને ?

જોકે એક રીતે કહીએ તો આજે પણ એ.બી.સી. ડી. કે વન ટુ હંડ્રેડની માયાજાળમાં જ આપણે બધા રમતા હોઇએ છીએ ને ? હવે એ માયાજાળ અટપટી..બનાવીને રમવાનું..! માત્ર એટલો ફરક કયાંથી કયાં પહોંચાડી દે છે ?

તમને સ્કૂલમાં મૂકવાના હતા ત્યારે તમને કયા માધ્યમમાં ભણાવવા એની થોડી અવઢવ મનમાં  હતી. હું  ગુજરાતી મીડીયમની ફેવરમાં હતી. પરંતુ પપ્પા અંગ્રેજી મીડીયમની તરફેણમાં હતા.  ઘણી ચર્ચા પછી અંતે પપ્પાની ઇચ્છા મુજબ  તમને બંનેને અંગ્રેજી મીડીયમમાં મૂકયા. એ સાચું કર્યું હતું કે ખોટું એ આજ સુધી હું નક્કી નથી કરી શકી. મનોમન વિચારી રહું છું કે કદાચ તમે ગુજરાતી મીડીયમમાં ભણ્યા હોત તો તમારી કેરીયરમાં કોઇ ફરક પડયો હોત ? તમને કોઇ નુકશાન થયું હોત ? અનેકવાર મારી જાત આગળ એ પ્રશ્ન કરતી રહું છું. જવાબ કંઇક આવો મળે છે.

’ ના, તમને ગુજરાતી મીડીયમમાં મૂકયા હોત તો પણ તમારી કેરિયરમાં કોઇ ફરક ન પડયો હોત. એના બે કારણો છે. એક કે તમે બંને ખૂબ  હોંશિયાર હતા. એટલે ગમે તે માધ્યમમાં ભણ્યા હોત તો પણ આગળ આવત જ. અને બીજું તમને ગુજરાતી માધ્યમમાં મૂકયા હોત તો પણ તમારું અંગ્રેજી સારું બને એની ખાસ કાળજી અમે રાખી જ હોત. એ માટેની અલગથી વ્યવસ્થા કરી જ હોત. કેમકે અંગ્રેજી સારું હોવું જોઇએ એમ હું પણ માનું જ છું.

ડોકટર પોપટ સાહેબની દીકરી ઇશાની અને જૂઇનો દાખલો નજર સમક્ષ આવે છે. તેમની દીકરીઓને ગુજરાતી માધ્યમમાં મૂકવાની વાત મેં જ  કરેલી…અને અમારી લાંબી ચર્ચા પછી તેઓ સંમત થયા હતા.  ઇશાની અને જૂઇ બંને  આજે મેડીકલમાં ભણે છે. સારું અંગ્રેજી બોલી શકે છે. ઘેર અલગથી અંગ્રેજી શીખ્યા જ હતા. તેથી કયાંય કોઇ તકલીફ પડી નથી.  મારી વિદ્યાર્થિની  દર્શના..ગુજરાતી માધ્યમમાં જ ભણી હોવા છતાં આજે ખૂબ રીલાયન્સમાં ખૂબ  સારી પોસ્ટ ઉપર કામ કરે છે અને  દેશ, વિદેશમાં એકલી ફરે છે. કયાંય કોઇ તકલીફ સિવાય.

દર્શના, હેતલ, ધર્મિષ્ઠા,  અતુલ, સમીર, સંજય, મનીષ, પ્રશાંત….  આવા તો અનેક વિધ્યાર્થીઓના  ઉદાહરણો આ ક્ષણે મારી નજર સામે તરવરી રહ્યા છે. જેઓ માતૃભાષાને લીધે કોઇ ભાર સિવાય ભણી શકયા..ભણવા સિવાય પણ બીજું ઘણું શીખી શકયા અને જીવનમાં કયાંય..કોઇ તબક્કે પાછળ નથી રહ્યા. અંગ્રેજીની અવગણના આજે કરી શકાય તેમ નથી અને કરવી પણ ન જોઇએ. અંગ્રેજીનું મહત્વ જરાયે ઓછું નથી. આજે એના વિના ચાલી શકે જ નહીં. પરંતુ  એટલીસ્ટ  શૈશવમાં પ્રાથમિક શિક્ષણ  માતૃભાષામાં ભણવાથી બાળક વધુ સહજતાથી, કોઇ ભાર વિના શીખી શકે છે. સમજી શકે છે. માણી શકે છે. અને ભણવાનો કોઇ બોજ લાગતો નથી.

“ એક બિલાડી જાડી..” બાળક જેટલું માણી શકે છે એટલું પુસી કેટ,  પુસી કેટ..ન જ માણી શકે એમ હું પૂરી નિશ્ઠા સાથે આજે પણ કહું છું. અર્થ સમજયા વિના…આત્મસાત કર્યા વિના અંગ્રેજી કાવ્યોનો બહુ મતલબ રહેતો નથી. ગોખી ગોખીને બાળક થાકી જાય છે. જયારે ગુજરાતી જોડકણા કે બાળગીતો એને સમજાય છે. માણી શકાય છે.  એનો સીધો સંબંધ એ અનુભવી શકે છે. અને તેથી સરળતાથી યાદ રાખી શકે છે. સ્પેલીંગો ગોખવામાં એનો સમય અને શક્તિ બંનેનો વ્યય થાય છે.

જોકે જે બાળકો ભણવામાં સાવ સાધારણ  હોય તે અંગ્રેજી માધ્યમમાં ભણે તો કદાચ તેને ફાયદો થાય એ બની શકે. કેમકે તે બહું આગળ ભણી શકે તેમ ન હોય ત્યારે અંગ્રેજી માધ્યમને લીધે તેને નોકરી મેળવવામાં સરળતા  રહે છે. આમ શિક્ષણનું માધ્યમ અંગ્રેજી કે ગુજરાતી..એ દરેકના સંજોગો ઉપર જ આધાર રાખે..એ માટે આજના સમયમાં કોઇ એક જ ચોક્કસ નિયમ બનાવી શકાય નહીં એમ હું માનું છું.

પાછું કમનસીબી એ વાતની હતી કે તમારી..આપણી   સ્કૂલમાં તો ગુજરાતી માધ્યમને શિક્ષા તરીકે જોવાતું. કોઇ છોકરો તોફાન કરે એટલે “ ગો ટુ ગુજરાતી મીડીયમ “ એવું કહેવાતું. તેથી ગુજરાતીમાં ભણવું એટલે પનીશમેન્ટ કહેવાય એવું જ તમને લાગતું. આપણા  ઘરમાં તો અનેક સુન્દર ગુજરાતી પુસ્તકો સ્વાભાવિક રીતે જ રહેતા તેમાંથી હું વાર્તાઓ કરતી. “ એવરેસ્ટનું આરોહણ,” પેડલ પર પૃથ્વી પરિક્રમા, “જિન્દગી જિન્દગી” કે “લે મિઝરેબલ” જેવી અનેક વાર્તાઓ તમને મેં વાંચી સંભળાવી છે કે કયારેક મોઢે કહી છે. જેથી તમારામાં ગુજરાતીનો રસ વિકસે. પરંતુ ન જાણે કેમ તું અંગ્રેજી પુસ્તકો તરફ જ વળ્યો. આજે પણ ગુજરાતી વાંચવું તને નથી ગમતું..અને  મને એ નથી ગમતું. પરંતુ હવે એનો કોઇ અર્થ નથી. મેં મારી રીતે પ્રયત્ન જરૂર કરેલો . જોકે તું ગુજરાતી આજે પણ સરસ વાંચી જ શકે છે. વાંચતો નથી એ અલગ વાત છે. લખવામાં “ આવીયો “, આશીરવાદ, વિગેરે શબ્દો તું લખતો અને હું સુધારી સુધારીને થાકી જતી.

ખેર ! આ તો વરસોથી મનમાં અંદર રહેલી વાત આજે યાદ આવી ગઇ અને અહીં શબ્દો રૂપે…

તમે બંને તો આજે પણ પપ્પાનો નિર્ણય જ યોગ્ય હતો અને સારું થયું કે અમને ગુજરાતીમાં ન મૂકયા તેમ જ કહો છૉ. છતાં ન જાણે કેમ  મારી અંદર તો એ વસવસો હમેશાં રહ્યો જ છે. જે આટલા વરસો બાદ..તમારી આટલી સફળતા જોયા બાદ પણ  ગયો નથી.

જોકે હવે એટલીસ્ટ આપણે માટે તો આ બધી વાતોનો કોઇ અર્થ નથી.  તમે કયારેય મારી વાત સાથે સંમત થઇ શકવાના નથી એ હું જાણું છું. છતાં આપણી માતૃભાષા માટે હું તો મારી રીતે પ્રયત્નો કરતી જ રહેવાની. દરેક ભાષા માટે મને આદર છે. પણ ગુજરાતી માટે તો મને પ્રેમ છે. શરૂઆતમાં હું કલબમાં જતી અને ત્યાંની લાઇબ્રેરીમાંથી ગુજરાતી પુસ્તક લઇ આવતી ત્યારે ઘણાં મારી સામે જોઇ રહેતા કે તમે ગુજરાતી ચોપડી વાંચો છો ? આજે ગુજરાતી બાળકો પણ ગુજરાતીમાં વાત કરતા સંકોચ અનુભવે છે, નાનમ અનુભવે છે.ત્યારે થાય છે કે  આપણે જ આપણી ભાષાનો આદર નહીં કરીએ તો બીજા કેમ કરવાના ?

આજે તો અંગ્રેજી પૂરું આવડે કે નહીં…પણ વચ્ચે વચ્ચે થોડાં  અંગ્રેજી શબ્દો આવવા જ જોઇએ. અંગ્રેજી ફટાફટ બોલતા સાંભળીને આપણે અંજાઇ જઇએ છીએ. તેનાથી  પ્રભાવિત થઇ જઇએ છીએ..આ આપણી માનસિક પંગુતા નથી ? એક આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે  અંગ્રેજીનો આદર ભલે કરીએ પણ માતૃભાષાનો અનાદર શાને ? એની અવગણના શા માટે ?

આ સાથે મને બીજી એક વાત યાદ આવે છે. પપ્પા જર્મની ગયેલા. ત્યાં ટુરીસ્ટ બસમાં ફરવા ગયેલા. ત્યારે ગાઇડે કઇ ભાષા જાણૉ છો ? એવું  પૂછતાં પપ્પાએ હીન્દી કહ્યું.  ગાઇડને જોકે હિંદી પણ આવડતી હતી. તેથી તે સાથે સાથે  હિંદીમાં ભાષાંતર કરતો ગયો. પાછળથી તેને ખબર પડી કે પપ્પાને અંગ્રેજી  આવડે છે તેથી તેણે પૂછયું  તો પછી કેમ હિંદી કહ્યું ? પપ્પાએ કહયું કે

‘ એ મારા દેશની ભાષા છે. અને મને પણ તમારી જેમ જ મારી ભાષાનું ગૌરવ છે. ‘

ગાઇડ ખુશ થયો. તે કહે નોકરીને લીધે મારે બધી ભાષા બોલવી પડે..પરંતુ મારો પ્રેમ તો મારી જર્મન ભાષા માટે જ મને છે. કામના કલાકો સિવાય હું જર્મન ભાષા જ બોલું છું. એટલું ગૌરવ તો દરેકને હોવું જ જોઇએ..એવું નથી લાગતું ? જોકે તું કહીશ કે સૈધ્ધાંતિક રીતે એ વાત સાચી હોવા છતાં દરેક વખતે એનો અમલ શકય નથી હોતો. હા, એ વાત પણ ખોટી નથી જ. પરંતુ મૂળ વાત પોતાની ભાષાનું ગૌરવ જાળવવાની..તેને માટે આદર હોવાની છે. પછી તમે સંજોગો..વાતાવરણને લીધે ગમે તે ભાષા બોલો..એનો કોઇ વિરોધ નથી.ન હોઇ શકે.ભાષાને શું વળગે ભૂર ? એવું નર્મદે  વરસો પહેલાં જ કહી દીધું  છે.

તારી યાદની સાથે આવી પણ અનેક વાતો મનમાં  ઉભરાતી રહે છે. અને શબ્દરૂપે અહીં આલેખાતી રહે છે. ડાયરીના પાના આપમેળે ચીતરાતા રહે છે. કયારેક દિશા ફંટાતી પણ રહે છે. મનને કોઇ આરો કે ઓવારો…કોઇ કિનારો થોડો હોય છે ? એની ગતિ કંઇ સીધી દિશામાં..નાકની દાંડીએ ન હોઇ શકે. એ તો મન ફાવે ત્યાં દોડતું રહેવાનું. અને આ પાનાઓ પૂરતી એની દોટ અટકાવવી મને નહીં ગમે. અહીં તો નિર્બંધ, અસ્ખલિત વહેવાનું..મુકત રીતે ખળખળ વહેતા ઝરણાની માફક જ.

તું કહીશ..બસ..મમ્મી હવે તારું ઝરણું બહું વહ્યું..હવે અટકે તો સારું…. તો અટકું…? પણ અટકતા પહેલાં..અશ્વિન ચંદારાણાની એક પંક્તિ યાદ આવે છે. એ ટાંકવાનો લોભ જતો કરી શકતી નથી.

એક લાયક દીકરો હોય‚ તો માતા–પિતાને ખોટ શેની હોય? ચાહે ગરીબી હો‚ યા અમીરી… છાતી ગજગજ ફૂલે‚ શાણા દીકરાની હાજરીમાત્રથી. પગ મૂકવા ધરતી મળે‚ શાણા દીકરાની હાજરીમાત્રથી.

અને હા બેટા, અમારી પાસે તારા જેવો શાણૉ દીકરો છે એનું અમને ગૌરવ છે.

મમ્મીનું વહાલ શીર્ષક પંક્તિ..પ્રફુલ્લા વોરા

http://paramujas.wordpress.com/2011/12/24/%e0%aa%a6%e0%ab%80%e0%aa%95%e0%aa%b0%e0%ab%8b-%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%8b-%e0%aa%b2%e0%aa%be%e0%aa%a1%e0%aa%95%e0%aa%b5%e0%aa%be%e0%aa%af%e0%ab%8b-8/#comment-9177

  1. Vasant Parikh
    જાન્યુઆરી 3, 2012 પર 4:33 પી એમ(pm)

    Beautifully worded and most inspiring artcle for today’s generation. I am also debating this question for spending lots of money in getting my two daughters having education in English medium school when their contemporaries who have studied in Gujarati Medium and enjoying the same or higher tatus in job in U S A and in India too.
    We wish we have more and more such inspiring articles from NILam Doshi.
    DHANYAVAD.

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: