મુખ્ય પૃષ્ઠ > નયનોનાં કોરની ભીનાશ - > નયનોનાં કોરની ભીનાશ (૧૧) નયના પટેલ

નયનોનાં કોરની ભીનાશ (૧૧) નયના પટેલ

નવેમ્બર 12, 2011 Leave a comment Go to comments

વહેલી સવારે દિશાની આંખ ઉઘડી ત્યારે ક્ષિતિજ ભર ઊંઘમાં હતો. એ એક નજરે એને તાકી રહી…..એ જ નિર્દોષ લાગતો ચહેરો અને મોટી મોટી વિશાળ આંખો હમણા બંધ છે જેના વડે હંમેશા દૂર દૂર ‘ક્ષિતિજ’ની પણ પેલેપાર એ જોતો રહ્યો-એક ઉજ્વળ ભવિષ્ય! અને એ ભવિષ્યને સાકાર કરવાનું મનોબળ અને હિંમત એણે જોયા હતાં એની આંખમાં પરંતુ આજે એ જ મનોબળ અને હિંમતને, ડૂબતા સૂર્ય સાથે અને જીવનની ઝંઝાવતોમાં નિષ્પાણ થઈ જતાં જોયાની દિશા સાક્ષી છે. એનાથી એક મોટો નિઃસાસો મુકાઈ ગયો. અંતરને તળીયેથી નીકળેલા એ નિઃસાસાથી કે પછી એનું જીવન હવે જેમ પડખું બદલવાનું છે એમ ક્ષિતિજે પણ પડખું બદ્લ્યું….!
બે હાથને જોઈ ‘કરાગ્રે વસતે લક્ષ્મી…’પ્રાર્થના કરતાં કરતાં પણ એનું વિચાર ચક્ર ચાલુ જ હતું… ‘લક્ષ્મી…ના,ના ‘પૈસા’, હા પૈસા મેળવાની ભગદોડમાં લક્ષ્મી, સરસ્વતી અને ગોવિંદ ક્યાંય પાછળ રહી ગયા હતાં! યંત્રવત ધરતીને પગે લાગી – ‘જીવનમાં શું ધાર્યુ’તું શું થઈ ગયું’-ના નકારાત્મક વિચારને ખંખેરી વાસ્તવિક જીવનમાં ફરી ખોવાઈ ગઈ!
ક્ષિતિજે ઉઠીને પહેલું કામ અંબરબેન અને સ્વયંને ફોન કરી મિટીંગ ગોઠવવાનું કર્યું. ‘બન્ને બાપ દિકરાનો એ સ્વભાવ સાવ સરખો હતો-મનમાં કોઈ નિર્ણય લે એટલે પછી એની પાછળ આદુ ખાઈને લાગી પડે!’ ઘરકામમાં વ્યસ્ત દિશાએ વિચાર્યું.
અને સાચે જ ત્રણ અઠવાડીયામાં તો ક્ષિતિજે ઘર અને માલ-મિલકતની બધી યોગ્ય વ્યવસ્થા કરી અને ભારતમાં બાને ફોન પર ‘કાયમ માટે પાછા આવી જવાનાં લીધેલા નિર્ણયની અને ફ્લાઈટની માહિતિ પણ આપી દીધી.
હોંશે હોંશે વસાવેલાં ઘર-બાર(!), ગાડી, વાડી અને ધંધાને છોડીને જવાનો સમય આવી ગયો. સાંજની ફ્લાઈટમાં ભારત જવા નીકળવાનું છે! જેમ થોડા દિવસથી ક્યારેક પ્રત્યક્ષ-ક્યારેક અપ્રત્યક્ષ રીતે દિશાથી બોલાય જવાઈ છે-‘ચાલ છેલવેલ્લી આ કરી લઉં અને તે કરી લઉં’-તેજ રીતે આજે ગાર્ડનમાં એનાં પ્રિય છોડવાઓને પાણી પીવડાવતાં તે સ્વગત શકુંતલાને વિદાય કર્યા પછી રડતાં હૃદયે કર્ણવ ઋષી જેમ ફુલ-ઝાડ સાથે વાત કરતાં તેમ એણે પણ મનમુકીને વાત કરી લીધી,  ઘરની પ્રત્યેક વસ્તુને સ્નેહથી પંપાળી લીધી! સાંજ સુધી દરેક વસ્તુમાં હજુ ય જીવતાં બન્ને મૃત બાળકોને પણ આંસુનો અભિષેક કર્યા કર્યો.રહી રહીને એને સ્કુલમાં ભણેલી કવિતા-‘જૂનું ઘર ખાલી કરતાં’-તે યાદ આવતી રહી!
ક્ષિતિજે અને દિશાએ મન મજબૂત કરીને સાથે ફક્ત ફોટો અલ્બમ જ બેગમાં પૅક કર્યું-બાકીનું બધું માળીયે (ઍટીકમાં) ચઢાવી દીધું હતું.
જેમ જેમ સાંજ પડતી ગઈ તેમ તેમ દિશાનું કાળજું વધારેને વધારે તરફડવા માંડ્યું હતું. બપોરે ક્ષિતિજ ઘરે આવી ગયો હતો. વિદાઈ આપવા એકત્ર થયેલાં સ્ટાફની સામે એ રડ્યો ન્હોતો પરંતુ તેમને ઍરપોર્ટ પર મુકવા માટે આવેલાં અંબર અને સ્વયંને જોઈ એ મોટેથી રોઈ પડ્યો. માંડ માંડ ખાળેલા સૌનાં આંસુ હોડમાં ઉતર્યા હોય તેમ કોઈ રડવું ખાળી શકતું ન્હોતું! આખરે ફ્લાઈટનાં સમયે સૌને શાંત કર્યાં! આનંદ અને શોકની ઉપરની એક અવસ્થા છે જેને કોઈ નામ નથી ફક્ત હમણા તે લાગણી ક્ષિતિજ અને દિશા અનુભવે છે!
કારમાં બેસીને ઘર પર નજર ફેરવતાં ફેરવતાં દિશા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. ક્ષિતિજ, સ્વયં અને અંબર પણ રડી પડ્યા. સ્વયંએ કાર એરપોર્ટ તરફ હંકારી મૂકી. કારમાં રડતી-કકળતી લાગણીઓને શાંત કરવામાં એ.સી પણ નકામું નીવડ્યું. અકળામણ દૂર કરવા સ્વયંએ સી.ડી. પ્લેયર ચાલુ કર્યું અને ગીતની પહેલી કડી પૂરી પણ ન્હોતી થઈ અને એણે તે બંધ કરી દીધું-કારણ એ જ કે-‘ચલ ઉડ જા રે પંછી કે અબ યે દેશ હુઆ બેગાના’ની આગળ સાંભળી શકવાની કોઈની પણ માનસિક તૈયારી ન્હોતી!
એરપોર્ટ પર કરવાની બધી જ વિધિ પતાવીને ક્ષિતિજ અને દિશા અંબર અને ક્ષિતિજ પાસે આવ્યા. એક-બીજાને ભેટીને ખુબ રડી લીધું-વિદાયના શબ્દો બોલવાની કોઈ જરુર ન્હોતી માત્ર હાથ હલાવી વિદાય લઈ, સીક્યોરિટિ ચેક તરફ ક્ષિતિજ-દિશાને જતાં અંબર અને સ્વયં જોઈ રહ્યા. સ્વયં સ્વગત બોલ્યો-‘મહાભિનિષ્ક્રમણ!’ અંબરે બે હાથ જોડી સ્વયંને હવે આગળ કાંઈ જ ન બોલવાની મૂક વિનંતી કરી અદ્રષ્ય થતાં ભાઈ-ભાભી સામે હાથ હલાવ્યા કર્યો.
ક્ષિતિજ અને દિશા પ્લેઈનમાં બેઠાં ત્યારે રાત પડી ચૂકી હતી. જમવાની બન્નેને જરા ય રૂચી ન્હોતી એટલે દિશાએ ક્ષિતિજનાં ખભે માથું મૂકી આંખો બંધ કરી સુવાનો પ્રયાસ કર્યો. ક્ષિતિજે પણ એરહોસ્ટેસને જમવાની ના કહી, આસ્તેથી દિશાને બ્લેન્કેટ ઓઢાવી અને પોતે પણ બ્લેન્કેટ ઓઢી આંખો મીંચી લીધી. બન્નેને ખબર છે કે એમ આંખો મીંચી જવાથી ઊંઘ થોડી જ આવશે!
ન ઈચ્છતાં પણ બન્ને સમક્ષ ભૂતકાળ આળસ મરડીને પ્રત્યક્ષ થવા માંડ્યો……
પ્રશાંત, પ્રિયંકા, સુહાગ અને ન-જન્મેલાં શીશુના અપમૃત્યુએ ક્ષિતિજનાં માનસતંત્રને હચમચાવી મૂક્યું હતું. હંમેશા દિશાને કોઈ પણ વાતમાં ‘વધુ ન વિચારવા’ની સલાહ આપવા વાળો ક્ષિતિજ એનાં ભૂતકાળનાં પ્રત્યેક નિર્ણય સામે પ્રશ્નાર્થ મૂકીને ચકાસવા માંડ્યો હતો. આજે એનાં મને કહ્યું ન જ માન્યું. તેમાં સમય અને સ્થળ એ દરેકે દરેક નિર્ણયોનું વિશ્લેષણ કરવા માટે અનુકૂળ હોય તેમ મન કામે લાગ્યું.
અમેરિકા જવા માટેની હઠ શા માટે કરી?-એણે એના મનને પૂછ્યું!
જવાબ હાજર જ હતો-પૈસો અને આરામદાયક જીવન!
હા, પૈસો જરુર મળ્યો પરંતુ તેને માટે કરવી પડેલી તનતોડ મહેનત-એટલી જ મહેનત એણે ભારતમાં કરી હોત તો!
મન ચૂપ હતું-એની પાસે કોઈ જવાબ ન્હોતો!
પૈસા કમાવાની લ્હાયમાં, સમય ન આપી શકવાની સુશુપ્ત ગુન્હાવૃત્તિએ બાળકોને જોઈતું-ન જોઈતું પણ બધુ જ આપ્યું! દિશાની તે વિશેની ટકોરને અવગણીને પણ બાળકોનો લાડકો ‘ડેડ’ જરુર બન્યો પરંતુ શ્રેષ્ઠ પિતા બની શક્યો?-ફરી મન ચૂપ જ રહ્યું.
કમાયેલા પૈસાને ક્યારે ય લક્ષ્મી સમજી નહી-એને મન ફાવે તેમ ઉડાવ્યા અને છતાં ય પૈસો પૈસાને ખેંચતો રહ્યો, પૈસા આવતા રહ્યા પરંતુ કોઈ દિવસ પણ વિચર્યું કે એ કોના નસીબને જોરે અની તરફ આવતા હતાં?-આજે મનને ચૂપ રહ્યા સિવાય છૂટકો ક્યાં હતો?
બાળકોમાં ભારતીય સંસ્કાર સીંચવાની જાણે દિશાની જ જવબદારી હોય તેમ ક્યારે ય તેનો વિચાર સુધ્ધાં કર્યો નહીં!
દારુની લતને લીધે દિશા ઉપર શું વીતી હશે કયારે ય વિચર્યું? એ કુટેવની પ્રશાંત અને પ્રિયંકા પર શું અસર થશે તેનો વિચાર કેમ કદી ય ન કર્યો?
ઘરમાં કોઈને જ ખબર ન્હોતી અને હજુ ય કોઈને ખબર નથી કે પ્રિયંકા સીગરેટ પીતી હતી. એને જ્યારે ખબર પડી ત્યારે એ ચૂપ જ રહ્યો-કયા મોઢે તેને રોકે?
જીવનમાં મળેલી દરેક સફળતાએ બાળકોને અકાળે છીનવી લઈને ભરપૂર બદલો લીધો.
આજે જીવે છે તે પણ પ્રશાન્તની કીડનીને લીધે! જીવનનો ચોપડો આંખ સમક્ષ ખુલતો જ ગયો……..
ભવિષ્ય કેવું હશે ખબર નથી પરંતુ મનમાં એક વાત નક્કી કરી લીધી-જીંદગીએ આ બીજો અવસર આપ્યો છે, હવે નાદાની કે બેજવાબદારીભર્યું વર્તન કયારેય કરશે નહીં! શરીર અકડાઈ ગયું અનુભવ્યું એટલે આંખો ખોલી, જોયું તો દિશા પ્લેઈનની સીલિંગ તરફ શૂન્યમનસ્ક બનીને જોતી હતી. એની આંખોને કોરે ભીનાશ હતી!
એ ભીનાશની પેલે પાર હતી બાળકોની ક્ષમતા અને રુચીનો છેદ ઉડાવીને પોતાના સીંચેલા સપનાની રાખ!
પ્રૌઢત્વ તરફ ડગ માંડતું અણદીઠ ભવિષ્ય!
વાંઝણી થઈ ગયેલી વણ કહી વેદના!
અને…
ઉદાસીનો ઘૂઘવતો દરિયો!
મુંબઈ આવી ગયાની કેપ્ટનની ઘોષણાથી ક્ષિતિજ અને દિશાને જે હાશકારો થયો તે વિચારોનાં વમળમાંથી છૂટ્યાનો હતો કે અમેરિકા છોડવાનો હતો-ખબર નહીં!

Advertisements
 1. નવેમ્બર 12, 2011 પર 5:17 પી એમ(pm)

  પ્રૌઢત્વ તરફ ડગ માંડતું અણદીઠ ભવિષ્ય!
  વાંઝણી થઈ ગયેલી વણ કહી વેદના!
  યાદ
  વેદના, તું અંધ ના કર; વેદના,તું નેત્ર દે.
  કોડિયાં ધારી લીધાં બત્રીસ કોઠે,લે હવે
  આવ તું,પેટાવ તું,ઝળહળ બનાવી દે મને
  તેજમાં સુખચેનની ચીજો જ દીઠી ચારેગમ,
  તું બતાવે તો મને દેખાય અજવાળાં સ્વયં
  ભીંત ગાયબ થાય ચિત્રે, એવું ભિત્તિચિત્ર દે. વેદના…..

  તું ન કારાગાર થા, થા એક અણધાર્યો પ્રવાસ,
  ક્યાં જવું,ક્યાં થઈ જવું,કે કઈ રીતે- નક્કી ન ખાસ.
  એટલું નિશ્ચિત કે જ્યાં છું ત્યાં નથી રહેવું હવે,
  થીજવ ના, પીગળાવ તું, મારે સભર વહેવું હવે
  કોક સાવ અજાણ જણ પર એક ભલામણ-પત્ર દે. વેદના….

  તો પછી પહોંચાડ, પીડા, ભાનના એવે સીમાડે,
  કે પછી કોઈ સીમાડો ક્યાંય તે આવે ન આડે.
  ને વતન થઈ જાય મારું, સૃષ્ટિનું સહુ પરગણું,
  દઈ શકે તો દે મને એક જ્ઞાનીનું પાગલપણું.
  અગન પંપાળી શકે એવો પ્રસન્ન કરાગ્ર દે. વેદના

 2. નવેમ્બર 12, 2011 પર 9:05 પી એમ(pm)

  સાદ્યંત સુંદર, નયનોના કોરને ભીંજવતી અને હૈયાને વલોવી દેતી શૈલી..જૂના સંદર્ભોને વાગોળતા ભાવો વિષેની શબ્દોની પ્રચંડ શક્તિ,અભિવ્યક્તિ…નયનાબેનને ખુબ અભિનંદન..

 3. નવેમ્બર 22, 2011 પર 5:10 પી એમ(pm)

  દઈ શકે તો દે મને એક જ્ઞાનીનું પાગલપણું.
  અગન પંપાળી શકે એવો પ્રસન્ન કરાગ્ર દે. વેદના
  એક કવિયત્રીના કરાગ્રમાંથી જ વેદના પમ્પાળનારી બને!
  અતિ સુંદર

 1. નવેમ્બર 8, 2012 પર 8:25 પી એમ(pm)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: