મુખ્ય પૃષ્ઠ > નયનોનાં કોરની ભીનાશ - > નયનોનાં કોરની ભીનાશ (૭) પ્રભુદાસ ટાટારીઆ “ધુફારી”

નયનોનાં કોરની ભીનાશ (૭) પ્રભુદાસ ટાટારીઆ “ધુફારી”

ઓગસ્ટ 20, 2011 Leave a comment Go to comments

ત્રીજે દિવસે પ્રશાંતનો દેહ અગ્નિસંસ્કાર માટે સોંપા્યો. આ સમય દરમ્યાન પ્રશાંતની કીડની ક્ષિતિજમાં આરોપાઇ ગઈ હતી. મેચીંગનો તો પ્રશ્ન નહોંતો પણ ક્ષિતિજ વિચારી વિચારીને થાકી ગયો હતો. દિશા કેટલી સાચી પડે છે એણે ના કહી તે બધી જગ્યાએ હું ખોટો પડ્યો….. આખું હ્યુસ્ટન પ્રશાંતની અંતિમયાત્રામાં સામેલ હતું એમ કહી શકાય.ભારે હ્રદયે બધા સ્મશાનમાં આવ્યા હતા.અમેરિકાનાં સ્મશાનોની એક વાત બહુ અજીબ હતી તે સ્મશાનમાં  જેટલી કબરો હતૉ બધા ઉપર તાજા ગુલાબનાં ફુલો હતા જાણે તેમના નવા જોડીદારને વધાવવા તે તૈયાર ના ઉભા હોય..

પ્રશાંતનાં મૃતદેહને જોતા તો એમ જ લાગતું હતું કે હજી ઘેરી નિંદ્રામાં સુતો છે. દિશા તેને જોઇ રહી હતી તેને થતું કે હમણાં ઉઠીને બોલશે મમ્મી મારી કોફી થઇ ગઈ? અંબર પણ દિશાની સાથે જ ત્યાં ઉભી હતી. મહારાજ અંતિમ વિદાય આપવા આવનારા સૌને જીવનની ક્ષણભંગુરતા સમજાવતા હોય તેવા સંસ્કૃતમાં શ્લોકો બોલતા હતા.અમેરિકન મિત્રો કાળા શૂટમાં હતા જ્યારે ભારતીયો સર્વે શ્વેત વસ્ત્રમાં હતા.

ક્ષિતિજને આવતો જોઇ અંબર ફરીથી રડી પડી બા તેને સંભાળતા બોલ્યા.. અંબર.. આયુષ્ય કર્મ આટલુંજ લખાવીને તે આવ્યો હોય ત્યારે આ રડા રોળને કાબુમાં રાખ. દિશા શુષ્ક આંખે તેના લાડકવાયાને જોઇ રહી હતી. સંભવ અને જીગરના ટેકે પોતાના શરીરની લાશ ખેચતો ક્ષિતિજ ચિતા પાસે આવ્યો. ગોર મહારાજે અંતિમ દર્શન પહેલા સ્નેહી જનો અને મિત્રોને પ્રશાંત વિશે બોલવા કહ્યુ..

ત્યારે બા પહેલા માઇક ઉપર આવ્યા. “આપ સૌનો બહુ આભાર . તમે અમારા કુટૂંબ ઉપર આવી પડેલી આ વિપદા સમયે હૂંફ અને સહાનુભૂતી આપી. પ્રશાંત માટે તો એટલું જ કહીશ કે મારી તો મૂડી પણ ગઈ અને વ્યાજ પણ ગયું. પણ કહે છે ને કે ઐસી કરની કીજીએ જબ તુમ જાઓ જગ રોય.. ”

અંબર ફોઇ અને પ્રિયંકાનાં શબ્દોએ તો સમગ્ર જનતાને રડાવી દે તેવું ગીત ગાયુ.. કે “ભાઇલા આજે ભલે તુ જાય પણ રક્ષા બંધને દેવ થઇ ને આવજે.”

દિશાની નજર એક છોકરી પરથી હટતી નહોંતી. તે જ્યારે માઈક ઉપર આવી ત્યારે બોલી “ એ દોસ્ત તેં દીધો મને દોસ્તીનો એવો ગુલદસ્તો કે જે મહેંકે તે પહેલા જ તુ ધુમ્ર થઇને હવામાં ઓગળી જવાનો”

પાંચ સાત ટુંકા વક્તવ્યો પત્યા અને ક્ષિતિજના હાથમાં અગ્નિસંસ્કાર માટે અગ્નિ આપવામાં આવ્યો ત્યારે એ બે હાથ વચ્ચે માથું રાખી ગોઠણિયે પડીને ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યો “ઓહ! ભગવાન આ મારા ક્યા ભવના કર્મની સજા છે જેના હાથે અગ્નિસંસ્કાર પામવું જોઇએ તેને અગ્નિસંસ્કાર આપવાનો મારે આવ્યો” સંભવ અને જીગરે સાંત્વના આપીને અગ્નિસંસ્કાર કરાવ્યા.

ક્ષિતિજને વેનની પાછલી સીટ પર સુવડાવ્યો. વેન હોસ્પીટલ તરફ જૈ રહી હતી. પ્રિયંકા અને જીગર ક્ષિતિજની સાથે જતા હતા.. દિશા અને અંબર સંભવની સાથે પાછળ આવતા હતા અને પ્રશાંતનાં જન્મ સમયની યાદો ભુતકાલીન સ્મરણોની જેમ ક્ષિતિજની સામે ઉભરાવા લાગ્યા. સાપુતારા હનીમૂન દરમ્યાન વર વધુનાં મનામણા- રીસામણા આનાકાની અને પોતાની મનમાનીના દ્રષ્યો ચિત્રપટની પટ્ટીની જેમ ઉભરાવા લાગ્યા.

મેનોપોઝની ડેઇટ પર એક વીક જતાં જ્યારે દિશાએ ખબર આપ્યા ત્યારે તે કેટલો ઉછળી પડેલો અને સાયણનાં મેટરનિટિ હોમમાં રીઝલ્ટ પોઝીટીવ મળતા તેના આનંદ સમાતો ન હતો.મેટરનિટિ હોમના ડોરથી કાર સુધી તે દિશાને હાથમાં ઉચકીને લાવેલો અને કોઇ સુંવાળું ફૂલ મુકતો હોય તેમ આસ્તેથી પેસેન્જર સીટમાં બેસાડેલી.

રસ્તામાં પડતા પુરોહિત સ્વીટ માર્ટમાંથી પાંચકિલો મિક્ષ વેરાઇટીની મીઠાઇ લીધેલી અને ઘેર આવ્યા ત્યારે મમ્મીએ પુછ્યું “એલા! ક્ષિતિજ આટલી બધી મીઠાઇ?” ત્યારે તેણે મમ્મીને પણ ઉચકીને ગોળ ગોળ ફેરવતા કહેલું

“મમ્મી તું દાદી બનવાની છે”

“અરે વાહ!….વાહ મારા વ્હાલા તેં બહુ મોટી મહેર કરી” મમ્મીની આંખો કેવી ખુશીથી છલકાયેલી “નીચે ઉતાર આમાંથી હું મારા ઠાકોરજીને પ્રસાદ ધરાવું”

ક્ષિતિજે સૌથી પહેલા સમાચાર અંબર અને સંભવને આપ્યા ત્યાર બાદ મિત્રવર્ગમાં.ત્રીજા મહિને ચેક-અપ માટે ગયેલા ત્યારે તેણે લેડી ડૉકટરને પુછી લીધેલું કે,આવનાર બાળકની જાત કઇ છે અને જયારે તેણીએ કહ્યું કે તે નર જાતી છે ત્યારે તે વધુ ઘેલમાં આવી ગયો.તે છતાં તેણે દિશાને જણાવ્યું નહી કે અવતરનાર બાળક નર જાતીનું છે.તેણે પોતાની જાતને જ પુછ્યું ક્ષિતિજ આવનાર બાળક નારી જાતીનો હોત તો તું કરત એબોર્શન? નો…વે….છટ! કેવી વાત કરે છે?દીકરીતો વહાલનો દરિયો કહેવાય તેને ખાબોચિયું સમજીને અવહેલના થોડી જ કરાય?

દિશાને અમુક આઇટમ ભાવતી અમુક નહી તેથી જ પોતાને ભાવતી પણ દિશાને ન ભાવતી આઇટમનો આગ્રહ તેણે છોડી દીધેલો.રોજ સવારે તે દિશાને મોર્નિન્ગ વોક માટે લઇ જતો અને દિશાને ખુશ રાખવાની કોશિશ કરતો.તેના બધા સિડ્યુઅલ દિશાની આસપાસ જ ઘુમતા હતા.આવનારને તો બે માસની વાર હતી તે પહેલાં કોઇ દિવસ ક્રેડલ,કોઇ દિવસ પ્રૅમ,ત્યાર બાદ બેડ બ્લેંકેટ એક એક વસ્તુ લાવી રાખેલી.શોફ્ટ સ્ટફડ ટેડીબૅર ડોલ્સ વગેરે લાવવા શરૂ કર્યા ત્યારે દિશા તેના ગાંડપણ પર હસેલી. ઘણી વખત દિશાના પેટ પર હળવેથી માથું મુકીને ગર્ભસ્થ બાળકના ધબકારા સાંભળતો અને હળવેકથી કહેતો “હ…લ્લો…..”

પ્રસુતિના આખરી દિવસો હતા એ દરમ્યાન જ અંબર ભાભીને સંભાળ લેવા આવી ગયેલી અને ક્ષિતિજને બીજા રૂમમાં સુવા મોકલી પોતે ત્યાં હાજર રહેવા લાગી અને એક મધરાતે દિશા એ અંબરને જગાડી અંબર પણ સફાળી જાગીને ક્ષિતિજને જગાડ્યો અને ગાડી બહાર લાવવા કહ્યું ક્ષિતિજે ગેરેજ ખોલતા પહેલા મમ્મીને જગાડ્યા અને તરત જ નામ નોંધાવેલા મેટરનિટિ હોમ જવા રવાના થયા. દિશાને ઍડમિટ કર્યાના બાદ અર્ધા કલાકમાં જ નોર્મલ ડિલેવરી થઇ અને બાળકનો જન્મ થયો.નર્સ નવડાવીને બાળકને માની પાસે લાવી અને દાદીને સોંપ્યો.અંબર અને ક્ષિતિજ બાળકનું મુખમંડળ જોવા આતુર થઇ ગયા.

ઠાકોરજીની પૂજામાં રહેતી મધની બોટલ દાદી સાથે જ લાવેલા ગળામાં પહેરેલું શ્રીનાથજીનું લોકેટ મધમાં ડૂબાળીને ચટાળ્યું અને પછી દિશાને સોપ્યો. “જરા મને મારૂં બાળક જોવા ને હાથમાં લેવા તો દો….”ક્ષિતિજે કહ્યું “એ ભુખ્યું છે તેને માનું દૂધ પીવા દો ચાલો બહાર જાવ પછી આરામથી જોયા કરજો”

થોડી વાર રહીને રૂમના બારણા ખુલ્યા અને ક્ષિતિજ બાળકનું મ્હોં જોવા દોડ્યો.બાળક તેના હાથમાં આપતા મમ્મીએ ટકોર કરી “માથા નીચે હાથ રાખી માથું બરોબર પકડજે” “હ…લ્લો….તું મને ઓળખી લે હું તારો પપ્પા છું…..”એમ જયારે ક્ષિતિજે કહ્યું ત્યારે સૌ હસ્યા.

દાદીએ હવેલીના મુકિયાજી પાસેથી કુંડળી મંડાવી અને અંબર ફોઇએ નામ પાડ્યું પ્રશાંત. પ્રશાંતના જન્મથી વિવિધ સમયે સ્નેપ્સ અને મુવી લેવા માટે ક્ષિતિજે એક હેન્ડીકેમ હાથવગો જ રાખેલો દિવાલ પકડીને ચાલતા શિખેલા પ્રશાંત માટે ક્ષિતિજ વોકર લઇ આવ્યો પણ રિમોટ કંટ્રોલ વાળી અને તે દિવસે દિશાએ કહ્યું “આ રિમોટ કંટ્રોલથી આપણે વોકર ચલાવીશું તો એ પોતાની રીતે મેન્યુઅલી ચાલતા ક્યારે શિખશે?”

“એ પણ શિખી જશે….”અને ખરેખર વોકરમાં બેસાડ્યા બાદ પ્રશાંત પગ અધ્ધર ઉપાડી લેતો તે દિશાએ બતાવ્યું ત્યારે ક્ષિતિજને પોતાની ભૂલ સમજાઇ. તેના મનોરંજન માટે એક અલાયદુ ટીવી અને સીડી પ્લેઅર લઇ આવ્યો અને ટોમ-જેરી, મીકી માઉસ,પિન્ક પેન્થર વગેરેની સીડીનો ગંજ ખડકી દીધો.પહેલા પોતાના હાથે જમતા પ્રશાંતને ટીવી જોતા જોતા મમ્મી જમાડે એવો આગ્રહ રાખતો થઇ ગયો.એક દિવસ ખીજાયેલી દિશાએ ટીવીનો પ્લગ કાઢી નાખ્યો અને સીડી પ્લેઅર અભેરાઇ પર ચડાવી દીધો.તે દિવસે પ્રશાંત ખુબ રડ્યો પણ પછી મમ્મીની શરત માની કે નાસ્તો અને દૂધ પહેલા અને પછી ટીવી જમવાનું પહેલાં પછી ટીવી એ થોડો વખત ચાલ્યું પાછું એનું એ જ. પ્લે ગ્રુપમાં નામ નોંધાવ્યું.ત્યાં જોયેલી બાઇસિકલની માંગણી પ્રશાંતે કરી તો ક્ષિતિજે તેને ગીયર વાળી,સપોર્ટિન્ગ સાઇડ વ્હીલ અને રિમોટ કંટ્રોલથી ચાલતી લાવી આપી ત્યારે પણ દિશા નારાજ થયેલી તે પોતાની મહેનતે ચલાવી શકે એવી સાદી સાઇકલ લાવવાના બદલે આ શું? “ગમે તેમ ક્ષિતિજનો દીકરો છે….”ક્ષિતિજે ગર્વ કરેલો. એક દિવસ પોતાના મિત્રની સાદી સાઇકલ ચલાવવાની તેણે કોશિશ કરી અને સાઇકલ ઉપરથી પડ્યો કોણી ઉપર ગોઠણમાં સારા એવા ઉજરડા પડેલા અને સાંજે ક્ષિતિજ લીકર સ્ટોર પરથી આવ્યો ત્યારે તેને પ્રશાંતને લાગેલા ઘાવની ખબર પડી ત્યારે દિશા કશું બોલી નહીં પણ તેણીની આંખો કહેતી હતી “જોયું….?”

પ્રશાંતના પાંચમા બર્થ-ડેની ગિફ્ટ તરિકે ક્ષિતિજે તેને રિમોટ કંટોલથી ઉડતો હેલિકોપ્ટર આપેલો અને એક દિવસ પડોસી બુઢ્ઢી મેડમ જેકશનની કેપ હેલિકોપ્ટરમાં ભેરવાઇ ગયેલી અને હેટના લીરા લીરા થઇ ગયેલા ત્યારે મેડમ જેકશન બિચારી કૅટલી રડેલી એ તેના સ્વર્ગસ્થ હસબન્ડ તરફથી મળેલી ભેટ હતી.તેણી બિચારી રડીને બેસી રહી બીજી કોઇ હોત તો કોર્ટ કચેરીના ચક્કર થઇ જાત.

પ્રિયંકાના બર્થ પછી દિશાને લાગતું કે બસ પરિવાર પુરૂં થઇ ગયું.સમય આવશે ત્યારે દીકરી સાસરે જશે તો કોઇકની દીકરી સાસરે આવશે અને દીકરીની ખોટ પુરાઇઅ જશે.દિશાએ પ્રિયંકા પ્રશાંત જેવી ઉછાંછળી ન થઇ જાય તેની પુરી તકેદારી રાખેલી.આમ પણ પ્રિયંકા શામ્ત હતી કોઇ વાતની ક્યારે જીદ ન્હોતી કરતી જોતા દિશા ખુશ હતી.

પ્રશાંતના દશમા બર્થ-ડે વખતે તેણે નોટબુક સાઇઝ લેટેસ્ટ ટેકનોલોજી વાળું લેપટોપ પ્રેઝન્ટ આપેલું અને એ આખો દિવસ ગુગલ ઉપર સર્ફિન્ગ કરીને નિત નવી ટેકનોલોજીની માહિતિ ભેગી કરતો અને ત્યારથી બાપ દીકરો તેના વિષે જ ચર્ચા કરતા.જુની વસ્તુ બગડી જાય તો રિપેરિન્ગ કરાવવું બાપ દીકરાના લોહીમાં જ ન્હોતું બસ નવું અને લેટેસ્ટ લાવો અને આજમાવો.

ક્ષિતિજ હંમેશા કોઇ ન કોઇ વસ્તુનું બહાનું રાખીને પાર્ટી ઉજવતો.પ્રશાંતની બર્થ-ડે પાર્ટી, દિશાની બર્થ-ડે પાર્ટી, પોતાના બર્થ-ડે પાર્ટી,નવી ગાડી લીધી પાર્ટી.એક લીકર શોપ પછી બીજી ખુલ્લી તેની પાર્ટી. આમ પીવામાં એક પેગ બસ એક પેગ મન ખુશખુશાલ રહે તે માટે કહીને તેણે શરૂઆત કરેલી.દિશા એ મનાઇ કરી તો લીકર શોપ પર પીવાનું શરૂ કર્યું એમ કહીને કે લીકર શોપના માલિકને કઇ બ્રાન્ડ સારી છે અને કઇ કંડમ છે તેનું જ્ઞાન તો હોવું જોઇએને?અને તે ચાખ્યા વગર થોડી ખબર પડવાની છે? અને આખરે કીડની ફેલ્યુઅર્નો શિકાર બની ગયો.

હોસ્પીટલ પર જ્યારે બે ગાડીઓ પહોંચી ત્યારે તે છોકરી અને તેના પપ્પા ક્ષિતિજને મળવા આવ્યા. દિશાને તે પગે લાગી અને બોલી “ મમ્મી! મારું નામ સુહાગી અને હું પ્રશાંતની નવી મિત્ર.ગ્રેજ્યુએશન પછી અમારી આંખ મિંચામણી પુરી થઇ હતી.” સુહાગીનાં પપ્પાએ કહ્યું “પ્રશાંત તેની નવી મર્સીડીઝ લઇને મને મળવા આવ્યો હતો અને મારી પાસેથી સુહાગીનો હાથ માંગ્યો હતો. જે દિવસે ક્ષિતિજભાઇની પાર્ટી હતી તેમાં સુહાગીને પપ્પા સાથે તે મેળવવાનો હતો.” પ્રિયંકાને ત્યારે યાદ આવ્યુ..પ્રશાંતે પપ્પાના જન્મ દિવસની એક મોટી સર્પ્રાઇઝ રાખી હતી. તે જ આ સરપ્રાઈઝ?

દિશાએ તેને પોતાની પાસે ખેંચી અને બોલી “બેટા તું પ્રશાંતને પરણી ને આવત તોંય હું તને મારી દીકરી જ માનવાની હતી તો તું આજથી મારી દીકરી જ છે.”કહી માથું સુંઘી બાથમાં લીધી ત્યારે “આ..ઇ….”કહી તેણી દિશાને બાઝી પડી. વાત વાતમાં ખબર પડી તેણીએ બાળપણમાં જ મા ગુમાવી હતી.

ક્ષિતિજ્ને હોસ્પીટલમાં મુકી દીધા પછી દિશાએ બધાને કહ્યું.” ચાલો બધા અહીંથી ઘરે જઇએ”

દિશા સુહાગીને લઈ ઘરે જતી હતી ત્યારે બોલી બેટા મને પ્રશાંતે કહ્યું હતું તેથી પણ વધુ સુંદર અને ગુણીયલ છો. પ્રિયંકા તે વખત બોલી “તો મમ્મી તને ખબર હતી?” “હા તે દિવસે સવારે જ આ સરપ્રાઇઝ માટે તેણે મને વાત કરી હતી.” સુહાગીનાં પપ્પા માથે થી તો જાણે મણનો ભાર ઉતરતો  જણાયો. ઘરમાં હજી ટેન્સ વાતાવરણ તો હતું જ પણ દિશાના વ્યવહારીક મનમાં જે ગુંચ હતી તે ઉકેલવા પ્રિયંકા અને સુહાગીને ઉપલે માળે લઈને ગયા. પાછળ પાછળ બા પણ આવ્યા

.સંભવ અને અંબર સુહાગીનાં પપ્પા સાથે બેઠા. પ્રિયંકા દિશાની દશા જોઇ ચિંતિત હતી પણ હવે મમ્મીને કોઇ પણ રીતે પાછી વળાય તેમ નહોંતું તે સમજી ગઈ હતી. દિશાએ થૉડા ક્ષણની ચુપકીદી સાધ્યા પછી સુહાગીની સામે જોઇને પુછ્યુ..” સુહાગી મને સાચુ કહેજે આ “ગુલદસ્તો” એટલે તું પ્રશાંત્ થી પ્રેગ્નંટ છે?”

બા અને પ્રિયંકા તો આવા સીધા પ્રશ્ન થી એક્દમ સડક જ થઈ ગયા..સુહાગીએ હકારમાં માથુ હલાવ્યું અને દિશાનો પ્રતિવ્યવહાર જોવા ઉંચે જોયું..દિશાની આંખોમાં પ્રશ્નોની હાર સળંગ ચાલી ગઈ… “ સુહાગી.. મારી દીકરી થઇને રહીશ તો મને તો આનંદ છે પણ સુહાગણ થતા પહેલા વિધવા થવાનું કેવી રીતે ગમશે તને?..મારા પ્રશાંતનું બીજ તારા દેહમાં છે તેથી આ પ્રશ્ન તને પુછું છું.”

“ આઈ! હું સ્નેહ લગ્નની વિધવા છું..મને પ્રશાંત સિવાય બીજા કોઇની ચાહ નથી” પ્રિયંકા, બા અને દિશાને તો રડવું કે હસવું ન સમજાયુ..પણ પ્રશાંતનાં નામે બે જણાની આંખો નીતરવા માંડી..દિશા મા ને માટે દિકરો ખોયો અને બીજા સ્વરુપે પામ્યો અને સુહાગીને પ્રેમી ખોયો પણ તેના સંતાનને નામ મળ્યુ તે માટે… સુહાગીનાં પપ્પાતો દિશાને નમીજ પડ્યા…એમની દીકરી કેવા ઘેરા સંકટમાં હતી પણ પ્રશાંત બધીજ સમસ્યાનું હલ મુકીને ગયો હતો.

ક્ષિતિજને આ વાતની ખબર પડી તો તેને પણ આંચકો લાગ્યો..તે એક જ શબ્દ બોલ્યો ખબરદાર સુહાગીને વિધ્વા કહીતો.. તેતો પ્રશાંતની વાગ્દત્તા અને આપણી છોકરી છે…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: