મુખ્ય પૃષ્ઠ > નયનોનાં કોરની ભીનાશ - > નયનોનાં કોરની ભીનાશ (૬) રાજુલ શાહ

નયનોનાં કોરની ભીનાશ (૬) રાજુલ શાહ

ઓગસ્ટ 12, 2011 Leave a comment Go to comments

પ્રિયંકા દિશાની જેમ સંતોષી હતી. ભાગ્યેજ  એની કોઇ એવી ડીમાન્ડ  રહેતી કે જેના માટે ના પાડવાની હોય. ઉપરથી નાની હતી ત્યારથી એના માટે તો આગ્રહ કરીને કોઇ વસ્તુ એને અપાવવાની થતી. પ્રિયંકાએ  બસ આ એક જ વાર  ડોમમાં રહેવાની વાતને લઈને આજ સુધીમાં આટલી જીદ કરી હશે . એટલે ક્ષિતિજ કે દિશાની ઇચ્છા ન હોવા છતાં એની મરજીને માન આપ્યુ.

જ્યારે પ્રશાંત સાવ નાનો હતો ત્યારથી જ એના સપના મોટા મોટા.અને એની દરેક ઇચ્છા પરિપૂર્ણ  કરવાની હંમેશની ક્ષિતિજની તૈયારી, અને દરેક વખતે દિશાની આનાકાની.

“કેમ જાણે કોઇ બેરોનેટ ફેમિલીમાં જન્મ થયો છે પ્રશાંતનો?  “દિશા હંમેશા ટોકતી. અને થયો હોય તો ય શું? માંગ્યા મેહ વર્ષે તો તો એ મેહની પણ કોઇ કિંમત રહે? એ તો આસમાનના તારા માંગશે તો એ ક્યાંથી તોડીને લાવશો?

પણ શું કરુ ? તને ય ખબર છે છોકરાઓને કોઇ વાતની ના પાડવી પડે એ મને કેટલુ કઠે છે? મારામાં તાકાત હશે , મારુ ગજુ હશે ત્યાં સુધી તો હું એ પુરી કરી જ શકુને?  એમ કેમ ના પાડી દઉં?  અને છોકરાઓ આપણી પાસે જીદ નહીં કરે તો કોની પાસે કરશે?

પ્લીઝ, ક્ષિતિજ , હવે તો જરા ખમૈયા કરો! દરેક ઇચ્છા પુરી કરવી મા-બાપની ફરજ છે જ પણ  બિન જરૂરી કે વધુ પડતી માંગ હોય એને નકારવાની આપણી તૈયારી જોઇએ અને નકાર  સાંભળવાની પ્રશાંતની પણ તૈયારી હોવી જોઇએ એટલુ જ નહી એ નકાર સ્વિકારવાની સમજ પણ આપણે જ આપવી જોઇએ ને? આમને આમ તો ઘર જ નહીં પણ બહારની અસ્વિકૃતિ સ્વીકરતા નહીં શિખે. મોટો થશે અને જરા ઘર બહાર જતા શિખશે ત્યારે દરેક વસ્તુ એની મનગમતી જ મળશે કે થશે એવી કોઇ ગેરંટી આપી શકાશે? અને જ્યારે કોઇ વસ્તુ સહેલાઇથી નહીં મળે ત્યારે એ હાર ખમી શકશે? જીવનમાં કંઇક પામવાની સાથે કંઇક ન મળે ત્યારે એના વગર ચલાવતા પણ શિખવુ પડશેને?    યાદ છે તમે જ કહેતા કે નાના હતા ત્યારે તમને પપ્પાએ ફાવશે , ચાલશે જેવા શબ્દોની ય જીવનમાં એહમિયત હોવી જોઇએ એવુ  કહેલુ? મતલબ કોઇ એવી પરિસ્થિતિ આવે ત્યારે એ સમયે એમાં પણ ગોઠવાઇ જવાની તૈયારી હોવી જોઇએ આમ ને આમ તો પ્રશાંતને કોઇ દુનિયાદારીની સમજ આવશે?    ”

દિશાની વાત ક્ષિતિજ નહોતો સમજતો એવુ નહોતુ પણ તેનેદિકરા કે દીકરીને ના પાડવી એના સ્વભાવમાં જ નહોતુ.

એ દિશાને ઠંડી પાડવા મથતો.

“દિશા તને ખબર છે  ને મને પ્રિયંકા અને પ્રશાંત કેટલા વહાલા છે? અને આ બધું એમના માટે જ છે ને?”

” અને  છોકરાઓ મને વહાલા નથી?” દિશા તપી જતી.” પાણી માંગે ત્યાં દૂધ હાજર કરો ત્યાં સુધી ઠીક છે પણ પછી દૂધપાક સુધીની માંગ તો હંમેશા ન જ પુરી કરાયને?  એની ય એક હદ તો હોય ને?”

એક દિવસે દિશાના ઉકળાટનો પાર નહોતો. પ્રશાંત અને ક્ષિતિજ બંને જણા ઇલોક્ટ્રોનિક્સ અપ્લાયસીસના અત્યંત શોખીન . માર્કેટમાં જે નવી બ્રાન્ડ આવે એ લેવાનુ બંનેને મન થઈ  જ જાય. અને એ પછી જુની વસ્તુ ન વાપરવા માટે સો બહાના જીભે રમતા હોય. એ દિવસે ટચ સ્ક્રીન આઇ ફોન માટે બંને જણ ચર્ચા કરતા હતા અને પ્રશાંત તો એ લેવા એક પગે થઈ રહ્યો હતો. દિશાને ખાતરી હતી કે એ પછીના અઠવાડિયે એની જીદ પુરી થઈ જ હશે.

અને એટલે જ દિશા આટલી અકળાયેલી હતી.  ક્યારેક એવુ બનતુ કે કોઇ પણ વસ્તુમાં જો સહેજ ટેકનિકલ પ્રોબ્લેમ દેખાય તો બાપ-દિકરો બંને જણ તરત જ નવી લેવા તત્પર થયા જ હોય ને.

“અરે ભાઇ, કોઇને બતાવી તો જુવો , કોઇ નાની એવી ક્ષતિ હોય અને રિપેર થઈ શકતી હોય તો એવી ઉતાવળે નવી લેવાની શી જરૂર?”  દિશા કાયમ  બંનેને રોકવા પ્રયત્ન કરતી. પણ એને ખબર હતી  આ એની માથાકુટ વ્યર્થ જવાની છે.

હમણાંથી  ક્ષિતિજને સતત અંદરથી લાગ્યા કરતુ કે કાશ એણે દિશાની વાત માની હોત. કાશ એણે પ્રશાંતની મર્સીડીસ લેવાની ઇચ્છાને હવા ના આપી હોત. આ હવાની પાંખે ઉડીને તો પ્રશાંતે જીવ ખોયોને? એ દિશાની નજરનો સામનો ય કરી શકતો નહોતો . અંદરથી સતત એનુ કાળજુ કોરાયે જતું હતુ. પ્રશાંતને પપ્પા મર્સીડિસ લે એવી ઇચ્છા હતી જેથી એને કરોલા મળે પણ ક્ષિતિજે એના ગ્રેજ્યુએશન નિમિત્તે જ્યારે ક્ષિતિજે મર્સીડિસ એને અપાવી ત્યારે પણ દિશાની તો આનાકાની હતી જ.

ત્યારે દિશાએ  કહ્યુ હતુને કે  ” ક્ષિતિજ..તેં વિચાર્યુ છે કે આવી મોટી ગાડી તેને ઉછાછળો બનાવી શકે છે?”

અને પોતે જવાબ આપ્યો હતો “અરે દિશુ એમ પણ વિચારને કે મોટી ગાડી તેને જવાબદાર બનાવશે..”

દિશાએ કહ્યુ  હતુ ને કે  ” ના મારે તેને આકાશમાં નથી ઉડવા દેવો.. તેને ધરતી ઉપર રાખવો છે.”

અને એની આ વાત પર એણે જ તો દિશાને કહ્યુ હતુને કે હવે “પ્રશાંતે  મુક્ત ગગને ઉડવાનું છે..અને તેના ઉડાણમાં આ પાંખો ભેટ આપવાથી મારામાં નો બાપ રાજી થાય છે.”

એક બાપના રાજીપાની ઉડાણ પર પાંખો પ્રસારીને પ્રશાંત મુક્ત ગગનમાં ઉડી ગયો ને?

ભલે ને પ્રશાંતને મર્સીડીસ પપ્પા માટે લેવી હતી પણ જ્યારે એના હાથમાં ચાવી આવી  આવી ત્યારે અંદરથી તો એ અત્યંત ખુશ હતો.

આહ! જીંદગી આમ જ જીવાય. તેજ રફ્તારે ભાગતી મર્સીડીસ એના મિજાજને ય કેવી અનુકુળ લાગતી હતી?  પાણીના રેલાની જેમ સરકતી મર્સીડીસમાં લાઉડ મ્યુઝિક સાથે  ફરવામાં એક જાતનો નશો છવાતો જતો હતો  દિમાગ પર .

અને એ જાતે જ ગણણતો.

” આજ મે ઉપર આસમા નીચે. આજ મૈં આગે જમાના હૈ પીછે. ”

એ જમાનાને ક્યાંય પાછળ રાખીને કોઇની ય પહોંચ બહાર કયા આસમાને જઇને એ બેઠો?

બારીની બહારના આસમાનમાં કેટલો શૂન્યાવકાશ છવાયેલો હતો? દિશાના સતત ભીના રહેતા નયનોના પાછળ દેખાતા કોરા ધાકોર  શૂન્યાવકાશ જેવો?  રડી રડીને એણે જાતને ઉલેચી નાખી હતી અને હવે તો સાવ જ નિઃશબ્દ બનીને રહી ગઈ હતી દિશા. ચાવી વગરના પૂતળા જેવી.

પ્રશાંત એ દિવસેય અત્યંત ખુશ હતો   ક્ષિતિજનો જન્મદિવસ હતો.  પ્રશાંતે પાપા માટે સરપ્રાઇઝ પાર્ટી એરેન્જ કરી હતી. માત્ર એ અને પ્રિયંકા જ જાણતા હતા. ક્ષિતિજની આવી તબિયતે બહાર લઇ જવો એના માટે થોડુ અગવડભર્યુ બની રહેતુ    સ્વયં અંકલ, અંબર ફોઇ, જીગરના પરિવાર , જ્હોન બીજા ક્ષિતિજના નજીકના મિત્રોને આમંત્રણ આપી ચુક્યો હતો . દિશાને કે દાદીને પણ ખબર ન પડે એ  માટે ઇન્ડિયન રેસ્ટૉરંટ્માં ઓર્ડર આપી દીધો. બધુ  જ બરાબર ગોઠવાઇ ગયુ હતુ. અને  કેક લઈને એ ઘેર આવે એ જ સમયે સૌ સાથે હાજર હોય એવી ગોઠવણ કરી લીધી.

પ્રશાંત અને પ્રિયંકાને મમ્મી -પપ્પાઅ બહુ જ વહાલા હતા પણ પ્રશાંતનો ઝોક હંમેશા પપ્પા તરફ નો જ વધારે રહેતો. નાનપણથી જ પપ્પાએ એની મન માંગી ચીજો હાજર કરી હતી.  હવે એનો વારો હતો પપ્પાની હર એક ઇચ્છા પુરી કરવાનો. એ એક પણ મોકો ચુકવા માંગતો નહોતો. સવારે જ ચા ના ટેબલ પર વાતો ચાલતી હતી ત્યારે  દાદીએ પણ એ જ વાત કહી હતી પ્રશાંતને..” બેટા, આજ સુધી પપ્પાએ તારી તમામ ઇચ્છાઓ પુરી કરી છે હવે તું આ ઘરનો મોભ છું .ક્ષિતિજની દરેક જવાબદારી તારે ઉપાડી લેવાની છે.”

” દાદી , તમે જરાય ચિંતા ના કરતા. પપ્પાની ઇચ્છા સર આંખો પર.બોલ મમ્મી, આજે પપ્પા માટે શું લઈ આવુ?”

દિશા વતી ક્ષિતિજે જવાબ આપ્યો હતો. ” એમ કોઇ નાની મોટી ગિફ્ટથી હવે પપ્પા માની જવાના નથી. હવે તો હુ વ્યાજ સાથે વસુલ કરવાનો છું.”

“પપ્પા, વ્યાજની ક્યાં વાત કરો છો તમારા માટે તો પ્રાણ પાથરી દેવા તૈયાર છું.” પ્રશાંતે હસતા હસતા જવાબ આપ્યો.

અને દિશાની જીભ કચરાઇ ગઈ.આજના દિવસે  ય આવી વાત? કારણકે આજ સુધીમાં કેટલીય વાર પ્રશાંતે પોતાની એક કિડની પપ્પા માટે આપવાની જીદ કરી હતી. દિશા-પ્રિયંકાએ પણ બાકી રાખ્યુ નહોતું. પણ બધા ટેસ્ટ કર્યા બાદ એક પ્રશાંતનુ  જ બ્લડ ગ્રુપ અને ટીશ્યુ  ક્ષિતિજના બ્લડ ગ્રુપ અને ટીશ્યુ સાથે  મેચ થતા હતા. પણ ક્ષિતિજ માટે એ વિચાર માત્ર કંપાવી દેવા માટે પુરતો હતો. કીડની ટ્રાન્સપ્લાન્ટ માટે પ્રશાંતની  કે પ્રિયંકાની કીડની લેવાની એની કોઇ તૈયારી નહોતી .ઘણી વાર આ બાબતે ઘરમાં રકઝક થઈ ચુકી હતી. પણ જ્યાં સુધી કોઇ ડોનર મળે ત્યાંસુધી ક્ષિતિજ એ દિશામાં વિચારવા સુધ્ધા તૈયાર નહોતો. એને કાયમ એમ જ લાગતુ કે હવે એણે દુનિયા જોઇ લીધી છે. જીંદગી માણી લીધી છે.  એ ન હોય ત્યારે એક દિશા સિવાય બીજી કોઇ એને ચિંતા નહોતી જ્યારે પ્રશાંત તો હવે ઉગીને ઉભો થતો હતો. હજુ તો એણે જીવનના કયા રંગો જોયા કે માણ્યા હતા? જીવનની રફતાર તો હવ્જુ હવે ચાલુ થતી હતી એમાં એને કોઇ જોખમમાં મુકવાની એની તૈયારી નહોતી.

એટલે ક્ષિતિજે  તરત વાત વાળી લેતા કહ્યુ ય ખરુ” આજ સુધી મેં જે શુન્યમાં થી સર્જન કર્યુ  છે એનુ જતન કરવાની જવાબદારી હવે તારી છે. કાલ ઉઠીને હું નહીં હોઉ ત્યારે દાદી-મમ્મી અને પ્રિયંકાની જવાબદારી તારી  છે. આટલુ તું સમજી અને સ્વીકારી લઇશ તો મારા માટેની સૌથી મોટી ગિફ્ટ એ જ હશે.બીજા કશાય કરતા મને એમાં જ વધુ ખુશી થશે.

આમ પણ પ્રશાંત અને પ્રિયંકા પાપા ખુશ રહે અને મમ્મી ચિંતામુક્ત રહે એ માટે કોઇને કોઇ બહાનુ શોધી જ કાઢતા. અને સાચે જ  આજે તો આ સૌને એક સામટા  જોઇને ક્ષિતિજ ખુશીથી ઉછળી જ પડ્યો.

એક હવે રાહ જોવાતી હતી પ્રશાંતની. થોડીવાર પહેલા જ પ્રિયંકાએ એની સાથે વાત કરી હતી. ગણતરી કરતા એ કેમ મોડો પડ્યો ? ખરેખર તો બધા સાથે જ આવે એવુ નક્કી થયુ હતુ ને? અધિર પ્રિયંકાએ પ્રશાંતને ફોન પર જ ખખડાવી નાખ્યો.

”  અરે બાબા !  કેક લઈ લીધી છે અને પહોંચુ એટલી જ વાર. ” પ્રશાંતને પણ પોતે થોડો મોડો પડ્યાનો અફસોસ થયો. બધા સાથે ઘરમાં આવે એ સમયે પાપાના ચહેરા પરના ખુશીના ભાવ જોવાની તક તો એણે ગુમાવી જ ને? but that”s ok.” પ્રિયાને કહ્યુ હતુ એટલે એ સમયે એણે સ્નેપ તો ખેંચી જ લીધો હશે ને? કદાચ વિડિયો પણ લીધી જ હશેને?

હવે તો એને પણ અધિરાઇ આવી ગઈ. કેક ગાડીની પાછલી સીટમાં જાળવીને ગોઠવી અને જરા ઝડપથી જ ગાડી રિવર્સમાં લઈ સીધી મેઇન સ્ટ્રીટ પર લીધી. આમ તો પાપાને સવારે જ બર્થ ડૅ વિશ કરી હતી. તેમ છતાં બધાની સાથેની એ પળ ગુમાવ્યાનો મનમાં રંજ તો થયો જ. ગાડીને મેઇન સ્ટ્રીટ પર લઈને એણે સીધી જ સ્પીડ પકડી. સાથે સાથે પપ્પાને ફોન પણ જોડી દીધો. એ ઘેર પહોંચે ત્યાં સુધીની એક એક પળ એ  પપ્પા સાથે શેર કરવા માંગતો હતો.  ઘણી વાર એવુ બનતુ કે એ બહુ  ખુશ હોય ત્યારે ક્ષિતિજ સાથે ફોન પર વાત કરી લેતો. દિશા એમાં ય કાયમ ટોકતી. એને કાર ચલાવતા કોઇ પણ ફોન પર વાત કરે એ ગમતુ નહીં પણ અહીં ક્ષિતિજ કે પ્રશાંત બેમાંથી કોણ એની રોકટોકને સાંભળવામાં માનતા કે આજે માને?

“કેવી રહી સરપ્રાઇઝ પપ્પા? ફોન સ્પીકર પર મુકો અને  હું ઘેર પહોંચુ ત્યાં સુધી મારી સાથે વાત કરો એટલે મારી ગેરહાજરી નો હેવાલ મારે કોઇને પુછવો ના પડે.

“absolutely wonderful my son.” કમાલ કરી નાખી તે તો . મઝા આવી ગઈ.બસ મારા બાકીના દિવસો ય આવી રીતે તમારા પ્રેમ થકી હસતા રમતા , બધાને વચ્ચે પસાર થઈ જાય એટલે ગંગા નહાયો. મારે તો કાશી પણ અહીં અને મથુરા, ગોકુલ . વૃંદાવન પણ અહીં જ છે ને? ”

“પપ્પા પ્લીઝ ,  આવી વાતો બંધ કરો. ભલે તમારા મન બધુ જ અહીં છે પણ મારે તો સાચે જ તમને ચાર ધામ યાત્રા કરાવવી જ છે અને તમે એ કરશો પણ ખરા એ મારુ વચન છે. ” પ્રશાંતનો અવાજ જરા નમ થઈ ગયો, આંખમાં જરા ઝળઝળીયા ય આવી ગયા.

અરે! તું તો ઇમોશનલ થઈ ગયો. કમ ઓન માય બોય ચીયર અપ એન્ડ કમ સૂન. વી આર વેઇટીંગ ફોર યુ.

“બસ, પપ્પા આ ઘર પાસેના ક્રોસ રોડની પાસે જ  છું સિગ્નલ વટાવુ એટલે ઘર ભેગો . પ્રિયંકાને કહી દો કેક માટે સેન્ટર ટેબલ ગોઠવી રાખે.”

પ્રશાંતે  વાત કરતા કરતા ગાડીની ઝડપ થોડી વધુ તેજ કરી.  ઘણે દૂરથી જ  રેડ સિગ્નલ દેખાતુ હતુ એનો અર્થ હવે થોડી વારમાં જ ગ્રીન  સિગ્નલ થઈ જશે અને હવે જરાય  વધુ વાર થાય એ પ્રશાંતને  મંજૂર નહોતુ. બસ આ એક સિગ્નલ પાર થઈ જાય એટલે બે મિનિટમાં તો ઘરે એટલે હજુ જરા વધુ ઝડપ વધારી લીધી.  અને ખરેખર  જરા પાસે આવતા ગ્રીન સિગ્નલ પણ દેખાયુ  પ્રશાંતની ગણતરી મુજબ  બધુ બરાબર ચાલી રહ્યુ હતુ  એટલે  એણે એક ધારી સ્પીડ જાળવી રાખી.  પણ નિયતીની ગણતરી કંઇક જુદી જ  હતી. પ્રશાતની ડાબી બાજુએથી  એક  વાન ધસમસતી આવી રહી હતી. એને જરા થોડે દૂરથી યલો સિગ્નલ દેખાયુ તો હતુ પણ ગણતરી એવી હતી રેડ સિગ્નલ થશે એ પહેલા તો નિકળી જવાશે . બપોર નો સમય હતો એટલે ટ્રાફિક પણ નહીંવત જ હતો  એટલે એણે પણ થોડી ઝડપ વધારી લીધી.પણ  સાવ પાસે આવીને નિકળે એટલામાં  જ રેડ સિગ્નલ થઈ ગયુ. હવે તો બ્રેક મારવાનો પણ સમય રહ્યો નહી. અને હજુ તો કંઇ સમજે વિચારે એ પહેલા જ બરોબર ક્રોસ રોડ વચ્ચે આવી ને બંને અથડાયા.આ  વાનની ઝડપ અને પ્રશાંતની ગાડીની ઝડપ જે રીતની હતી એમાં તો કશું જ બાકી રહે એવુ નહોતુ. બંને કારની સ્પીડ એટલી હતી કે  જે ધમાકો થયો  એ તો ક્ષિતિજે પણ ફોન પર સાંભળ્યો પ્રશાતની કારને  આખી ગોળ ફેરવીને એ વાન આગળ ધસી ગઈ..કારની તમામ એર બેગ ખુલી ગઈ સીટ બેલ્ટ  પહેરેલો હોવા છતાં પ્રશાંતને સખત ધક્કો લાગ્યો અને ક્યાં ય કશું સમજાય એ પહેલા તો એણે ભાન ગુમાવી દીધુ.

પ્રશાં……….ત , ક્ષિતિજ નો અવાજ ફાટી ગયો. પણ પ્રશાંતમાં જવાબ આપવા જેટલીય સુધબુધ ક્યાં બચી હતી?

બીજી પાંચ મિનિટ પછી તો ઘર પાસેથી જ  પોલિસની સાયરન ,ફાયર બ્રિગેડ્ની સાયરન સૌએ સાંભળી.

ક્ષિતિજનો ફાટેલો અવાજ અને બોલવાના ફાકા પડતા જોઇને સૌને ધ્રાસકો પડ્યો. પ્રિયંકાએ પપ્પાના હાથમાંથી ફોન ઝુંટવી લીધો અને ફોન પર સંભળાતા અવાજ પરથી એ પરિસ્થિતિ પામી ગઈ. બીજી જ ક્ષણે જીગરનો હાથ તાણતી એ ઘરની બહાર ભાગી. સ્વયં અંકલ પાછળ દોડ્યા. એમને પણ સાથે લઈ લીધા.

ઘરમાં બીજા કોઇ હજુ તો વધુ કંઇ સમજે એ પહેલા તો એની ગાડી રસ્તા પર હતી. ક્ષિતિજ સાથે ચાલતી વાતો પરથી એટલો તો ખ્યાલ આવી  ગયો હતો કે પ્રશાંત સાવ જ ઘરની નજીકના ક્રોસ રોડ પાસે હતો. ત્યાં પહોંચીને જે પરિસ્થિતિ જોઇ એ તો સાવ કલ્પના બહારની હતી. પ્રશાંતની મર્સીડીસ તો સાવ જ ડબ્બો થઈ ગઈ હતી અને એમાંથી ને બહાર કાઢવાના ફાયર બ્રિગેડ વાળાના પ્રયાસો તો જોવા અસહ્ય હતા. પ્રશાંતને ગાડીને બહાર ખેંચી ને તરત જ એમ્બ્યુલન્સમાં ઇમરજન્સીમાં એડમીટ કરવામાં આવ્યો. બેહોશ પ્રશાંતને આમ દેખીતી રીતે શરિર પર કોઇ ઉઝરડો દેખાતો નહોતો બસ ડાબી બાજુ મ્હોંની ફાટમાંથી લોહીનો રેલો ગાલ સુધી વહી ગયો હતો.

પ્રિયંકાના હાથ પગ પાણી પાણી થવા માંડ્યા.  જીગર અને સ્વંયે  એને સંભાળીને ગાડીમાં બેસાડી ગાડી એમ્બ્યુલન્સની પાછળ પાછળ લીધી. ક્ષિતિજ લગાતાર ત્રણે જણના સેલ ફોન પર સતત ફોન ટ્રાય કર્યા કરતો હતો.  પ્રશાંતને અક્સ્માત થયો છે એ તો હવે ઘરમાં  સૌને સમજાઇ ગયુ હતુ એટલે ખોટુ બોલવાનો કે કોઇ બહાનુ કાઢવાનો પ્રશ્ન જ ઉભો થતો નહોતો.  સ્વયંને થયુ હવે જો એ વાત નહી કરે તો ક્ષિતિજ માટે કટોકટી સર્જાશે.

“ક્ષિતિજ , શાંતિથી સાંભળ . પ્રશાંતને અકસ્માત થયો છે. આમ તો કોઇ ઇજા દેખાતી નથી પણ એને ઇમરજન્સીમાં લઈ ગયા છે . ત્યાં પહોંચીને પછી જે હોય એની તને જાણ કરુ છું .

ક્ષણ પહેલાના મસ્તીભર્યા માહોલમાં  સન્નાટો છવાઇ ગયો . અંબર ફોઇને દાદી પાસે રાખીને વળતી પળે જ્હોનને લઈને દિશા અને ક્ષિતિજ પણ હોસ્પીટલ જવા નિકળી ગયા.દિશા કે ક્ષિતિજ બેમાંથી કોઇમાં બોલવાના હોશ સુધ્ધા નહોતા. દિશાના મનમાં ઇશ્વરનુ રટણ હતુ  .’હે ઇશ્વર ,ખરેખર મારા પ્રશાંતને કશું જ ન થવા દેતો. મારા પ્રશાંતને  ક્ષેમ કુશળ રાખજે…બીજુ કંઇ એને સુજતુ નહોતુ. તો ક્ષિતિજના પણ ક્યાં હાલ સારા હતા? શરિરમાં ધુજારી વ્યાપી ગઇ હતી. ગળામાં શોષ પડતો  હતો,અવાજમાં ખરી બાઝી ગઇ હતી.કશુ જ બોલવાની કે દિશાને કંઇ પણ કહેવા જીભ ઉપડતી નહોતી. ઘરથી હોસ્પીટલ પહોંચતા તો જાણે જીવ નિકળી જશે એવુ લાગતુ હતુ. ઘરથી નજીકની હોસ્પીટલ પણ જોજનો દૂર હોય એવુ લાગતુ હતું.

જ્યારે હોસ્પીટલનુ વાતાવરણ ખુબ ભારભર્યુ  હતુ. પ્રશાંતનુ શરિર તો અકબંધ હતુ માત્ર ચહેરા પર ભય સ્થિર થઈ ગયો હતો. તમામ ટેસ્ટ અને મેડીકલ રિપોર્ટ જોયા પછી સાવ સાજા સમા દેખાતા, શરિર પર  દેખીતી કોઇ ઇજા ન ધરાવતા પ્રશાંતને હેમરેજના લીધે બ્રેઇન ડૅડ જાહેર કરવામાં આવ્યો હતો.ક્યાંય કોઇ સર્જરી કે ટ્રીટમેન્ટ્નો તો સવાલ જ આવતો નહોતો.માત્ર એના બાકીના અંગો જીવિત રહે એના માટે એને વેન્ટીલેટરી સિસ્ટમ પર મુકવામાં આવ્યો હતો.

હોસ્પીટલના નિઃશબ્દ વાતાવરણને  દિશાની ચીસે જાણે ઉભુ વેતરી નાખ્યુ. એનુ આક્રંદ કોઇનાથી જોયુ જાય એમ નહોતુ.એને સંભાળવી કોઇના ય હાથ બહારની વાત હતી.પણ અહીં તો લાગણીની વાત નહોતી , માંગણીની જ વાત હતી. પેશન્ટ તો ક્યાં રહ્યો હતો હવે પ્રશાંત એટલે બાકીની વિધિ ઝડપથી આટોપવાની હતી. એના ડ્રાઇવીંગ લાયસન્સ પર ઓર્ગન ડૉનર તરીકેના ડીક્લેરેશનના લીધે  હોસ્પીટલ ઓથરીટી નિર્ણય લઇ શકે તેમ હતી પણ તેમ છતાં એમાં હાજર ઘરની વ્યક્તિની સહી પણ જરૂરી હતી.ક્ષિતિજ કે દિશા  આ માટે જરાય તૈયાર નહોતા.

સાવ જ આમ સાજો સમો  હસતો  હસાવતો  દિકરો ઘડીભરમાં રડતા મુકીને ચાલ્યો ગયો? હજુ તો કેક લઈને આવતો પ્રશાંત ડેડ જાહેર થઇ ગયો?

“”ના ! ના ! તમે એને બરોબર જુવો તો ખરા. ક્યાંય કોઇ ઉઝરડો સુધ્ધા નથીને તમે એને આખોને આખો ઉતરડી નાખવાની વાત કરો છો? ” દિશા કોઇના તો શું એના પોતાના વશમાં નહોતી. “ક્ષિતિજ તમને તો પ્રાણથી  ય પ્યારો હતોને દિકરો ક્યાં છે એના પ્રાણ ? આમ સાવ નિશ્ચેત થઈને સુતો છે એને જરા હલાવીને જુવો તો ખરા.પાણી માંગે ત્યાં દૂધ લાવી આપવાની વાત કરતા હતાને જરા મ્હોંમાં પાણી  રેડી તો જુવો. ના પાડી હતી ને ગાડી ચલાવતો હોય ત્યારે ફોન પર વાત કરવાની ? હવે સામે છે તો બોલાવો તો ખરા એને? ”

એના કારમા આક્રંદ સામે ક્ષિતિજ  પાસ કોઇ જવાબ નહોતા. અને આમ જુવો તો એના ય હાલ ક્યાં બરોબર હતા? જડ જેવો થઈ ગયો હતો. કોણ કોને સંભાળે?

પણ સૌથી પહેલા સ્વયં અને જીગરે પરિસ્થિતિ હાથમાં લીધી. પ્રિયંકાને  પણ સંભાળવી મુશ્કેલ હતી. બંને ભાઇ-બહેનમાં લોહીના સંબંધની સાથે ઉષ્મા ભર્યો લાગણીનો સંબંધ હતો .એ બંને ભાઇ બહેન મિત્રો જેવા વધુ હતા પ્રશાંતને એની કોઇ વાત હોય તો એ ખુલી પ્રિયંકા સાથે ખુલીને કરી શકતો. ક્ષિતિજના કીડની પ્રોબ્લેમ પછી તો બંને જણમાં એકબીજાની સાથે રહીને   સમજણ અને સમસ્યા ઉકેલવાની સૂઝ વધુને વધુ ઉંડી બનતી ગઈ હતી. દૂર ડૉમમાં રહીને પણ એ પ્રશાંતની વધુ ને વધુ નજદીક આવતી ગઈ. રડી રડીને આંસુનો આખે આખો દરિયો ઉલેચી નાખ્યા પછીય આંસુ રોકાવાનુ નામ લેતા નહોતા. ધ્રુસકે ચઢેલી પ્રિયંકાને જીગર દિશા અને ક્ષિતિજથી દૂર લઇ ગયો. હવે જે વાત કરવાની હતી એ કદાચ એ બંનેની હાજરીમાં શક્ય ન જ બનત.

પ્રિયંકાને પાણી પિવડાવીને જરા શાંત કરવા પ્રયત્ન કરી જોયો. કોઇ વાત કાન પર ન લેવા તૈયાર પ્રિયંકાને હળવા આગોશમાં લઈ એની ધ્રુજારી શમે ત્યાં સુધી ધિરજથી સ્થિર કરવા પ્રયત્ન કર્યો.

” સાંભળ , પ્રિયા. જે બની ગયુ એ હવે બદલાવાનુ નથી.હવે જે બનવાનુ છે એ તારા હાથમાં છે. જે પ્રશાંત આપણી વચ્ચે હતો એ એક સ્વરૂપે હતો. હવે એને અનેક સ્વરૂપે જોઇ શકવાની માનસિકતા તુ કેળવે એ વધુ ઇચ્છનિય છે. પ્રશાંત જે એક જીવ આપણી સાથે હતો એને અનેક જીવમાં વહેંચાઇને આપણી વચ્ચે રહેશે. સમજે છે ને તું હું શું કહેવા માંગુ છું ? ”

પ્રિયંકા બાઘાની જેમ જીગર સામે જોઇ રહી. ક્યાંક દૂરથી આવતો અવાજ આ જીગરનો છે? એ કંઇક બોલે છે પણ કાનથી વધી ને મગજ સુધી કેમ પહોંચતુ નથી? એ કઈક તો કહે છે પણ સમજાતુ કેમ નથી? એની નજર સામે તો પ્રશાંતનો ચહેરો જ તરવર્યા કરતો હતો.

જીગરે રીતસર પ્રિયંકાને હડબડાવી નાખી.  ડૉક્ટરો સાથે સ્વયં અને જીગરને જે વાત થઈ એ પહેલા પ્રિયંકા સમજી લે તો સારુ જેથી એ મમ્મી-પપ્પાને સમજાવી શકે.પ્રશાંત બ્રેઇન ડૅડ હતો પણ હજુ એના બીજા તમામ અવયવને કોઇ નુકશાન પહોંચ્યુ નહોતુ.

“પ્રિયા , ફરી ધીમે ધીમે એણે સજાવવાનુ શરૂ કર્યુ. એક મેડીકલ સ્ટુડન્ટ થઈને તું તો સમજી શકીશ ને કે  એક પ્રશાંત બીજા બે જણની આંખોની રોશની બની શકશે? જેને સતત હાર્ટ ફેલ્યોરનો ડર હોય એનુ હ્રદય બનીને પ્રશાંત ધબકશે એ નાની સુની વાત છે? લીવર કેન્સરને લઈને જીવનના આરે ઉભેલા કોઇનુ જીવન બની શકશે. કિડની ફેલ્યોર એટલે શું એ હવે તો તારી નજર સમક્ષ જ છે.એ યાતના તો એમની સાથે તમે સૌએ ભોગવી છે ને?  તું કેટલાય સમયથી પપ્પાને કીડની ડોનર મળે એના વલખા મારતી હતીને ? જો તું જરા સમજણથી વિચારીશ તો પ્રશાંત પપ્પા જ નહીં બીજા આવા જ કોઇ કિડની ફેલ્યોરના આયખાને લંબાવી શકશે. પ્રિયા પ્લીઝ હવે જરા હોશમાં આવ . આ સમય છે સૌથી વધુ તારી હિંમત બતાવવાનો. મમ્મી-પપ્પાને સાચવી લેવાનો. અમે સૌ તારી પડખે છીએ પણ સુત્રધાર તો તારે જ બનવાનુ છે.

શાંતિથી સમજાવેલી વાત ધીમે ધીમે  પ્રિયંકાના મગજમાં ઉતરતી ગઇ પણ  સાથે સાથે એ વિચારતા હ્રદય ઉંડુ ઉતરતુ ગયુ કે પપ્પાને આ વાત કેમ કરીને સમજાવવી. ક્ષિતિજ પાસે જ્યારે આ વાત મુકી ત્યારે એક વિસ્ફોટ થયો હોય એવુ એને લાગ્યુ. પ્રિયંકા આવુ વિચારી શકે જ કેવી રીતે? ભયંકર ગુસ્સો આવ્યો એને પ્રિયંકા પર. દિશાને થયુ કે આ તો દિકરી છે કે કોણ?

પ્રિયંકાએ એ મમ્મી-પપ્પાને એ જ સમજાવ્યુ કે ખરેખર એ દિકરી જ  છે દુશ્મન નહીં. જે વાત જીગરે એને સમજાવી એ જ રીતે એણે ક્ષિતિજ અને દિશાને સમજાવવા પ્રયત્ન કર્યો. દેહદાન થી વધી ને બીજુ ઉત્તમ દાન કોઇ નથી અને પ્રશાંતને એ દાન નો લાભ મળતો હોય તો પ્લીઝ પપ્પા હવે તમે એની આડે નહીં આવતા.આમે ય સવારે જ એણે તમને કહ્યુ હતું ને કે તમારી માટે તો એ પ્રાણ પાથરી દેવા તૈયાર છે.  તો પપ્પા એના પ્રાણને અવગતે ન જવા દેશો. જાણે અજાણે આપેલી એની આ આહુતિ એળે ન જવા દેશો. આમે ય તમે તો  મમ્મી કહે છે એમ એની દરેક  જાયેજ-નાજાયેજ ઇચ્છા પુરી કરતા જ આવ્યા છો ને ? જ્યારે  આ તો એની અંતિમ ઇચ્છા છે એ પુરી નહી કરીને એના આત્માને શાંતિ નહી આપો?

ખુબ અઘરુ હતુ દિશા અને ક્ષિતિજને સમજાવવાનુ પણ  કહે છે ને જેન કોઇ ન પહોંચે એને એનુ પેટ પહોંચે. કદાચ દુનિયામાં દિકરી એટલે જ માંગતા હશે જે મા-બાપની લાગણીને ઓગાળી શકે. કઠોરમાં કઠોર પરિસ્થિતિમાં ય મા-બાપને જાળવી શકે.

પ્રિયંકાની સમજાવટ છેવટે ફળી. જીગરે સમજાવ્યુ એમ પ્રશાંત એક નહી અનેક જગ્યાએ જુદા જુદા સ્વરૂપે વ્યાપી રહ્યો.

અકસ્માતના કેસમાં સામેની  એ વ્યક્તિનો વાંક હતો એટલે થર્ડ પાર્ટી ક્લેઇ્મના પૈસા પણ ઘણા આવ્યા.પણ હવે આ પૈસા કે બાકીનુ જીવન પણ શું કામનુ? સર્જરી દરમ્યાન હોસ્પીટલના દિવસોમાં પણ  શાંતિ ફેલાયેલી રહેતી.કોઇ કોઇની સાથે બોલતુ નહોતુ.

ક્ષિતિજ તોદિશાની નજરનો સામનો કરવાનુ પણ ટાળતો. હંમેશની દિશાની રોકટોક ને એ કાશ સ્પીડ બ્રેકર માનીને ચાલ્યો એના કરતા સ્પીડ લિમિટ સમજીને ચાલ્યો હોત તો આ જીવલેણ અકસ્માત માટે આજીવન પોતાને એક ગિલ્ટ લઇને ફરવાનુ ન આવ્યુ હોત ને? દિકરો તો ખોયો પણ હવે એ દિશાને ખોવા નહોતો માંગતો. દિશાની હ્રદયશૂન્યતાને ઓગાળવી જરૂરી હતી. દિશાને બોલતી કરવી જરૂરી હતી. અને એના માટે એ કઈ પણ કરવા તૈયાર હતો. સૌથી પહેલા એણે ખરા હ્રદયથી દિશાની માફી માંગી.

“દિશા, હું તારો ગુનેગાર છું . કાયમ તું મને સમજાવતી આવી અને હું તારી લાગણીઓને ઉવેખીને મન માની કરતો આવ્યો .દિશા જો તું મને માફ નહી કરે તો આ બાકીનુ આખુ જીવન એક ગુનેગારની જેમ હું તારો સામનો ય નહી કરી શકું.દિશા પ્લીઝ કંઇક તો બોલ તને પ્રશાંતના સમ. ”

અને દિશાના હ્રદયના બંધ છુટી ગયા. આટલા દિવસની સ્તબ્ધતાનુ ચોસલુ ઓગળી રહ્યું. આજે એને દિકરાને ખોયો એનો રંજ કરવો કે પતિને જીવતદાન મળ્યુ એનો સંતોષ માનવો એ નક્કી કરી શકતી નહોતી.

મમ્મી આ દિવસો દરમ્યાન દિશાને અને ક્ષિતિજને સતત અશ્વાસન આપતા હતા. કર્મના બંધન, સંચિત કર્મના ફળ, ઋણાનુબંધ, લેણદેણની વાતો કરીને મનને દિલાસો આપતા. કહેતાકે “જન્મ -મરણ કોઇના  ય હાથની વાત નથી . પ્રશાંત જેટલુ એનુ આયુષ્ય લખાવીને આવ્યો હતો એ એના ભાગનુ એણે જીવી લીધુ . હવે એની પાછળ આમ જીવ આપી દેવાથી એ પાછો તો નથી જ આવવાનો ને? પણ એટલુ તો તમે કરી શકોને એની ઇચ્છા હતી ક્ષિતિજને ચાર ધામ યાત્રા કરાવવાની તો એની એ ઇચ્છા તો પુરી કરી જ શકોને?

અને દિશા-ક્ષિતિજે નિર્ણય લઈ લીધો જેટલાય પૈસા પ્રશાંતના વિમા ના આવ્યા હતા તે અને આજ સુધીના એના નામે કરેલા મુડી રોકાણમાંથી એ એવુ કોઇ કામ કરશે જેમાં પ્રશાંતનુ નામ આપીને  એને હંમેશ માટે ચિરંજીવ કરવો

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: