Home > વાર્તા > ઝૂરાપો એટલે…નીલમ દોશી

ઝૂરાપો એટલે…નીલમ દોશી


‘આ બાપા યે ખરા છે. એ ધૂળવાળા ગામડાનો મોહ છૂટતો નથી. કહી કહીને થાકી ગયો..પણ….

’ મને અહીં ન ગમે.. ગામ વિના મને બધે ઝૂરાપો લાગે.. ત્યાં બધા આપણા પોતાના હોય…’

એવી રટ લગાવીને બે મહિનામાં બાપુજી ભાગી ગયા. અહીં ન ગમવા જેવું શું હતું ? ગામડામાં વળી પોતાનું કોણ છે ? કોનો ઝૂરાપો લાગે છે ? અને આ ઝૂરાપો વળી કઇ બલા છે ? અહીં આટલી સાયબી છે..શાંતિથી રહ્યા હોત તો ? ત્યાં શું દાટયું છે ? સાજા માંદા થાય તો ત્યાં કોણ ? ત્યાં ગામડામાં શું સગવડ મળવાની હતી ? પણ માને કોણ ? પોતે એક માત્ર દીકરો છે તે અહીં છે. પછી આ શેની રટ લગાવીને બેઠા છે બાપુજી ? આ કયા ઝૂરાપાની વાત કરે છે બાપુજી ?

જોકે બાપુજીની જીદથી પોતે કયાં અપરિચિત હતો ? પોતે પણ તેનો જ દીકરો હતો ને ? અમેરિકા આવવું હતું તો બાપુજીની ઉપરવટ જઇને પણ આવ્યો જ ને ? અહીં આવવા માટે સીધો અને સહેલો ઉપાય પણ તુરત મળી ગયેલ..ફટાફટ ગ્રીનકાર્ડવાળી છોકરી સાથે લગ્ન અને સીધો અહીં..!

અહીં આવ્યો ત્યારે નક્કી કરેલ કે કયારેય પાછું વાળીને જોવું નથી. અને તે પાળી બતાવ્યું છે. વતનની ધૂળ, માયા , મમતા, મોહ…બધા શબ્દોના અર્થ પાછળ મૂકી દીધા છે. આમ તો બાપુજી પણ કહેતા હોય છે..’ સબ ધરતી ગોપાલકી ‘
‘ માણસ જયાં રહે તે તેનું વતન બીજું શું ? પાણી જે જમીનમાં વહે છે તેનો રંગ ધારણ કરી જ લે છે ને ? કંઇ પોતાના મૂળને યાદ કરીને થીજી તો નથી જતું ને ?
પોતે આવી બધી હંબગ વાતો કયારેય નથી કરી..અરે, અહીં શું નથી ? જે ધરતીએ આટલી સમૃધ્ધિ આપી…સગવડ આપી એને માણી લેવાની અને પછી એને જ ગાળો દેવાની ? આ પણ એક કૃતઘ્નતા ન કહેવાય ?
અરિજીત એકલો એકલો દલીલ કરી રહ્યો હતો..કે બાપુજી સાથે ? કોને સમજાવી રહ્યો હતો બાપુજીને કે જાતને ?

જે હોય તે..પણ અરિજીત ખુશ હતો. સ્વીચ દબાવતા અહીં બધું હાજર..નાહક ડોલરિયો દેશ કહી બધા વગોવે છે. જાણે ગામડામાં કેમ હીરામોતી ટાંકયા હોય..! ધૂળ ને ઢેફા..બીજુ છે શું ? દિવસમાં દસ વાર લાઇટ જાય….પાણી આવે કે ન આવે..ગટરો ઉભરાતી હોય..આંગણામાં કચરાના ઢગલા, મરજી પડે ત્યાં પાનની પિચકારીઓ અને ગુટકાના પાઉચ ફેંકાયેલ હોય..અને ઓટલે બેસી ગામ આખાની પંચાત..નિંદા અને ગામગપાટા..સમયનો બગાડ જ કે બીજું કશું ? અરિજીતે એકલા એક્લા મોં બગાડયું.
ચોવીસ વરસની ઉંમરે “ એના “ સાથે લગ્ન કરીને અહીં આવ્યા પછી અરિજીતે કયારેય પાછું ફરીને વતન સામે જોયું નથી. એવા વેવલાવેડામાં સરી પડવાની કુટેવ તેણે રાખી નથી.તેને તો અમેરિકા રાઝ આવી ગયું છે. પુત્ર,પુત્રી બંને હવે મૉટા થઇ ગયા છે. તેર વરસનો દીકરો અને પંદર વરસની દીકરી.. તેમને માટે તો આ જ વતન છે. બંને અમેરિકન કલ્ચર મુજબ જ મોટા થયા છે. તેમને માટે વતન શબ્દ પણ સ્વાભાવિક રીતે જ અપરિચિત છે. દીકરો,દીકરી કે પત્ની આ વિશાળ મકાનમાં કયારે આવે છે, કયારે જાય છે, કયાં જાય છે કે કોની સાથે જાય છે…પોતે કયારેય પૂછયું નથી. સૌને પૂરેપૂરું વ્યક્તિ સ્વાતંત્ર્ય છે. અહીં કોઇ કોઇની પંચાત કરતું નથી. પોતાના અને બીજાના એકાંતનો અહીં બધાને ખ્યાલ છે. કયારેક ઘરમાં દીકરો, દીકરી ભેગા થઇ જાય તો થેન્કયુ,..ઓહ..સો નાઇસ ઓફ યુ….પ્લીઝ..જેવા શબ્દોની ફેંકાફેંકી થઇ જાય છે. જરૂર પડયે પતિ પત્નીની શારીરિક જરૂરિયાત સંતોષાય છે. એથી વિશેષ કશું નહીં.

અરિજીતને કોઇ ફરિયાદ નથી. એ ટેવાઇ ગયો છે. બધું સ્વીકારી લીધું છે..સ્વેચ્છાએ.. અહીં નું કલ્ચર આત્મસાત કરી લીધું છે. કોઇ વસવસો નથી. પોતે ખુશ છે…ખુશ છે…..જે મન થાય તે કરે છે. ખાય છે,પીવે છે, હરે છે ફરે છે, જલસા કરે છે, કોઇને જવાબ આપવા કયાં બંધાયેલ છે ? તેને હસવું આવી ગયું..અરે, કોઇ પૂછવાવાળુ જ કયાં છે ? જવાબ માગવાની ફુરસદ કોને છે ? વીકએન્ડમાં બધા પોતપોતાના પ્રોગ્રામમાં બીઝી હોય છે. એનાના મિત્રોનો પણ પાર નથી. અરિજીતને મિત્રો તો છે. પણ એ થોડો આળસુ છે. શનિ ,રવિ મોટે ભાગે એ ઘેર જ પડયો રહે છે. પલંગ,ટી,વી, અને કયારેક કોઇ થ્રીલર નોવેલ..સીગરેટના વણથંભ્યા ધૂમાડામાં..સમય સરતો રહે છે. ભૂખ, તરસ લાગે ત્યારે ફ્રીઝ,ઓવન હાજર છે.માઇક્રોમાં ગરમ કરીને ખાઇ લે છે. ગાંધીજીથી બિલકુલ અપરિચિત આ ઘરમાં ગાંધીજીના પૂર્ણસ્વાતંત્ર્યનો ઠરાવ કોઇ ચર્ચા વિના જ પસાર થયેલ છે. કોઇને કશી ફરિયાદ નથી. જીવન બહું સરળ છે. બહું મૉટા પ્રશ્નો કયારેય આવ્યા નથી. આર્થિક સધ્ધરતા છે. પ્રશ્નો આવે તો પણ સોલ્વ થતાં કેટલી વાર ?
પરંતુ આ બાપા જોને… અંતે છેલ્લે સુધી ન માન્યા તે ન જ માન્યા. અરિજીતના મનમાં આજે એ જ વાત ફરીફરીને ત્યાં જ આવીને કેમ અટકી જાય છે ? સિગરેટના ધૂમાડાના ગોટામાં બાપુજીનો કરચલીવાળો ચહેરો કેમ દેખાઇ રહ્યો છે ? જાડા કાચના ચશ્મામાંથી બાપુજીની આંખો પોતાને સ્નેહથી નીરખી રહી હોય તેવો કેમ ભાસ થાય છે ? બાપુજીને સાથે રાખવાની…આ સમૃધ્ધિમાં છલકાવી દેવાની પોતાને કેટલી હોંશ હતી..! પણ તેમને તો ન જાણે કઇ વસ્તુનો ઝૂરાપો હતો..? અંતે મરી ગયા પછી ફોન આવ્યો… પણ પછી પોતે જઇને કરે યે શું ? ફયુનરલના ખર્ચા માટે ડોલર મોકલી દીધા હતા. પાડોશના જેંતીકાકા આમ પણ બાપુજીનું ધ્યાન રાખતા હતા.
’ તું નહીં આવે ભાઇ ? જેન્તીકાકાના ગળગળા શબ્દોના જવાબમાં પોતાના બહુ સપાટ શબ્દો હતા.’ હવે મારું શું કામ છે ? તમારા રિવાજ મુજબ તમને જે ઠીક લાગતું હોય તે કરજો… પૈસાની ચિંતા કરવાની જરૂર નથી. ‘
જેંતીકાકા કહેતા હતા કે ‘ ’ રિવાજ તો દીકરાના હાથે પિતાના અગ્નિસંસ્કાર થાય તેવો છે. પણ…..’ અને કાકાએ વાકય અધુરૂ જ રાખેલ.
અરિજીતે કોઇ જવાબ ન દીધો. આવી અર્થહીન વાતોનો શું જવાબ આપે ? અરિજીત તરફથી કશો જવાબ ન મળવાથી અંતે કાકાએ આગળ પૂછેલ,
’હવે ગામના આ તમારા ઘરનું શું કરવું છે ? ‘ ’કાકા, તમારે તેનું જે કરવું હોય તે કરવાની છૂટ છે. મને ઘર કે એના પૈસા કોઇમાં કશો રસ નથી. ‘ ’પણ ભાઇ, એકવાર આવી જા..તો મને યે કંઇક સમજ પડે..’ ’કાકા, એકવાર કહ્યું ને તમે જે કરો તે મને મંજૂર છે. મને જાણવામાં પણ રસ નથી. મારી સહીની કયાંય જરૂર હોય તો કાગળિયા મોકલાવી આપજો. તમે કહેશો ત્યાં આંખ મીંચી હું સહી કરી આપીશ.’
એ વાતને બે મહિના થઇ ગયા. કાકાએ એ જ ઘરમાં બાપુજીના નામે સ્કૂલ ચાલુ કરી છે. એવા સમાચાર મળ્યા હતા. અરિજીતે કશું પૂછયું નથી..જાણવાની કોઇ દરકાર કરી નથી.. એવો સમય કયાં છે ?
જોકે હમણાં તો તેની પાસે પૂરતો સમય છે. ચાર દિવસથી તેને સખત તાવ છે. ઘરમાં કોઇને ખાસ જાણ નથી. એનાને રાત્રે કહ્યું હતું તો…
’ ઓહ..જીત…યુ ટેઇક સમ મેડીસીન…ઓર ગો ટુ હોસ્પીટલ…આઇ એમ નોટ ડોકટર…અને આમ પણ કાલે મારે મીસ્ટર સ્મિથ સાથે લંચ છે. સોરી..ડાર્લિંગ…’

બગાસુ ખાતી એના પડખુ ફરી સૂઇ ગઇ.

સવારે..’ ટેઇક કેર..ઓકે..બાય …ગેટવેલ સુન..’

કહી ફૂલનો બંચ મૂકી તે ભાગી. તેને લેઇટ થતું હતું. દીકરી, દીકરો તો વહેલી સવારે જ કયાંક ચાલી ગયા હતા. બપોરે અરિજીતને તાવ વધારે ચડયો. શરીર આખું ધ્રૂજતું હતું. એકલો એકલો ડ્રાઇવ કરી તે હોસ્પીટલે માંડ માંડ પહોંચ્યો..અને હવે વોર્ડમાં આંખો બંધ કરી તાવના ઘેનમાં તરફડતો હતો. આસપાસ કોઇ નહોતું દેખાતું. પણ ના..ના..આંખો બંધ કરી ત્યાં બાપુજી હાજરાહજૂર…..આ દેખાય. તે એકલો કયાં હતો ? હવે તો બાપુજીના શબ્દો પણ કાનમાં આ પડઘાયા.
’ જરા વાર તું સૂઇ જા…હું પોતા મૂકુ છું. કાલે પણ તું આખી રાત સૂઈ નથી..;
દસ વરસના અરિજીતના ધીખતા કપાળ પર સતત પોતા મૂકતી બાને બાપુજી કયારના કહી રહ્યા હતા. પણ બા માનતી નહોતી. અરિજીતના ફિક્કા બની ગયેલ ચહેરા પર આજે વરસો પછી પણ સ્મિતની લહેરખી અનાયાસે ફરી વળી…બા બાજુમાં છે..બાપુજી છે. હાશ..! હવે શાંતિ..આરામથી સૂવાશે.કયારેય પોતે કોઇને કહ્યું નથી..ફરિયાદ કરી નથી.. સુખી હોવાનો..ખુશ હોવાનો ભ્રમ જાળવવો પણ કયાં આસાન છે ? જાત આગળ છેતરપિંડી કરતો રહ્યો છે. પણ…પોતે હવે અંદરથી બહુ થાકી ગયો છે…!
પાછું વળીને જોવા માટે હિમત જોઇએ..પરંતુ અરિજિતમાં હવે કોઇ હિમત બચી નથી. નાનો હતો ને પરીક્ષા વખતે કે કોઇ પણ કામમાં હિમત હારી જાય ત્યારે બાપુજી મોરચો સંભાળી લેતા. આજે પણ એ જ સંભાળશે..મારે શું ? એ બધી ચિંતા કરવાનું કામ કંઇ મારું થોડું છે ? હવે બાપુજી જાણે ને એનું કામ જાણે..હું તો આંખો બંધ કરીને આ સૂતો.

અને અરિજીતે જોશથી આંખો મીંચી દીધી. ત્યાં તો… એકલા બાપુજી જ નહીં..બા પણ હાજર……

‘ના,ના, આખો દિવસ તો તમે જ પોતા મૂકયા છે. હવે થોડીવાર આરામ કરો. હું છું ને ?’
’બેટા, આ બે ચમચી મોસંબીનો જયુસ પી લે. સારું લાગશે. બાપુજી જાતે જયુસ કાઢી પુત્રને પીવડાવવાની માથાકૂટ કરી રહ્યા હતા.
અરિજીતનો હાથ આ ક્ષણે પણ અનાયાસે લંબાયો. પણ….!
છ દિવસ સુધી બા બાપુજી કોઇ અરિજીત પાસેથી આઘું નહોતું ખસ્યું. ’ તમારે કામ હોય તો થોડીવાર દુકાને જઇ આવો…આજે તો અરિને થોડું સારું છે. અને હું અહીં જ બેઠી છું..’ ’ ના, ના, દુકાને જઇશ તો પણ મારો જીવ અહીં જ રહેશે, દુકાન કંઇ અરિથી વધારે થોડી છે ? એવી તો કૈંક કમાણી દીકરા પર ઓળઘોળ છે..’

‘ ઓહ..ડેડ..વી હેવ નો ટાઇમ..યુ ટેઇક રેસ્ટ..અમે અહીં બેસીને શું કરીએ ? વી આર નોટ ડોકટર…’ ઓકે..બાય…’
આ કયા શબ્દો ભેળસેળ થઇ રહ્યા હતા..અરિજીતના કાનમાં..?
અરિજિતની દ્રષ્ટિ સામે દેખાય છે…..

તાવ ઉતર્યા પછી ઉનાળાના તાપમાં ખુલ્લા પગે માતાજીની દેરીએ માનતા પૂરી કરવા જતી મા…

નાનકડા અરિજીતને સાથે લઇ તેના હાથે બાલાશ્રમના બાળકોને ભોજન કરાવતા પિતાજી..!

અચાનક અરિજિતની આંખો ખૂલી ગઇ. બા, બાપુજી હમણાં તો અહીં હતા..આટલીવારમાં કયાં ગાયબ થઇ ગયા ? બેબાકળા બની ઉઠેલ અરિજિતે આસપાસ નજર ફેરવી. પણ કોઇ દેખાયું નહીં. બા, બાપુજી હવામાં ઓગળી ગયા ? પોતાને આમ તરફડતો મૂકીને ?
નર્સના અવાજે તે વર્તમાનમાં….. નર્સે આપેલ દવા પીધી. મોં કટાણુ થઇ ગયું. પણ કોને કહે ?

પોતે તો બધું પાછળ મૂકીને આવ્યો હતો. અતીતના આયનામાં કયારેય ઝાંકવાની કોશિશ પણ કયાં કરી હતી ? અને છતાં આજે..?
આજે બાપુજી હોત તો પોતાને માંદો જોઇ શું કરત ? આજે આટલા વરસે આ કઇ ઝંખના અંતરમાં જાગી હતી ?

અરિજીતની આંખોમાં છલોછલ ભરેલ કાળા ડિબાંગ વાદળો છવાયા. ધૂંધળી બનેલ એ નજર આરપાર દેખાતો હતો બાપુજીનો કરચલીવાળો ચહેરો..અને કાનમાં ગૂંજી રહ્યા હતા બાપુજીના શબ્દો..
” ગામ વિના મને બધે ઝૂરાપો લાગે..ત્યાં બધા આપણા હોય. ”

ઝૂરાપો એટલે શું…? એ આ ક્ષણે તેને સમજાઇ રહ્યું હતું કે શું ?

Advertisements
Categories: વાર્તા
  1. March 18, 2011 at 10:33 am

    “jhooraapo” haiyu halaavee gai

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: