મુખ્ય પૃષ્ઠ > અન્ય બ્લોગ ઉપરથી ગમે, ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક > જીવનતો ફુગ્ગા માંહી સ્થિર થયેલી ફુંક (૬) -પ્રભુલાલ ટાટારીઆ’ધુફારી’

જીવનતો ફુગ્ગા માંહી સ્થિર થયેલી ફુંક (૬) -પ્રભુલાલ ટાટારીઆ’ધુફારી’

ઓગસ્ટ 12, 2010 Leave a comment Go to comments

 

“અતીતમાં લટાર”

ચેપ્ટર-૬                                                   

         અંબિકા પહેલા માળની બારી પાસે બેસીને બહાર નજર કરતી હતી. અચાનક ઉપરથી પસાર થતા એરોપ્લેનની ઘરઘરાટી સાંભળી તેણી અતીતમાં ઉતરી ગઇ. અમદાવાદના ઘરની આગાસી ઉપરથી પસાર થતાં એરોપ્લેનને જોઇને તેણીને કેમ પણ એમ લાગતું હતું કે એક દિવસ તેણી પણ પ્લેનમાં બેસી આકાશમાં સફર કરશે.

                    અમેરિકા ભણવા ગયેલ ચંદુભાઇનો ત્રિભોવન અમેરિકાની સ્ટાફોર્ડ યુનિવર્સિટીમાં ભણ્યા બાદ મે.લોઇડ એન્ડ કુપર ઇન્ટરનેશનલમાં સિનિયર ઇન્જીનિયર તરિકે નોકરીએ લાગી ગયો અને તેણીના અને ત્રિભુવનની સગાઇના ગોળ-ધાણા તો ક્યારના ખવાઇ ગયા હતાં હવે તો ત્રિભુવન અમદાવાદ આવે એટલે ફેરા ફરવાના જ બાકી હતા.

        નોકરી પાકી થયા બાદ ત્રિભુવન આવ્યો અને લગ્ન થયા બે માસ ફરીને પાછો ગયો.નોકરીમાં પાંચ વરસ બાદ તેણીને અમેરિકા લઇ ગયો.ત્રિભુવન ભણતો હતો એ બે બેડરૂમનો ભાડાનો એપાર્ટ્મેન્ટ હતો. બે વરસ પછી રાધિકાનો જન્મ થયો.તેણીના જન્મ બાદ ત્રિભુવન સિનિયરમાંથી પ્રોમોટ થઇને ચીફ થઇ ગયો.અંબિકાના મગજમાં વાત પાકી થઇ ગઇ કે, દીકરી શુકનવંતી છે.ત્રિભુવને સમજાવવાનો પ્રયત્ન બે-ચાર વાર કરી જોયો પણ એ વાદવિવાદનો ક્યારે અંત ન આવ્યો.

            આ ઉપરાંત કોણ જાણે કોણે તેણીના મગજમાં ઠસાવી દીધું હતું કે, દીકરી વ્હાલનો દરિયો એટલે તેણી રાધિકાને બહુજ લાડ લડાવતી અને તેણીના આ વધુ પડતા પ્રેમ અને લાડને લીધે રાધિકા જીદ્દી અને મનસ્વિ થતી જતી હતી.ક્યારેક ત્રિભુવન જો કશું અંબિકાને કહેવાની કોશિશ કરતો તો તેણી વચ્ચે પડી કહેતી

“પપ્પા મારી માને હેરાન કરશો નહી…….”

          પોતાના પક્ષમાં કાલુ કાલુ બોલતી રાધિકા તેણીને વધુ મીઠડી લાગતી.આમ ને આમ સાત વરસ બાદ મનહરનો જન્મ થયો.નાના મનહરને લઇને પ્રેમમાં ફેરવતી રાધિકા જોઇ અંબિકા ખુશ થતી. સમજણો થયેલો મનહર રાધિકાથી ડરતો તે કહે બેસ તો બેસી જવાનું ને ઊભોથા તો ઊભો થઇ જવાનું સમજો ને કે રિમોટ રાધિકાના હાથમાં હતું.  શરૂઆતમાં અંબિકાને એવું લાગતું કે રાધિકાને પોતાના ભાઇની કેટલી ફિકર છે પણ તેણી આમ શા માટે કરતી હતી એવું જ્યારે અંબિકાને સમજાયું ત્યારે ઘણું મોડું થઇ ગયું હતું કારણ કે ત્યાં યુ-ટર્ન જ ન્હોતો.

               ત્રિભુવન રાધિકાની આ જો-હુકમી માટે કશું કહેતો તો મા દીકરી એક થઇ જતાં અને ત્રિભુવનની સામે મનહર લાડ કરતી માટે લટુડા-પટુડા કરતી.મુગ્ધા પ્રવેશેલી  અવસ્થામાં પ્રવેશેલી રાધિકા હંમેશા ગોરિયા છોકરાઓમાં ઘેરાયેલી ટોમબોય હતી.

      થોડી બચત થતાં એક દિવસ ત્રિભુવને પોતાનું મકાન બનાવવાના મનસુબાની વાત અંબિકાને કરી.પોતાનું મકાન બનાવવા માટે યોગ્ય લોકેશન ગોતવા તેઓ કેટલા રખડ્યા હતાં. દર રવિવારે સવારથી મકાન માટે લોકેશન શોધવા નીકળી પડતા અને આખરે આ જગા થોડા ઉંચાણવાળી અને કોલાહલથી દુર મળી.

         ૧૯૭૦માં બેંકો તો મકાન માટે લોન આપવા ભાઇ બાપા કરતી અને ત્રિભુવન તો પાછે એન્જીનીયર..તેણે તેના જ્ઞાન અને વાસ્તુશાસ્ત્રના હિસાબે આખરે આ મકાનની ડીઝાઇન બનાવી હતી.

                     મકાન માટેનો પ્લોટ પસંદ થઇ ગયા બાદ પ્રાથમિક બધી વિધિઓ પતાવવાની  ત્રિભોવને પોતાના ઓળખીતા કોન્ટ્રાક્ટર માર્ક મોન્ટેકાર્લોને ડિઝાઇન બનાવી બાકીની વિધિ પતાવવાની જવાબદારી પોતાના સલાહ્કાર શાંતુ શાહ ને સોંપી મકાન બાંધકામ શરૂ કરતી વખતે ત્રિભોવન તો ઓફિસે જતો પણ અંબિકા સામે બીચ અમ્બ્રેલા નીચે ખુરશી નાખીને આરામથી મુંબઇ સમાચાર અને ગુજરાત સમાચારના પાના ઉથલાવતી નજર રાખતી હતી.

          સાંજે ઓફિસથી ત્રિભુવન આવ્યા બાદ બન્‍ને સાથે બંધાઇ રહેલા મકાનના માળખામાં લટાર મારતા.આમ તો બધું ધારેલું જ ચાલતું હતું પણ ક્યારેક પોતાને કશો ફેરફાર કરવવાનું મન થતું તો ત્રિભુવન સાથે મસલત કરીને નક્કી કર્યા મુજબ કરવા પોતે ત્રિભુવનને કહેતી

“ઓલા ગોરિયાને સવારના ઓફિસે જાવ તે પહેલાં સમજાવતાં જજો”

“હા….જેવો મહારાણીનો હુકમ”

          આવું બે ત્રણ અઠવાડિયે એક વખત થતું અને આખર મકાન તૈયાર થઇ ગયું.

વાહ! આ જ મારા સ્વપ્નાનો મહેલ એવું અંબિકાને પોતાનું સ્વપ્ન સાકાર થયેલું જોઇ થયું.મહેલ તો તૈયાર થઇ ગયો હવે વાત આવી સજાવટની .ત્રિભુવને ત્યાંની રહેણી કરણીના આધારે વિકટોરિયન સ્ટાઇલનું ફર્નિચર પસંદ કરેલું તો અંબિકાએ અસલ સાગના લાક્ડામાં કોતરણી વાળું કાઠિયાવાડી સ્ટાઇલનું ફર્નિચર પસંદ કર્યું.ત્રિભુવને તો મજાક પણ કરેલી

“અંબા ડાર્લિન્ગ આ અમેરિકા છે.તું અહીં કાઠિયાવાડ ઊભું કરવા માગે છે?”

“તમે જેમ સમજો તેમ….મારે રાણી વિક્ટોરિયા નથી થવું”

                બહુજ ધામધુમથી પાર્ટિ રાખીને ગૃહપ્રવેશ કર્યો.મકાનનું ફર્નિચર અને સજાવટ જોઇને જ્યોર્જ સ્ટીફને પણ મ્હોંફાટ વખાણ કર્યા ત્યારે ત્રિભુવનના અંતરંગ મિત્ર ભગવાનજીભાઇના વાઇફ ભાગેરથી સાથે અંબિકાએ ગુસપુસ કરી.

“શું કહે છે ઓલ્યો મારા એ નો સાહેબ?”

“એ કહે છે ફર્નિચરની પસંદગી લાજવાબ છે….”

              પાર્ટિ મોડી રાત સુધી ચાલી અને બધાને વિદાય કરી બાળકોને સુવડાવીને અંબિકાએ નાઇટ-ગાઉનમાં બેડરૂમમાં પ્રવેશ કર્યો ત્યારે થાકી ગયેલો ત્રિભુવન ક્યારનો ઉંઘી ગયો હતો.સવારના પા્છું ઓફિસે પણ જવું હતું એટલે તેને ડિસ્ટર્બ ન કર્યો અને પોતે તેના પડખે ભરાઇને સુઇ ગઇ.સવારની કોફીનો કપ હોઠે લગાડતાં ત્રિભુવનને પુછ્યું

“શું કહેતો હતો તમારો સાહેબ…….”ભવાં ઉપર-નીચે કરી અંબિકાએ પુછેલું

“માન ગયે ઉસ્તાદ…….”કહી ત્રિભુવન હસ્યો

                રોજ સવારના આ અફાટ મેદાનમાં ચારે તરફ વાવેલા ફૂલના ક્યારાની સંભાળમાં સારો એવો સમય પસાર થઇ જતો.ફૂલના છોડોને પાણી પાવાનું કામ રાધિકા કરતી અને વધારાના ઘાસની કાપણી મનહરના ભાગે હતી ચોક્કસ રાધિકાના રિમોટ મુજબ જ.રોજ સવારની કોફી ઉપલા માળની બારી પાસે ગોઠવેલી ટેબલ સામેની બે ખુરશી પર બેસીને બન્‍ને પીતા.

       છેલ્લી તારીખે કેટલા પૈસા બાજુમાં મુકી શકાશે તેનો હિસાબ ત્રિભુવન મેળવીને એ બાજુમાં મુકેલા પૈસામાંથી એ અંબિકાને સોનાના દાગિના અપાવતો,ખપ પુરતા રાખીને જ્યારે રજા પર અમદાવાદ જતાં ત્યારે ત્યાંના લોકરમાં એ મુકાઇ જતાં.આમ જોવા જાવ તો ત્યાં અમદાવાદના બેન્ક ઓફ બરોડાના લોકરમાં શું અને કેટલું છે તેની જાણ અને ચિંતા અંબિકાએ કદી કરી જ ન્હોતી અને જો કરે તો કયારે અને કેટલું સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના લોકરમાં ત્યાંથી ટ્રાન્સફર થઇ ગયું હોય એ કયાંથી ખબર હોય?

                   ત્રિભુવને તેની ઓફિસની બાજુમાં જ આવેલી સ્ટન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કના લોકરમાં પોતાના શે’ર્સ સર્ટિફીકેટ્સ ફીક્સ ડીપોઝીટ્સની રસીદો તથા અંગત ડોક્યુમેન્ટસ રાખ્યા હતા એટલે તેના પાસે કેટલું અને શું છે તેનો અંદાઝ કોઇને ન આવે.આમતો તેવું કરવાની જરૂર ન હતી પણ ક્રિશ સાથે લફડામાં પડેલી પોતાની દિકરીને તેના અંગત ડોક્યુમેન્ટસ ફંફોસતાં જોઇને તેણે આ પગલું ભર્યું હતું.          

     એક દિવસ અંબિકા ભાગેરથીને મળવા ગયેલી ત્યારે તેણી ડ્રેસિન્ગ ટેબલ પાસે બેસી ને હીરાની બુટી પહેરતી હતી.

“અલી!!!સાચા છે? કેટલા ડોલરના છે???”

“છેતરાઇ ગઇને તું પણ? અરે!!!! આ તો અમેરિકન ડાયમન્ડ છે ફકત ૨૫ ડોલરના”કહી ભાગેરથી હસી         

‘ઓય મા હુંતો સમજેલી કે પચીસેક હજારના તો હશે જ…..”હોઠ પર હાથ મુકતાં અંબિકાએ કહ્યું

“અહીં સાચા બહુ ઓછા પહેરાય અમેરીકન ડાયમન્ડના જ વધારે પડતા પહેરાય સસ્તી સુખડીને સિધ્ધપુરની જાત્રા.હા ગોલ્ડ પણ મોસ્ટલી ૧૮ કેરેટ્નું જ હોય દેશની જેમ ૨૨ કેરેટ્નું નહી……હા…હા….હા….”કહી ભાગેરથી ફરી હસી.

         પછી પોતાનું ઘરેણાં નું કલેક્શન અંબિકાને બતાવ્યું.અંબિકા જોતી ગઇ ને નવાઇ પામતી ગઇ.સમેટીને બધું લોકરમાં મુકતાં ભાગેરથીએ કહ્યું

“આ ગોરિયાઓનો કશો ભરોસો નહીં ક્યારે કાયદા બદલે ને જવાનો વખત આવે તો વાંધો ન આવે.મારૂં તો બધું મારી સાસુએ વડોદરાની બેન્કમાં સાચવીને મુકેલું છે.”

        અમદાવાદના નવરંગ પુરામાં રહેતા એલ.આઇ,સી.એજન્ટ કાંતિલાલની સલાહથી ત્રિભુવને મોટી જીવન વીમા પોલીસીઓ લીધેલી હતી અને ફિકસ ડીપોઝીટમાં સારી એવી રકમો ત્રિભુવને રોકી રાખી હતી જે વાત ખુદ ત્રિભુવન સિવાય કોઇને જાણ ક્યાં હતી કારણ કે આ બધા ડોક્યુમેન્ટ્સ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના લોકરમાં હતા.

          મુગ્ધા થયેલી રાતના મોડે સુધી ગોરિયાઓ સાથે રખડતી રાધિકાને વાળવા ત્રિભુવને અંબિકાને સમજાવવાની કોશિશ કરી પણ મમ્મી મમ્મી કરી તેણીની આસપાસ ફરતી અને ગળામાં હાથ ભેરવી લાડ કરતી અંબિકાએ કોલેજ પાસ કરીને એક સ્કૂલમાં પ્રિન્સીપલની નોકરીએ લાગી ગઇ.અંબિકા અને ત્રિભુવન તેણીને પરણી જવા બહુ સમજાવી પણ આ સ્વછંદી છોકરીને કોઇ મુરતિયો પસંદ જ ન્હોતો આવતો. એક દિવસ આ બાબત મોટો ઝગડો થયો અને ત્યારે ત્રિભુવને કહ્યું

“તું લગનની હા પાડતી નથી અને તારી પાછળ મારે મનિયાને ક્યાં સુધી વાંઢો રાખવો?” ત્રિભુવને ગર્જના કરી.

“મારા લગનની પંચાતમાં પડયા વગર સારી છોકરી મળતી હોય તો મનહરને પરણાવોને એમાં હું ક્યાં આડી આવું છું?”રાધિકાએ છણકો કર્યો.

            આ ઘટના પછી ત્રિભુવનને લાગ્યું કે, આ તલમાંથી તેલ નીકળે એમ નથી એટલે અમરેલીના એક ઓળખિતાની કલ્પના સાથે મનહરના લગ્ન કરાવ્યા. અત્યાર સુધી વાંઢા ફરતા અને એક હોટેલમાં આસિસ્ટંટ્નું કામ કરતાં મનહરને પોતાના પગારની જમા રકમ અને અમુક બેન્ક લોન લઇને એક બંધ પડવાના આરે ઊભેલી મોટેલ રાધિકાએ અપાવી.ત્રિભુવને શરૂઆતમાં આનો વિરોધ્ધ કર્યો પણ પછી ઘીના ઠામમાં ઘી પડી રહ્યું.મનહરની કુનેહથી મોટેલ ચાલી પડી.બે વરસમાં બેન્કના અને રાધિકાના પૈસા તેણે ચુકવી આપ્યા હતા.

               પોતાની એક સાહેલીને સહાય કરવા અને તેણીને ઇન્સાફ અપાવવા માટે કોર્ટના દરવાજા ખખડાવવા એક વકિલની જરૂર હતી અને રાધિકાની આસિસ્ટંટ મારિયા બ્રોસનન ની સલાહથી તેણી પહેલી વખત ક્રિશને મળી.પહેલી મુલાકાતમાં રાધિકા તેના જેમ્સ-બોન્ડના ઓલ્યા રોજર મુર જેવા ઠસ્સાથી અંજાઇને તેના પ્રેમમાં પડી ગઇ.ત્યાર બાદ મુલાકાતો વધતી ગઇ.ત્રિભુવનના કાને વાત આવી ત્યારે તેણે રાધિકાને સમજાવવા નો નિષ્ફળ પ્રયાસ કર્યો અંબિકાએ રાધિકાનો પક્ષ લઇને ત્રિભુવનને કહ્યું

“તમે ખોટી ટક ટક ન કરો પોતાનું ભલું બુરૂં સમજવાની શક્તિ મારી દીકરીમાં છે”

આ વાદ-વિવાદમાં એક દિવસ વાત વધી ગઇ અને રાધિકા ક્રિસ સાથે રહેવા જતી રહી.

             મનહરનો મોટેલનો બિઝનેસ સારો ચાલતો હતો.મનહર દર વરસે અમુક ટકા રકમ રિઝર્વ રાખતો.મોટેલમાં શું ખામી છે અથવા કઇ વસ્તુ જરૂરી છે તે જાણવા કસ્ટ્મર ઓપિનિયન એન્ડ સજેશન બોક્ષ રાખેલ તેમાંથી પ્રેરણા લઇને દર નાતાલના દિવસોમાં મોટેલમાં જરૂરી ફેરફાર કરતો.

      વખત જતાં મનહર બે બાળકોનો પિતા થયો પણ રાધિકા હજુ પણ ક્રિસની રખાત જેવી વાંઢી ફરતી હતી.ક્રિસને સારા મુકતી ન હતી અને ક્રિશ પણ સારા માંથી હું મુક્ત થાઉ તો તારા સાથે લગન કરૂં ને બેબી એવી મધલાળ રાધિકાને દેખાડીને મજા લૂટતો હતો.અસલમાં તો સારા સાથે છુટાછેડાની અરજી ક્રિશે દાખલ કરી જ ન્હોતી.ઘણા લાંબા સમય પછી રાધિકાને સારા પાસેથી જ ખબર પડી.આખર રાધિકાએ ક્રિશને છોડી જવાની ધમકી આપી એટલે હારીને સારા સાથે છુટાછેડાની અરજી દાખલ કરાઇ.

      વેલેન્ટાઇન-ડેના દિવસે ક્રિશે રાધિકાને કોકા-કોલામાં સારૂં એવું પિવડાવીને કહ્યું “સારા સાથે મારા છુટા-છેડા થશે તો આ એપાર્ટમેન્ટ તો સારાને મળશે પછી આપણે રહીશું ક્યાં ડાર્લિન્ગ?”કહી પોતાની શેતરંજની બાઝી પાથરી.પછી પહેલી ચાલ ચાલી              

“તારા પપ્પા પાસે કેટલીક મિલ્કત હશે??”

“મે બી ટુ મિલિયન ડોલર પણ એ ઓલ્ડ-મેન બહુજ ચાલાક છે સંભાળવું પડશે એક દિવસ હું તેના ડોક્યુમેન્ટ હજી જોતી હતી અને તે જોઇ ગયો ખબર છે તેણે એ ક્યાંક ગાયબ કરી નાખ્યા મળ્યા જ નહી”

‘હં…….અને તારી મોમ પાસે ગોલ્ડના દાગિના કેટલાક ગ્રામના હશે?”

“અંદાઝે ૨૦૦ તોલા તો હશે જ વધુ હશે ઓછા નહી હોય”

“એ બધા તો ૨૨ કેરેટ્સના જ હશે ને??”

“હા ઇન્ડિયનનું મન ૧૮ કેરેટમાં ન માને”

“હં……..”

“કેમ ક્યારે નહી અને આજે આટલો બધો ઇન્ટ્રેસ મારી ફેમિલિમાં પડ્યો? ઇન્ડિયન લો મુજબ આ બધાનો હક્દાર મનહર છે”

“યા….આઇ નો…..ગુડ-નાઇટ બેબી” કહી લાઇટ ઓફ કરી રાધિકા તો સુઇ ગઇ પણ ક્રિશ પોતાના પ્યાદા ગોઠવવા લાગ્યો.

         ત્રિભુવન રિટાયર તો થઇ ગયો છે અને ગમે ત્યારે ઇન્ડિયા જતો રહેવાનો હોય તો અહીંની પ્રોપર્ટી વેંચીને જ જાય.ત્રિભુવન અને રાધિકાને બનતું નથી એટલે જ તેણી મારી સાથે રહે છે.દીકરીની મોહાંધ અંબિકાને રાધિકા જેટલા પગલા ભરાવે એટલા જ તેણી ભરે.જો કોઇ પણ હિસાબે ત્રિભુવન અને અંબિકાના છુટા-છેડા થઇ જાય તો બંગલાની હકદાર અંબિકા થાય અને પછી રાધિકા અને ત્રિભુવનની મિલ્કત બે મિલિયન ડોલર હોય તો અર્ધી એટલે મિલિયન ડોલર અંબિકાને મળે.આ બધું જો સાંગો-પાંગ પાર પડે તો અંબિકાને શીશામાં ઉતારતા અને રાધિકાને રખડતી કરવામાં કેટલી વાર લાગે???બ્રાવો….બ્રાવો…ક્રિશ યુ આર જીનિયસ.

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: