Home > ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક > જીવનતો ફુગ્ગા માંહી સ્થિર થયેલી ફુંક (૪) પ્રવિણાબેન કડકીયા

જીવનતો ફુગ્ગા માંહી સ્થિર થયેલી ફુંક (૪) પ્રવિણાબેન કડકીયા


 

     ઘર એનું એ આસપાસની વસ્તુઓ હેમખેમ!  કશું જ અજાણ્યું ન હતું. દિવાલ પરની તસ્વીરો અંબિકાની સામું જોઈ મલકી રહી હતી કે રડી રહી હતી?  અરે ત્રિભુવનના જોડા પણ ત્યાંથી ખસ્યા ન હતા. જાણે હમણા આવશે અને એક મનપસંદ સ્મિત અંબિકા તરફ પ્રેમથી રેલાવશે. જો સારા મુડમા હોયતો હાથના ઈશારા વડે ચુંબન પણ તેના તરફ પાઠવે. ધીર ગંભિર જીવનની આ તો મઝા છે. બોલવું ઓછું. આંખના ઈશારા અને હાથની હલનચલન બધું જ સમજાવી જાય. ભલે એમ લાગે કે પતિ પત્ની પ્યાર વક્ત નથી કરતા, કિંતુ તેમની વાણી નહી વર્તન જ સઘળું વિદિત કરે. 

      અંબિકા સોફા પર લાંબી થઈને વિચારી રહી હતી. આ ઉંમરે મારી શું હાલત થઈ. ત્રિભુવન સાથે ગુજારેલા દિવસોની યાદમા ખોવાઈ ગઈ. પંદર વર્ષ પહેલા આ ઘર જાતે ઉભા રહીને બંધાવ્યું હતું. ઘરની બધીજ વસ્તુઓ અંબિકાની પસંદગીની હતી. ઘરથી તો તે સંપૂર્ણ પણે પરિચિત હતી. પણ તેમા ક્યાંય ત્રિભુવનનો જાણીતો ચહેરો ન જણાયો.

                જગદીશ, વહાલો ભાઈ વહારે ધાયો હતો તેથી તે નચિંત હતી.  રાધિકાના કહ્યામા આવીને આવું અણધાર્યું પગલું ભર્યું તો ખરું. અંબિકા પાછી થોડી આમ ભોળી ખરી ત્રિભુવન ઢાલની જેમ તેનું રક્ષણ કરતો. પુત્રીના પાગલ પ્રેમમા ફસાઈ અંબિકા “ન ઘરની ન ઘાટની” એવી હાલતમા ફસાઈ ગઈ.

             સોલંકીએ આવીને ‘રાહુ અને કેતુ’ સાતમા ઘરમા છે કહી શાંતિ પાઠ કરવાની સલાહ આપી. આજકાલ બ્રાહ્મણ તેમાંય વળી અમેરિકામા ખૂબ તેજીમા છે. ડોલર પડાવવામા પાવરધા. ભલેને કાંઇ શાસ્ત્રનું ભાન ન હોય. અરે શું વાત કરું સંસ્કૃતનું  ઉચ્ચારણ પણ શરમજનક કરતા હોય છે.

                 અંબિકા વિચારી રહી,  ખરેખર ત્રિભુવનથી છૂટાછેડા મેળવી તે જ ઘરના સોફા પર લેટીને આ વિચારોમા મસ્ત છે. જે ત્રિભુવન સાથે જીંદગી ગુજારી હતી તે હવે તેના વગર કેમ જશે. રાધિકાના મોહમા તે આ શું કરી બેઠી? વહાલો ભાઈ જગદિશ આવ્યો. સોલંકીએ શાતિપાઠ કરાવી ‘રાહુ કેતુ’ ને ઠેકાણે કર્યા. પણ આ મનનું શું ? હવે ખૂબ મોડું થઈ ગયું હતું.

અંબીકા ગાડીમાં થતી વાતોથી હેબતાઇ તો ગઇ જ હતી. મને ત્રિભુવનથી છુટા પાડવામાં ક્રીસ અને રાધીકા મારામાં નહીં પણ મને મળતી મિલ્કતમાં રાજી હતા.    રાધિકાનો જીવ અંબિકાના ૨૦૦ તોલા સોનાને પચાવી પાડવામા હતો. ક્રિસતો એટલો ધુંઆપુંઆ હતો કે જરાપણ સમતોલ બુધ્ધિથી વિચારી શકતો નહી. પણ હવે શું ઈલાજ હતો.’ જબ ચિડિયા ચુગ ગઈ ખેત’. હા મોટું મસ રાજમહેલ જેવું મકાન મળ્યું પણ તેનો હપ્તો ભરવો અને તેની દેખેરેખ પાછળ જે ખર્ચ આવતો હતો તે તેના ગજાબહારનો હતો.

      અને ઉપરથી અંબિકાનું ધ્યાન રાખવાનું. રાધિકાના તેવર મહિનામાં જ બદલાઈ ગયા હતા. મમ્મી ,મમ્મી કરતી હતી. કાનભંભેરી ઉશ્કેરતી હતી અને હવે બટકા ભરતી.

. અંબિકા વિચારે આ ઉમરે આવી હાલત ? જવાબદાર પણ કોને ઠેરવે ?

                અંબિકા જેમ જેમ વિચાર કરતી ગઈ તેમ તેમ તેને ત્રિભુવનની યાદ વધુ આવતી. જાતને કહે હેં ત્રિભુવન હું તો પાગલ હતી તમે મને કેમ જવા દીધી?  શું તમે મને નથી ઓળખતા?   ત્રિભુવન મેં તમને ‘ મનહર અને રાધિકા બે બાળક આપ્યા હતા,’  

 ત્રિભુવને જવાબ આપ્યો ‘ તને મારામા વિશ્વાસ હતો?’

 અંબિકા”હા, મેં વિશ્વાસ ગુમાવ્યો હતો. કારણ દિકરીના પ્રેમમા હું અંધ બની ગઈ હતી.

 ત્રિભુવન, રાધિકાનું દિલ મારા પર નહી મારા ૨૦૦ તોલા સોના પર છે. સોનાના ભાવ તો આજે આસમાનને આંબી ગયા છે. હાય રે, મા નો આંધળો પ્રેમ બાળકની સ્વાર્થી મનોવૃત્તિને ન ઓળખી શક્યો. રાધિકાએ હવે પોતાનું અસલી સ્વરૂપ દેખાડ્યું. હા. માને તે પ્રેમ કરતી હતી પણ પૈસા અને તેના પ્રેમી કરતા ઓછો. પિતા વિરુધ્ધ ભંભેરવામા તે કામયાબ નિવડી.     

             હવે વારે વારે તેને દાંતિયા કરતી અને વઢતી. દાંતિયા કરવા તે અમેરીકામા રહેલી પ્રજામા ઓછા હોય પણ જ્યારે પોતાનો સ્વાર્થ ન સધાય ત્યારે તમે ભલેને ચાંદ પર રહ્યા હો. મનુષ્યનો અસલી સ્વભાવ પરખાઈ જાય.

                       અંબિકા ના હાલ ભારે બૂરા થયા હતા. ફરિયાદ પણ કોને કરે ? અંબિકાનો પક્ષ લઈ લઈને ત્રિભુવનને પણ દુશ્મન બનાવવામા સફળતા વરી હતી. આમેય ત્રિભુવન પ્યાર બહુ ઓછો વ્યક્ત કરતો. પણ જ્યારે વરસતો ત્યારે અંબિકા તેમા ભિંજાતી.  આજે તો તેની હાલત વાઢો તોય લોહી ન નિકળે એવી હતી. ત્રિભુવન સાથેના વિતાવેલા વર્ષો સારા યા નરસા એકેય સાંત્વના દેવા સફળ ન થયા.

                છેલ્લે છેલ્લે તો બેયને એકબીજાના ચહેરા પણ જોવા પસંદ ન હતા. છતાંય ત્રિભુવન મનમા ઈચ્છતો કે “મારી બાયડી દિકરીના આંધળા પ્રેમમા શું કરી રહી છે તેને તેનું ભાન નથી”. ત્રિભુવન મોઢું ખોલે ને પેલી તેના પર વરસી પડે. જીવનના ૫૦ વર્ષ સાથે ગાળ્યા હતા. સુખમા અને દુખમા સરખી હિસ્સેદાર હતી. લાગણી કાંઇ ભૂલી ભૂલાતી નથી? અંબિકા કેમ એ દરવાજો બંધ કરીને બેઠી હતી તે તેની સમજમા આવતું નહી.

         ઘડપણના દરવાજા ખટખટાવી અંદર પ્રવેશ્યા પછી આ શું કર્યું તે વિચાર કમકમાટી ભર્યો હતો. પણ હવે રાંડ્યા છી નું ડહાપણ શું કામનું? ભાઈ નેપણ કાંઈ મુછનો દોરો નહોતો ફૂટતો તબિયત પણ  નરમ ગરમ રહેતી હતી. શું કરું મુંઝાયેલી અંબિકા ત્રિભુવન સાથેની રોજની ચડભડાટથી થાકી હતી.

                  એક કારણ એ પણ ખરું કે ઉમર  થતા ત્રિભુવન થોડો ચિડિયો થયો હતો. તેથી અંબિકા દિકરીમા સાંત્વના પામતી. દિકરીએ છૂટાછેડા મળ્યા પછી તરત જ પોત પ્રકાશ્યું. ચિંતામા ને ચિંતામા તબિયત લથડવા માંડી . મનહર આવતો પણ અંબિકા તેની સાથે પેટછૂટી વાત કરી ન શકતી.  

               ત્રિભુવનથી છૂટા પડ્યે મહિનો એક થયો હશે અને તેને ખાવામાં તકલીફો શરુ થવા માંડી પ્રવાહી લેવાય પણ થૉડો સમય થાય અને ઉબકો આવે અને ખાધેલુ નીકળી જાય. ઘણું માથુ ખાધા પછી રાધિકા તૈયાર થઈ અંબિકાના ચેકઅપ  માટે. અંબિકા હવે તો ગાડી ચલાવવાથી ખૂબ ગભરાતી. ડોકટર ઘણા વર્ષોથી હતા એટલે અંબિકાને બરાબર તપાસી અને  સલાહ આપી. કે અન્નનળી રુંધાય છે તેથી ઇ એનટી ના ડોક્ટર પીટર કાર્લોને બતાવો.ચાલુ નિશાળે રાધિકાને ના છૂટકે બીજા અઠવાડિયે ત્યાં પણ લઈ જવી પડી. જાણે મા પર ઉપકાર કરતી હોય તેમ વર્તન કરતી.

              ગઈકાલે નિદાન આવ્યુ અન્નનળીમાં ગાંઠ છે . વાત  ચિંતાજનક હતી. સ્વાભાવિક તેનો અર્થ કે અંબિકાને ‘અન્ન નળીનું કેન્સર’ હતું.  મેડિકેર બધો ખર્ચ ઉપાડવા તૈયાર ન હ્તું. બીજા લગભગ ૫૦૦૦.૦૦ ડોલર ચૂકવવા પડ્યા-. નબળી અંબિકા હવે તો રાધિકાને માથે પડી. દાગિનામા કાંઈ દમ ન હતો. અડધું સોનુ ભારત ખાતે બેન્કમા હતું. અડધા દાગિના ખોટા હતા. ટૂંકાણમા કહીએ તો હવે આ તલમા તેલ ન હતું.

                      દુનિયાનો ધારો છે, માતા પિતાની મિલકત પર ડોળો રાખીને બેઠેલા બાળકો જો સંતોષાય નહી તો દુખ સિવાય નસિબમા કાંઈ જ ન સાંપડે. રાધિકા ક્રિસ પાછળ ગાંડી થઈ હતી. ક્રિસને એમ કે માલ મળશે તેને બદલે અંબિકાનો ભાર અને મોટા મસ મેન્શનનું પેમેન્ટ મળ્યું.

                     અંબિકાને અન્નનળી નું કેન્સર અને તેનું ઓપરશન , દવાદારૂનો અને હોસ્પિટલ નો ખર્ચો! રાધિકા કરે તો શું કરે. માને ચડાવી બાપથી આ ઉમરે છૂટાછેડા અપાવ્યા હતા.

 ત્રિભુવન અંહિ રહી ધીરે  ધીરે બધા કામ આટોપી રહ્યો હતો. તેને હવે નિરાંતે ભારત જવું હતું. અંહીનું સઘળુ એટલું બધુ વિસ્તાર્યું હતું કે બંધ કરી ચાલી ન નિકળાય.બીઝનેસ ભાડે આપી દિધો હતો તેથી રોજની દોડ ધામ ઘટી ગઈ હતી.

   અંબિકાને અન્નનળીનું કેન્સર સાંભળી બધા વેરભાવ ભૂલી તેની પડખે રહ્યો. દુનિયાદારીની શરમે કહો કે લાગણીથી ! તને પોતાને પણ ખબર ન હતી. પણ તેના હ્રદયમા ટીસ ઉઠી.   હા સાઠે બુધ્ધિ નાઠી પ્રમાણે તેનો સ્વભાવ વકરેલો હતો કિંતુ અંબિકા જીવનમા ઘણા વર્ષો સુધી વણાયેલી હતી.

રાધિકા બાપ સામે માને ખોટો પ્યાર જતાવાતી પરંતુ અંબિકાના વર્તનથી ત્રિભુવન પામી ગયો હતો કે મા-દિકરી વચ્ચે સંબંધો સુંવાળા નથી. તન મન અને ધન ત્રણેય બાજુથી અંબિકા ખુવાર થતી જતી હતી.અંબિકા આવી બિમાર હાલત મા શું કરી શકશે? બધું જ હવામા અધ્ધર, ક્યાંય ઠરવાની શીળી છાયા જણાતી ન હતી-

બીજા હજાર હજાર ડોલરનાં ૫ ઇંજેક્શન અને તે પણ ખુબ જ ભારે એક એક દિવસનાં આંતરે લેવાના હતા.. પહેલા ઇન્જેક્શન પછી અન્નનળી ખુલી.. પ્રવાહી જવું શરુ થયુ. પણ આખા શરીરે ગજબની લાય ઉઠતી હતી..

જગદીશ બહારના ધક્કા ફેરા ખાતો અને બહેન ને સમતા રાખવા સમજાવતો. પણ દેહનાં દંડ તો દેહે જ ભોગવવા પડેને? કલ્પના સાંજે આવતી અને અંબીકાને બહારથી લોશન લગાવતી..પણ અંદરની જલન કંઈ બહારના લોશન થી ઓછી મટે?

રાધિકા રોજ સાંજે આવતી. અંબિકા સાથે બેસવાને બદલે રસોડે કંઇક અવનવુ કરી ક્રીસની રાહ જોતી..ત્રિભુવને આવીને અંબિકા સાથે વાત કરવાને બદલે ફોન નો આશરો લીધો હતો… તે અંબિકાને એટલું જ કહેતો કે સૌ સારુ થઇ જશે તારા ઇંજેક્શનો અસર બતાવે છે તે સારી વાત છે.અંબિકા વિચારતી કે ત્રિભુવન એમા તેં નવુ શું કહ્યું?

દિવસો જતા હતા

ક્રીસ ના છુટા છેડા થયા અને રાધિકા લગ્ન માટે ઉતાવળી થતી હતી.ત્યારે અંબિકા બોલી હવે ૪૦ની થઇ..વિના લગ્ને પણ પરણિત જેવું જ તો તુ જીવે છે..તો કોર્ટમાં લગ્ન કરી લે ને?

બસ આટલી જ વાત અને રાધિકાનો પિત્તો ગયો…

“ક્રીસના જેવું તું ના બોલ મમ્મી! મારું તો પહેલું લગ્ન છે..અત્યાર સુધી આખી દુનિયાને કરેલા વહેવારો પાછા લેવાના કે નહીં?”

“પણ તે વહેવારો તો તારા બાપના કરેલા છે તેને નથી પડી અને તું આ શું કરવાનુ કહે છે!”

મમ્મી મારા લગ્ન તો તુ કરાવીશ અને વહેવારો મારે લેવાના તેથી તુ ના પાડે છે ને?

અંબિકાએ નિઃશાસો નાખ્યો…મને આ કસમયે મરવાનું આવ્યું છે અને આ બહેન બાને પરણ અને પૈસા બંને નું ઝનુન ચઢ્યુ છે.

  1. No comments yet.
  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: