મુખ્ય પૃષ્ઠ > વાર્તા > મિસ્કૉલ-કીર્તિકાન્ત પુરોહિત.

મિસ્કૉલ-કીર્તિકાન્ત પુરોહિત.

ફેબ્રુવારી 23, 2010 Leave a comment Go to comments

કવિ મિત્ર કીર્તિકાન્ત પુરોહિતની લેખીની કાવ્ય પુરતી સીમીત નથી તે સરસ ગદ્ય પણ લખી શકે છે તેનું ઉદાહરણ હાલમાં અખંડ આનંદમાં પ્રસિધ્ધ થયેલ તેમની આ કથા     ” મિસ્કોલ”.

આજે રવિવાર. રાબેતા મુજબ બેંકમાં રજા.
ગઇકાલે બપોરે બેંકમાંથી છૂટી સીધી વિરાજબેનના ઘરે ગઇ હતી. બાનું શ્રાધ્ધ હતું અને કુમારભાઇ પણ ઘરે જ હતા. છેક રાત્રે ત્રણેક ટીવી સિરીયલો જોઇ ઘરે આવી.
ઉર્જા રવિવારે પણ રૉજ મુજબ વહેલીજ તૈયાર થઇ જતી. નાનપણની આદત જો હતી. ન્હાઇ-ધોઇ થોડો નાસ્તો બનાવ્યો અને ગરમ ચા લઇ ડાઇનીંગ ટેબલ પર બેઠી.. આજકાલ સ્વતંત્રતા અને એકલતાના દ્વંદ્વમાં મન વારેવારે સરી જતું હતું. ડાઇનીંગ ટેબલનો મધ્ય ગોળ ભાગ તે અભાનપણે ફેરવતી રહી. અચાનક રાત્રે તેના પર રહી ગયેલા મોબાઇલ ફૉન પર તેનું ધ્યાન પડ્યું. મોબાઇલ ઑન કર્યો ત્યાં મિસ્કૉલ જોયો. ક્લીક કરી જોયું તો મિસ્કૉલ પ્રથમનો હતો.
પ્રથમ- પ્રથમ જમનાદાસ કશ્યપ. તેનો પતિ. હવે તો ભૂતપૂર્વ.
બરાબર એક વર્ષે પ્રથમનો ફૉન.? ડાઇનીંગ ટેબલ પરના મધ્ય ભાગનું ચકરડું હ્જુ ફરતું જ રહ્યું હતું.. શાને ફૉન કર્યો હશે.? મઝામાં તો હશે ને.? વળતો ફૉન કરું ?…અવઢવમાં જ હતી ત્યાં ડૉરબેલ વાગ્યો.
બારણું ખોલ્યું . જોયું તો સામે પ્રથમ. ઉર્જા અવાચક જ થોડી ક્ષણો માટે બારસાખે જડાઇ ગઇ. સામેથી આવકારો પણ દેવાયો નહિ. શરીર જ અનુસર્યું. સહેજ બાજુ પર ખસી તેણે માર્ગ આપ્યો. પ્રથમ થોડો અચકાતો ઘરમાં દાખલ થયો. બન્ને સોફા પર સામસામે બેઠા.
થોડી પળો એમજ પસાર થઇ. ગોરંભાયેલા વાદળો જેવો એટલી પળોનો માહોલ અકળાવનારો હતો. ઘામ પણ જાણે અચાનક ઓરડામાં ધસી આવ્યો.
‘ફ્લેટ નામે કરાવી લીધો ?’

‘હજુ નથી કરાવ્યો. ગઇકાલે કુમારભાઇ પણ પૂછતા હતા. વકીલ પાસે જવાનું બાકી છે.’

‘મેં નામ પર કરવા પેપર્સ તો તે વખતે જ આપી દીધાં હતાં.’
‘હા ખરું પણ તેનો પ્રશ્ન નથી. હું જ વકીલ પાસે ગઇ નથી. અરે હાં, ડૉરબેલ વાગ્યો ત્યારે નાસ્તાના ટેબલ પર જ હતી. તમને શું….’

‘તમને…?’

‘સોરી. તને શું ફાવશે. એ જ પુરાણાં ઉપમા ,બ્રેડ્ટૉસ્ટ અને એલચીવાળી ચા છે.’

‘તને યાદ હશે કે એ તો મારો ફેવરીટ બ્રેકફાસ્ટ હતો અને છે. તું પણ પછી તો ટેવાઇ ગઇ હતી.’

હા યાદ છે .કેમ ન હોય . મનોમન બોલાયું.
‘મારો મિસ્કૉલ હશે તારા મોબાઇલમાં…’પ્રથમ ડાઇનીંગ ટેબલ તરફ જતાં બોલ્યો.
‘તે વખતે બાથરુમમાં હતી . હમણાં જ મિસ્કૉલ જોયો. ‘

‘મને થયું ફૉન કરી આવું પણ પછી રવિવાર છે અને તું ઘરે જ હશે માની ચાન્સ લઇ લીધો અને સીધો આવી ચડ્યો.’
વાત પાછી ત્યાં અટકી પડી. બન્ને નાના નાના કોળિયા ભરતાં ભરતાં નાસ્તો કરતાં રહ્યાં. પ્રથમ મનમાં અટવાતો હતો. વાત કરવાની શું હતી અને આ તો બીજી વાતોએ ચઢી જવાયું.
મુંગાં મુંગાં ઉર્જાએ નોંધ્યું કે પ્રથમમાં ખાસ કોઇ ફેરફાર થયો નહોતો. એજ એક્વડિયું સમપ્રમાણ શરીર અને કાંજી કરેલું ખાદીનું સફેદ શર્ટ. થોડો લેવાયો હોય કે વાળમાં થોડી સફેદી વધી હોય તેવું લાગ્યું ખરું.
સામે પક્ષે પ્રથમ પણ નોંધતો રહ્યો કે ઉર્જા હજી પહેલાં જેવી જ લાગતી હતી. ઘરમાં કોટનનો પંજાબી ડ્રેસ એનો મનપસંદ પોષાક હતો. વારે-તહેવારે સાડી પહેરતી અને પ્રથમને મન તો તે સાડીમાંજ જાજરમાન લાગતી હતી.
ઉર્જા એટલે પ્રભાશંકર ત્રિવેદી અને સુરભીબેનની બે દીકરીઓમાં નાની. મોટી વિરાજને કુમારભાઇ ભટ્ટ સાથે પરણાવી પછી ઉર્જાએ તો કોલેજમાં જ પ્રથમને પસંદ કર્યો હતો. બનારસ જઇને શાસ્ત્રી થયેલ પ્રભાશંકરભાઇનો મુંબઇમાં ધાર્મિક ગુરુ તરીકે પ્રભાવ હતો. સુરભીબેન પણ જુની મેટ્રિક થયેલાં અને નગરપાલિકાની શાળામાં શિક્ષિકા હતાં. ઘરમાં કર્મકાંડી વાતાવરણ હોવા છતાં માબાપે દીકરીઓની ઇચ્છાઓ પર કદી પાબંદી લાદી નહોતી. તેથી ઉર્જાનાં પ્રથમ સાથેનાં લગ્નમાં કોઇ વાંધો આવ્યો નહોતો.
પ્રથમના પિતા જમનાદાસની કાગળબઝારમાં હૉલસેલની દુકાન હતી. પણ પ્રથમ તો સી.એ. થઇ પોતાની અલગ ઑફિસ કરી પ્રેક્ટીસ કરતો હતો. ઉચ્ચ મધ્યમવર્ગીય બન્ને કુટુંબોએ જમાના મુજબ વર્તી બન્નેનાં લગ્ન પણ કરાવી આપ્યાં હતાં. આમ ઉર્જા- પ્રથમને ફિલ્મોની સ્ટોરી મુજબના કોઇ ધસમસતા વિરોધો કે આંચકાઓનો સામનો નહોતો કરવો પડ્યો. પ્રથમ સી.એ.ની પ્રેકટીસમાં અને ઉર્જા બેંકઑફિસર તરીકે વ્યસ્ત હતાં.
પ્રથમના પિતા વિધુર થયા પછી વર્ષો પહેલાં ધંધો સંકેલી નાના દીકરા સાથે રહેવા દુબાઇ જતા રહેલા હતા. તેમણે આપેલા ફ્લેટ્માં જ ઉર્જા-પ્રથમ રહેતાં હતાં.
પછી તો સંસારના ચીલા મુજબ તેમને પણ એક દીકરો અને એક દીકરી થયાં. બન્ને સારું ભણ્યાં. મોટી દીકરી સુવર્ણા પરણીને ઑસ્ટ્રેલીયા ગઇ અને દીકરા તરુણને તેની કંપનીએ ઇંગ્લેંડ સહકુટુંબ મોકલ્યો. બન્ને ઘરમાં ફરી એકલાં પડ્યાં.
ભૂતકાળ એક ફ્લેશ માફક આજ ઘરની દીવાલો વચ્ચે ઝબકીને સરકી ગયો.
નાસ્તો ધીરેધીરે કરતાં ય પૂરો થયો. પ્રથમંને થયું આ ક્ષણો બસ લંબાયા કરે પણ હૈયાની વાત હોઠે આવતી નહોતી. ઉર્જાને પણ મૌન અકળાવતું હતું.
કશું જુઓતો કારણ નહોતું છતાં ઘણું બધું બની ગયું હતું. આખરે પ્રથમે મૌન તોડ્યું.
‘પૂછીશ નહીં કેમ આવવું થયું.’
‘કારણ તો હશે જ પણ પૂછવાની આદત નથી.’
‘સી.એ. તરીકે જામેલી પ્રેકટીસ છે પણ હવે કોને માટે આ કંપનીનું ભારણ વેંઢારવું. છોકરાંવતો આ ભાર ઉપાડે એમ નથી. એકધારાપણાનો હવે થાક લાગતો હોય એવું લાગે છે.’

‘એમને પણ પોતાની કારકીર્દી છે જ ને.’
હજુ ય આ માણસ પોતાની વાતમાં જ મશગુલ છે. એવું ય ન પૂછ્યું કે તું કેમ છે મારું સાઇનસનું દર્દ એનાથી ક્યાં અજાણ્યું છે. ઉર્જા ઢળેલી નજરે વિચારી રહી.કુમારભાઇએ એક દિવસ સાચું જ કહ્યું હતું કે પ્રેમલગ્નનો તાંતણો લાંબો હોઇ શકે અને તમારી ફરતે ઘણા આંટા વીંટી શકે પણ હોય છે ઘણો નાજુક. એને તૂટતાં વાર નહિ.
એવું જ થયું હતું ને. બાકી પ્રથમ ચારિત્ર્યમાં અણિશુધ્ધ હતો અને આજેય હશે એની ખાત્રી છે. તેને પણ પોતા તરફ શંકા આવી નથી કે નથી પોતે કોઇ દિ એવાં કારણો આપ્યાં.
બેંકમાં લાળ ટપકાવતા અધુરિયા ઘણા હતા. પણ તેણે ક્યાં કોઇને ય મચક દીધી હતી. બેંકમાં આવતા બેંકના સોલીસીટર પ્રકાશ વર્મા વિધુર થયા પછી તો પોતા તરફ ઘણી મૉઘમ લાલચો ફેંકતા હતા પરંતુ તેમને ય તેણે ધુત્કારી કાઢ્યા હતા.
જેવો હતો અને જેટલો સમય હતો ઉર્જાને તેના ભોગવેલા સંસારથી સંતોષ હતો. નિયતિનો સ્વીકાર ધીરેધીરે કોઠે પડતો જતો હતો.
હવે તો એકલાં રહેતાં પણ ટેવાઇ જવાયું હતું. વિરાજબેન-કુમારભાઇનો પણ સધીયારો હતો. બન્નેનું મકાન સદનસિબે ગલીના નાકે જ હતું એટલે સંપર્ક પણ રોજિંદો હતો. સુવર્ણા અને તરુણના ફૉન પણ બે-ત્રણ દિવસે આવી જતા અને તેમની સાથેનો સેતુ પણ અતુટ રહ્યો હતો.
ઘરમાં પ્રથમ કહે તે જ થાય. અને તેમાં તેણે અત્યાર સુધી વાંધો પણ ક્યાં લીધો હતો છતાં વિચારભેદે ચણભણ થતી રહેતી. બાળકોના ગયા પછી તે વધી પણ પડી.છેવટે પ્રથમ કક્કો ખરો કરાવી ને જ રહે તે પણ એટલું જ સાચું રહ્યું.
ચણભણ અને અનબન મહિનાઓ પસાર થતા ગયા તેમ વધતી જ રહી. આટલા વર્ષો રાખના ઢેર તળે ભારેલા તણખા હવે તડતડી જતા હતા અને કોઇવાર ભડકો પણ થઇ જતો.એક દિવસ–
‘….એટલે કાયમ તું દોરે તે નકશા પ્રમાણે જ ચાલવું મારી નિયતિ છે.હું કંઇ સ્વતંત્ર રીતે વિચારી જ ન શકું.’
‘ઓહ…. એમ વાત છે. તને કમાવાની સ્વતંત્રતાતો મેં આપી જ હતી.હવે બેંકની પદવી અને કમાણી બોલે છે કે શું?’

‘જો.. એ વખતે તને પણ ગરજ હતી.શરૂઆતના દિવસોમાં ઘર ચલાવવા બન્નેની કમાણી જરૂરી હતી. મને બેંકમાં જોડાવાની રજા આપવા પાછળ તારી ગરજ પણ હતી. બાળકો નાનાં હતાં. તારી નવી ઓફીસ હતી. બાપુજી ધંધો બંધ કરી પરદેશ જતા રહ્યા હતા.’

વાત બંધ પડી અને થોડા દિવસ અબોલા રહ્યા.
વળી મહિના પછી ભડકાનું પુનરાવર્તન થયું.આ વખતે બાળ્કોની અનુપસ્થિતિ અને પરદેશ સ્થાયી થવું મુદ્દો બની રહ્યો. દોષારોપણોથી ભારેલો અગ્નિ તેજ થતો જ ગયોં. બન્નેને લાગવા માંડ્યું કે તબક્કે તબક્કે બન્નેનું નજીક આવવા કરતાં દૂર જવાનું વધી પડ્યું છે. વચ્ચેની ખાઇ પહોળી ને પહોળી જ થતી રહી છે.
એવા જ એક તબક્કે ભારેલા અગ્નિનો ભડકો એકાએક આગમાં પલટાયો.
ઓચિંતા એકદિવસ પ્રથમે છૂટાછેડાના પેપર્સ સામે મૂકી દીધાં.ઉર્જા જરૂર ચોંકી ઉઠી હતી. વિરાજબેન, કુમારભાઇ, સુવર્ણા, તરુણ સૌ અચંબામાં પડ્યાં હતાં. પરંતુ વટ ઉપર આવી જઇ ઉર્જાએ બીજા દિવસે સહી કરી પણ દીધી. બધાની સમજાવટ ભોંઠી પડી.
વરસ વીતી ગયું એ વાતને. આજે આવેલા મિસ્કૉલ પહેલાં પ્રથમનો કોઇ સંપર્ક પણ થયો નહોતો .બાળકો સાથેના ફૉનમાં પણ તે પ્રથમની વાત ટાળતી. બધું એમનુ એમ હતું છતાં ઘણું બધું બદલાયું હતું.
સમગ્ર વાતાવરણ સાથે ઘણી બધી મીઠી-કડવી યાદો જોડાયેલી હતી. સ્મરણ સાથે વિસ્મરણ પણ આજન્મ જોડાયેલું છે જ ને.! ઘણું આયાસે-અનાયાસે ભૂલવું નથી પડતું.?

‘સુવર્ણાનો ફૉન હતો.’ પ્રથમે ફરી મૌન તોડ્યું. એને થયું હવે વાત થઇ જ જાય એમ વિચારી એણે દિશા બદલી.‘બન્ને સુવર્ણા અને તરુણને મારી એકલતા કઠે છે.’

હજુ ય આ માણસ પોતાની વાત કરવા છોકરાંવનો આશરો લે છે.ઉર્જા વિચારી રહી. પોતે પણ એકલી જ છે ને.
‘એ સાચું છે કે છૂટાછેડાનો નિર્ણય મેં લીધો અને પેપર્સ તારી સામે મૂકી દીધાં પણ આજે ય છોકરાંવને લાગે છે કે તે નિર્ણય ઉતાવળિયો હતો.’
છેક આજે સમજાયું કે એ નિર્ણય ઉતાવળિયો હતો.થોડી કડવાશથી વંકાયેલો હોઠ છૂપાવતી ઉર્જા મનોમન બોલતી હતી પણ પ્રગટ તો તે મૌન રહી.
‘આ બાબત ચર્ચવા જ હું આવ્યો હતો.’
‘મેં સહી કરી તે પહેલાં આ બાબત આપણી વચ્ચે વિગતવાર ચર્ચાઇજ હતી. તું વ્યક્તિસ્વાતંત્ર્યની હિમાયત કરતો હતો અને તું મને પણ સંપૂર્ણ સ્વાતંત્ર્ય મળે તેવી દલીલ કરતો હતો. હવે એનું એક વર્ષ પછી શું છે.!’

‘નિર્ણય ઉભયપક્ષે ઉતાવળિયો હતો તો પછી બદલી શકાય કે નહિ તે જાણવા આવ્યો છું. છોકરાંવ કહે છે કે એક દુસ્વપ્ન અને દુખદ પડાવ સમજી જિંદગીનું આ વરસ ભુલી જાવ.’

હજુ વાતતો છોકરાંવને આગળ ધરીને જ થાય છે. ઉર્જા મૌન રહી.
‘તું શું કહે છે.?’
ઉર્જા હજુય મૌન જ હતી. છોકરાંવ તેને પણ આ જ વાત કરતાં રહેતાં હતાં તે તેણે કહ્યું નહિ. થોડી મિનિટો એમજ પસાર થઇ. અવઢવ છુપાવતી ઉર્જા નાસ્તાની પ્લેટો ઉઠાવી રસોડાના સિંન્કમાં મૂકી આવી.પછી ડાઇનીંગ ટેબલ સાફ કરતી રહી.
‘તું આખરે શું કહે છે.?’ પ્રથમ પૂછી રહ્યો હતો. ઉર્જા ઉંડા મૌનમાં હતી . શું કહે?

ઓચિંતો પ્રથમ ઉભો થયો. બારણાં પાસે મૂકેલાં ચંપલ પહેરી પાછળ બારણું બંધ કરતો બહાર નીકળી ગયો. ઉર્જા હેબતાઇને બંધ બારણું તાકી રહી.
ના એણે વિચારવા કહ્યું કે વિચારી કહેજે તેવો વિકલ્પ પણ આપ્યો.
આખી જિંદગીનો ભાર પગમાં ભરાઇ પડ્યો હોય તેમ તે ડાઇનીંગ ટેબલપાસે ખુરશીમાં બેસી પડી. ફરી તેનાથી બંધ બારણાં તરફ જોવાઇ ગયું.
અન્યમનસ્ક ભાવે તેણે સામે પડેલો મોબાઇલ ઑન કર્યો. સવારનો મિસ્કૉલ હજુ તેમને તેમ હતો. તે મિસ્કૉલ તાકી રહી.
તેણે મિસ્કૉલ ડીલીટ ના કર્યો.
………કીર્તિકાંન્ત પુરોહિત
Courtsey: આ વાર્તા અખંડાનંદ ફેબ્રુ.2010ના અંકમાં છપાઇ છે. આપના પ્રતિભાવની અપેક્ષા રહેશે….. કીર્તિકાન્ત પુરોહિત.

Advertisements
Categories: વાર્તા
 1. ફેબ્રુવારી 25, 2010 પર 12:53 પી એમ(pm)

  કીર્તિકાંતભાઈની કલમ સબળ છે.
  એક સરસ ટૂંકી આંખ ખોલનાર વાર્તા. લાઘવતા એમણે જાળવી છે એ એક અગત્યનું પાસું જે મારે શિખવાની જરૂર છે. મા. કીર્તિકાંતભાઈએ મને અંગત ઈમેઈલ મારફત પણ આ વાર્તા મોકલી છે એ માટે એમનો હાર્દિક જાહેર આભાર. એઓ એક સમર્થ સાહિત્યસેવક છે. એઓને હાર્દિક અભિનંદન આ વાર્તા માટે.

  ‘તું આખરે શું કહે છે.?’ પ્રથમ પૂછી રહ્યો હતો. આખરે શબ્દ મુકીને લેખકે કમાલ કરી છે. ક્યારેક આ આખર જ નથી આવતી. અને સીધો અંત આવી જાય. ત્યારે…લાગે કે જીવનમાં લેવાયેલ નિર્યણો ગલત હતા.

  માફ કરશો પણ અહિં મિસ કોલ ને અનુલક્ષીને લખેલ મારી એક કવિતા(???) રજુ કરવાની ગુસ્તાખી રોકી નથી શકતો…આશા છે કે સહુને ગમશે.

  પણ ક્યારેક પ્રભુનો મિસ કોલ અચાનક આવી જાય છે
  દબાતે પગલે મોત આવે ને ડિસકનેક્ટ થઈ જવાય છે.

  જુદા જુદા રિંગટોન ભલે ડાઉનલૉડ કર્યા આપણે અહિં
  ખરો રિંગટોન તો આત્માનો ક્યાં કોઈને સંભળાય છે ?

  તારા વોઈસમેલના મેઈલ બોક્ષમાં મેં તો મૌન સંઘર્યું
  ને તારા મૌનનો પડઘો હજુ ફોનમાં મારા પડઘાય છે !!

  મારા પ્રેમનો કોરો ટેક્ષમેસેજ હમણા સેંડ કર્યો છે તને
  તું વાંચી લે જે મારા સંદેશમાં જે કંઈ તને વંચાય છે.

  જો મારૂં તો હરદમ રોમિંગ ફ્રી યુનિવર્સલ નેટવર્ક છે
  ને તને રોમાંસ કરવાનો ચાર્જ તો ય કેમ લાગી જાય છે?

  રિચાર્જ કરવાની તારી રીત નિરાલી છે કે તું થતી નથી
  ને મારા સિમકાર્ડમાં તો તારો ઈતિહાસ સમાય જાય છે!

  પણ ક્યારેક પ્રભુનો મિસ કોલ અચાનક આવી જાય છે
  દબાતે પગલે મોત આવે ને ડિસકનેક્ટ થઈ જવાય છે.

  હા, આજે ન્યુ જર્સીમાં સ્નો…સ્નો… સ્નો… અને સ્નો છે એટલે નોકરીએ જવાય એમ નથી એટલે સવારે સવારે કીર્તિકાંતભાઈના ‘મિસ્કોલ’ નો જવાબ આપી દીધો..હલ્લો…કીર્તિકાંતભાઈ…આર યુ હિયર મી… કે પછી નેટવર્કમાં ખામી છે?? હલ્લો…

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: