મુખ્ય પૃષ્ઠ > આંસુડે ચીતર્યા ગગન > આંસુડે ચીતર્યા ગગન (13)

આંસુડે ચીતર્યા ગગન (13)

સપ્ટેમ્બર 20, 2009 Leave a comment Go to comments

અગાઉ નાં પ્રકરણો જોવા અહીઁ ક્લીક કરો

 

તે દિવસે સવારે બિંદુને ઉલટી થવા માંડી…. શેષ સાઈટ ઉપર જતો હતો. તબિયત સારી રહેતી હોવાની ફરિયાદ તો બિંદુ કરતી જ હતી. પરંતુ તેને સમજ પડતી નહોતી કે શું થાય છે…. પેટમાં ઝીણું ઝીણું દુ:ખતું હતું – આગલે દિવસે ચોપાટીની ભેળપુરી, કુલ્ફી જેવું આચર કુચર ખાવાથી અપચા જેવું થયું હશે તેમ માનીને શેષે સહેજ ગરમાટો કરવાનું કહ્યું. અને સાઈટ ઉપર જવા નીકળી ગયો.

‘નાથુ !’ બિંદુએ બૂમ પાડી.

‘હં બેન !’

‘સાહેબને ફોન કર… અને કહે કે અડધો એક કલાકમાં પાછા આવે.’

‘ભલે બેન !’

સાઈટ ઉપર પહોંચતા જ શેષ પાછો આવ્યો. ‘શું છે બિંદુ? કેમ ફોન કરવો પડ્યો?’

‘મને ઉલટી થતી નથી પણ ઉબકા આવ્યા કરે છે. કોણ જાણે કેમ જીવ ગભરાયા કરે છે. ’

‘પણ તેમાં હું શું કરું ?’

‘તમે હો તો મને રાહત રહે ને ?’

‘સારું ! પણ ગરમાટો કર્યો?’

‘હા – નાથુએ રાબ બનાવી આપી હતી. હવે સારું થઈ જશે. ’

‘નાથુની રાબથી કે મારા આવવાથી ?’

‘તમારા આવવાથી. ’

શેષે બિંદુના માથા પર હાથ ફેરવતા પૂછ્યું – ‘બિંદુ આટલી નાની વાતથી ગભરાઈ જઈશ તો શું થશે ?’

‘શાનું ?’

‘ભેળ ખાવાથી અપચો થયો તેમાં તો મને ફોન કરીને મને બોલાવી લીધો….’

‘એવું નથી – ’

‘તો…’

‘નાથુ કહેતો હતો કે બેન ગરમાટો ન કરો પણ ડૉક્ટરને બતાવી જુઓ – ’

‘હં કેમ ?’

‘કદાચ બીજું કશાનું પણ હોય….’

‘એટલે ?’

‘એટલે … હું…. કદાચ…’

‘કદાચ શું ?’

‘ચાલો આજે ડૉક્ટરને જ બતાવી દઈએ. એટલે નિરાકરણ થઈ જાય…’

‘ભલે તારી ઇચ્છા હોય તો. પણ મારે સાઈટ ઉપર જવું જરૂરી છે. તેથી બપોરે જમ્યા પછી જઈ આવીશું.’

‘ભલે !’

અડધો એક કલાક રહીને શેષ સાઈટ ઉપર પહોંચ્યો. લાભશંકરકાકા આઘા પાછા થતા હતા.

‘શું વાત હતી ત્રિવેદીભાઈ ?’

‘એને અપચા જેવું થયું હતું. તેથી ગભરાતી હતી. ’

‘કેમ, કાલે કંઈ ફરવા ગયા હતા ?’

‘હા. ચોપાટીની ભેળ અને કુલ્ફી ખાધા હતા. ’

‘પણ એમાં ગભરાવાનું શું ?’

‘ઊલટી થતી હતી અને ઉબકા આવતા હતા.’

‘હં’

‘નાથુએ કહ્યું કે ડૉક્ટરને બતાવી જુઓ તો સારું બીજા કશાનું પણ હોય. ’

‘હા . વાત તો સાચી – નવા પરણેલા જુવાનીયા છો. કંઈક નવાજૂની પણ કરી હોય. ’

‘એટલે?’

‘એટલે એમ કે બેનને મહિના પણ રહ્યા હોય…’

‘હેં…!’

‘હં… લેડી ડૉક્ટરને બતાવજો અને સારા સમાચાર હોય તો ગાયને સવાશેર ઘઉં બાફીને ખવડાવજો.’

‘મને શરમ આવે છે કાકા. ’

‘લગ્ન કર્યા ત્યારે શરમ નહોતી અને હવે ?’

‘બસ કાકા…. તમારા મોંમાં ગોળ ઘી.’

‘ભલે દીકરા. અને વહુને હવે સાચવજે.’

‘કાકા આજનો દિવસ હું છુટ્ટી ઉપર… બહુ સારી વાત તમે કરી દીધી…’

‘ભલે ! અને વહુને શુભાશિષ કહેજે. ’

O O O O O O O O

ડૉક્ટરે કન્ફર્મ કરવા એકાદ પખવાડિયાની રાહ જોવા કહ્યું. બિંદુનો મહિનો તો પૂરો થઈ જ ગયો હતો. પણ ઊલટી એ મોર્નિંગ સિકનેસની જ છે. તેને કન્ટ્રોલ કરવા સવારના ગંઠોડા ખાવાની સલાહ આપી અને જરૂર હોય તો દવા પણ લે…

O O O O O O O O

પાછા વળતાં બિંદુ શેષના ખભે માથું ઢાળીને સૂતી હતી… શેષે પૂછ્યું ‘બિંદુ ! પહેલું માતૃત્વ… કેવી લાગણીઓ થાય છે ?’

‘અજબ ગજબ લાગણીનું મિશ્રણ છે.’

‘અજબ ગજબ કેમ?’

‘એક બાજુ થાય છે…. સમય કેટલો ઝડપી વહેવા માંડ્યો છે. મુંબઈ આવે હજી તો બે અઢી મહિના થયા છે. ત્યાં ફરીથી નવું… નવું… થવા માંડ્યું…’

‘હં.’

‘અને બીજી બાજુ થાય છે… તમે નોકરીએ ગયા હો ત્યારે એકાંતમાં હવે જીવ ગભરાતો મટશે…’

‘એટલે તારો જીવ મારા વિના ગભરાય છે ?’

‘હા.. અને ક્યારેક તમે હો છો ત્યારે પણ ગભરાય છે.’

‘કેવી વાત કરે છે તું ?’

‘હા રજાને દિવસે તમે મને વધુ સતાવો છો ત્યારે પણ જીવ ગભરાય છે.’

‘ખરી છે તું તો… ન મળું તો પણ ગભરાય અને મળું તો પણ ગભરાય…’

‘હં. શેષ શું લાગે છે ?’

‘શાનું ?’

‘આ નવો અનુભવ… પહેલી વખત મા બાપ બનવાનો.’

‘હજી તો નવ મહિનાની વાર છે ઘેલી !’

‘તમે મારા બાબાને વહાલ કરશો ને ?’

‘અરે ! અત્યારથી બાબો બાબો કરે છે ! બેબી પણ હોઈ શકે .

‘ભલે જે હોય તે મારું સંતાન મને શ્રેષ્ઠપદ એટલે કે માતૃપદ અપાવશે… અને તમને પિતૃત્વ.’

‘હં !’ બિંદુની ઘેલી ઘેલી વાત શેષ પણ માણતો હતો… ‘આપણું સંતાન કેવું હશે ?’ બિલકુલ તારી પ્રતિકૃતિ હશે.

‘ના તમારા જેવો હશે.’

‘જો બેબી હશે તો મારા જેવી અને બાબો હશે તો તારા જેવો.’

‘કેમ એવું ?’

‘છોકરી બાપ ઉપર પડે તો નસીબદાર કહેવાય. ’

‘તમે કોના ઉપર પડ્યા છો ?’

‘હું તો મારા બાપ ઉપર પડેલો ’

‘અને હું ?’

‘જાહેર છે મારા સાસુ જેવી. ’

‘તો તો આપણે બંને કમનસીબ નહીં ?’

‘ધત્ તેરી…. ટુ નેગેટિવ મેક્સ પોઝીટીવ…. એટલે તો આપણે બંને સમદુ:ખીયા સરખા છીએ. કેમ ? ’

‘તો તો મારે બેબી જોઇએ.’

‘કેમ ?’

‘બિલકુલ તમારી પ્રતિકૃતિ જ જોઇએ. ’

‘મારે ?’

‘નેક્સ્ટ ટાઈમ !’

‘તમે મા નો પ્રેમ જોયો છે ?’

‘ના અને બાપનો પણ નહીં’

‘બાપનો તો મેં પણ નથી જોયો… પણ મા નો પ્રેમ તો હું ભરપૂર આપીશ. ’

હું તો એવું કંઈ સમજ્યો નથી. પણ કુદરતી રીતે જ જે આપણને નથી મળ્યું તે આપવાનું થશે તો ખોબલે ખોબલા જ આપીશું ને વળી ?’ બિંદુના કપાળને ચૂમી લેતા શેષ બોલ્યો.

‘આંગળી ધારું છું હં કે ?’ બે આંગળી ધરતા બિંદુએ કહ્યું.

‘મોટી આંગળી શેષે પકડી. ’

‘બેબી જ આવશે… અને તમારા જેવી.’

‘ભલે હવે સવાશેર ઘઉં બાફીને ગાયને ખવડાવી દેજે.’

‘કોણે કહ્યું ?’

‘લાભશંકરકાકાએ કહ્યું હતું . અને તારી ખૂબ કાળજી રાખવાનું કહ્યું હતું.’

‘ભલે – નાથુને કહી દઉં છું.’

‘અમદાવાદ અને સિદ્ધપુર કાગળો લખી દઉં છું.’

‘શું લખશો ?’

‘તું લખાવજે એમ લખીશ.’

‘ના તમે ના લખતા. હું જ લખી નાખીશ. ’

‘ચાલ સાથે જ લખીએ. ’

O O O O O O O O

અવિનાશે અંશ અને અર્ચનાના મનમેળને ખૂબ સુંદર રીતે વધાવી લીધી. અર્ચના સાથે ખપત કરવામાં એ એક્સ્પર્ટ હતો અને એમને એમ વાતોમાં એની પીંક ખીચડીની બધી વાત કઢાવી લીધી.

એ છોકરીનું નામ હતું સરલા મહેતા. ભાવનગરથી આવતી હતી. અને બે મહિનાના ટૂંકા ગાળામાં અવિનાશ સાથે દોસ્તી પણ પાકી કરી લીધી. સરલા આમ તો શહેરમાં રહેતી હતી. પરંતુ અર્ચના સાથે બેનપણાથી અવિનાશ પણ સ્થિર થઈ ગયો.

ડૉક્ટરી સાયન્સનો એક સીધો નિયમ છે કે ભણતા ભણતા દરેક જણ મહદ્ અંશે પોતપોતાનું પાત્ર શોધી જ લેતા હોય છે. અને જે રહી જાય છે તે પછી દ્રાક્ષ ખાટી છે ની જેમ ડૉક્ટર કન્યા ન જોઇએ વાળી વાત કરતા થઈ જાય છે.

જ્યારે બિંદુનો કાગળ આવ્યો ત્યારે અંશ હોસ્ટેલમાં નહોતો. અવિનાશે કાગળ હાથમાં લીધો. બિંદુભાભીના અક્ષરોથી તે પરિચિત તો હતો જ. તેથી કાગળ ફોડ્યા વિના પોતાની પાસે રાખી લીધો.

સાંજે જ્યારે ગાર્ડન ઉપર બધા ભેગા થયા ત્યારે અંશને કાગળા આપતા કહે – ‘અંશ શરત લગાવવી છે ?’

‘શાની ? ’

‘બિંદુભાભીના કાગળમાં કોઈ સારા સમાચાર છે.’

‘હં હશે તો આઈસ્ક્રીમ મારા તરફથી….’

‘ફક્ત આઈસ્ક્રીમમાં જ પતાવવાનું ?’ સરલા ટહુકી…

‘એઈ ચિબાવલી ! અંશને હમણાં ખાલી ન કર હજી સ્કૉલરશિપના પૈસા નથી આવ્યા. ’ અર્ચના પક્ષ ખેંચતી હતી.

‘હું લોન આપીશ..’

‘ભલે ભાઈ ! નવું પિક્ચર જે હશે તે પણ જોખશું બસ ? ’

કાગળ ફોડીને અંશે વાંચવાનું શરુ કર્યું.

પૂજ્ય કાકા,

આજથી સાડા સાત કે આઠ મહિના પછી મારો જન્મ થશે… ભત્રીજી હોઇશ તો મારું નામ અંશીતા… અને ભત્રીજો હોઇશ તો અંશુમાન …. મારું આગમન ગમશે ને ? મારી ઓળખાણ ન પડી…? ચાલો ત્યારે કહી જ દઉં … મારા વહાલા કાકા – બિંદુમમ્મી અને શેષપપ્પાની હું દીકરી / દીકરો છું… તમે કોણ ? નાની નાની છોકરીના હાથ દોર્યા હતા – પછી બિંદુ લખતી હતી…

ડૉક્ટરને બતાવ્યું છે તમે કાકા બનવાના છો – મારી દેરાણીનું કેટલે આવ્યું ?

હુરરરે… કરતા બધા આનંદમાં ઝૂમી ઉઠ્યા. કાકો બનવાનો ફોર્મ રુઆબના રૂપમાં ફેરવાઈ ગયો. ચાલો બધા પહોંચીએ થિયેટર ઉપર…

ટીકીટ લીધી અને બધા ગોઠવાઈ ગયા.

અવિનાશે મારી બાજુમાં જીદ કરીને અર્ચનાને બેસાડી. ગભરુ મન થોડું ડરતું હતું. સંસ્કાર પણ થોડા નડતા હતા… પણ હવે પડશે તેવું વેઠીશું વાળી ભાવનાને સજીવ કરી ગોઠવાઈ ગયા…

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: