સાહેબોને સજા

જુલાઇ 30, 2009 Leave a comment Go to comments

સાહેબોને સજા

પોલીસ સબ ઇન્પેક્ટર રણજીત સિંહ આમતો હસમુખ અને નિખાલસ જીવ..દરેક સાહેબોને અનુકુળ થનારો અને તેમનો પડ્યો બોલ ઝીલનારો તેથી દરેક સાહેબોનાં તેના ઉપર ચાર હાથ..અને એ મહેરબાની તળે તેનું છ જણાનું કુટુંબ સરસ રીતે શાંતિનું જીવન જીવતુ.

પણ છેલ્લા કેટલાક સમયથી તેના શાંત જીવનની કુદરતને ઇર્ષા આવી હોય તેમ ઉપરા છાપરી તે ચારે બાજુથી ભીંસાતો જતો હતો. ક્યાંકથી નનામી અરજી થઈ તે કાર્યવાહી શરુ થઈ તેજ સમયમાં ઉપરી અધિકારીની બદલી થઈ. નવા ઇન્સ્પેક્ટરને રણજીતસિંહની ઉપરીઓની ભક્તિમાં દાળમાં કાળુ લાગ્યું અને દસ વર્ષથી જે ચોકી ઉપર તે સ્થિર હતો તેને આ નનામી અરજીનાં આધારે ગાળાગાળી કરી બદલી કરી નાખી.

પાંચ પોલીસની હાજરીમાં લાંચીયા હોવાનું આળ સહન કરવાનું અતિ દુષ્કર હતુ. પાછો ઉંમરમાં નાનો અધિકારી ગાળ દે તે કેમ ચાલે…ધુંવાફુંવા થતો ઘરે આવ્યો અને નાનકાને ધોલ મારી..મોટીને ઘાંટો પાડ્યો. ચા લઈને આવતી પત્નિ માલાએ બદલાયેલ તેવર જોઇને છોકરાને આઘા પાછા કરી ધમ ધમ ફરતા પતિ પાસે આવીને કહ્યું-” કેમ ઠાકોર આજે ઘરને ચોકી બનાવવા બેઠા છો?”

” આ નાનું છોકરડું હજી તો સીધ્ધુ તાલિમમાં થી આવ્યું છે ને મને ગાળ દે તે કંઈ ચાલે…?”

“હશે કાલે તમારો વારો આવે ત્યારે તમે તેને ગાળ દેજો ..પણ હમણા તો આ ચા ટાઢી પડે છે..તે તો પી લો.” 

મસાલા આદુની  ચા જાણે દવા હોય તેમ પીને બાઈક ને કીક મારી પોલીસ ક્વાર્ટર્સમાંથી રણજીત સિંહ નીકળી પડ્યા.. તેમની બાઈક સ્પીડ લીમીટ કરતા વધુ ઝડપે તેમના મગજનાં તપેલા પારાને દર્શાવતી બે ચાર જણ ને ઓવરટેક કરીને નીકળી ગઈ ત્યારે કોઇક બોલ્યુ પણ ખરું કે મરવાનો થયો લાગે છે!

છેલ્લા કેટલાક સમયથી તેને શરીરે અસુખ તો હતુ જ અને તેમા આજની ગાળાગાળીએ જાણે બળતામાં  ઘી હોમ્યું. શહેર દુર વહેતી નદીનાં કિનારે પહોંચીને તેણે બાઈક રોકી. ખળખળ વહેતા નદીનાં વહેણમાં તેને ડુબકી મારવાનું મન થયું. મંદિરની આરતીનાં ઘંટારવમાં સામન્ય રીતે તેને શાંતિ મળતી પણ આજે તે ઘોંઘાટ લાગ્યો અને બોલ્યો પણ ખરો આ ભગવાન તે કંઇ બહેરો છે કે તેને જગાડવા આટલો અવાજ કરો છો? મંદિરની નજીક નીલગીરિનાં છોડવામાંથી આવતી મહેંક અને સાંજનો ડુબતો સુરજ આજે તેના અસુખને વધારતો લાગ્યો તેથી પ્રસાદ લઈને ઘરે પાછુ પ્રયાણ કર્યુ.

પાછા વળતા તેના મિત્રોની સલાહથી તેણે રજા પર ઉતરી જવું યોગ્ય લાગ્યુ આમેય શરીરે અસુખ તો હતુ જ…મન પણ ઘવાયેલુ તો હતું જ..

દિવસો ઉપર દિવસો વિતતા જતા હતા..અને રોજે રોજ નીતનવી વાતો આવતી હતી…રણજીતસિંહ સાહેબોને પૈસા પહોંચાડતો હતો..તે પણ તેમા કટકી રાખતો હતો…કોઇ પણ તેના ઉપરી અધિકારી રણજીતસિંહને બચાવવાની પેરવી કરતા નહોંતા..દરેક જણ તેને બલીનો બકરો બનાવી સાફ છુટી ગયા હતા…

તેને હવે યાદ આવ્યું મોટીનાં લગ્નની તૈયાર માટે રઘુ સોની પાસે રુઆબથી દાગીનો અર્ધા ભાવે લીધો હતો..નાનકાને કોમ્પ્યુટર અપાવવા જે કે ને દબડાવ્યો હતો…તોડ પાડીને જયસ્વાલનાં પૈસા સોલંકી સાહેબને ઓછા આપ્યા હતા ને ફ્લૅટ માટે તે હપ્તો ભર્યો હતો…બાઈકમાં પેટ્રોલ ભરાવાના ક્યારેય પૈસા આપ્યા હોય તેવું યાદ આવતુ નહોંતુ.

કમીશને તો છેલ્લા દસ વર્ષના ચોપડા ખોલાવ્યા છે..ક્રીમીનલ ચાર્જ પણ મુકાશે અને કચ્છમાં બદલી થવાની છે તેવી વાતો સાંભળ્યા પછી તેનું અસુખ તે રાત્રે ખુબ જ વધી ગયુ…જે સાહેબોને ટોપલે ટોપલા ભરીને આપ્યું હોય તેઓ જ હવે કટકીનો હિસાબ માંગે છે?..અ ર ર ર્. આ સાહેબોનાં હાથા બની જઈને મેં કેવી ભયંકર ભુલ કરી? અને હવે તે ભુલનો ભોગ બનશે માલા અને આ ચારેય ભુલકા?

રણજીતસિંહને થવા લાગ્યું કે આ સાહેબોની જાત જ ભુંડી…ધારે તો મને બચાવી શકે પણ શું કામ બચાવે..તેમને તો એક નહીં બીજો પી.એસ.આઇ.મળી જશે…પણ મને જેલ થઈ જશે તેનુ શું?

તેનો વિચારવાયુ વળી બીજી દિશામાં ફંટાયો..શાંતિથી સુતેલી માલા અને સંતાનોને જોઇ તેને ગુસ્સો આવ્યો..આ બધુ તમારે માટે કર્યુ અને તમે બધા શાંતિ થી ઉંઘો છો?  મારી આ જે દશા છે તેના માટે મારા સાહેબો જેટલાજ ગુનેગારો તમે છો. અંદરથી ઉઠતા ગુસ્સને ઠંડો કરવા તેણે કાગળ પેન હાથમાં લીધી અને કયા સાહેબને કયારે કેટલા આપ્યાનો હિસાબ લખ્યો સહી કરી. અને આ ગીધડા (સાહેબો જ તો વળી) તેના કુટુંબને ચુંથી ન નાખે તેટલા માટે તેણે રિવોલ્વર ઉંચકી માલાને ઠાર કરી..અવાજથી જાગી ગયેલા ચારેય બાળકોને એક પછી એક ગોળીથી ઠાર કર્યા…

અંદરથી તેને એક જોરદાર ધક્કો વાગ્યો..તે ક્ષણભર માટે ડરી ગયો..તેણે જાતે પોતાનાજ કુટુંબને ઠાર કર્યુ? હવે મારું શું થશે તે કલ્પના આવતા તે ધ્રુજી ગયો…બધા સાહેબો તો તેમના ગુનાની સજા ભોગવતા ભોગવશે મેં મારા કુટુંબને મારે જ હાથે ઠાર કરીને સજા આપી? ત્યાં તેને યાદ આવ્યું રીવોલ્વરમાં હજી છેલ્લી ગોળી છે..ક્ષણ ભરતો તેને રડવું આવ્યું પણ સાહેબોને સજા કરવા છેલ્લી ગોળી તેણે તેની જાત ઉપર ચલાવી દીધી.

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: