મુખ્ય પૃષ્ઠ > પ્રેરણાદાયી લેખ્, email > રિટાયરમેન્ટનો આનંદ.-હરનિશ જાની

રિટાયરમેન્ટનો આનંદ.-હરનિશ જાની


retirement no anand

રિટાયરમેન્ટનો આનંદ એટલે મોડા ઊઠવાનો આનંદ.જયારે નોકરી કરતો હતો ત્યારે જીવન જીવવા માટે મારા આદર્શ મારા સસરાજી હતા.જેમણે ૮૪ વરસની ઉંમર સુધી વકિલાત કરી હતી. હું તેમની વ્યસ્ત જીંદગી જોઈને વિચારતો કે આનું નામ તે જીવન.તે કહેતા કે  જો રિટાયર્ડ થઈએ તો મૃત્યુ વહેલું આવે અને ખરેખર મને એમનું જીવન ગમતું. અમે અમેરિકાથી દેશ જઈએ તો પણ સવારે દાદાજી કેસ લડવા કોર્ટમાં જતા. મેં મારા નોકરીના કાળમાં અમારી ઓફિસમાંથી લોકોને રિટાયર્ડ થતા જોયા છે.૩૦ વરસની નોકરી પછી રિટાયર્ડ થતી ફલોરેન્સને બોસે બિચ ઉપર આવેલી હોટલમાં ભવ્ય પાર્ટી આપી હતી.કંપનીના ૫૦ ફેમિલી પણ જોડાયા હતા. રિટાયરમેન્ટની પાર્ટી, કંપનીમાં તમારી નોકરીની અગત્યતા પર આધારિત હોય છે. ફલોરેન્સ કંપનીની પહેલી એમ્પલોયી હતી.કોઈકને કંપની ગૉલ્ડ વૉચ આપે છે.કોઈકને બોનસ અને કોઈકને છેલ્લો પગાર.જેવી જેની અગત્યતા. મને કંપનીએ છ મહિનાનો પગાર આપ્યો હતો.મને રિટાયર્ડ જ ન થવા દીધો .મને જવા દીધો . બાયપાસ સર્જરીને કારણે.એટલે કંપનીમાં નથી તો મારા માનમાં પાર્ટી થઈ કે નથી તો કોઈએ મારા જવાથીઆંસુ વહાવ્યા. અને નથી તો મને ઘેર જવાનો આનંદ થયો.ત્યારે મારી ઉંમર સાઠ વરસની હતી. તમે જરા વિચાર તો કરો કે ચાલીસ વરસ સુધી રોજ સવારે છ વાગે ઊઠતા હોઈએ એ તદદન બંધ થઈ જાય તો? તમારે નોકરી પર જવાનું ન હોય તો દિવસ કેવી રીતે પસાર કરવાનો ? આ તો નોકરિયાતનું દિવાસ્વપ્ન ગણાય. રિટાયર્ડમેન્ટ એટલે જાણે કે બાળકને મિઠાઈના રૂમમાં ન બેસાડી દીધો હોય ! જાણે સદેહે સ્વર્ગમાં ન પહોંચી ગયા હોય ! હવે આખો દિવસે ઘેર રહેવાનું.

તેમ છતાં મારું મગજ ઠેકાણે રાખવા મેં રોજીંદુ જીવન ચાલું રાખ્યું . દર શનિ રવિ રજાને દિવસે મેં મોડા ઊઠવાનું ચાલુ રાખ્યું.અઠવાડિયાના કામના દિવસે મારી રજા હોવા છતાં ફિલ્મ જોવા તો શનિ રવિ જ જવાનું રાખ્યું. આખો દિવસ ખાલી હોવા છતાં લોકોને મળવાનું તો વીક એન્ડમાં જ. છતાં એક મિત્રની સલાહથી હવે મારા ફાજલ સમયનો સદઉપયોગ કરવા માટે, નજીકની હોસ્પીટલમાં વૉલન્ટીયર તરીકેની સેવા આપવા જોડાયો. રોજ સવારે જવાનું અને બપોરે બાર વાગે પાછું આવવાનું. મારે બિમાર દર્દીઓની વ્હીલ ચઁરમાં હેરફેર કરાવાના હતા. ત્રીજે જ દિવસે મારે એક દર્દીને , તેના રૂમમાંથી ગેટ પર લઈ જવાનો હતો.તે મારાથી વધુ જાડો હતો.એને મારે ઊંચકીને વ્હીલ ચઁરમાં બેસાડવાનો હતો.એને અંદર

બેસાડવા જતાં વ્હીલ ચઁર હટી ગઈ.એને પાડી દીધો. તે પડયો તો મારા ઉપર.તેનો પગ મચકોડાય ગયો. અને મારી કોણી છુંદાઈ ગઈ.અને ભોંય પર માથૂં પળડાયુંસારી વાત એ હતી કે અમે બન્ને હૉસ્પીટલમાં હતા. અને એની પથારી પાસે હતા. તેને પાછો પથારીમાં સુવડાવી દીધો. બાજુ માં મને પણ સુવડાવ્યો.અને મારી વૉલન્ટીયર કેરિયરનો ત્યાં જ અંત આવ્યો. સારી ભાષામાં કહીએ તો મને મફત કામમાંથી પણ રીટાયર કરી દીધો. લાગે છે કે હવે પછીની નોકરીવાળો સામેથી પૈસા માંગશે.

હવે ઓફિસની જેમ ઘરમાં ગપસપ કરનારા ન મળે ,આવા સમયે ટેલિફોનના રોંગ નંબર પણ વહાલા લાગે છે. ટેલિમાર્કેટિંગવાળાઓએ તો મને બ્લેક લિસ્ટમાં મુકી દીધો છે. મારા પર લોંગ ડિસ્ટન્સ ફોન કૉલ સર્વિસના કે ટેલિવિઝનની ડિશ નેટવર્ક માટેના ફોન આવતા ત્યારે તેમને સામેથી હું સવાલો કરતો . કયાંથી બોલો છો? ઈન્ડિયાથી કે ફિલીપીન્સથી?ત્યાં શું ટાઈમ થયો? હૈદ્દાબાદનું વેધર કેવું છે? તમારું નામ શું? એમને એમની સેલ્સની વાત કરવાનો મોકો જ ન આપું. હવે એ બધાં ફોન આવવાના બંધ થઈ ગયા છે. મિત્રોના ફોનની રાહ જોતો બેઠો હોઉં છું.આજકાલ મારા મિત્રોને ત્યાં ઈન્ડિયાથી ફોન આવવા માંડયા છે. જયારે કોઈ મિત્રને ફોન કરું અને વાત ચાલું કરું કે તુરત જ કહેશે હરનિશભાઈ , કાંઈ ખાસ કામ હોય તો બોલો.મારે ઈન્ડિયાથી ફોન છે. પછીથી ફોન કરું છું પછી હું એમના ફોનની રાહ જોઉં અને એ બિચારા મને ફોન કરવાનું ભૂલી જાય. જયારે કોઈ પાર્ટીનું આમંત્રણ આપે તો ખાસ કહે કે પાર્ટી સાડા સાતે છે.સાડા છ એ નહીં. શુૐવારની પાર્ટીમાટે તો ખાસ યાદ કરાવતા કે તેઓ જાતે જ સાડા છએ નોકરી પર થી આવશે.

મારા ડૉકટરને વ્હેમ હતો કે એમની એપોઈન્ટમેંટ, એમની ઓફિસના મેગેઝિન વાંચવા માટે જ લઉં છું. પહેલાં ડોકટરને ત્યાં મોડો પડતો હવે અડધો કલાક વહેલો જાઉં છું.અને તપાસ પછી કલાકેક બેસું છું.ત્યાં જાત જાતના મેગેઝિન આવે છે. આપણને તો લાયબ્રેરી જેવું લાગે છે. ઘર પાસે નાનકડો સ્ટ્રીપ મૉલ છે. ત્યાં બપોરે ફરવા જાઉં તો બધી દુકાનોમાં હાય હેલો કરવા જાઉં. હવે બધાં મને ઓળખી ગયા છે.સીવીએસ ફાર્માસીવાળી છોકરી સિવાય કોઈ સ્મિતથી આવકારતું નથી.

અમેરિકામાં લોકો સામાન્ય રીતે છાસઠ વરસે રિટાયર થાય છે. ઘણાં લોકો એટલા અગત્યના હોય છે કે તેમને ૭૦ વરસ સુધી મસ્કા મારીને રખાય છે.એટલે સાઠ વરસે નોકરી છુટયા પછી મને બીજી નોકરી મળી નથી.એટલે બેકાર છું કહેવા કરતાં અર્લી રિટાયરમેન્ટ લઈ લીધી છે. લોકોને એમ કહું છું .જેમ કુંવારા પુરૂષનું વાંઢાંમાં રૂપાંતર થાય છે . તેમ બેકારમાંથી રિટાયર્ડમાં મારું રૂપાંતર થયું.અને જેમ કુંવારાની ધીમે ધીમે પરણવાની ઈચ્છા મરવા લાગે છે તેમ મારી કામ કરવાની ઈચ્છા પણ મરવા લાગી છે. હવે એમ થાય છે કે લોકો સવારના પહોરમાં કામ પર જ કેમ જાય છે? આ રઁટ રેસ શાને માટે?મોડા ઊઠવાનો આનંદ જેણે માણ્યો હોય તેણે મહાસુખ માણ્યું ગણાય.

મને યાદ આવે છે મારો મિત્ર રમેશ વ્યાસ.બીજે દિવસે હું જીવનની પ્રથમ નોકરી પર અતુલ પ્રોડકટસમાં જોડવાનો હતો. મારો આનંદ માતો નહોતો. વલસાડમાં રમેશને ત્યાં રહયો હતો. રમેશ મારા કરતાં છ મહિના પહેલાં અતુલમાં જોડાયો હતો.રમેશ મને ઘરના ઓટલા પર લઈ ગયો. અને ખૂબ જ નાટયાત્મક ઢબે મને કહયુ કે હાથ ઉંચાં લે અને ઊંડો શ્વાસ લે.

આમ દશ બાર વાર કર. મેં ઊંડા શ્વાસ લેવા માંડયા.અને શ્વાસોચ્છવાસની કસરત કરવા માંડી. મને મઝા પડવા લાગી અને પછી રમેશે મને કહય્ કે  યાદ રાખજે, તારા આ શ્વાસ જીવન ભર.આ તારી આઝાદીના છેલ્લા શ્વાસ છે.

કાલથી તું ગુલામ થઈ જઈશ.જે ગુલામી જીવનભર છુટવાની નથી. કોલેજ લાઈફ કેવી હતી તે પણ યાદ નહીં રહે. પછી થી રમેશની મમ્મીએ મને કહયું કે  રમેશ નોકરી પર જતાં પહેલાં ચ્હા પીતી વખતે રોજ સવારે રડે છે. મારે એને પટાવીને નોકરીએ મોકલવો પડે છે. અમે ત્યારે બાવીસ વરસના હતા અને તાજી જ કોલેજ છોડી હતી.

આજે પાછી એવી પરિસ્થિતિ આવી છે.ત્યારે દશાએ છે કે ઘેર બેસવાનું ગમે છે. પહેલાં કામ પર જતાં લાગતું કે પાર્ટીમાં જઈએ છીએ.અને આજે પાર્ટીમાં જતાં કામ પર જતાં હોઈ એમ લાગે છે. તેમાં જો પત્ની પણ ઘેર હોય તો તો આવી બન્યું. એક મ્યાનમાં બે તલવાર રાખવી સહેલી છે પણ એક ટી વી રામે એક સોફામાં બે પતિ પત્ની સમાવવા અઘરા છે. પહેલાં મારી પત્ની સવારે મને અને બાળકોને બ્રેકફાસ્ટ- લંચ તૈયાર કરી અને વિદાય કરી દેતી.હવે રિટાયર્ડ થયા પછી ખબર પડી કે તે તો અમને વિદાય કરી અને સુઈ જતી હતી. એનું પોતાનું ટાઈમ ટેબલ હતું .તેમાં ભાગ પડાવનારો આવ્યો. ઓપરાહ વિન્ફીના ટીવી પ્રોગ્રામ વખતે તો તેણે મને રૂમની બહાર કાઢી મુકયો. જાણે હું બે બહેનપણીની વાતો ન સાંભળવાનો હોંઉ. રિજીસ ફિલ્બીનનો શૉ જોતાં જોતાં મારા તરફ તો ભૂલથી ય એકેવાર ન જુએ. એટલા ધ્યાનથી એને સાંભળે કે જાણે કોલેજકાળના કોઈ મિત્રની વાતો સાંભળે છે.

અને બન્ને એકલા છે. તેમાં વચ્ચે આપણે આવી ગયા. બપોરે કોઈના ફોન આવે હું ઉપાડું સામેની વ્યકિત તો પૂછે કે  તમે કોણ છો? તો મારે સામે પૂછવું પડે, ભાઈ, બપોરે મારા ઘરમાં કોઈ બીજું હોય છે? આ તો ઘરનું મોર્ટગેજ ભરનારો છે. આવા સંજોગોમાં ઘરમાં શાંતિ રાખવી ખૂબ અઘરી હોય છે.મારા પત્નીને ઘરની બધી લાઈટો ચાલુ રાખવાની ટેવ છે.કિચનમાં તડકો આવતો હોય છતાં લાઈટ ચાલુ હોય.હવે જો હું એકની એક વાત એને કહયા કરું કે લાઈટ બંધ કરો. લાઈટ બંધ કરો. તો હું ડોસામાં ગણાય જાઊં.ઉંમરથી ડોસા નથી બનાતું. વર્તનથી બનાય છે.એટલે હવે હું કહું કે  મારી પત્નીને સૂર્યનો તડકો જોવા પણ લાઈટ કરવી પડે છે. ઘણી વખતે મને લાગે કે પત્નીએ આખી જીંદગી બહુ કામ કર્યું છે.નોકરી કરવી.રાંધવાનું, વાસણ ધોવાનું બધું જ એ કરતી.મને મનમાં થતું કે એ કામ કરે અને હું બેસી રહું !એટલે હવે એ જયારે વાસણો ધૂએ છે. ત્યારે સિંક પાસે એની બાજુમાં ઊભો રહું છું તો મને સારું લાગે છે.

ઓફિસમાં તો આખો દિવસ નાસ્તા પાણી ચાલતા. ઓફિસનો લંચ રૂમ હતો. ઓફિસ તરફથી કૉફીનો બંદોબસ્ત હતો. વાર તહેવારે પીઝાની જયાફત થતી. દર અઠવાડિયે કોઈકને કોઈકની બર્થ ડઁ આવતી .બોસ કેક મંગાવતા. હવે ઘરમાં તો કેદીઓને અપાતા માપસર રેશનની જેમ લંચ મળે છે.પટેટો ચીપ્સ બધી બંધ અને શેકેલા ઘંઉના ફાડા દૂધમાં પલાળીને ખાવાના.

મને એમ કે માણસ રિટાયર્ડ થાય તો ઘેર રહે એટલે વજન વધે.મારા કેસમાં તો ઊંધું થવા માંડયું છે. આ બધાથી છુટવા માટે એક જ ઊપાય છે. અને તે બીજી નોકરી ચાલુ કરી દેવાની. સાચું પુછો, તો આજકાલ હું બીજી નોકરી શોધી રહ્યો છું.સામેથી પગાર આપવા તૈયાર છું.

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: