મુખ્ય પૃષ્ઠ > નિવૃત્તિ ની પ્રવૃત્ > ફળાહારી અને ઉણોદરી બનો

ફળાહારી અને ઉણોદરી બનો

માર્ચ 8, 2009 Leave a comment Go to comments

કહે છે માનવી એ સૌથી વધુ જુલમ પોતાના ઉદર ઉપર ભાત ભાતનં વ્યંજનો અને ખાદ્ય સામગ્રીનાં સેવન  દ્વારા કર્યો છે.અને તેથી વૈદ્યો એમ પણ કહે છે ઓછુ ખાઓ અને વધુ જીવો..વધુ ખાઓ અને વિવિધ વ્યાધીઓનો શિકાર બનો..કમોતે મરો..

નિવૃત્ત જીવનની શરુઆતમાં આહાર પ્રવૃત્તિ વધે છે અને વ્યાયામ ઘટે છે કેમકે સમય સાચવવાનો નથીને..તેથી મોડા ઉઠાય તો પણ ચાલે. બપોરે વામકુક્ષી પણ્ થાય અને સાંજે  એવી ફરિયાદો પણ થાય કે આજ કાલ મારી ઉંઘ ઘટી ગઈ છે. ઘરવાળા પણ હસતા હસતા કહે કે આજ કાલ તમને તો મજા મજા છે. હવે ધ્યાન રાખજો કે શરીર વ્યાયામના અભાવે અને ઉંમરનાં કારણે વધુ પચાવી ન શકે અને વધુ ખવાયા કરે તો પરિણામ એજ આવે કે પેટનાં રોગો એક પછી એક દેખાવાના ચાલુ થાય.

 જૈન ધર્મ એમ  કહે છે કે શરીર એ આત્માની કેદ છે. અથવા આત્મા જેલની કોટડીમાં બેઠો છે. આ ભાડાની કોટડી જે એક દિવસ છોડી દેવાની છે તેને જો તમે રંગરોગાન કરી સરસ બનાવો તો તે એક પ્રકારની મુર્ખતા છે. તેને તો જેટલુ જરૂરી હોય તેથી વધુ શણગારાય નહિં જ અને તે માન્યતા ઉપરથી તે સંપ્રદાયમાં એક તપશ્ચર્યા છે “ઉણોદરી વ્રત્” લોકભોગ્ય ભાષામાં ઓડકાર આવે તેથી ખાવાની થોડી વધુ જગ્યા થઈ ની જેમ ભર્યા ભાણે નહીં જમવાનું..તેમા દિવસમાં નિર્ધારીત ગણેલી જ વાનગી ખાવાની અને કડક ખાદ્ય પરિક્ષણ જેવી ઘણી બાબતો હોય છે. દિગંબર સાધુ ઓ તો બે હાથમાં સમાય તેટલોજ ખોરાક લેવામાં માને..જરા કલ્પનાતો કરો દાળભાત શાક રોટલી કચુંબર અથાણા બધુ ભેગુ કરીને ખવાય કેવી રીતે? તે પંથનાં સાધુ આ પ્રશ્ન નો પ્રતિપ્રશ્ન કરે પેટમાં ગયા પછીતો બધુ એકરસ જ થાય છે ને તો ભલેને પહેલા થાતુ.,શું ફેર પડે છે.

વૈજ્ઞાનીક રીતે આ વાત સાચી અને સર્વ સ્વિકાર્ય છે .ઓછુ ખાવ તેથી સ્ફુર્તિ સારી રહે અને શરીર હલન ચલન કરે અને પાચન સુયોગ્ય હોય તેથી રોગો દાખલ થાય જ નહીં.” An apple a day keeps doctor away”કહેવત જ્યારે પડી હશે ત્યારથી એમ મનાય છે કે ફળનું સેવન કે ફળોનાં રસોનું પાન કે રસાહાર બીમારીનાં ઉપચારોનું એક માધ્યમ છે. ટાઈફોઈડ તાવમાંથી ઊઠેલા દર્દીને શરુઆતનાં દિવસોમાં મોસંબીનાં રસ ઉપર રાખવામાં આવે છે તેનુ કારણ પણ આવું જ કંઈક છે ને?  રીડ ગુજરાતી ડોટ કોમ ઉપર અરુણાબેન જાડેજાનો લેખ ” તુ પીજે અને પાજે” અત્રે હું મુકું છે જેમા તેમણે ફળોનાં રસોનું સંપૂર્ણ વિવરણ આપ્યુ છે

તું પીજે વળી પાજે…. – અરુણા જાડેજા

 

 

મીરાંબાઈએ હસતે મોઢે જે ઝેર પીધાં એનાં તો અમૃત થઈ ગયાં પણ આજકાલ હસતાંહસતાં ઝેર પીવાય છે એ ઝેર તો શરીરના અણુએઅણુમાં ફેલાઈ જાય છે પેલી વિષકન્યા જેવું. અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય જેવા પંચકોષોનું બનેલું ક્યાં આપણું આ પવિત્ર શરીર અને ક્યાં આજનું આ વિષમય થતું જતું મલિન શરીર !

બજારમાં મળતાં અને ધૂમ પીવાતાં ઠંડાં પીણાં એ તો આજકાલનો ગરમાગરમ વિષય છે. છતાંયે આજની બાળ અને યુવાપેઢી આ અનિષ્ટ સામે આંખ આડા કાન કરીને આવી ઝેરીલી બાટલીઓ મોઢે માંડતી દેખાય છે. વળી પાછા ઉપરથી મીર માર્યો હોય એવો વટ મારતી ફરે ! એમણે મીર નથી માર્યો પણ શરીર માર્યું છે. નથી રે પીતાં અણજાણી, ઝેર તો પીએ જાણીજાણી. જાણી કરીને આજની પેઢી જે ઝડપથી એનો શિકાર થઈ રહી છે એ અત્યંત ચિંતાજનક અને ભયજનક બાબત છે; આ ભયને પારખવાની વેળા તો ક્યારનીયે આપણે માથે તોળાઈ રહી છે. બસ, હવે તો મોડા મોડા પણ ચેતી જવાની આ વેળા છે.

જેનાંથી જાજરૂ-ચોકડી સાફ થઈ જતાં હોય એવાં જલદ રસાયણોની હરોળમાં બેસનારાં, ભલભલા કાટને દૂર કરનારાં, કૅન્સર અને મગજના રોગોને નોતરનારાં, શરીર પર ચરબીના થર વધાર્યે જનારાં ને ઉપરથી શરીરને સાવ નિર્માલ્ય કરી મૂકનારાં, હાડકામાં છીંડાં પાડીને શરીરમાં પગપેસારો કરનારાં, શરીરમાંથી બીજું બધું જ નીકળી જાય – વખત આવ્યે કદાચ સોય પણ નીકળી જાય – પણ જીદે ભરાઈને તો શરીરમાં જ શોષાઈ જનારાં, આંતરડામાં દાહક ચાંદાની ગુંડાટોળકીનો અડ્ડો જમાવનારાં આ બધાં ઠંડાં પીણાં એક જાતના આતંકવાદી જ ને ! તોય આપણી પ્રજા આ આતંકને ગણકાર્યા વગર જ સામે ચાલીને પીડા વહોરી રહી છે. એને શું કહેવું ? નિર્વિર્યતા જ ને ! આ આતંકવાદીને નોતરવા કરતાં હવે તો એને નાથવા રહ્યા.

આઝાદી પામવા માટે જેમ આપણે વર્ષો પહેલાં વિદેશી કપડાંની હોળી કરી હતી તેમ હવે આ ઠંડા પીણાંની ગુલામીમાંથી મુક્ત થવા એની હોળી-ધૂળેટી કરીને નામશેષ બનાવી દઈએ અને એની જગ્યાએ આપણાં દેશી-કુદરતી પીણાંને બે હાથ ફેલાવીને આવકારીએ. જેને આવાં મોઘાં પીણાં પોસાય છે એને શું એ જ કિંમતનાં કે એનાથી સસ્તાં આપણાં દૂધ-શાકભાજી-ફળફળાદિ નહિ પોસાતાં હોય ? નીતરતી ચાંદનીભર્યાં કેવા વહાલાં દૂધ-દહીં-છાશ ! લીલાંછમ શાકભાજી અને લાલ-લીલાં-પીળાં-લીલાં-જાંબુડારંગી ફળફળાદિ. કુદરતની લખલૂટ બક્ષિસ આપણી સામે છૂટે હાથે વેરાયેલી પડી છે પણ આપણને એ બે હાથે લૂંટતાં આવડતી નથી. આપણે પેલી કૃત્રિમતાની પાછળ ઘસડાઈએ છીએ અને અંતે ફસડાઈએ છીએ.

આ કુદરતી પીણાં સાવ હાથવગાં, ઘરવગાં અને ખિસ્સાવગાં. આધુનિક મમ્મીઓને જરાયે તકલીફ ન આપે એવાં સહેલાંસટ અને લટકામાં આરોગ્યપ્રદ. આની સામે કોઈ મમ્મી જરૂર દલીલ કરી બેસે કે અમારાં છોકરાં આવાં દેશી પીણાં પીવા તૈયાર નથી. તો હું મારા અનુભવ પરથી કહું છું કે અમારી ચોથી પેઢીના પાંચ વર્ષના દડ-દોહિતરા (પડ-પોતરાની જેમ)થી માંડીને શાળા-કૉલેજોમાં જતી અમારી ત્રીજી પેઢીનાં બાળકોને હું એમને ભાવતી ઈટાલિયન કે મેક્સિકન વાનગીની સાથે વિવિધ ફળોના જ્યૂસ (રસ) બનાવીને ‘સર્વ’ કરું છું. કાચના પારદર્શક જગમાં શોભતા મોહક રંગબેરંગી જ્યૂસ જોઈને જ આ નવી પેઢી લલચાઈ જાય છે. આ છોકરાંઓ આ જ્યૂસના ગ્લાસ પર ગ્લાસ ગટગટાવી જાય છે અને પછી મારે કહેવું પડે કે બસ, હવે…..

[1] જેમ કે પાઈનેપલ એટલે અનનાસ. હવે તો આપણે ત્યાં ત્રણસો ને પાંસઠ દિવસ લારીઓ પર ઠેર ઠેર પાકાં અને પીળાં અનનાસ જોવા મળે છે. એનો સોનેરી પીળો રસ જ્યૂસ જોઈને કોને પીવાનું મન ન થાય ? વળી પાછો કૃમિનાશક અને પિત્તનાશક, તૃષાશામક અને પાચક. પથરીમાં ત્વરિત રાહતકારી. શરીરના સોજા ઉતારનારો આ જ્યૂસ એમાંના બ્રોમોલિન તત્વને લીધે પ્રોટિનને પચાવે અને અપચો પણ દૂર કરે છે.

[2] એવો જ આકર્ષક કાળી દ્રાક્ષનો ઘેરો જાંબુડિયો જ્યૂસ. શરીરનો કચરો બહાર કાઢે. એમાં પોટૅશિયમ તો ખાસ્સું. નાનાં બાળકોને દાંત આવે, ઝાડા થાય, અપચો થાય ત્યારે ઉપાયકારી. એ જ વર્ગની લીલી દ્રાક્ષનો લીલચટ્ટો રસ તો યૌવનકારી. પાચક-રેચક તો ખરો જ. ચામડીના રોગ પર અકસીર.

[3] દાડમનો લાલ-ગુલાબી રસ પણ પિત્તશામક. હૃદયરોગી માટે ઘણો ગુણકારી. નાનાં બાળકોને ઉધરસ-કમળો-તાવમાં રાહત આપનારો.

[4] સંતરાનો કેસરિયો રસ પીવાથી પાચનશક્તિ કેસરિયા કરવા તૈયાર થઈ જાય છે એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધે છે. આથી જ તો રમતવીર માટે શક્તિ ને સ્ફૂર્તિ આપનારો. એમાં હિંગ-સિંધાલૂણ નાંખીને પીવાથી પેટનો દુખાવો-આફરો થાય તે ગાયબ. માતાનું દૂધ ન મળતું હોય ત્યારે કે અવારનવાર ઝાડા થતા હોય ત્યારે એ બાળકને સંતરાનો રસ ગાળીને પીવડાવવાથી એની પાચનશક્તિ સતેજ થાય છે.

[5] મોસંબીનો ઓછો પીળચટ્ટો રસ તો વિટામિન ‘સી’થી ભરપૂર. તેથી જ માંદગીમાં સાથ દેનારો. એમાંનું સાઈટ્રીક ઍસિડ મોટા આંતરડામાં રહેલા જંતુઓનો નાશ કરે છે અને હા, ઉત્તેજક અને સ્ફૂર્તિકારક તો ખરો જ.

[6] સફરજનનો ધોળી-ગુલાબી ઝાંયવાળો રસ શારીરિક અને માનસિક આરોગ્ય વધારનારો. એ તો ઊંઘની દવા. દરેક રસની જેમ એય પાચનકર્તા, નાનાં બાળકોના ઝાડા મટાડે. મોટાંનાયે પેટના રોગ મટાડે. જેમને બહુ મગજમારી (મગજના કામ) કરવાનાં હોય એમણે તો સફરજનનો રસ પીધે જ રાખવો. આ ઉપરાંત, આછેરું જાંબુડિયા રંગનું ફાલસાનું શરબત તો કંઈ ઓર જ ! વિટામિન ‘સી’ અને કેરોટિન હોવાથી એય પાચનકારી.

[7] નારિયેળ-પાણી નામ પરથી જ પાણીનો પર્યાય. ગમે તે ઋતુમાં મળે. કુદરતની કેવી મોટી અજાયબી ! ક્યાંયે કોઈ ભેળસેળ નહિ. ‘અનટચ્ડ બાય હૅન્ડ’ બહારનો કોઈ હસ્તક્ષેપ નહિ. કુદરત પાસેથી આપણને સીધેસીધો મળતો રસ. ક્ષાર, ખનિજ દ્રવ્યો, લોહ, વિટામિન-બી હોવાથી – ગરમીવાળાને કે ખૂબ થાકી જનારાની વહારે આવે છે આ રસ. એમાં શર્કરા હોવાથી લોહીમાં તરત જ ભળી જાય છે અને તુરત જ ઊર્જા પેદા કરે છે.

[8] તરબૂચનું તાજેતાજું લાલચટક શરબત શીતળતા આપે, આરામ આપે. પિત્ત શમાવે ને પેશાબ ચોખ્ખો લાવે. આમળાંનું આછેરું લીલું શરબત કે એનો રસ જોમદાયી, નવજીવનદાયી, આંખો માટે તેજદાયી. ભરપૂર વિટામિન-બી અને એટલે જ લોહતત્વ. એવું જ કઠણ કોઠું કાળજાને ઠંડક આપે અને તરસ છિપાવે. પાચક અને પૌષ્ટિક.

[9] શેરડીનો રસ તો ઔષધીય ગુણધર્મોવાળો, ઉત્સાહવર્ધક. આદુનો રસ, લીંબુ, મીઠું છાંટેલો ફીણ-ફીણવાળો રસ તો હરકોઈને તરોતાજા કરી દે. એમાં ખનિજ દ્રવ્યો હોવાથી પોષક છે. પુષ્કળ તાવમાં કે કમળામાં અતિ ઉત્તમ. હા, પણ બરફ વગરનો અને ચોખ્ખા કોલામાં પિલાયેલો હોવો જરૂરી છે.

[10] અમારા મહારાષ્ટ્રનું અમૃત પીણું કોકમ-શરબત. આથી એને અમૃત-કોકમ કહે છે. કોંકણ-ગોવા બાજુ જોવા મળતા કોકમનાં ઘાટાં-લાલચટ્ટાક ફળોના ટુકડા પર સાકર પાથરીને, એને ચોળીને એનો રસ કાઢવામાં આવે છે. ખાંડ વગરનાં કોકમ અર્કના બાટલા તૈયાર પણ મળે છે. પ્રમાણમાં ઘણા સસ્તા. ઘરે લાવીને સાકરની ચાસણીમાં એ અર્ક ઉમેરીને શરબત તૈયાર થાય. અર્ક પણ ન બગડે ને તૈયાર શરબત પણ નહિ. કોઈ ‘પ્રિઝર્વેટિવ’ વિના. એનોય રંગ તો અતિશય સુંદર. સ્કર્વી, ડાયરિયા, હરસ-મસા, ડાયાબિટીસ (સાકર વગર), હૃદયરોગ, પિત્ત, તજાગરમી, તાવતરિયા, કબજિયાતમાં પુષ્ક્ળ ફાયદાકારક. આપણાં ગરમ ગુજરાતમાં આ શીતળ ને સસ્તું પીણું ઘરે-ઘરે ‘ઈન્ટ્રોડ્યૂસ’ થવું જરૂરી છે. હું તો મહેમાનોને પાશ્ચાત્ય વાનગી સાથે ફળના એકાદા રસમાં કોકમનું શરબત ભેળવીને કટગ્લાસમાં ‘સર્વ’ કરું છું. મારું ચાલે તો હું આ અમૃત-કોકમને રાષ્ટ્રીય પીણું કરવા તૈયાર થાઉં !

[11] મહારાષ્ટ્રમાં આજે પણ નાનાં કે મોટાં ઘરોમાં આપણે ભરતડકામાં ફરીને આવ્યા હોઈએ તો દેશી ગોળનું દડબું અને પાણીનો પ્યાલો ધરવામાં આવે છે. ક્યાં તો વાડકીમાં આખા આમળાનો મુરબ્બો અને પાણીનો પ્યાલો. પેલું જાહેરાતમાં બતાવતી – ગરમીમાંથી ઘરમાં આવેલી ફ્રીજ ફંફોસતી – મમ્મી જેવી કાંઈ જરૂર પડે નહિ. ઉનાળે કાચી કેરીનો બાફલો તો ઘેર-ઘેર ગાજતું-ગુંજતું પીણું. ખાંડ કરતાંયે ગોળથી આ બાફલો વધુ ગુણકારી અને રંગે પણ મોહક થાય છે. ગોળમાંથી શર્કરાને લીધે સ્વાદિષ્ટ પણ લાગે છે.

[12] સહુ કોઈને પરવડે એવું એક અતિશય ઉત્તમ પીણું લીંબુંનું શરબત. વિટામીન ‘સી’નો ભંડાર. અનેક રોગોની દવા. ગરમીને નાથનારું અમારાં કચ્છ-કાઠિયાવાડનું જૂનું અને જાણીતું પીણું તે વરિયાળીનું શરબત. વરિયાળી અને સાકરના ભૂકામાં લીંબુ નિચોવીને તૈયાર થતું લીલેરું લિજ્જતદાર શરબત.

[13] ‘કચ્છડો બારે માસ’ ની જેમ છાશ પણ બારે માસ. રોજેરોજ થતી માખણ નિતારેલી છાશ તો જીવનદાયી, અમૃતતુલ્ય. કૃષ્ણ ભગવાનની રાસલીલાની જેમ સામાન્ય માનવની છાશલીલાની વાત પણ ન્યારી. દેવોને પણ દુર્લભ એવું પીણું ઔષધીય ગુણોથી ભરપૂર. બધાં જ જીવનસત્વનો ખજાનો એટલે દૂધ. દૂધનો ઉકાળો, ઓછી ઉકાળેલી ચા કે દિવસની એકાદવારની ગરમાગરમ કૉફી નુકશાનકારક નથી.

[12] શાકભાજીનાં પીણાં પણ એકેય વાતે પાછી પાની કરે તેવાં નથી. ટામેટા કે બીટનો લાલમલાલ સૂપ, મકાઈનો ધોળોફટાક સૂપ ખાવે-દેખાવે કેવા સારા ! બધી વાતે નાકનું ટેરવું ચઢાવનારાં મોંઘેરાં બાળ-મહેમાનો પણ સૂપનો બાઉલ પ્રેમે પૂરો કરતાં જોઈ શકશો. વડીલો માટેનો ખાસ પાલક-પરવર-દૂધીનો લીલો લીલો આરોગ્યપ્રદ સૂપ પણ આવકારી.

[13] લીલી ચા જેનું આજે મોર્ડન નામ છે ‘હર્બલ ટી.’ એમાં ફૂદીનો, તુલસી ને સાકર નાંખીને થતો કાવો/કાઢો ઠંડીમાં એકદમ ગરમાટો લાવી દે ને આ કોલ્ડ હર્બલ ટી એટલે ઠંડો ઉકાળો. સમશીતોષ્ણ. વળી પાછી કૅલરી બાળે, કોલેસ્ટરૉલને નીચું રાખે, સંધિવાને કાબૂમાં રાખે.

આ બધાં જ નેચરલ જ્યૂસ/કુદરતી શરબત-રસ શરીર માટે પોષક છે. જેમાં ભારોભાર ખનિજદ્રવ્યો, ક્ષાર, કુદરતી સાકર, વિટામિન્સ હોવાથી તે આપણી શક્તિ અને ચેતનાને વધારે છે. એનાં પોષક મૂલ્યોને લીધે આપણે આ એક સારી ટેવના હેવાયા થવું રહ્યું…. કોઈ આની સામે દલીલ કરશે કે એ બધી વાત સાચી પણ આ બધું મોંઘું કેટલું ? કેમ ભાઈ, મોંઘવારી ફક્ત દૂધ, ફળ, શાકભાજીમાં જ નડે છે ? પિઝા-બર્ગર-ઢોંસા-ચૉક્લેટ-આઈસ્ક્રીમમાં નથી નડતી ? ઝૂંપડામાં રહેનારો પણ ચેવડા-ચવાણાં-ભજિયાં-વડાપાઉં-દાબેલી પાછળ પૈસા ખરચી શકે પણ પળીભાર દૂધ ન લઈ શકે ? બે-પાંચ-દસ રૂપિયાનાં ફળ-શાક ના લઈ શકે ?….

બીજી બાજુ જોઈએ તો આવાં મોંઘાંમસ ઠંડાં પીણાં કે તૈયાર શરબતોનાં બાટલા લોકોને પોસાય છે. બહાનું મોંઘવારીનું છે કે એની પાછળ રહેલી કડાકૂટનું ? આ તે વળી કેવું ? દુ:ખે પેટ ને કૂટે માથું. આ જ શરબતોના બાટલા કે તૈયાર જ્યૂસના ડબામાં સૌથી મોટી વાત તો એ તાજેતાજાં નહિ. ઉપરાંત પૈસા ખર્ચીનેય તબિયત બગાડવાની. એમાં હોય એસેન્સ, કૃત્રિમ રંગ અને પ્રિઝર્વેટિવ. જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એના કરતાં તો જેમ કે કેસરનું શરબત બનાવવું હોય તો ગાંધીને ત્યાંથી થોડુંક ચોખ્ખું કેસર ખરીદીને, એમાં સાકર-ઈલાયચી નાંખીને એકતારી ચાસણીનું ઘરે બનાવેલું શરબત બધી જ રીતે કેટલું સ્વાસ્થ્યપ્રદ ! અને તોય બજારમાં મળતાં એ મોટાં નામવાળા ને મોંઘા દામવાળા બાટલા કરતાં તો સરવાળે સસ્તું પણ કેટલું !

કુદરતના ચક્ર પ્રમાણે ફરતું ઋતુચક્ર અને એ પ્રમાણે ફરતું હવામાન ચક્ર અને એ પ્રમાણે ફરતું આપણું આરોગ્યચક્ર. ચોમાસે પાચનશક્તિ નબળી પડે, ઠંડીમાં ભૂખ વધુ લાગે તો ઉનાળે શોષ પડે. આ બધાના ઉપાય માટે જ તો કુદરતે આપણને કેટલી બધી લહાણી કરી છે. પેલાં ઠંડાં પીણાં ઘડીભર માટે તરસ છિપાવશે પણ ‘હાશ તો કરાવે છાશ.’ એનાથી રૂડું શું ? ઋતુ પ્રમાણે મળ્યે જતાં ફળો કે એકાદ-બે ફળોનાં મિશ્રણથી થતાં જ્યૂસ આધુનિક પેઢી જરૂર આવકારે. જેમ કે પાઈનેપલ અને કાળી દ્રાક્ષ, લીલી દ્રાક્ષ અને મોસંબી, સંતરા ને લીલી દ્રાક્ષનો જ્યૂસ. આ બધાં ફળોમાં શર્કરા છે જ. આથી ખાટાં-મીઠાં ફળનો રસ સમતોલ બને છે. વળી એમાં ઉપરથી મીઠાશની જરૂર હોય તો સાકર કે મધ નાંખવાં પણ ખાંડ તો નહિ જ. ખાંડમાં વળી પાછાં પાંચેક જાતનાં રાસાયણિક ઝેર. એટલે એ તો પાછું ઊલમાંથી ચૂલમાં પડ્યા જેવું. આ બધાં ઉપચારક અને ઉપકારક. ઉપરાંત ‘રંગે રૂડાં, પૂરાં, દીસતાં ગુણીલાં સોહામણાં’ એવાં આ કુદરતી પીણાં આપણે આજની પેઢી પાસે આધુનિક શૈલીમાં મૂકીશું તો ઠંડા પીણાંની નાગચૂડમાંથી મુક્ત થઈને ભલે ધીમે ધીમે પણ એ ચોક્કસ એ તરફ વળશે ખરી.

[શીર્ષક પંક્તિ :
તું પીજે વળી પાજે હરિરસ ભજનમાં આજે,
હરિનામ રસ પીને જીવન બાજી જીતી જા જે. – રાજર્ષિ મુનિશ્રી]

ઘણુ બધુ પાણી પીઓ

 

જાપાનમાં આયુષ્ય લાંબુ છે અને તેના મુખ્ય કારણોમાં તેમનો હલકો ખોરાક જેવો કે ભાત સુપ અને ઘણુ બધુ પાણી તેઓ પીએ છે. (લગભગ ૧૨ ગ્લાસ પાણી) .

આપણી દિન ચર્યા જોઈએ તો સવારે એક કપ ચા કે કોફી બપોરે ખધ પછી પાણીનો એક ગ્લાસ અને સાંજે જમ્યા પછી એક ગ્લાસ પાણી અને રાત્રે એક ગ્લાસ દુધ્.ા અઓછુ પાણી પીવાની ટેવને જુના જમાનામાં ટીખલથી કહેવાતુ કે “એ તો પાણી પણ તોલીને પીએ છે જાને ઘી ના હોય્..”

પાણી પીવા માટે પહેલાનાં જમાનામાં તાંબાનાં ઘડા ભરાતા અને તેમાં ઠરેલું પાણી માટીનાં માટલામાં રાખતા..અને બહારથી માણસ આવે ત્યારે પાંચેક મીનીટ બેસે પછી મોટો લોટો ભરીને પાણી આપે જે સામાન્ય રીતે કોસીરીયુ હોય્…દેશે વિકાસ કર્યો એટલે ઘરમાં નળ આવ્યા અને નળને ફિલ્ટર લાગ્યા..બેક્ટેરીયા વિનાનું પાણી ઘણી રીતે સારુ પણ છતા તેનો મર્યાદીત ઉપયોગ શરીરને મુત્ર માર્ગે શરીર સફાઈની પ્રક્રીયામાં વિઘ્ન કરે છે.કહે છે કે જમ્યા પછી ગરમ ચા કે કોફી પીવા જોઇએ તેને બદલે ઠંડા પીણા અને આઈસક્રીમ ખવાય છે.વૈજ્ઞાનીક રીતે જ જોઇએ તો તે  ઠંડક ખોરાકનાં તૈલિ પદાર્થોને ઘટ્ટ  કરી દે છે જેથી તે પુર્વ પચન સહેલાઈથી શોષાઈ જઈ ચરબીમાં ફેરવાય છે જે હાર્ટ એટેક કરી શકે છે.

બીજુ એક વૈજ્ઞાનીક ગણીત એમ પણ સમજાવે છે કે વધુ પાણી શરીરનાં મોટાભાગનું પી.એચ ૭ કે તેથી થોડુ વધારે રાખવામાં મદદ કરે છે તેથી પાણી ની જ શરીરમાં છે તે રહેવી જોઈએ કારણ કે ગરમીમાં તે પર્સેવા દ્વારા શરીર્માંથી ઓછુ થય છે અને લોહીનો કચરો જે ક્રીયેટીન રુપે સતત મુત્ર મર્ગે બહાર જાય છે તે શરીરમાં જરુરી પાણી હોય તો વિના વિઘ્ને ચાલે છે

 

જાપાની ,ચાઈનીઝ લોકોનું જીવન લાંબુ હોવાનાં કારણમાં પાણી ઉપરાંત ખોરાક્નો પ્રકાર પણ ભાગ ભજવે છે .માંસાહરી ભોજન શરીરને અમ્લીય વધુ બનાવે છે જ્યારે નિરામીષ આહાર પિત્ત સમપ્રમાણે સાચવે છે.કોસીરીયુ પાણી કે ઉકાળેલુ પાણી આમ સમગ્ર રીતે શરીરને તંદુરસ્તી બક્ષે છે.

 

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: