મુખ્ય પૃષ્ઠ > નિવૃત્તિ ની પ્રવૃત્ > મ્રુત્યુ અને તેનો ભય

મ્રુત્યુ અને તેનો ભય

ફેબ્રુવારી 13, 2009 Leave a comment Go to comments

 
જિંદગી જીવવા માટે જન્મ થી જ રસ્તો બતાડનારા મળે છે. પહેલા માબાપ પછી નિશાળ પછી મિત્રો પછી પત્ની પછી પુત્રો અને પછી પૌત્રો..પણ મૃત્યુ કેમ પામવુ તે શીખવાડનાર કોઇ જ હોતો નથી અને તેથી મોટી ઉંમરે મૃત્યુનો ભય બહુ જ લાગે તે સાવ સ્વાભાવીક છે. જગ વિખ્યાત કવિયત્રી પન્નlબેન નાયકે આ અનુભવ તેમના અછંદાસ કાવ્યમાં આ રીતે મુકે છે .
હવે મને
કશું વાગતું નથી
ત્વચા ઉઝરડાતી નથી
લોહી ટપકતું નથી
કોરી ખાતી વેદનાની ચીસ પડતી નથી
ને આંખમાં ઝળઝળિયાં આવતાં નથી
જગત સાથે કરેલા
આ સમાધાનને પરિણામે
કૂખમાંથી નથી જન્મતાં
ચિત્કાર કરતાં કાવ્યો

કવિયત્રી કે લેખીકાને જ્યારે કાવ્યો જન્મતા બંધ થાયે તેવી વેદના થાય તે મૃત્યુ થી કોઇ પણ રીતે કમ નથી..તેમની અનુભુતિ જ તો શ્વાસોચ્છશ્વાસ છે તે બંધ થાય એટલે..મૃત્યુનો એક વરવો અહેસાસ માત્ર્…પણ અહી આ કાવ્યનો ઉલ્લેખ મહદ અંશે છેલ્લી ઘડીઓ ગણતા વૃધ્ધોની મનોદશા દર્શાવવા માટે કરું છું.

ત્રીકમકાકાની વાત આગળ કરી છે તેમને હવે જીવન જીવવા જેવું નથી લાગતું કારણ કે..-એકલા પડી ગયાનો અહેસાસ તેમને ક્ષણે ક્ષણે નવું વિચારતા રોકે છે. મણીકાકી એ આપેલા છુટાછેડા નો નાણાકીય માર તો તે સહી ગયા પણ કીડની ફેઇલ્યોર અને દવાખાનાનાં ધક્કા પછીની એકાંત ભરેલી કાળી રાતોમાં તેમને દુન્યવી બધા ભયો સાથે એક ભય સૌથી વધુ સતાવે છે અને એ કે રાત્રે મને કશું થઈ જશે તો ….અરે ભાઈ જિંદગી આખી ભરી પુરીને જીવી લીધું છે..અને કોઇ અમર પટો તો લઇને આવ્યા નથી તો દિવસ શું અને રાત શું?  જ્યારે આવે ત્યારે જે રીતે આવે તે રીતે…પ્રભુ મને તું લઇ જા.. પણ ત્યાં ગયા પછી શું થશે તેનો આંખે દેખ્યો અહેવાલ આપનારુ કોઇ મળતુ નથી તેથી એ અજ્ઞાન પણ તેમને કઠે છે.

જ્યારે તેમની જ ઉંમરનાં તેમના મિત્ર કરસન કાકા કહે..ત્રીકમના છુટા છેડા થયા તે તો સારુ થયુ.  મણી બચાડી છુટી.. જ્યારે ને ત્યારે ધમકાવતો ફરે..અરે તુ ૭૭નો થયો તો તે પણ ૭૪ની તો થઇને…તને જેટલો જિંદગીએ નથી થકવ્યો તેના કરતા તેં તેને વધારે થકવી છે. ખૈર છોકરા તારા નથી થયા તેનુ કારણ પણ આ જબરાઇ જ તો વળી. આ મારી વાત જો..જેમ જેમ ઉંમર મોટી થઈ તેમ તેમ મનને વાળતો ગયો..શરીર ઘરડુ ના થાય માટે જેમ કવાયતો કરવી પડે તેમ મનને ઘરડું કરવા ગમ અને અપમાનનાં ઘુંટડા ગળવા પડે…રાજાનાં રાજ જાય અને ઘરમાં દિકરો વગર પુછ્યે સલાહ આપવા માંડે ઍટલે સમજી લેવું કે ચુપ્પી સાધવામાં જ સાર છે. મનને કોઇ ઉજંપ નથી બે સમય બંને ને ભાવતુ ભોજન મળે અને ઉપરવાળાને ભજવાનો પુરતો સમય મળે એટલે બહુ થયુ મારા ભાઈ…

કરસન કાકાને એટલે મેં પ્રશ્ન પુછ્યો તે હેં કાકા તમને મરવાનો ભય નથી લાગતો? ત્યારે મને મારા ધારવા કરતા સાવ જ અલગ જવાબ મળ્યો.”જો ભાઈ જે દુઃખનો કોઇ ઇલાજ ના હોય તેને યાદ નહી કર્યા કરવાનુ.. કેમકે યાદ કરો તો ભય લાગેને.. આજની ઘડી રળિયામણી..એવું જ વિચારવાનુ અને જે કરવાના બાકી રહી ગયા તે કામોને યાદ કરવાને બદલે કેટલા કામો કર્યા તે યાદ રાખો તો ભય ગાયબ થઇ જાય્.”

મારું માનવું એવું છે કે જ્યારે જન્મ થયો ત્યારે એ નવ મહીનાનાં ગર્ભવાસ દરમ્યાન જેમ માતા ઉપર ભરોંસો મુકેલ હતો તે જ વિશ્વાસ કુદરત ઉપર જે મુકી શકે છે તેને મૃત્યુનો ભય નડતો નથી. કારણ કે ગર્ભવાસ દરમ્યાન તમારા હાથમાં કંઇ નહોંતુ તેજ રીતે મૃત્યુ સમયે પણ તમારા હાથમાં કંઇ જ હોતુ નથી તેથી તો અખો કહે છે ને તેમ 

ચિત્ત તુ શીદને ચિંતા કરે..

જ્યમ ત્યમ તુ હરીને લહે.

પણ આ તો થઈ વહેવારમાં બીન વહેવારું વાત્.
વહેવારું વાત પાછા પન્નાબેન નાયકનાં જ શબ્દોમાં

..તું
મારી નૌકાના સઢમાં
છિદ્ર પાડી
પવન ચોરી જઈશ
ને
આખી નૌકામાં
દરિયો છલકાવી
એને ડૂબાડી દઈશ
સાગરના પેટાળમાં
પણ
કવિતાની પંક્તિઓમાં
મહોરેલી મારી વસંતને
ક્યારેય ફેરવી નહીં શકે
પાનખરમાં…

નાનકડું પણ ઘણું બોલકું અને ખમીરવંતુ વાસંતી કાવ્ય. મૃત્યુને પડકારવાની (કે પરાસ્ત કરવાની?) કવયિત્રિની આ નિર્ભીક રીત પર ખરેખર વારી જવાય છે…! અને જ્યારે ભીતર આવો વાસંતી વિશ્વાસ સતત મઘમઘતો હોય ત્યારે મૃત્યુ પણ આખરે મૃત્યુ નહીં લાગતું હોય. બની શકે કે મૃત્યુને ખુદ જીવવાનું મન થઈ ઊઠે…!

આવાત અત્યારે ઍટલા માટે યાદ આવે છે કે  મારા એક મિત્ર મનોજને એક નામચી ગુંડાનું તેડુ આવ્યું.. અત્યારેને અત્યારે આવીને મળી જાવ.બે વખત તેના માણસો આવ્યા હતા પણ કોઇ પણ કારણે મુલાકાત થઈ નહોંતી. હવે તે બંન્ને પતિ અને પત્ની તો પડ્યા ચિંતામાં..એ ગુંડાએ બે ત્રણ જણાનું ખુન કરેલું એટલે પત્નીતો બહુ જ ગભરાય્.ને રડતા રડતા કહે તમે એકલાતો જશોજ નહીં. મને તેમના આ માનસિક ત્રાસની ખબર પડી એટલે હું થોડોક દોઢડાહ્યો થયો..’ભાભી મનોજ સાથે હું જઈશ’. ભાભીને તો જરા સાંત્વન મળ્યું પણ મનોજ કહે યાર રાજા વાજા અને આવા વાંદરા ત્રણેય સરખા..જોખમ લેવાય નહીં..સમય સરતો જતો હતો અને મનોજને તો ક્ષણે ક્ષણે આભાસ થાય કે તે મારા મારી કરશે અને ગોળી મારશે..ફફડતા ફફડતા તેને ત્યાં પહોંચ્યાતો ખબર પડી કે કોઇ વેપારીએ પૈસા કઢાવવા આ ગુંડાનો ઉપયોગ કર્યો હતો.

પેલા ગુંડાએ કહ્યું કે ફલાણી પાર્ટીનાં ચાર લાખ રુપિયા તમે આપતા નથી..અને મનોજનાં હાથમાં લાંબુ બીલ પકડાવ્યુ…મનોજ કંઈ બોલે તે પહેલા મેં તે ગુંડાને પુછ્યુ..પૈસાતો માલ મળે પછી ચુકવવાનાં હોયને.. માલ એમણે આપ્યો જ ક્યાં છે? તેથી થોડોક ઝંખવાઈને બીલ લાવનારી વ્યક્તિને પુછ્યુ..શું વાત છે તેમનો માલ ક્યાં છે..હવે ત ત ફ ફ થતા ઉઘરાણી વાળા ભાઈને બે અડબોથ પડી જે મનોજને માટે લખાઈ હતી.

આમ વ્યવહારુ બુધ્ધીથી વાત ટળી ગઈ પણ મનોજ પહેલી વખત બહાર નીકળતા બોલ્યો કે ખરેખર સાચા ભય કરતા ભયની કલ્પના વધુ ભય જનક હોય છે.

મૃત્યુનું પણ બસ આવું જ છે. અને તેથી જ નિર્ભય બનો અને ફક્ત આજ માં જીવો. કહેનારા કહે છે ને કે આજની ઘડી રે રળિયામણી…

મારે તે સર્વેને શત શત સલામ કહેવા છે જેઓ આજમાં જીવે છે. અને જેઓ મૃત્યુ થી ડરેછે તે સૌને એક વાત બહુજ સ્પષ્ટ સ્વરુપે સમજાવવી છે કે મૃત્યુ અલ્પવિરામ છે પૂર્ણવિરામ માનવાની ભુલ ના કરશો કારણ કે મૃત્યુથી પાછો ફરીને કોઈ માણસ આવીને ત્યાં દુઃખ છે કે સુખ છે કહેતો નથી.તેથી અજ્ઞાનવશ આપણે ત્યાં દુઃખ જ છે તેવું કલ્પી લઈએ છે.પણ ભલા માણસ ત્યાં કદાચ પરમસુખ હોઇ શકે અને તેથી તો ત્યાં થી કોઈ આવતુ નથી તે વાત કેમ સ્વિકારાતી નથી? અહીં કશુ છુટશે તો ત્યાં કશુ નવું નહીં મળે તે કલ્પના અધિકતર દુઃખ નું કારણ હોય છે.

એક વાત તો સત્ય છે જન્મ્યા તે ક્ષણ થી હરેક શ્વાસોચ્છ્શ્વાસ સાથે આપણે મૃત્યુ ની નજીક જતા હોય છે. અને એક સમયે તે શ્વસોચ્છ્શ્વાસની સરતી જતી રેતી ખુટવાની છે અને મૃત્યુ ભેટવાનું છે તે નક્કી છે તો પેલા मुकंदरका सिकंदर નાં બેફીકરા અમિતાભ બચ્ચનની વાતને કેમ ના ગુનગુનાવીયે…

जिंदगी तो बेवफा है एकदिन चली जाएगी

मौत ही महेबुबा है मेरी एक दिन मील जाएगी

કે પછી યાદવાસ્થળી પછી પગ ઉપર પગ ચઢાવી બેઠેલ શ્રી કૃષ્ણ ની નિરાંતની જેમ કેમ સાવ સહજતાથી મૃત્યુને વરીયે?

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: