મુખ્ય પૃષ્ઠ > પ્રેરણાદાયી લેખ્, email > પોટલું-વિરેશ બરાઈ-ઇ.મેલ -અખીલ સુતરીયા

પોટલું-વિરેશ બરાઈ-ઇ.મેલ -અખીલ સુતરીયા

જાન્યુઆરી 6, 2009 Leave a comment Go to comments

એક વખત એક માણસ પોતાનાં દુઃખોથી અતિશય કંટાળી ગયો. રાત-દિવસની મગજમારી, પત્ની સાથે અણબનાવ, છોકરાંવની નિશાળ, ટ્યૂશન, પરીક્ષાઓ, એમને ક્યાં ગોઠવવાં એની માથાકૂટ, ધંધામાં ચડતી-પડતી, વ્રૂદ્દ માતા-પિતાની માંદગી અને એવા તો બીજા અનેક પ્રશ્નો અને જવાબદારઓનું પોટલું ખભા પર ઉપાડીને ચાલતાં એ બિલકુલ ત્રાસી ગયો હતો. એને જિંદગીમાં ચારે તરફ અંધારું જ અંધારું દેખાતું હતું. ટૂંકમાં, આટલો બધો બોજો ઉપાડીને એ ગળે આવી ગયો હતો. એટલે એણે જિંદગી ટૂંકાવી દેવાનુ નક્કી કરી નાંખ્યું. આપઘાત કરવાના ઇરાદાથી એક વખત ઘરે કોઇ નહોતું ત્યારે મોકો જોઇ એણે ઘેનની ગોળીઓ ગળી લીધી. હવે મરવા માટે જેટલી ગોળીઓની જરૂર પડે તેનાથી ડોઝ થોડો ઓછો રહી ગયો હશે એટલે એ માત્ર ઊંડી ઊંઘમાં સરકી ગયો.

અચાનક એને લાગ્યું કે એની આજુબાજુ જાણે દિવ્ય પ્રકાશ ફેલાઇ ગયો છે. જે તરફથી એ એદૂભુત પ્રકાશ આવતો હતો એ બાજુ એણે નજર કરી. જોયું તો પરમ ક્રુપાળુ પરમાત્મા અતિ તેજસ્વી ચહેરા સાથે મંદ મંદ હાસ્ય વેરતાં ઊભા હતા. જેવી બંનેની આંખો મળી કે તરત જ એ બોલ્યા, ‘દીકરા! મારા વહાલા સંતાન! હું બોલાવું તે પહેલાં મારી પાસે આવવાની ઉતાવળ તને શા માટે થઇ આવી છે?’

‘હે પ્રભુ! મને માફ કરજો. હું તમારી પાસે આવવાની ઉતાવળ કરું છું તેના માટે ક્ષમા કરજો. પરંતુ જિંદગીનું એક પગલું આગળ માંડી શકવાની ત્રેવડ હવે મારામાં રહી નથી. મારી જવાબદારીઓ અને ચિંતાઓ અને દુઃખોનું આ પોટલું તમે જોયું? હવે એનો ભાર વેંઢારવાની શકતિ કે હિંમત એ બેમાંથી એકેય મારામાં રહ્યાં નથી. એટલે હું મારી જિંદગી પૂરી કરી દેવા માંગું છું.’ પોતાના ખભા પરના મોટા પોટલા સામે આંગળી ચીંધી એણે ભગવાનને કહ્યું.

‘પણ મેં તો તમને સૌને તમારી બધી જ ચિંતાઓ મને સોંપી દેવાનું કહ્યું જ છે. તું પણ તારી ચિંતાઓ મને સોંપીને હળવો કેમ નથી થઇ જતો?’ ભગવાન હસ્યા.

‘પણ ભગવાન! તમે મને જ શું કામ સૌથી ભારે પોટલું આપ્યું છે? મેં તો મારા પોટલા જેટલો ભાર ક્યારેય કોઇના ખભે જોયો નથી!’ રડમસ અવાજે એ માણસે ફરિયાદ કરી.
‘મારા દીકરા! આ દુનિયામાં દરેકેદરેક વ્યક્તિને મેં કંઇક ને કંઇક બોજો ઉપાડવા આપેલ જ છે. અને એ ફરજિયાત છે. જો! અહીંયાં તારા ઘણા આડોશી-પાડોશીઓના પોટલાં પડયાં છે. તને એવું લાગતું હોય કે તારું પોટલું જ મેં સૌથી ભારે આપ્યું છે તો તું એના બદલે આમાંથી બીજું લઇ શકે છે. બોલ એવી અદલા-બદલી કરવી છે?’ માર્મિક હસતાં ભગવાને કહ્યું.

નવાઇના ભાવો સાથે પેલા માણસે ભગવાનનાં ચરણ પાસે પડેલાં પોટલાંઓ તરફ નજર નાંખી. બધાંજ પોટલાંઓનું  કદ પોતાનાં પોટલા જેટલું જ હતું. પણ દરેક પોટલા પર એક નામ લખાયેલું હતું. જે વ્યક્તિનું પોટલું હોય તેનું નામ-સરનામું એ પોટલા પર લખાયેલું હતું. સૌથી આગળ પડેલા પોટલા પરનું નામ એણે વાંચ્યું. એના પોતાના જ ઘરની બાજુમાં રહેતી એક સુંદર અને ખૂબ જ સુખી દેખાતી એક પૈસાદાર સ્રીનું નામ એના પર લખેલું હતું. એ સ્ત્રીનો પતિ ખૂબજ મોટો ઉધ્યોગપતિ હતો. એના ઘરની સમ્રૂદ્દિની તો રેલંછેલ રહેતી. ઘરની દરેક વ્યક્તિ માટે એ લોકો અલગ અલગ કાર જ વાપરતાં અને એ પણ પાછી ઇમ્પોર્ટેડ! એ સ્ત્રીની દીકરીઓ મોંઘાંદાટ પોશાકો અને અત્યાધુનિક ઘરેણાં જ પહેરતી. કોલેજમાં ભણતો એનો દીકરો દર મહિને એની કાર બદલાવતો. ઉનાળાની ગરમીનો એક મહિનો એ સ્ત્રી અને એનું કુટુંબ સ્વિટ્ઝર્લેન્ડમાં જ વિતાવતાં. આ સ્ત્રીનું પોટલું લેવાનો પેલા માણસને વિચાર આવ્યો. એણે પોતાનું પોટલું બાજુમાં મૂકીને એ સ્ત્રીનું પોટલું ઉપાડ્યું. પણ જેવું એણે એ પોટલાને ઊંચું કર્યું કે એને ખૂબ નવાઇ લાગી. એ સ્ત્રીનું પોટલું હળવું હોવાને બદલે એના પોતાના પોટલા કરતાં બમણું ભારે હતું. માંડમાંડ એણે એ પાછું મૂકયું પછી ભગવાન સામે જોઇને પૂછયું, ‘ભગવાન! આટઆટલી સુખસાહ્યબીમાં રહેતી આ સ્ત્રીનું પોટલું તો પીછાં જેવું હળવું હોવું જોઇએ, તેના બદલે એ આટલું બધું ભારે કેમ? મને આ સમજાયું નહીં!’
‘ન સમજાયું હોય તો તું જાતે જ એ ખોલીને જોઇ લેને!’ એ જ માર્મિક સ્મિત સાથે ભગવાને કહ્યું.

પેલા માણસે પોટલું ખોલ્યું. બહારથી ખૂબ જ સુખી અને અતિ વૈભવશાળી જીવન જીવતી એ સ્ત્રીના પોટલામાં રાતદિવસ ઘરમાં કુટુંબીજનો સાથે ચાલતો કંકાસ દેખાણો. એ સ્ત્રીનો પતિ દારૂડિયો હતો. એ ધંધાના બહાને દેશવિદેશમાં રખડતો રહેતો અને કંગાળ જીવન જીવતો હતો. જેના કારણે તે ભયંકર રોગોથી પણ પીડાતો હતો. પેલી સ્ત્રી પણ માનસિક રીતે અત્યંત દુઃખી હતી. બન્ને પતિ-પત્નિ ગુપ્ત રીતે લાખો રૂપિયા એ રોગોની સારવાર પાછળ ખરચતાં હતાં. એનો દીકરો એક દાણચોર સાથે સંબંધ ધરાવતો હતો. તો એ સ્ત્રીની દીકરી બિચારી મગજના કેન્સરથી પીડાતી હતી … બસ! એણે ઝડપથી પોટલું બંધ કરી દીધું. એ આગળ જોઇ ન શકયો. એનાથી બોલાઇ જવાયું, ‘ભગવાન! બહારથી અત્યંત શ્રીમંત અને ખૂબ સુખી લાગતી સ્ત્રીનું જીવન આટલી બધી યાતનાઓથી ભરેલું છે? હું કલ્પના પણ નથી કરી શકતો!’.
ભગવાન હસી પડયા, કહ્યું, ‘મેં તને કહ્યું ને! દરેકની માથે પોટલું હોવું ફરજિયાત હોય છે. છતાં બીજાનું પોટલું તમને હળવું જ લાગે છે, કારણ કે એ તમારા ખભા પર નથી હોતું. હજુ પણ તારે બીજા કોઇનું પોટલું જોઇને એ લેવું હોય તો તને છુટ્ટી છે!’

એ માણસ જેને જેને સુખી અને ખુશકિસ્મત માનતો હતો એમનાં નામ જોઇ જોઇને એણે પોટલાં ખોલી જોયાં. પણ નવાઇ પમાડે એવી વાત એ બની કે એ દરેક વ્યક્તિનું પોટલું એને વધારે ભારે અને પોતાથી અનેક ગણી વધારે વિટંબણાઓથી ભરેલું દેખાયું. એક એક કરીને ઘણાં બધાં પોટલાં એ ફંફાસતો રહ્યો અને એ વખતે મંદ મંદ હાસ્ય વેરતા ભગવાન એકદમ શાંતિથી ઊભા હતા.

ખાસ્સી વાર પછી અચાનક જ એણે પોટલાં ફંફોસવાનું બંધ કરીને હળવાશ સાથે કહ્યું, ‘પ્રભુ! મને મારું જ પોટલું આપી દો. લાગે છે કે એ જ આ બધામાં સૌથી હળવું છે!’
‘એવું છે? તો પછી તને જિંદગી ટૂંકાવી નાંખવી પડે એટલો બધો ભાર શેનો લાગે છે? જોઇએ તો ખરા કે એમાં શું ભરેલું છે? તારું પોટલું ખોલ જોઉં!’ ભગવાને કહ્યું.

એ માણસે પોતાનું પોટલું ખોલ્યું. અંદર કુટુંબીજનોનો પ્રેમ હતો, મિત્રોની લાગણી હતી, થોડા પૈસા હતા અને થોડા ઘરેણાં હતા. તેમજ સાવ નાનકડા કહી શકાય તેવા પ્રશ્નોરૂપી પથ્થરો હતા!

‘દીકરા!’ અત્યંત માયાળુ અવાજે ભગવાને કહ્યું, ‘વરસોથી તું આ પ્રેમ અને લાગણીઓ વચ્ચે તેમજ પૈસા અને ઘરેણા સાથે રહેતો હતો, તો પણ તને આપઘાત કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? કદાચ તું કુટુંબીઓના પ્રેમનો અનુભવ નથી કરી શક્યો કે મિત્રોની લાગણીને નથી પિછાની શકયો. હવે તું દુનિયામાં પાછો જા, સહુની પ્રેમથી સારસંભાળ લે અને થોડો સમય કાઢી અને મારા એવા સંતાનો કે જેને જિંદગીએ કાંઇ નથી આપ્યું એવા દીનદુખીયાની તારાથી બની શકે તેટલી તન, મન, ધનથી સેવા કર. હું તને ખાતરી આપું છું કે આ સહુનો આનંદ જોઇને તારા આત્માને જે સુખ અને શાતા મળશે તે તને દુન્યવી દોલતથી તથા સુખ સાહ્યબીથી ક્યારેય પ્રાપ્ત નહીં થાય. ઉપરાંત આમ કરવાથી તારા ખભા પરનાં પોટલાનું વજન પણ ઘટતું જશે. અને હા! આ નાના નાના ધારદાર પથ્થરો શેના ભેગા કર્યા છે તે તો બતાવ?’

પેલા માણસને ઘણી શરમ આવી. નીચું જોઇને એ બોલ્યો, ‘પ્રભુ! એ મારાં અભિમાન, સ્વાર્થ, પાપ અને દ્વેષનાં પથ્થરો છે. જેની ધારથી મેં હંમેશા બીજાને ઇજા પહોંચાડવાનું કામ કર્યું છે.’

ભગવાન હસી પડયા. પછી બોલ્યા, ‘કંઇ વાંધો નહીં બેટા! તું તારે નિરાંતે દુનિયામાં પાછો જા. પણ એ આ નાના પથ્થરો મને સોંપી દે. આજથી હું એ બધું તારી પાસેથી લઇ લઉં છું!’ કહી કરુણાના અવતાર પરમાત્માએ એનાં પાપ, રાગ-દ્વેષ તેમજ અભિમાન વગેરેના પથ્થરો પોતાના હાથમાં લઇ લીધા. એ પથ્થરો એટલા તીક્ષ્ણ હતા કે ખુદ ભગવાનના હાથમાંથી પણ લોહીની ધાર થઇ.

પેલા માણસને હવે ઘણી બધી હળવાશ લાગી રહી હતી.

ભગવાનનો આભાર માનીને એણે એમને પ્રણામ કર્યા. પછી પોતાનું જ પોટલું ખભે નાંખીને ધરતી પર પાછો આવવા માટે નીકળી પડયો. થોડેક દૂર ગયા પછી અચાનક એને કંઇક યાદ આવ્યું. પાછાં ફરીને એણે ભગવાનને પૂછયું કે, ‘પ્રભુ! મારું પોટલું તો હંમેશા મારા ખભા પર જ હોય છે. તો આ બધાંનાં પોટલાં અહીંયં કેમ પડયાં છે?”
હવે ભગવાન એકદમ ખડખડાટ હસી પડયા. પછી બોલ્યા, ‘મારા વહાલા દીકરા! એ જ તો વાત છે – જે તને હવે સમજાઇ રહી છે. આ દરેકના ખભે અસહ્ય અને તારા કરતાં પણ ક્યાંય અનેક ગણો વધારે ભાર છે છતાં એ લોકો સરસ રીતે જીવી રહ્યા છે, કારણકે એમણે એમનું પોટલું મને સોંપી દીધું છે! જ્યારે તું તારું પોટલું તારા ખભે લઇને ફર્યાં કરે છે!’

હવે પેલા માણસના મગજમાં ચમકારો થયો. એની આંખોમાંથી આંસુની ધાર વહી નીકળી. ધીમા પગલે એ પાછો ફર્યો, ખભેથી પોટલું ઉતારીને એણે ભગવાનનાં ચરણોમાં મૂકી દીધું. પગે લાગ્યો. અને કોઇ દિવસ નહોતી અનુભવી એવી દિવ્ય હળવાશ અનુભવતો ધરતી પર પાછો આવવા નીકળી પડયો! એ જ ક્ષણે ઘેન ઊતરી જવાથી એની આંખ પણ ખૂલી ગઇ!

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: