મુખ્ય પૃષ્ઠ > ફરી પાછુ એ જ પ્રશ્નાર્થ ચિન્હ > મહોંરી ગયો તેના મનનો ગુલમહોર.

મહોંરી ગયો તેના મનનો ગુલમહોર.

ડિસેમ્બર 21, 2008 Leave a comment Go to comments

 

સુગરલેંડ હયુસ્ટન નો સમૃધ્ધ એરીયા છે. એ વિસ્તારમાં રહેતા અનુપમ અને નીરાલી પટેલ ને મળવા જવાનું હતુ તેથી ફોન કર્યો – અને નીરાલીબેન ની સાલસ અને સહજ વાતોથી એમ લાગ્યુ કે ગ્રાણીણ પટેલ કુટુંબ છે અને તેમને માટે નાણાકીય સલાહો આપવાની છે.

ખૈર…. કેલીફોનીયા લોસએંજલસ ના બસ ડીપો માં ઝાડુ અને પોતુ મારતો ધીમા અને મીઠા અવાજે ઠરેલ વાતો કરતો 25 વર્ષ પહેલા નો અનુપમ… અહીં સાહસ કરીને આવી તો ગયો… પણ અસંખ્ય હાડમારી ની વચ્ચે નાટ્ય શોખીન જીવડો જિંદગી ના રંગમંચ ઉપર જે નાટ્ય જીવન જીવી રહ્યો છે તે સાંભળતા મારા તો રુંવાડા ખડા થઈ ગયા….

અનુપમ અને મધુરમ બે ભાઈઓ…. એક જ માના ઉદરે જન્મેલ શ્રવણ અને રાવણ.

અનુપમ અને મધુરમ ઉછર્યા લંડન માં – ભણ્યા ખાસ કશુ નહીં પણ બાલમુકુંદે અનુપમ ના અમેરીકા ગયા પછી મધુરમ્ સાથે ભારત પ્રયાણ કર્યું.

નાની દીકરી રુકમણી નીરાલી ને વારંવાર પુછતી – આ દાદા કયાં ના છે. એમને કહોને મારુ આલ્બમ જુએ…. અને એ સમયે અનુપમ નો દસ વર્ષ નો વિરામ નવસારી હતો તેનો ફોન આવ્યો એટલે વાતો માં હતો – અને આ નાના વિરામ વખતે નાની દિકરી નાં આગ્રહ થી મેં આલ્બમ જોયું. સારી સારી હસ્તીએ સાથે અનુપમભાઈની ઉઠક બેઠક છે…. ફોટા ઉપર થી લાગ્યુ…. ભારત નાં નેતાઓ – અભિનેતા ઓ અને મોટા મોટા ડોકટરો અને વિધ્વાનો સાથે તેમની ઉઠબેઠક જોઈને હું આનંદિત થયો. પણ કેટલાક કૌટુંબીક ફોટાઓમાં કયાંક કયાંક કાતરે કરામતો કરેલી કોઈક ભાઈ – બહેન દેખાતા નહોંતા – અમેરીકન વિવેક પ્રમાણે મનમાં પ્રશ્ર્ન પુછવાની ઈચ્છા હતી છતા ન પુછ્યો.

ઈન્ડીયાનો ફોન પુરો થયો અને અમારી ધંધાકીય ચર્ચાઓ શરુ કરતા તેમણે પ્રશ્ર્ન પુછ્યો – તમને આલ્બમમાં અજુગતુ કશુ ન લાગ્યું – મેં મોંધમ સેવ્યું – એટલે તેમણે કહ્યું – તમને ખબર છે કોઈક ને દુશ્મન લુંટે – કોઈક ને ઘરવાળા લુંટે. મને મોટાભાઈએ અને મારા બાપે લુંટયો છે તેથી આલ્બમમાં એમના કયાંય ફોટા નથી….

હું મારા જીજ્ઞાસુ સ્વભાવને કાબુમાં ના રાખી શક્યો. અનુપમભાઈએ જે વાત શરુ કરી તેનો સંપુર્ણ અહેવાલ જોઈતો હતો.

તેમણે કહ્યું. “મારા બાપા ને હું બહુજ આદરમાનથી જોતો એટલે લંડન થી હું અમેરીકા આવ્યો… અને બે ચાર પાંદડે થયો અને એમને ભારતથી અહીં બોલાવી લીધા. નીરાલી તે વખતે ત્રણ વર્ષે બેજીવાતી હતી – અને ત્યારના મારા બાપા અને બા મારી સાથે રહેલા…. માંદે સાજે તેમની દવા દારુ અને સેવા સુશ્રુષા બધી મારે જ કરવાની…. મારા મધરને જેમ તેમ બોલી નાખે એટલે હોસ્પીટલમાં હું જ રહું. તેમને ચાર વખત તો બાયપાસ કરાવી અને અહીં ના હોસ્પીટલનાં ખર્ચા તો તમને ખબર ને… મોટા હાથી જેવા…. તેમના ડાઈપર બદલવાના અને બધીજ સુશ્રુષા કરનાર ફક્ત હું જ….

મધુરમ અને નાની બેન ઈશ્ર્વરા બંને ના લગ્ન ચાલીસ હજાર ડોલર્સ ખર્ચી ને મેં કરાવ્યા…. આપણને એમ કે મોટોભાઈ થયો એટલે કરવુ પડે ને…. એજ સુરતી લઢણમાં એમણે વાત કરી…”

મને હજી મુળ વાત પકડાતી ન હોંતી તેથી મેં ટાપસી પુરાવી – પણ આ તો વહેવાર થયો… લુંટ કયાંથી આવી….

નીરાલી બેન શાંતિથી સાંભળતા હતા – તે બોલ્યા –” અનુપમ હવે જવા દેની તે વાત – જાતે કંઈ પોતાની જાંઘ થોડી ખુલ્લી થાય? – અને જુઓ ભેંસનાં શીંગડા ભેસને ભારે.”

અનુપમભાઈ કહે ! – “નારે ! આતો નાનલી એ આલ્બમ બતાવ્યુ અને અરુણભાઈ વિવેકી – આપણને માને છે – તેથી મને કહેવા નું મન છે તો કહીશ…

મેં ફરી પાછુ મોંધમ મૌન સેવ્યુ – અને આંખથી આગળ શું થયુ નો પ્રશ્ર્નાર્થ પુછ્યો. એટલે અનુપમભાઈએ કહ્યું –” નીરાલી ને ત્રણ ગોળી પેટમાં અહીંના કાળીયાએ મારી છે – નીરાલી જરા પેટ ઉંચુ કરીને બતાવતો… ”

હું મર્યાદામાં – વિવેક માં… ના હવે રહેવા દો કહેતો હતો ત્યાં નીરાલી બેને પેટમાં ટાંકા પડેલા તે ભાગ ખુલ્લો કરીને બતાવ્યો…

અનુપમભાઈની વાત આગળ ચાલી- “તે વખતે કિન્નરી 3 વર્ષની અને વિરામ એક વર્ષનો ત્યારે આ બન્યુ… ડોકટરે તો 72 કલાક ની મુદત આપી જ દીધેલી કુલ 107 ટાંકા અને મોટેલ ની ટાંચી આવકો છતા એને કૃષ્ણની ગીતા ઉપર બહુજ શ્રધ્ધા તેથી છોકરાવો નમાયા ના થયા…

“પણ – આમા બાપા અને ભાઈ તો કયાંય ન આવ્યા…? મેં ફરી પ્રશ્ર્ન પુછ્યો –

અને અનુપણભાઈ બોલ્યા….” આપણુ નવસારી કરતા નાનુ ગામ – કોલંબસ માં મારી મોટેલમાં કોઈ હબસી ને રુમ જોઈતી હતી – જે નહોંતી એટલે નીરાલીએ ના આપી – દારુમાં ધુત – એ તો ગોળીઓ મારીને જતો રહ્યો – પોલીસ તેને પકડવા મથતી – જયારે હું બહાવરો થઈને છોકરા અને હોસ્પીટલ માં ફરતો હતો ત્યારે મોટેલમાંથી તેમનો હાથ ફરતો થઈ ગયો…. બાપે ગલ્લો સંભાળવા ને બદલે ગલ્લો હડપીને મધુરમ્ ને પૈસા મોકલવા માંડ્યા… ઈશ્ર્વરાને મોકલવા માંડ્યા… જે દિવસે મેં જાણ્યુ ત્યારે ખુબ જ રડ્યો… પણ આવુ કોને જઈને કહેવાય… ? મેં એમણે માંગ્યા તેના કરતાય વધુ પૈસા જયારે પણ જરુર પડી ત્યારે આપ્યા છે. અને એ આપીને ઉપકાર કર્યો હોય તેવો કોઈ જ ભાવ નથી બતાવ્યો… છતાય… જયારે મારા ઉપર ખુબ જ વીતતી હતી ત્યારે જ અને તે પણ મને પુછ્યા વિના…. ખૈર તે વખતે તો હું ચુપ રહ્યો… પણ – કિન્નરી માંદી પડી અને પૈસાના અભાવે હું એને હોસ્પીટલ લઈ જવામાં મોડો પડ્યો ત્યારે ઈશ્ર્વરા અહીં હતી – અને મેં લોન તરીકે પૈસા માંગ્યા તો નાના મોઢે બહેને મને ગણીત શીખવવા માંડ્યુ – પૈસા નો તો જોગ જાણે થઈ ગયો….પણ કિન્નરી ડોકટરની નિષ્કાળજીથી મૃત્યુ પામી….”

નીરાલી ની આંખમાં આંસુ – અનુપમની આંખમાં આંસુ અને ભારે થયેલ મારા ચહેરાને જોઈ નાની રાધા બોલી દાદા કિન્નરીબેન તો પરી થઈ ગયા ને…. જો પેલા ફોટામાં રહ્યા…. નીરાલી પાણી પીને બોલી – “અનુપમ ને કિન્નરી નુ ખુબ જ લાગી આવે…. પણ જે ઘરમાં ગીતા નો વાસ હોય ત્યાં દુઃખ રે જ ની – (નહીં 🙂 કારણ કે કર્મનો સિધ્ધાંત. મેં ખોટુ ની કરેલુ તેથી- આટલા મોટા ઓપરેશન પછી કિન્નરી વિના મેં ધારેલુ અને મને બે દિકરીઓ થઈ – રાધા અને રુકમણી ”

– અનુપમે સહેજ સ્વસ્થતા પકડી વાતને આગળ વધારી…

અઢી વર્ષે ડોકટર ની નિષ્કાળજી બદલ વીસ લાખ્ર ડોલરનો દાવો મળ્યો – ત્યારે મારી જિંદગી માં રડવું કે હસવુ મને ન સમજાયું.. નીરાલી આને પ્રભુનો ન્યાય સમજતી હતી – પણ ૨૦ લાખમાંથી ૮ લાખ મેં કિન્નરીના નામે હોસ્પીટલ ખોલવા માટે મારા બાપાને આપ્યા – ૨ લાખ નો હિસાબ બતાવી ૬ લાખ ચાંઉ કરી ગયા… હવે હું ચુપ ના રહ્યો – મેં મારી બા ને કહ્યું – આ પૈસા મારા નથી નીરાલી નાં નથી – પણ તેના ત્રણ છોકરા ના છે – આ પૈસા ના ખવાય – થોડોક ભગવાનનો ડર રાખો…. મેં વડીલને પુણ્ય ના કામો કરવા યોગ્ય સમજીને આપ્યા છે… મારી બા ખુબ રડી પણ – તે શું કરી શકે ?…. બોલો અરુણભાઈ આવુ હોઈ શકે ? આવુ થઈ શકે ? પણ થયુ છે… તો શું………અનુપમભાઈ નો ગુસ્સો – અને આક્રોશ એમની રીતે તો વ્યાજબી જ હતા… પરંતુ મારુ મન આ કળયુગ આટલો વધો તીવ્ર થઈ ગયો છે તે માનવા તૈયાર નહોંતુ – માબાપને મન બાળક આગળ વધે તે ગર્વ અને ગૌરવ ની વાત હોય – પરંતુ ધર્મ કાર્ય – દાનમાં આપેલ પૈસા બાપા ચાંઉ કરી જાય તે બાબતે અવઢવ હતી.

મધુરમ્ અત્યારે ઈશ્ર્વરા સાથે શીકાગો માં રહે છે. તેનુ લગ્નજીવન અને ઈશ્ર્વરાનું લગ્નજીવન ખરાબે ચઢ્યુ છે. મધુરમ્ નિ:સંતાન છે. – પત્ની સાથે ફાવતુ નથી તેથી તેને મુંબઈ છોડી અનુપમના Sponsership ઉપર અમેરીકા તો આવી ગયો… પણ ફોન સુધ્ધા નથી કરતો તે બાબતે અનુપમને રંજ હતો તેથી એક દિવસ તેને ફોન કર્યો ત્યારે જવાબ મળ્યો… “તારુ હવે કંઈ કામ ની મળે તેથી… Sponser થઈ ગયો… ગ્રીનકાર્ડ મળી ગયુ એટલે… હવે તારી જરુર ની મલે….”

ઈશ્ર્વરા તેના પરિવાર સાથે રહે છે. ધર્મના નામે મીંડુ અને કર્મના નામે ચાંડાલીક જીવન જીવતા ભાઈ બહેન ની સાથે બાપા રહે છે. – પૈસાની જરુર પડે એટલે ભીખ માંગવાની…. બાપ ખોંખારીને બોલે પણ ખરો…. લક્ષણો ચોખ્ખા રાખો ને… ખોટી ખાંડ શું કામ ખાવ છો ? પણ અંતે તો બાપનો જીવ ને…. એટલે ત્રણે ને સરખુ કરવા – દીકરા ના પૈસાનો હિસાબ રાખવાને બદલે બીજી મોટેલ માં નોટ્સ આપી (લોન આપી) અને વ્યાજ માં ભાઈ-બહેન અને તેમનુ જીવન જાય….

અરુણભાઈએ અનુપમ ને ફક્ત એટલુ જ કહ્યું કે માબાપનો જીવ કદી દીકરાનું અહીત થાય તેમા રાજી ન હોય કંઈક સત્ય જુદુ હશે આટલો બધો મનમાં આક્રોશ ન રાખશો – અને જે થયુ તે – ઘી ઢળ્યું છે તો ખીચડીમાં ને….

બનવાકાળ – અનુપમ નો આ વલોપાત તેની બા થી ન સહન થયો – અને શીકાગો ફોન ઉપર વાત કરી – ત્યારે બાપા કહે – “અનુપમ ને ગેરસમજ થઈ છે. તે કલાકાર જીવ છે તે દરેક વસ્તુને સંવેદનાઓથી ભરી દે છે. ખરેખર જે પૈસા તેના છે તે તેનાજ છે. મેં તો તે પૈસા યોગ્ય જગ્યાએ ગોઠવ્યા છે. હા – ઈશ્ર્વરા અને મધુરમ્ એ પૈસા માટે કયારેક મથે છે. પણ અનુપમને કહેજો ખોટો વિલાપ ન કરે ! “”ભલે – બાપુજી “કહીને નીરાલી એ ફોન મુકી દીધો.

મને ફોન કરી ને અનુપમે આ વાત કરી ત્યારે મને પણ આનંદ થયો… માબાપ – વેરો આંતરો કરી જ ન શકે તેવી તેની માન્યતા હતી – પણ પુરાવો મળતો ન હોંતો જે મળ્યો – અને ગેરસમજો ટળી ગઈ.

જો કે અનુપમ હજી સ્વીકારી શક્તો નહોંતો – પણ નીરાલી કાયમ કહેતી ઉપરવાળા ને ત્યાં દેર પણ નથી અને અંધેર પણ નથી. આપણે તો સારા ભાવો સાથે સારુ જીવન જીવવાનું – જરુર પડે કોઈક ને માટે ઘસાઈ છુટવાનું અરુણ હજી કયારેક અનુપમના ગેરસમજ ભરેલા આંસુ જોઈને વ્યથીત થઈ જાય છે…. પણ સુગરલેંડ ના એ ઘરમાં હવે એક નહીં બે બે કિન્નરી જેવી કળીઓ ખીલી રહી છે… ગીતા જે ઘરમાં હોય ત્યાં કંસ નો વસવાટ ન હોય. નવા સ્વપ્ના ખીલે છે અને આથમે છે.

તે દવસની સંધ્યા… હળવેકથી મને અનુપમ ને પુછવાનું મન થયુ ભાઈ – આલ્બમનાં ફોટા હવે કાઢી નાખજે…. નહીંતર એ કડવી યાદો ના ઘુંટડા મીઠા નહીં બને…. પણ અનુપમે તો આખુ આલ્બમ જ કચરા પેટીમાં નાખી દીધુ હતુ – આખરે તો કલાકાર જીવ ને…. સહેજ અનુકુળ વાતાવરમ મળતા જ મહોંરી ગયો તેના મનનો ગુલમહોર.

  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: