મુખ્ય પૃષ્ઠ > ફરી પાછુ એ જ પ્રશ્નાર્થ ચિન્હ, વાર્તા > ફરી પાછુ એજ પ્રશ્નાર્થ ચિન્હ..!

ફરી પાછુ એજ પ્રશ્નાર્થ ચિન્હ..!

જુલાઇ 21, 2007 Leave a comment Go to comments

questionmark1.jpg

 

 

        સામે પંખાનાં મેજ ઉપર રૂમની ચાવી પડી છે.તેની કડીમાં ઓહ્મ શબ્દ લખેલો છે.ચાવી અને ઓહ્મ શબ્દનો સંગમ મનને જંકૃત કરી જાય છે કારણ કે ઓહ્મ શબ્દ સમગ્ર ભાષાનાં દરેક સાહિત્ય સ્વરૂપોને પ્રકાશીત કરી જાય છે જેમ યોગ્ય ચાવીથી ગમે તેવા અડીખમ તાળા પણ ખુલી જાય છે.  ચાવી ગમે તે હોય. તકદીરની, જિંદગીની, કે હ્રદયની કે ગમે તે..

હ્રદયની ચાવી કેવી હોય તે તો હમણા જ મને ખબર પડી.એક નજર..તીરછી નજર..તીરછી છતા મીઠ્ઠી નજર. તે નજર માત્રથી હ્રદયમાં વ્યાપેલો શુન્યાવકાશ શુન્ય થઇ ગયો. કારણ ખબર નથી અને એ કારણોનાં રાક્ષસોને શોધવા હું કદી મથ્યો પણ નથી પરંતુ એ કારણોનાં રાક્ષસોને ન શોધવાનું કારણ મને ખબર છે કારણકે કારણોનાં રાક્ષસો કારણ વિના ગમે ત્યાં પેદા થઇ જતા હોય છે અને કારણ વિના પાછા પેલા અલ્લાઉદ્દીન નાં ચિરાગમાં પેસી જઇ શકતા હોય છે અને આજ કારણે તેઓ ધારે ત્યાં, ધારે ત્યારે અને ધારે તેને ઝંકૃત કરી શકતા હોય છે. બરોબરને?

નજર ચાવીની કડી ઉપરથી હઠીને ભીંત પરની ઘડીયાળ ઉપર જાય છે. સતત અને અવિરત ચાલતા રહેતા પેલા ઘાંચીનાં બળદની જેમ ફરતા એ બે છોટે અને બડે ભાઇઓ પર મને તરસ આવે છે. અને પેલો સેકંડ કાંટાનો તો દોડી દોડીને શ્વાસ જ રહી જતો હશે. તેની સરખામણીમાં મોટા કાંટાને થોડોક આરામ અને છોટા ઉસસે ભી જ્યાદા નમક હરામ!
ઘડીયાળ પરથી નજર છત પરનાં પંખા ઉપર પડે છે અને કમકમીયા આવી જાય છે. સેકંડ કાંટા કરતા પણ કેટલી ઝડપે દોડવુ પડે છે હેં? ઓલીમ્પીકનો પણ કોઇ રેકોર્ડ નહીં હોય આટલી ઝડપે દોડવાનો… આટલી ઝડપે દોડાય ખરું? જવાદોને યાર! આ દુનીયામાં કશું અશક્ય નથી_
દુનીયા..! એક અટ્ટહાસ્ય કરવાનું મન થઇ જાય છે.શું છે આ દુનીયા?  જાત જાતનાં અને ભાત ભાતનાં ઘેંટાઓનો મોટો વાડો_ ઘેંટાઓમાંતો થોડુ ઘણું પણ સામ્ય જોવા મળે પરંતુ માણસોની બાબતમાં તો…!!! કશું જ સામ્ય ના મળે. નખથી શીખ સુધી કશુંજ સરખું નહીં.અરે આંગળી કાપીને લોહી જુઓ તો તેમા પણ સામ્ય નહીં..જુઠની નરાતળ દુનિયામાં લોહીને બદલે પાણી પણ નીકળે તો નવાઇ નહીં. દરેક માનવીનાં રૂપ જુદા, રંગ જુદા, રીત જુદી, વર્તન જુદા, મન જુદા, મત જુદા,બધુંજ જુદુ…પેલો ઉપર બેઠેલો કુંભાર ઉઘે છે કે શું? બધાજ માટલા જુદા. કોઇ એક સરખુ નહીં…
ઉપર સામેનાં ફ્લેટમાં ક્વીકી નીચે બારી પાસે ઉભેલા ટીનુ ને પુછે છે કે


ટીનુ આટલી ખીચડી ખાઇશ?


ટીનુ કશુંય સમજ્યા વિના ડોકુ હલાવીને હા પાડે છે. તેથી ક્વીકીનો બીજો પ્રશ્ન વધુ હાથ પહોળા કરીને આવે છે.

આટલુ પાણી પીશ?

ટીનુ ફરીથી ડોકુ હકારે ધુણાવીને હા પાડે છે. તેથી ક્વીકી ફરી પુછે છે


વાઘ આવે તો બીશ?


ટીનુ તો આ રમત છે તેમાં પ્રશ્ન પુછે તેને હા કહેવાનું તેટલું જ સમજ્યો હોવાથી હા પાડે છે અને તેથી ક્વીકી ગુંચવાઇ જાય છે. ધારણા નકારની હતી છતા હવે રમતમાં પહોળા કરેલા હાથ જોર થી ભેગા કરી તાળી પાડી. તેથી ટીનુ ગુંચવાયો અને ક્વીકી મલકી ઉઠી


હેં બી ગયો..બી ગયો.


ટીનુ બાઘો બનીને જોઇ રહ્યો..તેને તો પહેલે થી જ સમજ પડી નહોંતી છતા ક્વીકી મલકી રહી હતી તેથી તેની સામે તે પણ એજ આનંદમાં મલકી રહયો. ટીનુ તેની મમ્મીને તૈયાર થતી જોઇ પુછે છે


મમ્મી ક્યાં જાય છે?

એની મમ્મી છણકો કરતી કહે છે

ભગવાનને ઘેર


ટીનુ પાછો પુછે છે


હું આવુ?


ટીનુની નિર્દોષ માંગણી પર એની મમ્મી મલકી પડે છે- મમ્મીને હસતી જોઇને ટીનુ સામેનાં ફ્લેટમાં રહેતી તેની નાની બેનપણી ક્વીકીને બૂમ પાડીને કહે છે


હે..એ.. હું તો ભગવાનને ઘેર જવાનો..તને નહીં લઇ જઉ..

ક્વીકી પણ બરોબર ટીનુ જેટલીજ એટલેકે ત્રણ વરસની તેથી તેણે ટીનુની મમ્મીને પુછ્યું


માસી! ભગવાનનું ઘર ક્યાં આવ્યું? મને લઇ જશો?


કેટલા નિર્દોષ અને નિર્લેપ હોય છે આ નાના ભુલકાં અને તેવું જ તેમનુ બચપણ..સમયની સાથે જેમ જેમ તેમને જિંદગીનાં રંગો તેમને સ્પર્શતા જાય છે તેમ તેમ તે નિર્દોષતા જતી રહેતી હોય છે.જિંદગીનાં રંગોજ કંઇક એવા હોય છે.. એવા એટલે કેવા? 


પ્રશ્નાર્થ ચિન્હ..શિર્ષાસન કરતા ઉંધા માથા યાદ આવે આ પ્રશ્નાર્થ ચિન્હને જોઇને..કૌમુદીને ચશ્મા આવ્યા ત્યારે લોકોએ તેને શિર્ષાસન કરવા કહેતા હતા.પણ બિચારી એક તો સ્થુળ કાય અને એવા મેદ ભરેલા શરીરને શિર્ષ ઉપર ઉભા રાખવાનાં પ્રયત્નોમાં નહીં નહીંને દસ વખત ભીંત સાથે અથડાઇને નીચે ગબડી પડી હશે. એક વખત તો એટલા જોર સાથે તે ભીંત સાથે અથડાઇ કે આખી ભીંત હચમચી ગઇ અને ઉપર છત પરથી વાસણ ખડીંગ કરતુ તેની મેદ ભરેલી કાયામાં ગોબો પાડી ગયુ..જોકે ત્યાર પછી એણે શિર્ષાસન કરવાનુ દુ:સાહસ કર્યુ નહોંતુ.


એને પ્રશ્નો કરવાની બહુ ટેવ..પ્રશ્નાર્થ ચિન્હો તો જાણે તેનાં શ્વાસોચ્છ્વશ્વાસ.. આ લોઇડ કોણ છે? તેણે સેંચ્યુરી મારી? સેંચ્યુરી એટલે સો રન? આપણા બોલરો છે નહીં? આટલા બધા રન તે કંઇ અપાતા હશે? બસ મનમાં આવી તે બધુ જ પ્રશ્નાર્થ ચિન્હમાં જકડીને ભચડી નાખે. આપણે કંટાળીને કહેવુ પડે કે અરે જરા ઝંપ. જ્યારે ને ત્યારે પ્રશ્ન પ્રશ્ન અને પ્રશ્ન જ..પ્રશ્ન પુછવા હોય તો જરા ધીમે પુછને. આ તારી પ્રશ્નો પુછવાની ગતી તો  જાણે ઉડતા ભમરાની પાંખ! એક સેકંડમાં તો તુ કેટલાં પ્રશ્નો પછી મારે છે હેં?


ઓરડામાંનો સહપાઠી હર્ષદ ચાનો ઘુંટડો ભરે છે અને લીજ્જતથી સડાકો ભરે છે અને મને સહજ ઘૃણા થઇ. હાથમાંનું ઉલીયુ તેને ફટકારવાની ઇચ્છા થઇ ગઇ. તેને ખબર છે કે તે અવાજ કરે તો મને નથી ગમતુ છતા તે તો અવાજ કરે કરે ને કરે જ.અને મનમાં પ્રશ્ન ઉઠ્યો એવુ કેમ? આવો જ પ્રશ્ન ગઇ કાલે ફિલ્મ જોઇને પાછા ફરતા એકાંત રસ્તે હાથમાંની કાંડા ઘડીયાળ જ્યારે ગજવામાં મુકી ત્યારે થયો હતો..મેં આવુ કેમ કર્યું?પેલો ટીનુ પીપડુ ઉંધુ કરીને એક હાથમાં વેલણ અને બીજા હાથમાં સાણસી લઇને ઢોલ વગાડવાનો ચાળો કરે છે અને તેની બેન ચીની મા પાવા તે ગઢ થી ઉતર્યાનો ગરબો લે છે. ચીની નામ તો મેં એનુ પાડેલુછે કારણ કે તે નાકે ચીબી છે ખરુ નામ તો એનુ પીંકી છે પણ તે પીંક બીલકુલ નથી. છ વર્ષની તેની ઉંમર છે પણ ગુસ્સો તો જાણે દુર્વાસાનો બીજો અવતાર. એક તો વાને શામળી અને જ્યારે ગુસ્સામાં પગ પછાડી પછાડીને ઘાંટા પાડતી હોય ત્યારે તો તે જોવા જેવી હોય છે. પણ અત્યારેતો ટીનુ મહારાજ સાથે આનંદમાં છે તેથી શાંતિ છે. ટીનુની મમ્મી દુરથી અવાજ ઓછો કરવા સુચના આપે છે અને ઢોલ ધીબાતો બંધ થાય છે અને ભેંકડો ચાલુ થાય છે

મમ્મી ચાલને ભગવાનને ઘેર.. મમ્મી તેને ક્યાં લઇ જાય? 


મારી નજર ફરતી ફરતી પેલી દિપ્તીનાં લગ્નની કંકોતરી ઉપર ગઇ. નિલેશને દિપ્તી ખુબ જ ગમતી હતી પણ દિપ્તીનાં લગ્ન તો અવિનાશ સાથે થતા હતા તેથી મને તો એમ હતુ કે નિલેશ તો બહુ દુ:ખી હશે પણ તે તો લગ્નમાં ખુશખુશાલ હતો. મનમાં મને થયુ કે તેણે કેમ ખુશ ન રહેવુ જોઇએ?પછી પાછો પ્રતિપ્રશ્ન થયો તેણે તો કાલે દુ:ખી જ થવુ જોઇએ પણ તે કેમ ન થયો?

આ પ્રશ્નાર્થ ચિન્હનાં મારામાંથી બચવા હું વિચારોની ગુફા ઉપર પથરો મુકવા મથુ છુ પણ સફળ થતો નથી.

જ્યાં જ્યાં મારી નજર ફરે છે ત્યં ત્યાં મને પ્રશ્નાર્થ ચિન્હો જ દેખાયા કરે છે. હિમાચ્છાદિત પર્વતોમાંથી ઉગતા સુરજને પણ પ્રશ્ન હતો કે મારે રોજ સવાર પડે ને ઉગવુ કેમ પડે છે? પીગળતા એ હીમ માં પણ પ્રશ્ન હતો કે અમારે પીગળવુ કેમ પડે છે? દોડતો પવન પણ વાદળોને ખેંચતા ખેંચતા ચીસો પાડતો હતો કે તેણે દોડવુ કેમ પડે છે?વહેલી પરોઢની તે ઠંડી સવારે હું તંદ્રામાં ઝોકે ચઢી ગયો ત્યારે સ્વપ્નમાં પ્રશ્નાર્થ ચિન્હોની દુનિયામાં દરેક નાનામોટા પ્રશ્નાર્થ ચિન્હો એક મેકને પુછતા હતા અમારે ઉંધા થઇને લટકવું કેમ પડે છે?આ પ્રશ્નાર્થ ચિન્હની નીચે મીંડુ કેમ મુકાતુ હશે ભલા? મને કોણ જાણે પ્રશ્નાર્થ ચિન્હનાં એ મીંડામાં મારુ માથુ ભરાઇ ગયુ હોય અને પેલા સદેહે સ્વર્ગ જવા નીકળેલા ત્રિશંકુની જેમ સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે લટકતો રહેતો હોય તેવુ કેમ લાગ્યા કરતુ હશે?  અરે પ્રશ્નાર્થ ચિન્હનાં તે માળખામાં ખુદ ભગવાન જ કલાકોનાં કલાકો સુધી ઉંધો લટક્યા કરતો હોય તો ભલા હું કોણ છુ તે પ્રશ્નાર્થ ચિન્હોની સજા જાણવા વાળો?

ઉફ! ફરી પાછુ એજ પ્રશ્નાર્થ ચિન્હ…!!

( 1974માં લખેલી આ વાર્તાને વાર્તા કહેવા કરતા ફરતી નજરે જન્માવેલા વિચાર સ્પંદનો વધુ છે. અમદાવાદનાં આકાશવાણી નાં યુવવાણી  વિભાગમાં આ વાર્તાને સ્વર દેહ મળ્યો હતો) 

 

Advertisements
 1. gopal h parekh
  જુલાઇ 22, 2007 પર 2:04 એ એમ (am)

  vartani gunthani bahu j gami.
  gopal

 2. જુલાઇ 22, 2007 પર 2:32 પી એમ(pm)

  જીન્દગીના મૂળભૂત પ્રશ્નોની વાત,જાણે દીવામાંથી દીવો પ્રગ્ટે એટલી, સહજ રીતે રજૂ કરી છે.
  વાંચી લીધા પછી પણ ફરી પાછું એ જ પ્રશ્નાર્થ….સુંદર અભિવ્યક્તિ…

 3. gdesai
  જુલાઇ 23, 2007 પર 9:39 પી એમ(pm)

  Vijay bhai,
  This is really a wonderfully very good article

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: