Home > કાવ્ય રસાસ્વાદ, પ્રકીર્ણ > આંધળી માનો કાગળ

આંધળી માનો કાગળ


અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત,

ગગો એનો મુંબઈ કામે; ગીગુભાઈ નાગજી નામે.
લખ્ય કે, માડી ! પાંચ વરસમાં પહોંચી નથી એક પાઈ,

કાગળની એક ચબરખી પણ, મને મળી નથી, ભાઈ !
સમાચાર સાંભળી તારા; રોવું મારે કેટલા દા’ડા ?

ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દાડિયું ખેંચવા, રાતે હોટલમાં ખાય,

નિત નવાં લૂગડાં પે’રે, પાણી જેમ પૈસા વેરે.
હોટલનું ઝાઝું ખાઈશમા, રાખજે ખરચીખૂટનું માપ,

દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી, બાપ !
કાયા તારી રાખજે રૂડી; ગરીબની ઈ જ છે મૂડી.

ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દિ’ પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું; મારે નિત જારનું ખાણું.

એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર,
હવે નથી જીવવા આરો, આવ્યો ભીખ માંગવા વારો.

દેખતી તે દિ’ દળણાં-પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાને હવે કોઈ ન આપે કામ,

તારે ગામ વીજળીદીવા, મારે આંહી અંધારાં પીવાં
લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર,

  ઈંદુલાલ ગાંધી

દેખતા દીકરાનો જવાબ

ફાટ્યાં-તૂટ્યાં જેને ગોદડી ગાભાં, આળોટવા ફૂટપાથ,
આંધળી ડોશીનો દેખતો દીકરો, કરતો મનની વાત.

વાંચી તારાં દુ:ખડાં માડી ! ભીની થઈ આંખડી મારી.
પાંચ વરસમાં પાઈ મળી નથી, એમ તું નાખતી ધા,

આવ્યો તે દિ‘થી આ હોટલને ગણી, માડી વિનાના ‘મા‘
બાંધી ફૂટપાયરી જેણે, રાખ્યો રંગ રાતનો એણે !

ભાણિયો તો માડી ! થાય ભેળો જે દિ‘ મિલો બધી હોય બંધ,
એક જોડી મારાં લૂગડાંમા, એને, આવી અમીરીની ગંધ ?

ભાડે લાવી લૂગડાં મોંઘા, ખાતો ખારા દાળિયા સોંઘા.
દવાદારૂ આંહી આવે ન ઢૂંકડા, એવી છે કારમી વેઠ,
રાત ને દિવસ રળું તોયે મારું, ખાલી ને ખાલી પેટ,
રાતે આવે નીંદર રૂડી, મારી કને એટલી મૂડી.

જારને ઝાઝા જુહાર કે‘જે, ઊડે આંહી મકાઈનો લોટ,
બેસવા પણ ઠેકાણું ના મળે, કૂબામાં તારે શી ખોટ ?
મુંબઈની મેડીયું મોટી, પાયામાંથી સાવ છે ખોટી.  

ભીંસ વધીને ઠેલંઠેલા, રોજ પડે હડતાળ,
શે‘રના કરતા ગામડામાં, મને દેખાય ઝાઝો માલ,
નથી જાવું દાડિયે તારે, દિવાળીએ આવવું મારે.

કાગળનું તારે કામ શું માડી ! વાવડ સાચા જાણ,
તારા અંધાપાની લાકડી થાવાના, મેં લીધા પચખાણ,
હવે નથી ગોઠતું માડી, વાંચી તારી આપદા કાળી.

ઇંદુલાલ ગાંધી (Indulal Gandhi)

શ્રી ઈન્દુલાલ ગાંધીના ‘આંધળી માનો કાગળ’ કાવ્યના જવાબરૂપે શ્રી મીનુ દેસાઈની રચના

દુ:ખથી જેનું મોઢું સુકાયેલું, ચહેરે કુંડાળાના પટ,
ઝવેરચંદના ઝીણિયા આગળ ગગો લખાવતો ખત,

માડી એની અંધ બિચારી, દુ:ખે દા’ડા કાઢતી કારી.
લખ્ય કે ઝીણા માફી પહેલી માગી લઉં છું હું આજ,

જ્યારથી વિખૂટો પડ્યો હું તારાથી ગમે ના કામ કે કાજ,
હવે લાગે જીવવું ખારું, નિત લાગે મોત જ પ્યારું.

ભાણાના ભાણિયાની એક વાત માવડી છે સાવ સાચી,
હોટલમાં જઈ ખાઉં બે આનામાં પલેટ અરધી કાચી,

નવાં જો હું લૂગડાં પ્હેરું, કરું ક્યાંથી પેટનું પૂરું ?
દનિયું મારું પાંચ જ આના, ચાર તો હોટલે જાય,

એક આનાની ચાહ બીડી માડી ! બચત તે કેમ થાય ?
કરું ક્યાંથી એકઠી મૂડી ? કાયા કેમ રાખવી રૂડી ?

પાંચ આનાની મૂડીમાંથી હવે સંઘરીશ રોજના બે,
મોકલી આપીશ માસને છેડે હું રકમ બચશે જે,

જેથી કંઈક રાહત થાશે, કદી હાથ લાંબો ન થાશે.
માસે માસે કંઈક મોકલતો જઈશ ત્હારા પોષણ કાજ,

પેટગુજારો થઈ જશે માડી ! કરતી ના કામકાજ,
કાગળ ન ચૂકીશ માસે, લખાવીશ ઝીણિયા પાસે.

 લિખિતંગ ત્હારા ગીગલાના માડી ! વાંચજે ઝાઝા પ્રણામ,
દેખતી આંખે અંધ થઈ જેણે માડીનું લીધું ના નામ,
દુ:ખી તું ના દિલમાં થાજે, ગોવિંદનાં ગીતડાં ગાજે.

  મીનુ દેસાઈ

શ્રી ઈંદુલાલ ગાંધીના ‘આંધળી માનો કાગળ’ ના જવાબ રૂપે શ્રી મોહનલાલ નાથાલાલની રચના:

હરખે હીંચતું હૈયું જેનું, પાદર જેવડું પત,
ગોવિંદભાઈના ગાંડિયા આગળ ગગુ લખાવતો ખત,

માડી એની ગોમટા ગામે, મટુબાઈ માકોર નામે.
મેડિયું મોટી ને મોટરું દોડે, મુંબઈ મોટું ગામ,

રખડી રખડીને થાક્યો માડી, તંયે માંડ મળ્યું છે કામ,
લાગે સૌને શે’ર મજાનાં ઈથી તો ગામડાં સારાં.

હોટલમાં માડી નોકરી કરું, વેચું છુ રોજ ચાઈ,
પેટ પૂરતું માંડ ખાવાનું મળે, બચે નહીં એક પાઈ,

નાણાં તું મંગાવે ત્યાંથી, પૈસા તુંને મોકલું ક્યાંથી?
હોટલમાં હું ખાઉં છું માડી, હોટલમાંહી જ વાસ,

ખાવાનું પૂરું ના જડે તે દિ’, પીઉં છું એકલી છાશ,
પેટે હું થીંગડા દઉં, વાત મારી કોને કહું?

કાગળ તારો વાંચીને માડી, છાનોમાનો હું રોઉં,
થાક્યોપાક્યો નીંદરમાં હું, તારાં સ્વપ્નાં જોઉં,

આંહુ મારાં કોણ જુવે, માડી વિણ કોણ લૂવે?
સમાચાર સાંભળી તારા, મન મારું બઉ મૂંઝાય,

રાખ્યો પ્રભુએ નિર્ધન મુને, એને કેમ કરી પુગાય?
દશા તારી એવી મારી, કરમની ગત છે ન્યારી !

રેલ-ભાડાના પૈસા નથી ને કેની પાંહે હું જાઉં ?
વગર ટિકીટે માવડી મારી, તારાં દરસને ધાઉં !

માડી મારી વાટડી જોજે, આંહુ માતા ઉરના ધોજે.
લિખિતંગ તારા ગગુડાના, વાંચજે ઝાઝા પરણામ,

છેવટે તુંને મળવા કાજે, આવું છું તારે ધામ,
મા-દીકરો ભેળાં થાહું, સાથે મળીને સરગે જાહું.

  મોહનલાલ નાથાલાલ

એક જમાનામાં આ કાવ્યોનું રેડીયા ઉપર અને લોક્ગીત સ્વરુપે આવતી પાર્ટીઓમાં ખુબજ અસરકારક કરુણ ગીતો તરીકે પ્રચલીત આ કાવ્યોને જયદીપનાં જગતમાં જોયા અને આર્દ્ર થઇ જવાયુ. એક ગીતનાં બે કવિઓનાં પ્રતિભાવો એમજ સુચવે છે કે લોક ભોગ્ય કૃતિ હ્ર્દય સોંસરી ત્યારે જ બને છે જ્યારે ભાવુકને વાંચન વાંચતા નજર સામે ગીગો અને આંધળી મા જીવંત દેખાય. આજે પણ મેં ઘણાં ભાવુકોને તે સમયે આંખમાંથી આંસુ સારતા જોયાનુ યાદ છે.

 1. October 12, 2006 at 2:22 am

  listen:
  આંધળી માનો કાગળ – ઇન્દુલાલ ગાંધી
  http://jhbhakta.blogspot.com/2006/07/blog-post_25.html

  દેખતા દીકરાનો જવાબ -ઇંદુલાલ ગાંધી
  http://jhbhakta.blogspot.com/2006/07/blog-post_28.html

 2. vishal
  October 14, 2006 at 4:44 am

  i m crying..really i m crying..ultimate creation..

 3. DR. CHANDRAVADAN MISTRY
  January 22, 2008 at 1:22 am

  AANDHALI MAANO KAGAD & DEKHATAA DIKARANO JAWAB ARE 2 VERY NICE RACHANAA BY INDULAL GANDHI….AND THE CREATIONS OF MINU DESAI & MOHANLAL NATHALAL ARE VERY GOOD TOO>>>CONGRATS TO ALL..

 4. September 5, 2010 at 2:42 pm

  very touchy I am realy crying.

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: