ગુજરાતીભાષાનો હો જય જયકાર -જય ગજ્જર
કેનેડાથી શ્રી જય ગજ્જર નો પત્ર
Gujaratino jaya jayakar
કેનેડામાં વસતા ગુજરાતીઓ ખુશ થાઓ, આનંદો અને નાચો! સૌ કોઈ ગુજરાતીને ગૌરવ લેવા જેવા મહત્ત્વના સમાચાર તાજેતરમાં કેનેડિયન પ્રેસે સમાચાર રૂપે પ્રગટ કર્યા છે. આખરે કેનેડામાં ગુજરાતી ભાષાએ સ્થાન પ્રાપ્ત કર્યું છે. કેનેડાના વેનકુવર શહેરમાં ફેબ્રુઆરી ૧૨, ૨૦૧૦થી શરૂ થનાર શિયાળુ ઓલમ્પિક રમતોનું પ્રસારણ દુનિયાની ૨૨ ભાષાઓમાં થશે.
આનંદ અને ગર્વની વાત એ છે કે આ ૨૨ ભાષાઓમાં આપણી ગરવી ગુજરાતી ભાષાને સ્થાન મળેલ છે. પ્રવકતા પેલેએ જણાવ્યું કે “જે ભાષાઓ કેનેડામાં વધુ બોલાય છે, જે ભાષામાં રમતોના અહેવાલો સાંભળવા લોકો ઉત્સુક હોય છે અને જે ભાષાના લોકો કેનેડામાં વધુ પ્રમાણમાં રેડિયો,ટેલિવિઝનમાં રસ દાખવે છે એ ભાષાઓ પસંદ કરવામાં આવી છે.”
મિત્રો તમે સાચા ગુજરાતી હો, ગુજરાતી ભાષા પ્રત્યે અગાધ પ્રેમ હોય અને ગુજરાતી ભાષાનું ગૌરવ ધરાવતા હોવ તો સીબીસી રેડિયો અને ટેલિવિઝનને ફોન કે ઇમેઇલ કરી કે પત્ર લખી તમારા આનંદ અને ગર્વને પ્રગટ કરવાનું ચૂકશો નહિ. (http://www.cbc.ca/contact)
ગુજરાતી માટે હવે દરવાજા ખૂલી રહ્યા છે તો સૌ ગુજરાતી લોકો, સંસ્થાઓ, મંદિરો, વેપારીઓ, ગુજરાતી વર્તમાનપત્રો, સામયિકો, રેડિયો, વગેરે સૌ એક અવાજે સરકાર સુધી ગુજરાતી ભાષાના મહત્ત્વનો પડકાર ફેંકવા ‘યા હોમ કરીને પડશે તો ફતેહ બહુ દૂર નહિ હોય! કેનેડામાં લાખો ગુજરાતીઓ આ દેશના ખૂણે ખૂણે વસેલા છે. દેશના અર્થતંત્ર, સમાજ, ધર્મ અને સંસ્કૃતિના વિકાસમાં ગુજરાતીનો ફાળો નોંધપાત્ર અને પ્રશંસનીય છે. ઉઠો, જાગો અને ધ્યેય પ્રપ્તિ સુધી મંડયા રહેવાની આ સુવર્ણ તક ઝીલી લેવાનું રખે ચૂકતા.
ગુજરાતી નરસિંહની જ નહિ, નર્મદની જ નહિ, ગાંધીજીની જ નહિ વિશ્વને ખૂણે ખૂણે વસતા એકે એક ગુજરાતીની ગૌરવવંતી આ માતૃભાષા છે એ ન ભૂલતા!
જય ગજજર,
મિસિસાગા, કેનેડા

Wonderful news. I am proud to be Indian. And GUJARATI is my MATRUBHASHA.